શ્રેષ્‍ઠ ગણેશભક્ત મોરયા ગોસાવી અને ગાણપત્‍ય સંપ્રદાય

Article also available in :

ગણેશભક્ત મોરયા ગોસાવી

 

૧. ગાણપત્‍ય સંપ્રદાય

શૈવ, વૈષ્‍ણવ, તેમજ અન્‍ય પંથીઓની ઉપાસનામાં શ્રી ગણેશપૂજનને સ્‍થાન છે. એમ ભલે હોય, છતાં પણ શિવ, શ્રીવિષ્‍ણુ ઇત્‍યાદિ દેવતાઓની ઉપાસના કરનારા સંપ્રદાયો પ્રમાણે કેવળ શ્રી ગણપતિની ઉપાસના કરનારાઓનો પણ એક સંપ્રદાય છે. ‘ગાણપત્‍ય’ નામથી પરિચિત આ સંપ્રદાયમાં શ્રી ગણપતિની પરબ્રહ્મ, પરમાત્‍મા તરીકે કલ્‍પના કરી છે અને તેમના દ્વારા અન્‍ય દેવી-દેવતાઓની ઉત્‍પત્તિ થઈ છે, એવી શ્રદ્ધા છે.

 

૨. ગણેશભક્ત મોરયા ગોસાવીનું સંક્ષિપ્‍ત ચરિત્ર

૨ અ. જન્‍મ

મોરયા ગોસાવીનું કુટુંબ મૂળનું કર્ણાટક રાજ્‍યના શાલી ગામમાં હતું. તેમના પિતાજીનું નામ વામનભટ્ટ અને માતાજીનું નામ પાર્વતીબાઈ હતું. વામનભટ્ટ ગણેશઉપાસક હતા. તેઓ ઉપાસના માટે મોરગાવના  (જિ. પુણે, મહારાષ્‍ટ્ર) ગણપતિના સ્‍થાને આવીને રહ્યા. ત્‍યાં જ વર્ષ ૧૩૭૫માં મોરયાનો જન્‍મ થયો.

૨ આ. કઠોર સાધના

આઠમા વર્ષે મોરયાના ઉપનયન (જનોઈ) સંસ્કાર કરવામાં આવ્યા. જનોઈ પછી અધ્‍યાપન અને ઉપાસના ચાલુ હતી તે સમયે જ મોરયા ગોસાવીની સિદ્ધ યોગીરાજ નામના સદ્‌ગુરુ સાથે ભેટ થઈ. તેમના ઉપદેશથી મોરયાએ થેઊર (જિ. પુણે, મહારાષ્‍ટ્ર) જઈને કઠોર તપશ્‍ચર્યા કરી. ૪૨ દિવસોના અખંડ નામજપ પછી શ્રી ગણપતિએ મોરયાને દૃષ્‍ટાંત આપ્‍યો. ત્‍યાર પછી તેઓ મોરગાવ પાછા ફર્યા.

૨ ઇ. કૌટુંબિક જીવન

માતા-પિતાના દેહાવસાન પછી તેમણે મોરગાવ છોડી દીધું અને તેઓ ચિંચવડ (જિ. પુણે, મહારાષ્‍ટ્ર) ખાતે નિવાસ કરવા લાગ્‍યા. ત્‍યાં તેમનો વિવાહ ગોવિંદરાવ કુલકર્ણીની ઉમા નામની સુલક્ષણી દીકરી સાથે થયો. વહેલાં જ તેમને પુત્રપ્રાપ્‍તિ થઈ. મોરયાએ પુત્રનું નામ ‘ચિંતામણિ’ પાડ્યું.

૨ ઈ. શ્રી ગણેશજીનો સ્‍વપ્નદૃષ્‍ટાંત

પ્રત્‍યેક ચતુર્થીએ મોરયા ગોસાવી મોરગાવના ગણપતિના દર્શનાર્થે જતા હતા. એક દિવસે મંગલમૂર્તિએ તેમના સ્‍વપ્નમાં આવીને કહ્યું, ‘તું આટલે દૂર આવીશ નહીં. કર્‌હા નદીમાં હું છું. ત્‍યાંથી મને બહાર કાઢ અને તારા ઘરે લઈ જા.’ આ દૃષ્‍ટાંત પ્રમાણે મોરયાએ કર્‌હા નદીમાંની શ્રી ગણેશમૂર્તિ પોતાના ચિંચવડ ખાતેના ઘરે લઈ આવીને તેની પ્રતિષ્‍ઠાપના કરી. વહેલા જ મોરયા ગોસાવીના સાધુત્‍વની કીર્તિ સર્વત્ર ફેલાઈ.

૨ ઉ. સમાધિ

આ શ્રેષ્‍ઠ ગણેશભક્તએ ૮૬ વર્ષની વયે, અર્થાત્ વર્ષ ૧૪૬૧માં ચિંચવડ ખાતે સમાધિ લીધી.

(સંદર્ભ : સનાતનનો ગ્રંથ ‘શ્રી ગણપતિ’)

Leave a Comment