ગુરુકૃપાયોગ અનુસાર સાધનાના પ્રકાર

Article also available in :

જીવનમાં આવનારા દુઃખોનો ધીરજથી સામનો કરવાની શક્તિ અને સર્વોચ્‍ચ સ્‍તરનો નિરંતર જળવાઈ રહેતો આનંદ કેવળ સાધનાથી જ પ્રાપ્‍ત થાય છે. સાધના અર્થાત્ ઈશ્‍વરપ્રાપ્‍તિ માટે કરવામાં આવતા પ્રયત્નો. ‘’ અર્થાત્ સાધના અનેક પ્રકારની હોય છે. બરાબર કઈ સાધના કરવી જોઈએ, આ સંદર્ભમાં અનેક લોકોના મનમાં શંકા ઉત્‍પન્‍ન થાય છે. તેમાં પણ પ્રત્‍યેક પંથ અને સંપ્રદાય કહે છે કે, અમારી જ સાધના સર્વશ્રેષ્‍ઠ છે. તેથી તેમની શંકા હજી વધુ વધતી જાય છે. આવી સ્‍થિતિમાં બરાબર સાધના કયા માર્ગથી કરવી જોઈએ ?

કર્મયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ ઇત્‍યાદિ કોઈપણ માર્ગથી સાધના કર્યા પછી પણ ગુરુકૃપા વિના વ્‍યક્તિને ઈશ્‍વરપ્રાપ્‍તિ થવી અસંભવ છે. તેથી કહેવામાં આવે છે, ‘गुरुकृपा हि केवलं शिष्‍यपरममङ्गलम् ।’ અર્થાત્ ‘શિષ્‍યનું પરમમંગળ એટલે જ કે મોક્ષપ્રાપ્તિ, તે કેવળ ગુરુકૃપાથી જ થઈ શકે છે.’ ગુરુકૃપાના માધ્‍યમ દ્વારા ઈશ્‍વરપ્રાપ્‍તિની દિશામાં માર્ગક્રમણ થવાને જ ‘ગુરુકૃપાયોગ’ કહે છે. ‘ગુરુકૃપાયોગ’ની વિશેષતા એમ છે કે, આ બધા સાધનામાર્ગોને સમાવી લેનારો ઈશ્‍વરપ્રાપ્‍તિનો સરળ માર્ગ છે.

એવું સ્‍વાભાવિક રીતે માનવામાં આવે છે કે, ગુરુકૃપા થવા માટે ગુરુપ્રાપ્‍તિ થવી આવશ્‍યક હોય છે; પરંતુ અહીં ધ્‍યાન આપવા જેવી મહત્ત્વપૂર્ણ બાબત એમ છે કે, ગુરુકૃપા સિવાય ગુરુપ્રાપ્‍તિ થતી નથી. ગુરુકૃપા અને ગુરુપ્રાપ્‍તિ માટે કરવામાં આવતી સાધના જ ‘ગુરુકૃપાયોગ અનુસાર સાધના’ છે.

આ લેખમાં આપણે ગુરુકૃપાયોગ અનુસાર સાધનાના વ્‍યષ્‍ટિ અને સમષ્‍ટિ સાધના વિશે જાણી લઈશું.

ગુરુકૃપાયોગ અનુસાર સાધનાના બે પ્રકાર છે – વ્‍યષ્‍ટિ અને સમષ્‍ટિ સાધના. વ્‍યષ્‍ટિ સાધના અર્થાત્ વ્‍યક્તિગત આધ્‍યાત્‍મિક ઉન્‍નતિ માટે કરવામાં આવતા પ્રયત્ન. સમષ્‍ટિ સાધના અર્થાત્ સમાજની આધ્‍યાત્‍મિક ઉન્‍નતિ માટે કરવામાં આવતા પ્રયત્ન. કાળની મહિમા અનુસાર કળિયુગમાં સમષ્‍ટિ સાધનાનું મહત્ત્વ ૭૦ ટકા છે, જ્‍યારે વ્‍યષ્‍ટિ (વ્‍યક્તિગત) સાધનાનું મહત્ત્વ કેવળ ૩૦ ટકા જ છે. આ બન્‍ને સાધના પરસ્‍પર-પૂરક છે. વ્‍યષ્‍ટિ સાધના કરનારાઓ માટે ઝડપથી આધ્‍યાત્‍મિક ઉન્‍નતિ થવા માટે સમષ્‍ટિ સાધના કરવી આવશ્‍યક હોય છે. તે સાથે જ વ્‍યષ્‍ટિ સાધનાના બળ પર સમષ્‍ટિ સાધના થાય છે; તેથી સમષ્‍ટિ સાધના કરનારાઓ માટે વ્‍યષ્‍ટિ સાધના કરવી આવશ્‍યક હોય છે.

 

૧. વ્‍યષ્‍ટિ સાધના (વ્‍યક્તિગત આધ્‍યાત્‍મિક ઉન્‍નતિ માટે આવશ્‍યક પ્રયત્ન)

વ્‍યષ્‍ટિ સાધનાના આઠ પાસાં

૧. સ્‍વભાવદોષ-નિર્મૂલન અને ગુણ-સંવર્ધન માટે પ્રયત્ન કરવા ૫. સત્‍સંગ
૨. અહં-નિર્મૂલન માટે પ્રયત્ન કરવા ૬. સત્‍સેવા
૩. નામજપ ૭. ત્‍યાગ
૪. ભાવજાગૃતિ માટે પ્રયત્ન કરવા ૮. પ્રીતિ (બીજા પ્રત્‍યે નિરપેક્ષ પ્રેમ)

વ્‍યષ્‍ટિ સાધનાના (અષ્‍ટાંગ સાધનાના) સોપાનોના માપદંડ સાધકની ગુણવત્તા પર આધારિત હોવા

અ ૧. માપદંડ ૧ :

સાધકમાં વધુ સ્‍વભાવદોષ અને અહં હોવા : આવા સાધકને અષ્‍ટાંગ સાધનાના આગળ આપેલા સોપાનો અનુસાર પ્રયત્નો કરવા જોઈએ –

૧. સ્‍વભાવદોષ-નિર્મૂલન અને ગુણ-સંવર્ધન માટે પ્રયત્નો કરવા.,

૨. અહં-નિર્મૂલન માટે પ્રયત્નો કરવા.

૩. નામજપ,

૪. ભાવજાગૃતિ માટે પ્રયત્નો કરવા,

૫. સત્‍સંગ,

૬. સત્‍સેવા,

૭. સત્ માટે ત્‍યાગ અને

૮. પ્રીતિ (બીજાઓ પ્રત્‍યે નિરપેક્ષ પ્રેમ)

અ ૨. માપદંડ ૨ :

સાધકમાં ભક્તિભાવ હોવો : જે સાધકની વૃત્તિ ભક્તિપ્રધાન હોય છે, તે સાધકને અષ્‍ટાંગ સાધનાના આગળ જણાવેલાં સોપાનો અનુસાર પ્રયત્નો કરવા જોઈએ –

૧. નામજપ,

૨. આગળના તબક્કાનો ભક્તિભાવ જાગૃત કરવા માટે કરવામાં આવતા પ્રયાસ,

૩. સત્‍સંગ

૪. સત્‍સેવા,

૫. સ્‍વભાવદોષ-નિર્મૂલન અને ગુણ-સંવર્ધન માટે પ્રયત્નો કરવા.,

૬. અહં-નિર્મૂલન,

૭. સત્ માટે ત્‍યાગ અને

૮. પ્રીતિ (બીજાઓ પ્રત્‍યે નિરપેક્ષ પ્રેમ).

અ. કુળાચાર, તહેવાર-વ્રતો, વિવિધ ધાર્મિક કૃતિઓ ઇત્‍યાદિનું આચરણ

સદર સૂત્રોનો સમાવેશ ધર્મપાલન તરીકે થાય છે. હંમેશાં ચાલી રહેલા કુળાચારોનું પાલન, કુળદેવતાની પૂજા-અર્ચના, કુળદેવતાનો સ્‍તોત્રપાઠ તેમજ દર્શન માટે વધારેમાં વધારે વાર જવું ઇત્‍યાદિ કુળદેવતાની ઉપાસના કરવી. નમસ્‍કાર, આરતી, જન્‍મદિવસ, ઉપનયન (જનોઈ) ઇત્‍યાદિ ધાર્મિક કૃતિઓ કરવી. સંવત્‍સરારંભ, ગણેશ ચતુર્થી, દશેરા ઇત્‍યાદિ તહેવારો, ઉત્‍સવ અને વ્રતો શાસ્‍ત્ર અનુસાર ઊજવો. આ ધાર્મિક કૃતિઓથી ઈશ્‍વર પ્રત્‍યે ભક્તિભાવ નિર્માણ થવામાં સહાયતા થાય છે. આ ધાર્મિક કૃતિઓ ઈશ્‍વરપ્રાપ્‍તિ કરાવનારા સહેલાં સોપાનો છે. આ ધાર્મિક કૃતિઓની યોગ્‍ય પદ્ધતિઓ તેમજ તેની પાછળના શાસ્‍ત્રની જાણકારી સનાતન સંસ્‍થાના સત્‍સંગોમાં આપવામાં આવે છે.

આ. સ્‍વભાવદોષ-નિર્મૂલન માટે પ્રયત્નો કરવા

લગભગ આપણા સહુમાં ગુસ્‍સો, ચીડિયાપણું, આળસ, ભૂલી જવું ઇત્‍યાદિ સ્‍વભાવદોષ ઓછા-વત્તા પ્રમાણમાં હોય છે. સ્‍વભાવદોષોને કારણે આપણી પોતાની તેમજ અન્‍યોના સાધનાની હાનિ કેવી રીતે થાય છે, આ સમજી લેવા માટે એક ઉદાહરણ જોઈશું. ધારી લો કે કોઈ વ્‍યક્તિનો સ્‍વભાવ ઘણો ગુસ્‍સાવાળો છે અને તે નાની-નાની વાતોમાં પણ બીજા પર ક્રોધિત થાય છે. તેનાથી થાય છે એમ કે, તેની મનઃસ્‍થિતિ બગડી જવાને કારણે સેવામાં તેનું મન એકાગ્ર નથી થઈ શકતું, તેનાથી ભૂલો થાય છે તથા તેની કાર્યક્ષમતા ઓછી થઈ જાય છે. આ સાથે જ ક્રોધને કારણે સાધનાથી પ્રાપ્‍ત થનારું સમાધાન ટકી નથી શકતું. આવી વ્‍યક્તિ જ્‍યારે બીજાઓ સાથે ગુસ્‍સાથી વાત કરે છે, ત્‍યારે તેને ખોટું લાગી જાય છે અથવા તે દુઃખી થઈ જાય છે. પરિણામે બીજાઓની મનઃસ્‍થિતિ પણ બગડી જાય છે. આગળ જતાં આવી વ્‍યક્તિ સાથે અન્‍યોને વાત કરવામાં તાણ આવે છે. અન્‍ય સાધકો તેની સાથે સુસંવાદ નથી કરી શકતા. તેનો પ્રભાવ સમષ્‍ટિની કુલ કાર્યક્ષમતા પર પડે છે.

સ્‍વભાવદોષોને કારણે વધુ એક હાનિ થાય છે. સ્‍વભાવદોષોનો લાભ લઈને અનિષ્‍ટ શક્તિઓ માટે માનવીના શરીરમાં પ્રવેશ કરીને, તેમાં દીર્ઘકાળ સુધી વાસ કરવો સહેલું બની જાય છે. તેથી પ્રત્‍યેક વ્‍યક્તિ માટે સ્‍વભાવદોષ દૂર કરવા માટે પ્રામાણિક પ્રયત્નો કરવાનું આવશ્‍યક છે. સ્‍વભાવદોષ-નિર્મૂલન માટે કરવામાં આવતા કેટલાક પ્રયત્નો અહીં આપી રહ્યા છીએ.

૧. દૈનંદિન જીવનમાં આપણા દ્વારા જે અયોગ્‍ય કૃતિઓ થાય છે અથવા મનમાં જે અયોગ્‍ય વિચાર આવે છે, તે સમય-સમય પર સારણીમાં લખવા,પોતાનામાં રહેલા સ્‍વભાવદોષ શોધીને તેમને દૂર કરવા માટે પોતે જ પોતાના મનને સ્‍વયંસૂચનાઓ આપવી, તેથી સ્‍વભાવદોષ-નિર્મૂલન થવામાં સહાયતા થાય છે.

૨. સ્‍વભાવદોષ દૂર કરવા માટે આપણે આપણા સહકારી સાધકો, મિત્ર-પરિવાર ઇત્‍યાદિની સહાયતા લઈ શકીએ છીએ. આપણે તેમને આપણા સ્‍વભાવદોષ કહેવા વિશે તેમજ સ્‍વભાવદોષ ઉમટી પડે તો આપણને તેનું ભાન કરાવવા વિશે અનુરોધ કરી શકીએ છીએ.

૩. અઠવાડિયામાં એક અથવા બે દિવસ, આપણે સાધકો સાથે મળીને સામૂહિક ચર્ચા કરી શકીએ છીએ. આવી ચર્ચા કરવાથી થનારો લાભ એ છે કે, આપણને સ્‍વભાવદોષ-નિર્મૂલન માટે અન્‍ય સાધકો દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોની જાણકારી મળે છે.

ભલે સાધનામાં આપણે પ્રત્‍યેક સ્‍તર પર પ્રગતિ કરી રહ્યા હોઈએ; તો પણ સ્‍વભાવદોષ પૂર્ણ રીતે દૂર થાય, ત્‍યાં સુધી, તેમના નિર્મૂલન માટે સતત પ્રયત્નો કરતાં જ રહેવું પડે છે.

ઇ. અહં-નિર્મૂલન માટે કેવી રીતે પ્રયત્નો કરવા ?

૧. ઈશ્‍વરને પ્રાર્થના કરવી.

હે ગુરુદેવ / ભગવાન, મારા અહંમાં કયા કારણસર વૃદ્ધિ થઈ રહી છે તેની તમે મને જાણ કરાવશો.

હે ગુરુદેવ / ભગવાન, મને એવી વ્‍યક્તિઓના સંપર્કમાં લાવશો તેમજ મારા જીવનમાં એવા પ્રસંગો નિર્માણ કરશો કે જેથી મારો અહં ઓછો થવામાં સહાયતા મળે.

૨. પરમાર્થની જેમ જ વ્‍યવહારની પણ પ્રત્‍યેક ઘટના ઈશ્‍વરને કારણે જ થઈ રહી છે, એવો ભાવ રાખવો. ઉદા. હું ભણી/ભણ્‍યો તેને બદલે ઈશ્‍વરે મને ભણાવી/ભણાવ્‍યો, મેં વિવાહ કર્યા એને બદલે ઈશ્‍વરે મારા વિવાહ કરી આપ્‍યા, એવો ભાવ રાખવો.

૩. સેવા અથવા કોઈપણ કૃતિ કરતી વેળાએ એવો ભાવ રાખવો કે હું સેવક છું.

૪. શારીરિક સેવા, જેવી કે વાસણ માંજવા, સ્‍વચ્‍છતા કરવી ઇત્‍યાદિ કરવાથી અહં ઝડપથી ઓછો થાય છે.

૫. નાની-નાની વાતોમાં અન્‍યોનો વિચાર કરવો. ઉદા. ભોજન કરવા બેસતી સમયે કેવળ પોતાના માટે પાણી લેવાને બદલે અન્‍યો માટે પણ પાણી લાવવું.

ઈ. નામજપ

પૂજા, આરતી, ભજન, પોથીપાઠ ઇત્‍યાદિ ઉપાસનાના પ્રકારોને કારણે દેવતાની કૃપા થઈને દેવતાના તત્ત્વનો લાભ થાય છે; પણ આ ઉપાસનાની પોતાની મર્યાદા હોય છે. તેથી આપણને લાભ પણ મર્યાદિત જ મળે છે. દેવતાના તત્ત્વનો લાભ નિરંતર પ્રાપ્‍ત કરવા માટે દેવતાની ઉપાસના પણ નિરંતર કરવી જોઈએ. દેવતાની ઉપાસના નિરંતર કરતા રહેવાની એક ઉપાસના પદ્ધતિ છે – નામજપ. નામજપ અર્થાત્ ઈશ્‍વરના નામનું નિરંતર સ્‍મરણ કરવું. કળિયુગ માટે નામજપ જ સરળ અને સર્વોત્તમ ઉપાસના છે. નામજપ એ ગુરુકૃપાયોગ અનુસાર સાધનાનો પાયો છે.

ગુરુપ્રાપ્‍તિ થયા પછી અને ગુરુદેવ પાસેથી ‘ગુરુમંત્ર’ પ્રાપ્‍ત થયો હોય, તો તેનો જ જાપ કરવો નહીંતર પછી ઈશ્‍વરના અનેક નામોમાંથી કુળદેવતાના નામનો જપ કરવો.

ઉ. સત્‍સંગ

સત્‍સંગ અર્થાત્ સત્ નો સંગ. સાત્ત્વિક વાતાવરણ. સત્‍સંગ સાધકો અથવા સંતોનો હોય છે.

મહત્ત્વ : એકવાર વસિષ્‍ઠ અને વિશ્‍વામિત્ર ઋષિમાં વિવાદ થયો કે, સત્‍સંગ શ્રેષ્‍ઠ છે કે તપસ્‍યા ? વસિષ્‍ઠ ઋષિએ કહ્યું, ‘‘સત્‍સંગ’’; પરંતુ વિશ્‍વામિત્ર ઋષિએ કહ્યું, ‘‘તપશ્‍ચર્યા’’. આ વિવાદના નિષ્‍કર્ષ સુધી પહોંચવા માટે તેઓ દેવતાઓ પાસે ગયા. દેવતાઓએ કહ્યું, ‘‘કેવળ શેષનાગ તમારા પ્રશ્‍નનો ઉત્તર આપી શકશે.’’ ત્‍યારે બન્‍ને શેષનાગ પાસે ગયા. તેમણે પ્રશ્‍ન પૂછ્ યો ત્‍યારે શેષનાગે કહ્યું, ‘‘તમે મારા માથા પરથી પૃથ્‍વીના ભારને થોડો હલકો કરો. પછી હું વિચાર કરીને ઉત્તર આપીશ.’’ ત્‍યારે વિશ્‍વામિત્રએ સંકલ્‍પ કર્યો, ‘હું મારી એક સહસ્ર (હજાર) વર્ષની તપશ્‍ચર્યાનું ફળ અર્પણ કરી રહ્યો છું. શેષનાગના માથા પરથી પૃથ્વી થોડી ઉપર જાય’; પણ પૃથ્‍વી જરાય હલી નહીં. ત્‍યાર પછી વસિષ્‍ઠ ઋષિએ સંકલ્‍પ કર્યો, ‘હું અડધી ઘટિકા (બાર મિનિટ)ના સત્‍સંગનું ફળ અર્પણ કરું છું. પૃથ્‍વીએ તેનો ભાર હળવો કરવો.’ પૃથ્‍વી તરત જ ઉપર ઊંચકાઈ ગઈ.

લાભ : સત્‍સંગમાં આવનારા સર્વ સાધકોની કુલ સાત્ત્વિકતા વધુ હોવાથી ત્‍યાં આવનારા પ્રત્‍યેકને જ તેનો લાભ થાય છે, અર્થાત્ પ્રત્‍યેકમાં વિદ્યમાન રજ-તમ ભાવ ધીરે ધીરે ઓછો થતો જાય છે. નામજપને કારણે મળનારો આનંદ સત્‍સંગમાં ગયા પછી નામજપ કર્યા વિના પણ આપમેળે જ મળતો જાય છે, એવી અનુભૂતિ ૫૦ ટકા સ્‍તર પર થાય છે.

ઊ. સત્‍સેવા

મંદિરોની સ્‍વચ્‍છતા કરવી, સંતસેવા ઇત્‍યાદિ સત્‍સેવા છે. સત્‍સેવાના સંદર્ભમાં નીચે જણાવેલાં સૂત્રો ભણી ધ્‍યાન આપો. સેવા સત્ માટે હોવી જોઈએ. જ્‍યાં સુધી સાધકની આધ્‍યાત્‍મિક ઉન્‍નતિ ૬૦ ટકા સ્‍તર સુધી નથી થતી, ત્‍યાં સુધી તે મનથી સેવા કરી શકતો નથી અને તેની સેવા કેવળ બુદ્ધિ દ્વારા જ થાય છે. જો કોઈ સાધક બીજાના મનના સંતોષને પ્રાથમિકતા આપે છે, તો ધીરે ધીરે તેની આવશ્‍યકતાઓ ઓછી થતી જાય છે અને તે નિવૃત્તિપરાયણ બની જાય છે. મિથ્‍યા વિશ્‍વને જ સત્‍ય માનીને અસત્‌ની સેવા, ઉદા. રોગીઓની સેવા કરવામાં આવે છે. અસત્‌ની સેવાથી લેણ-દેણ પણ નિર્માણ થાય છે. એ સાથે જ તેનામાં એવો અહં પણ હોય છે કે ‘હું સેવા કરી રહ્યો છું’, તેથી સાધનાની દૃષ્‍ટિએ આવી સેવાનો બહુ ખાસ કાંઈ ઉપયોગ થતો નથી. આનાથી ઊલટું સત્‍સેવાને કારણે અહં-નિર્મૂલન થવામાં સહાયતા થાય છે. અહંનું વિસ્‍મરણ થવા માટે ગુરુદેવની સેવા કરવામાં આવે છે. સત્‍સેવા કરતા કરતા સાધકનો સ્‍તર ૫૫ ટકા થયા પછી કોઈક ઉન્‍નત તેનો શિષ્‍યના રૂપમાં સ્‍વીકાર કરે છે.

એ. સત્ માટે ત્‍યાગ

આધ્‍યાત્‍મિક ઉન્‍નતિ માટે તન, મન અને ધન, બધાનો ત્‍યાગ કરવો પડે છે. ભૌતિક શાસ્‍ત્રની દૃષ્‍ટિએ ધનનો ત્‍યાગ કરવો, સૌથી સહેલો છે, કારણકે સ્‍થૂળરૂપથી આપણે આપણું બધું જ ધન બીજાને આપી શકીએ છીએ; પરંતુ આપણું તન અને મન આપી શકતા નથી. તેમ છતાં પણ ધનના ત્‍યાગ પહેલાં આપણે આપણાં તન (શરીર) અને મનનો ત્‍યાગ અવશ્‍ય કરી શકીએ છીએ, અર્થાત્ આપણે તનથી શારીરિક સેવા અને મનથી નામજપ કરી શકીએ છીએ. આગળ જતાં સાધક ધનનો પણ થોડો-ઘણો ત્‍યાગ કરી શકે છે. સર્કસમાં ઊંચે ઝૂલા પર લટકેલી છોકરી જ્‍યાં સુધી પોતાના હાથની હીંચકાની લાકડીને નથી છોડતી, ત્‍યાં સુધી બીજા ઊંચા હીંચકા પર ઊલટી લટકેલી વ્‍યક્તિ તેને પકડી શકતી નથી. તેવી જ રીતે સર્વસ્‍વનો ત્‍યાગ કર્યા વિના ઈશ્‍વર સાધકને આધાર આપતા નથી.

ત્‍યાગનો અર્થ વસ્‍તુઓનો ત્‍યાગ હોવાને બદલે ‘તે વસ્‍તુઓ પ્રત્‍યે આસક્તિથી મુક્ત થવું’ આ ત્‍યાગ છે. શિષ્‍યની પાસે જે કાંઈ છે, ગુરુ તેનો ત્‍યાગ કરવા માટે કહે છે. અંતમાં જ્‍યારે આસક્તિ નથી રહેતી, ત્‍યારે ગુરુદેવ શિષ્‍યને ઘણુંબધું આપે છે. છત્રપતિ શિવાજી મહારાજમાં આસક્તિ નહોતી; તેથી સમર્થ રામદાસસ્‍વામીએ શિવાજી મહારાજ દ્વારા અર્પણ કરેલું રાજ્‍ય તેમને સોંપી દીધું.

દાન (અર્પણ) હંમેશાં સંતોને અથવા સત્‍કાર્ય હેતુ જ શા માટે આપવું ?

દાન હંમેશાં ‘પાત્રે દાનમ્’, અર્થાત્ ‘સત્‍પાત્રે દાનમ્ (યોગ્‍ય વ્‍યક્તિને દાન)’ આપવું  જોઈએ. આ વિશ્‍વમાં સંતોથી વધુ સત્‍પાત્ર કોઈ નથી, તેથી જે કાંઈ દાન આપવું હોય, તેમને જ આપો. આ વાત ઉપાસનાકાંડના નામધારક માટે જ શક્ય છે. કર્મમાર્ગનો (ઉપાસનાકાંડની તુલનામાં કનિષ્ઠ સ્તરનો) અનુસરણ કરનારાઓ ભિખારીઓ માટે અન્‍ન અને શાળાઓ-ચિકિત્‍સાલયો (દવાખાનાઓ) માટે ભાવનાવશ દાન આપે છે, જેથી કેવળ પુણ્‍ય પ્રાપ્‍ત થાય છે. મુમુક્ષુને (મોક્ષની અભિલાષા રાખનારાને) પાપ-પુણ્‍ય બન્‍નેની ઇચ્‍છા નથી રહેતી; કારણકે પુણ્‍યથી સ્‍વર્ગપ્રાપ્‍તિ થાય છે, મોક્ષપ્રાપ્તિ થતી નથી.

સાચા સંત અને ગુરુ નિર્ગુણ ઈશ્‍વરના સગુણ (દેહધારી) રૂપ હોય છે. તેથી સંતો અથવા ગુરુને અર્પણ કરવું ઈશ્‍વરને અર્પણ કરવા જેવું જ છે. ઈશ્‍વરનું ઈશ્‍વરને જ અર્પણ કરવાથી લેણ-દેણ નિર્માણ થતું નથી, પરંતુ તે પૂર્ણ થઈ જાય છે. ટૂંકમાં, સંતોને અર્પણ કરવાથી સંચિત ઘટી જાય છે, પ્રારબ્‍ધભોગ ભોગવાની ક્ષમતા વધે છે, લેણ-દેણ નિર્માણ થતું નથી અને ન તો પુણ્‍યપ્રાપ્‍તિ થાય છે; તેથી જે કાંઈ આપવું હોય, તે કેવળ સંતોને અથવા સત્‍કાર્ય માટે જ અર્પણ કરવું.

ઐ. ભાવજાગૃતિ માટે પ્રયત્નો કરવા

પ.પૂ. ભક્તરાજ મહારાજજીએ કહ્યું છે, ‘નાથ, આપના પ્રત્‍યે જેનો જેવો ભાવ હોય છે, તેવું તમે તેને આપનાં ચરણોમાં સ્‍થાન આપો છો.’ આના પરથી ધ્‍યાનમાં આવે છે કે, સાધક માટે ભાવનું મહત્ત્વ કેટલું અનન્‍ય છે. આપણા અંતઃકરણમાં ભગવાન વિશે મમત્‍વ ઉત્‍પન્‍ન થાય, તેને ‘ભગવાન પ્રત્‍યે ભાવ’ કહે છે. જેટલી ઝડપથી ભાવ નિર્માણ થઈને તે આપણામાં જેટલો જાગૃત રહેશે, તેટલી જ ઝડપથી આપણે ઈશ્‍વરની સમીપ જઈ શકીશું. ભાવ વધારવા માટે મન અને બુદ્ધિના સ્‍તર પર સતત કૃતિઓ કરતા રહેવાથી, ભાવ નિશ્‍ચિત રૂપથી વૃદ્ધિંગત થાય છે. ભાવમાં વૃદ્ધિ કરવા માટેના કેટલાક સહેલા પ્રયત્નો નીચે આપ્‍યા છે.

અ. પ્રાર્થના : જ્‍યારે આપણે પ્રકર્ષતાથી દેવતા અથવા ગુરુદેવ પ્રત્‍યે અનન્‍યભાવથી શરણ જઈને ઇચ્‍છિત વિષય માટે યાચના કરીએ છીએ, ત્‍યારે આપણી પ્રાર્થના દેવતા સુધી પહોંચે છે અને દેવતા ‘તથાસ્‍તુ’ કહે છે.

આ. આરતી : આ પરિબળો પર ભાવજાગૃતિ આધારિત છે – એવો ભાવ રાખીને આરતી કરવી કે, દેવતા પ્રત્‍યક્ષ આપણી સામે છે અને આપણે સંપૂર્ણ શરણાગત થઈને તેમને આર્તતાથી પોકારી રહ્યા છીએ, આરતીના શબ્‍દોનો ઉચ્‍ચાર અધ્‍યાત્‍મશાસ્‍ત્રની દૃષ્‍ટિથી યોગ્‍ય હોવો, આરતીનો તાલબદ્ધ ઉચ્‍ચાર કરવો, આરતી સાથે ધીમા અવાજે તાળીઓ પાડવી તેમજ મંજીરા ઇત્‍યાદિ વાદ્યો વગાડવાં.

ઇ. દૈનંદિન જીવનમાં પ્રત્‍યેક કૃતિ ગુરુસેવા અથવા ઈશ્‍વરસેવાના રૂપમાં કરવી : પૂજા-અર્ચના, આરતી ઇત્‍યાદિ જેવી કૃતિઓ દ્વારા આપણે ભાવજાગૃતિ કરી શકીએ છીએ; પણ તેમાં સાતત્‍ય નથી આવી શકતું. જો ભાવ સતત જાળવી રાખવો હોય, તો દૈનંદિન જીવનની પ્રત્‍યેક કૃતિ ગુરુસેવા અથવા ઈશ્‍વરસેવાના રૂપમાં કરવી આવશ્‍યક છે, ઉદા. ઘરમાં રસોઈ કરવી હોય, ત્‍યારે ‘દાળ-ચોખા લીધા, કુકર ચડાવ્‍યો અને એક કામ પતી ગયું’, એવું કરવાને બદલે ભાવપૂર્ણ રસોઈ બનાવવી કે ‘આજે આપણે ત્‍યાં ભગવાન આવવાના છે. આપણે ભગવાનને નૈવેદ્ય બતાવવો છે. તેમના માટે આપણે રસોઈ બનાવી રહ્યા છીએ.’

ઈ. સાક્ષીભાવ : ૮૦ ટકા સ્‍તર પર સર્વત્ર તેમજ પોતાની ઉન્‍નતિ ભણી પણ બધું જ ગુરુદેવની ઇચ્‍છાથી થઈ રહ્યું છે, આ ભાવ રાખીને જોઈ શકીએ છીએ.

 

૨. સમષ્‍ટિ સાધના (સંપૂર્ણ સમાજની આધ્‍યાત્‍મિક ઉન્‍નતિ માટે કરવા યોગ્‍ય પ્રયત્નો)

સાધનાની દૃષ્‍ટિએ આપત્‍કાળ એટલે સાધનામાં નડતરયુક્ત એવો સાધના માટેનો  પ્રતિકૂળ કાળ. વર્તમાનમાં વધી રહેલું રજ-તમનું પ્રદૂષણ અને ધર્મહાનિ, રાષ્‍ટ્રનું અરાજકતા ભણી માર્ગક્રમણ ઇત્‍યાદિને કારણે વર્તમાનકાળ આપત્‍કાળ બની ગયો છે. આપત્‍કાળમાં કેવળ વ્‍યષ્‍ટિ સાધના કરીને ઈશ્‍વરપ્રાપ્‍તિ કરી લેવી અત્‍યંત કઠિન હોય છે. તેથી વ્‍યષ્‍ટિ સાધનાની સાથે જ સમષ્‍ટિ સાધના કરવી પણ આવશ્‍યક છે. સમષ્‍ટિ સાધનાનાં પાસાં નીચે જણાવ્‍યા પ્રમાણે છે.

અ. અધ્‍યાત્‍મપ્રસાર : સર્વોત્તમ સત્‍સેવા

૧. મહત્ત્વ

૧. ગુરુકાર્ય માટે પોતાની શક્તિ અનુસાર જે કાંઈ શક્ય થાય છે તે બધું જ કરવું, આ સૌથી સહેલો અને મહત્ત્વપૂર્ણ માર્ગ છે. આ સૂત્ર નીચે આપેલા ઉદાહરણ દ્વારા સ્‍પષ્‍ટ થશે : ધારી લો કે એક કાર્યક્રમની તૈયરી માટે કોઈ સ્‍વચ્‍છતા કરી રહ્યું છે, કોઈ રસોઈ કરી રહ્યું છે, કોઈ વાસણ ઘસી રહ્યું છે, તો કોઈ સજાવટ કરી રહ્યું છે. આપણે સ્‍વચ્‍છતાના કાર્યમાં રોકાઈ ગયા છીએ. આવા સમયે કોઈ વ્‍યક્તિ આવીને રસોઈ કરનારાઓને સહાયતા કરે, તો આપણને તેના વિશે કાંઈ લાગશે નહીં; પણ તે જ્‍યારે સ્‍વચ્‍છતાના કાર્યમાં સહાયતા કરે છે, તો તે આપણને આપણો લાગે છે. એ જ ગુરુકાર્યના સંદર્ભમાં થાય છે. ગુરુ અને સંતોનું એકમાત્ર કાર્ય છે સમાજમાં ધર્મ અને સાધના પ્રત્‍યે રુચિ નિર્માણ કરીને, બધાને સાધના કરવા માટે પ્રવૃત્ત કરવા તેમજ અધ્‍યાત્‍મપ્રસાર કરવો. એ જ કાર્ય જ્‍યારે આપણે આપણી ક્ષમતા અનુસાર કરવા માંડીએ છીએ, તો ગુરુને લાગશે કે, ‘આ મારો છે’. તેમને તેવું લાગવું જ ગુરુકૃપાનો આરંભ છે.

૨. એકવાર એક ગુરુએ પોતાના બે શિષ્‍યોને થોડા ઘઉં આપીને કહ્યું, ‘હું પાછો આવું ત્‍યાં સુધી ઘઉં સંભાળીને રાખશો.’’ એક વર્ષ પછી પાછા ફર્યા પછી ગુરુએ પહેલા શિષ્‍યને પૂછ્ યું, ‘‘ઘઉં બરાબર સાંચવીને રાખ્‍યા છે ને ?’’ ત્‍યારે તે શિષ્‍યએ ‘હા’ કહીને ડબ્‍બામાં રાખેલા ઘઉં લાવી બતાવ્‍યા અને કહ્યું, ‘‘તમે આપેલા ઘઉં બરાબર સાંચવીને રાખ્‍યા છે.’’ ત્‍યાર પછી ગુરુ બીજા શિષ્‍ય પાસે ગયા અને તેને ઘઉં વિશે પૂછ્ યું. ત્‍યારે તે શિષ્‍ય ગુરુને બાજુના ખેતરમાં લઈ ગયો. ગુરુએ જોયું કે, ચારે બાજુ ઘઉંના ફાલથી લચી પડેલા ડોડા છે. આ દૃશ્‍ય જોઈને ગુરુદેવ ઘણા આનંદિત થયા. તેવી જ રીતે ગુરુ દ્વારા મળેલું નામ અને જ્ઞાન આપણે બીજાઓને વહેંચીને તે વધારવું જોઈએ.

૩. તુલનાત્‍મક મહત્ત્વ : નીચે જણાવેલી સારણીમાં કહેવામાં આવ્‍યું છે કે શિષ્‍યની કઈ કૃતિથી કેટલા પ્રમાણમાં ગુરુકૃપા થઈ શકે છે. (નોંધ ૧ – પરિણામકારક પ્રસાર કરનારામાં શિષ્‍યના બધા જ ગુણ હોવા જોઈએ. કેવળ રાજનૈતિક અથવા સામાજિક પ્રચારકની જેમ કામ કરવાથી નહીં ચાલે.)

૨. અધ્‍યાત્‍મપ્રસાર કેવી રીતે કરવો ?

સંભવ છે કે કેટલાક લોકોના મનમાં એવો પ્રશ્‍ન થાય કે, ‘મને જ ધર્મ અને સાધના વિશે પૂર્ણ જાણકારી નથી, તો હું અધ્‍યાત્‍મપ્રસાર કેવી રીતે કરી શકીશ ?; પરંતુ આ ધારણા અયોગ્‍ય છે. જ્‍યારે શ્રીકૃષ્‍ણ ભગવાને ગોવર્ધન પર્વત પોતાની ટચલી આંગળી પર ઉપાડ્યો, ત્‍યારે ગોપ-ગોપીઓએ પોતાની લાકડીઓ લઈને પર્વત ઉપાડવામાં પોતપોતાની ક્ષમતા અનુસાર સહાયતા કરી. ગુરુ અર્થાત્ ઈશ્‍વર ધર્મગ્‍લાનિ દૂર કરવાના જ છે, પરંતુ આપણે પણ આપણો યોગદાન આપવો આવશ્‍યક છે. પ્રસાર માટે જેમનામાં પોતે અધ્‍યાત્‍મનો અભ્‍યાસ કરીને અન્‍યોને શીખવવાની ક્ષમતા છે, તેણે તેમ કરવું અને જે આર્થિક સહાયતા કરી શકે છે, તેણે તેમ કરવું. જેના માટે આ બન્‍ને સંભવ નથી, તેણે પ્રસાર વિશેની જાણકારી આપતા પત્રક વહેંચવા, પોસ્‍ટર અને બેનર લગાડવા, વ્‍યક્તિગત સંપર્ક કરીને અન્‍યોને જાણકારી આપવી, સત્‍સંગ માટે સ્‍થાનની સ્‍વચ્‍છતા કરવી, સત્‍સંગ માટે શેતરંજી પાથરવી, ખુરસીઓ સરખી કરવી, આ કાર્ય માટે ધન એકત્રિત કરવું ઇત્‍યાદિ સેવા કરી શકે છે.

આ. રાષ્‍ટ્રરક્ષણ અને ધર્મજાગૃતિ

વર્તમાનમાં આતંકવાદીઓ અને નક્ષલવાદીઓએ દેશમાં અરાજકતા નિર્માણ કરી છે. દરિદ્રતા, જાતિયતા, સામાજિક વિષમતા, ભ્રષ્‍ટાચાર, આરક્ષણ જેવી અનેક સમસ્‍યાઓથી દેશ ચારે બાજુએથી ઘેરાઈ ગયો છે. સરવાળે જોતાં રાષ્‍ટ્રની અવનતિ જોવા મળી રહી છે. દેશ પર ધર્મનિરપેક્ષ રાજનેતા શાસન કરી રહ્યા છે અને હિંદુઓમાં ધર્મપાલન કરવાનો અભાવ જોવા મળી રહ્યો છે. હિંદુદ્વેષીઓ અને ધર્મદ્રોહીઓ દ્વારા હિંદુ ધર્મ, દેવતા, સંતો, રાષ્‍ટ્રપુરુષો તેમજ ધર્મગ્રંથોનું સાર્વજનિક રીતે વિડંબન અને ધર્મહાનિ થઈ રહી છે. હિંદુઓના ધર્માંતરના પ્રમાણમાં દિન-પ્રતિદિન વૃદ્ધિ થઈ રહી છે. ધર્મ એ રાષ્‍ટ્રનો પ્રાણ છે. જો ધર્મ નષ્‍ટ થઈ જશે, તો રાષ્‍ટ્ર અને પરિણામસ્‍વરૂપ આપણે બધા નષ્‍ટ થઈ જઈશું. તેના માટે રાષ્‍ટ્રરક્ષણ અને ધર્મજાગૃતિ વિશે સમાજને જાગૃત કરવો મહત્ત્વપૂર્ણ છે.

ઇ. હિંદુ-સંગઠન

જ્‍યારે હિંદુ ધર્મનો વિરોધ કરવાનો સમય આવે, ત્‍યારે બધા ધર્મદ્રોહીઓ એકત્રિત થઈ જાય છે. આની સરખામણીમાં હિંદુ ધર્મના અને રાષ્‍ટ્રના નામે હિંદુઓએ સંગઠિત થવાનું પ્રમાણ ઘણું ઓછું છે. જો હિંદુઓ સંગઠિત થઈ જાય, તો હિંદુ ધર્મ અને રાષ્‍ટ્રનું પણ રક્ષણ થશે. તેથી હિંદુ સંગઠન માટે પ્રયત્ન કરવા, એ પણ સમષ્‍ટિ સાધનાનો મહત્ત્વપૂર્ણ ભાગ બની ગયો છે.

ઈ. અન્‍યો પ્રત્‍યે પ્રીતિ

સાધના કરતા કરતા આધ્‍યાત્‍મિક સ્‍તર ૭૦ ટકા સુધી પહોંચી ગયા પછી અન્‍યો પ્રત્‍યે પ્રીતિનો અનુભવ થવા લાગે છે. પ્રીતિ એટલે નિરપેક્ષ પ્રેમ. વ્‍યાવહારિક પ્રેમમાં અપેક્ષા રહે છે. સાધના દ્વારા સાત્ત્વિકતા વધવાથી પોતાની આજુબાજુની ચરાચર સૃષ્‍ટિને સંતોષી કરવાની વૃત્તિ નિર્માણ થાય છે. પ્રત્‍યેક વસ્‍તુમાં પરમેશ્‍વરનું રૂપ દેખાવા લાગે છે. ‘વસુધૈવ કુટુંબકમ્.’, અર્થાત્ વિશ્‍વ એક પ્રેમમય પરિવારનું સ્‍વરૂપ લઈ લે છે. આ રીતે પ્રેમમાં વિશાળતા આવી જાય છે તેમજ અન્‍યો પ્રત્‍યે પ્રીતિનું નિર્માણ થાય છે. આ વાત વહેલી તકે સાધ્‍ય કરવા માટે આરંભમાં પ્રયત્નપૂર્વક પ્રેમ કરવો પડે છે. તે માટે સત્‍સંગમાં રહેવું મહત્ત્વપૂર્ણ છે. સર્વપ્રથમ, સત્‍સંગમાં આવનારાઓ પ્રત્‍યે પ્રીતિ નિર્માણ થાય છે. ત્‍યાર પછી અન્‍ય સંપ્રદાયના સાધકો પ્રત્‍યે, આગળ જતાં સાધના ન કરનારાઓ પ્રત્‍યે અને અંતમાં સઘળાં પ્રાણીઓ પ્રત્‍યે પ્રીતિ નિર્માણ થાય છે.

ઉ. કાળ અનુસાર ભગવાન શ્રીકૃષ્‍ણનો નામજપ આવશ્‍યક !

વર્તમાનમાં શ્રીકૃષ્‍ણ ભગવાનનું તત્ત્વ સૌથી વધુ પ્રમાણમાં કાર્યરત છે. તે માટે સમષ્‍ટિ સાધના કરીને જો ૨ વર્ષોથી વધુ સમયગાળો વીતી ગયો હોય, તો એવા સાધકોએ ૨ વર્ષો સુધી ‘ૐ નમો ભગવતે વાસુદેવાય ।’ આ નામજપ અવશ્‍ય કરવો.

Leave a Comment