નામજપ અને અન્‍ય યોગમાર્ગોની તુલના (ભાગ ૧)

Article also available in :

‘નામજપ’ લેખમાળાના વિવિધ લેખો દ્વારા આપણે નામનું મહત્ત્વ, તેના લાભ અને અન્‍ય મહત્ત્વપૂર્ણ સૂત્રો વાંચ્‍યાં. આ લેખમાં આપણે ‘હઠયોગ’, ‘ભક્તિયોગ’, ‘કર્મયોગ’, ‘જ્ઞાનયોગ’, ‘ધ્‍યાનયોગ’ ઇત્‍યાદિ વિવિધ યોગમાર્ગોની નામજપ સાથે કરેલી સ્‍વતંત્ર સરખામણી જોવાના છીએ. આ લેખ વાંચીને નામસાધના આરંભ કરવાનો વાચકોની બુદ્ધિનો નિશ્‍ચય થાય, એ જ શ્રીગુરુચરણોમાં પ્રાર્થના !

 

૧. આસનો, ત્રાટક, પ્રાણાયામ અને નામજપ

આસનો અને પ્રાણાયામ સ્‍થૂળદેહથી (શરીરથી) કરવાની સાધના છે, જ્‍યારે નામજપ સૂક્ષ્મદેહ દ્વારા કરવાની સાધના છે. સ્‍થૂળદેહથી સૂક્ષ્મદેહની સાધના સારી રીતે થઈ શકતી નથી. આનાથી ઊલટું સૂક્ષ્મદેહથી સ્‍થૂળદેહની થઈ શકે છે; તેથી પ્રાણાયામ અને આસનોની તુલનામાં નામજપ વધારે શ્રેષ્‍ઠ સાધના છે. એક કલાક અખંડ નામજપ અર્થાત્ ૧૦ કલાક અખંડ ત્રાટક અથવા પ્રાણાયામ કરવા જેવું છે. નીચે જણાવેલી અનુભૂતિ પરથી આસનો, પ્રાણાયામ ઇત્‍યાદિની તુલનામાં નામજપ કેટલા શ્રેષ્‍ઠ પ્રકારની સાધના છે, આ વાત ધ્‍યાનમાં આવે છે.

૧ અ. યોગાસનો કર્યા વિના પણ કેવળ નામજપથી શરીરને
હલકાપણાનો અનુભવ થાય છે તેમજ આનંદની અનુભૂતિ થવી

‘પહેલાં આસનો, પ્રાણાયામ કર્યા વિના મારો દિવસ જતો નહીં. એકવાર સનાતન સંસ્‍થાના સત્‍સંગમાં દેહની શુદ્ધિ વિશેની સારણી શીખવવામાં આવી. ત્‍યારે મને સમજાયું કે, નામજપ સૌથી શ્રેષ્‍ઠ ઉપાસના છે. નામસાધના ચાલુ કર્યો ત્‍યારથી યોગાસનો કર્યાવિના પણ કેવળ નામજપથી શરીરને હળવાપણું આવે છે, એવો અનુભવ થવા લાગ્‍યો અને હઠયોગ પૂર્ણ થઈને પૂર્ણસમય નામસાધના ચાલુ થઈ. ત્‍યારથી આનંદની અનુભૂતિ પણ થઈ રહી છે.’

– સૌ. સુધા સુધાકર માંજરેકર, બોરીવલી, મુંબઈ.

 

 ૨. કર્મયોગ અને નામ

૨ અ. કર્મફળ અને નામ

નામજપ ચાલુ હોય, ત્‍યારે અહં હોતો નથી. જે કર્મ થાય છે, તેમાં હેતુ ન હોવાથી તે કેવળ ક્રિયા હોય છે, અર્થાત્ અકર્મ કર્મ થાય છે; તેથી તે કર્મનું ફળ ભોગવવું પડતું નથી. નામજપ બંધ થાય, ત્‍યારે ‘અહં’ હોય છે અને તેને કારણે કર્મફળન્‍યાય લાગુ પડે છે.

૨ આ. કર્મ કરવું અને નામ લેવું તેના કરતાં
‘કર્મ ભગવાન જ કરે છે’, એમ સમજવું સર્વોત્તમ

‘કર્મ કરીને ભગવાનને અર્પણ કરવું, તેના કરતાં ‘નામજપ કરતાં કરતાં કર્મ કરવું’, તે વધારે યોગ્‍ય. પરંતુ ‘કર્મ ભગવાન જ કરી રહ્યા છે’, અર્થાત્ ઈશ્‍વરેચ્‍છાથી જ, યદૃચ્‍છાપ્રારબ્‍ધથી જ સર્વ થઈ રહ્યું છે એમ સમજવું, એ સર્વોત્તમ.’ – પ.પૂ. ભક્તરાજ મહારાજ

 

૩. ભક્તિયોગ અને નામજપ

૩ અ. કર્મકાંડ અને નામજપ

બ્રાહ્મમુહૂર્ત પર ઊઠવું, નહાઈને શુચિર્ભૂત થવું, સાત્ત્વિક આહાર લેવો, ઉપવાસ કરવા, આભડછેટ પાળવી, દેવાલયમાં જવું ઇત્‍યાદિ સાધના માટે આવશ્‍યક છે ખરું ? તેનો ઉત્તર એમ કે, કર્મકાંડ અનુસાર સાધના કરનારાને આ બાબતો આવશ્‍યક છે; પણ તેનાથી આગળના સ્‍તર પર ઉપાસનાકાંડ અનુસાર નામજપ કરનારાને આ બાબતોની જરાય આવશ્‍યકતા નથી; કારણકે આ બાબતોથી ઘણા ઓછા પ્રમાણમાં અને થોડો સમય ટકી રહેનારો લાભ થાય છે, ઉદા. દેવાલયમાં જવાથી કેવળ ૧૫ મિનિટ ૦.૦૦૦૧ ટકા જેટલી જ સાત્ત્વિકતા વધે છે, માસિક ધર્મ રહેલી સ્ત્રીને સ્પર્શ કરવાથી સ્પર્શ કરનારાનો રજોભાવ કેવળ ૧૫ મિનિટ માટે ૦.૦૦૦૧ ટકા જેટલો વધે છે. આનાથી ઊલટું એકાગ્રતાથી અને ભાવપૂર્ણ નામજપ ૨ મિનિટ કરીએ, તો પણ તે કરનારાની સાત્ત્વિકતા નામજપ કરતી વેળાએ ૫ ટકાથી વધે છે; તેથી જ ઉપાસનાકાંડ અનુસાર સાધના કરનારાની, એટલે નિરંતર નામજપ કરનારાની દૃષ્‍ટિએ આ સૂત્રોને કાંઈ મહત્ત્વ નથી.

૩ આ. યજ્ઞ અને જપયજ્ઞ (નામજપ)

૩ આ ૧. યજ્ઞમાં જીવની હત્‍યા કરવાથી જે પાપ લાગે છે, તે બાર વર્ષ ભોગવવું પડે છે. તે માટે પ્રાયશ્‍ચિત્ત કહેલું હોય છે. પ્રાયશ્‍ચિત્ત તરીકે જપ ઇત્‍યાદિ કરવો પડે છે. તેવું પાપ જપયજ્ઞમાં (નામજપમાં) નથી; કારણકે જપયજ્ઞને સાત્ત્વિક અને અહિંસક યજ્ઞ માનવામાં આવ્‍યો છે; તેથી જ કર્મકાંડના વિધિયજ્ઞ કરતાં જપયજ્ઞ શ્રેષ્‍ઠ છે.

ये पाकयज्ञाश्चत्‍वारो विधियज्ञसमन्‍विताः ।

सर्वे ते जपयज्ञस्‍य कलां नार्हन्‍ति षोडशीम् ॥

– મનુસ્‍મૃતિ, અધ્‍યાય ૨, શ્‍લોક ૮૬

અર્થ : ચાર વિધિયજ્ઞયુક્ત પાકયજ્ઞોને (વૈશ્‍વદેવ, બલિકર્મ, નિત્‍યશ્રાદ્ધ અને અતિથિભોજન) જપયજ્ઞની સોળમી કળા જેટલી પણ યોગ્‍યતા નથી; તેથી જ આવા કર્મકાંડો કરતાં જપયજ્ઞ જ શ્રેષ્‍ઠ છે.

આ સંદર્ભમાં ભગવાન શ્રીકૃષ્‍ણ કહે છે (શ્રીમદ્‌ભગવદ્‌ગીતા, અધ્‍યાય ૧૦, શ્‍લોક ૨૫), ‘‘यज्ञानां जपयज्ञोऽस्‍मि ।’’  અર્થાત્ ‘યજ્ઞોમાં જપયજ્ઞ હું છું, અર્થાત્ અલગ અલગ પ્રકારના યજ્ઞોમાં જપયજ્ઞ સર્વશ્રેષ્‍ઠ છે.’

૩ આ ૨. ‘સર્વ યજ્ઞોની પરિણતિ નામયજ્ઞમાં થતી હોય છે. યજ્ઞની નામયજ્ઞમાં પરિણતિ થવી અર્થાત્ આત્‍મરત થવું. આત્‍મરત થયેલો સાધક યજ્ઞ ન કરે તો પણ ચાલે. નામયજ્ઞ એ ઈશ્‍વરની વિભૂતિ હોવાથી તેને ‘પરાભક્તિ’ કહે છે. પરાભક્તિ એટલે ‘પ્રેમલક્ષણાભક્તિ’, ગોપીઓની ભક્તિ આવી જ હતી. તેને ‘વૈધી પ્રેમસાધના’ કહે છે. આ સાધનામાં ભક્તની કાયિક, વાચિક અને માનસિક ક્રિયાઓ સર્વ ભગવાન માટે જ હોય છે, અર્થાત્ ભગવાનને સ્‍નાન કરાવવા માટે ભક્ત સ્‍નાન કરે છે, ભગવાનને ભોજન કરાવવા માટે તે જમે છે ઇત્‍યાદિ. ભક્તના ઇંદ્રિયના સર્વ વ્‍યવહાર ભગવાનના પ્રેમમાં ગાંડા બની ગયા હોવાથી થતા હોય છે. તેને જ ‘પરાપૂજા’ કહે છે. તે સ્‍તર જ એવો હોય છે કે, તે ઠેકાણે અપરાભક્તિની સાધના અર્થાત્ યજ્ઞ વિઘ્‍ન પુરવાર થાય છે, કલંકરૂપ હોય છે અને ભક્તિને કારણે ગાંડા બની ગયા હોવાથી તેને દેહનું પણ ભાન હોતું નથી. તે અંતઃસ્‍થ માર્ગસ્‍થ હોય છે.’ – પ.પૂ. કાણે મહારાજ, નારાયણગાવ, જિલ્‍લો પુણે, મહારાષ્‍ટ્ર.

૩ આ ૩. ‘નામસ્‍મરણ ભગવાનની સાચી વિભૂતિ છે. તેને કારણે ‘यज्ञानां जपयज्ञोऽस्‍मि ।’ એવું ભગવાને કહ્યું છે; તેથી નામજપ એ જ સૌથી સૂક્ષ્મ અને વ્‍યાપક છે અને તેને કાંઈ જ બંધન ન હોવાથી તે સૌથી સૂક્ષ્મ અને વ્‍યાપક છે. આકાશનો ગુણ શબ્‍દ. આકાશ જેટલું મન સૂક્ષ્મ અને વ્‍યાપક થયા વિના નામ ગ્રહણ કરી શકે નહીં. ત્‍યારે શેષ યજ્ઞ કરતા કરતા મન સાત્ત્વિક બનીને તે આકાશ જેવું સૂક્ષ્મ અને વ્‍યાપક બને છે અને પછી જ તે નામસ્‍મરણયજ્ઞનો અધિકારી બને છે. તેને અન્‍ય સહકારી સાધનોની પણ આવશ્‍યકતા નથી. નામ ઈશ્‍વરની વિભૂતિ હોવાથી અન્‍ય સર્વ યજ્ઞોની પૂર્ણાહુતિ  નામવિના થતી નથી; તેથી ‘प्रमादात् कुर्वतां कर्म प्रच्‍यवेताध्‍वरेषु यत् । स्‍मरणादेव तद्विष्‍णोः संपूर्णं स्‍यादिति स्‍मृतिः ॥’  આ પ્રમાણે પ્રાર્થના આપી છે. તેનો અર્થ છે – પ્રમાદને કારણે સંધ્‍યા ભલે ભૂલભરેલી પદ્ધતિથી થાય, અથવા પ્રવાસ ઇત્‍યાદિને કારણે સંધ્‍યા કરવાનું ફાવે નહીં, તો પણ વિષ્‍ણુ સ્‍મરણથી (નામસ્‍મરણથી) તેને પૂર્ણત્‍વ પ્રાપ્‍ત થાય છે.’

– પ.પૂ. કાણે મહારાજ, નારાયણગાવ, જિલ્‍લો પુણે. મહારાષ્‍ટ્ર.

 

૩ ઇ. ભજન અને નામજપ

ચલચિત્રનાં ગીતો, ભાવગીતો ઇત્યાદિ ગાવા કરતાં ભજન ગાવા ઉત્તમ; કારણકે ભજનમાં ચૈતન્‍ય હોય છે. ભજનમાં પણ સંતોએ લખેલાં ભજનો ગાવા, મહત્ત્વનું હોય છે; કારણકે તેમાં વધારે ચૈતન્‍ય હોય છે. એમ ભલે હોય, તો પણ તેમાં પણ અનેક શબ્‍દો અને ધ્‍વનિ હોય છે. સાધકે સાધના કરીને ‘અનેકમાંથી એકમાં’ અને ‘એકમાંથી શૂન્‍યમાં’ જવાનું હોય છે. નામમાં ઓછા શબ્‍દો અને ઓછો ધ્‍વનિ હોવાથી તે વધારે ચૈતન્‍યમય છે; તેથી ભજન ગાવા કરતાં નામજપ કરવો યોગ્‍ય છે. ભજન શબ્‍દની વ્યુત્પત્તિ ‘ભજ + ન’ એમ છે. ‘ભજ’ અર્થાત્ ભક્તિ અને ‘ન’ એટલે નિરંતર. ‘નિરંતર ભક્તિ કરવી’ એ તેનો સાચો અર્થ છે.

૩ ઈ. સ્‍તોત્ર અને નામજપ

ભજનની જેમ સ્‍તોત્રમાં પણ અનેક શબ્‍દો હોય છે; તેથી ઉપરોક્ત સૂત્રમાં આપ્‍યા પ્રમાણે સ્‍તોત્ર કરતાં નામજપ જ વધારે શ્રેષ્‍ઠ છે. એમ ભલે હોય, તો પણ સ્‍તોત્ર પ્રભાવશાળી બનવાનાં કારણો આગળ જણાવ્‍યા પ્રમાણે છે.

૧. મોટાભાગના સ્‍તોત્રો ઋષિ-મુનિઓએ રચેલા હોય છે. તે સ્‍તોત્રો પાછળ તેમની સંકલ્‍પશક્તિ હોય છે. સ્‍તોત્ર બોલનારને તે સંકલ્‍પશક્તિનો લાભ થાય છે.

૨. ૫૦ ટકા કરતાં ઓછો આધ્‍યાત્‍મિક સ્‍તર ધરાવનારા સાધકને ભગવાન પ્રત્‍યે ભાવ વધારવા માટે સ્‍તોત્ર ઉપયુક્ત પુરવાર થાય છે.

૩. મન જ્યારે અસ્‍વસ્‍થ હોય, ત્‍યારે દેવતાના નામ કરતાં સ્‍તોત્ર બોલવું સહેલું પડે છે; કારણકે સ્‍તોત્રમાંના વધારે શબ્‍દોને કારણે તેના પર મન થોડુંઘણું તોયે એકાગ્ર થઈ શકે છે.

આ લેખનો બીજો ભાગ વાંચવા માટે ‘નામજપ અને અન્‍ય યોગમાર્ગોની તુલના (ભાગ ૨)’ પર ‘ક્લિક’ કરો !

સંદર્ભ : સનાતન-નિર્મિત ગ્રંથ ‘નામજપનું મહત્ત્વ અને લાભ’

Leave a Comment