નામજપ અને અન્‍ય યોગમાર્ગોની તુલના (ભાગ ૨)

Article also available in :

આ લેખનો પહેલો ભાગ વાંચવા માટે ‘નામજપ અને અન્‍ય યોગમાર્ગોની તુલના (ભાગ ૧)’ પર ‘ક્લિક’ કરો !

 

૪. મંત્રજપ અને નામજપ

૪ અ. મંત્રજપ

૪ અ ૧. કડક બંધનો

મંત્રસાધના કરનારાઓને સ્‍થળકાળ ઇત્‍યાદિ વિવિધ બંધનો પાળવાં પડે છે. મંત્રજપ વિશિષ્‍ટ અર્થાત્ પવિત્ર ઠેકાણે, ઉદા. દેવતાની મૂર્તિ સામે અથવા તીર્થક્ષેત્રે કરવો; વિશિષ્‍ટ સમયે કરવો; શુચિર્ભૂતતા, સામિષ પદાર્થોને વર્જ્‍ય કરવા, ઇત્‍યાદિ વિધિ-નિષેધ પાળવા; વિશિષ્‍ટ સંખ્‍યામાં કરવા; ઉચ્‍ચાર યોગ્‍ય કરવા ઇત્‍યાદિનો સમાવેશ મંત્રસાધના કરતી વેળાએ પાળવાના બંધનોમાં આવે છે.

૪ અ ૨. કર્મકાંડ જેવી સાધના

યજ્ઞાદી કર્મકાંડમાંના વિધિ કરતી વેળાએ પણ કડક વિધિ-નિષેધ પાળવા પડે છે; તેથી મંત્રજપ એ પણ એક રીતે કર્મકાંડ જેવી સાધના છે.

૪ આ. નામજપ

૪ આ ૧. ઓછા બંધનો

મંત્રસાધનાની તુલનામાં નામસાધના કરનારાને ઓછા બંધનો પાળવા પડે છે, ઉદા. નામજપને સ્‍થળકાળનું બંધન નથી. નામનો ઉચ્‍ચાર ગમે તેમ કરીએ, તો પણ ચાલે છે. જપસંખ્‍યાની મર્યાદા નથી. તેમજ નામસાધના કરતી વેળાએ પાળવાનાં બંધનો મંત્રસાધના કરતી વેળાએ પાળવાના બંધન જેટલા તંતોતંત પણ હોતા નથી.

૪ આ ૨. ઉપાસનાકાંડ જેવી સાધના

દેવાલયમાં જવું, દેવપૂજા કરવી ઇત્‍યાદિ ઉપાસનાકાંડમાંની સાધના કરતી વેળાએ બંધનો એટલા તંતોતંત નથી હોતા; તેથી નામજપ એકપ્રકારથી ઉપાસનાકાંડ જેવી સાધના છે.

 

૫. જ્ઞાનયોગ અને નામજપ

૫ અ. વેદ કરતાં નામ શ્રેષ્‍ઠ

૫ અ ૧. વેદાક્ષરોનો અશુદ્ધ ઉચ્‍ચાર અપાયકારક પુરવાર થાય છે, જ્‍યારે નામનો અશુદ્ધ ઉચ્‍ચાર પણ પાપદાહક અને કલ્‍યાણકારી પુરવાર થાય છે.

અ. વેદપઠન કરતી વેળાએ વેદાક્ષરોનો શુદ્ધ ઉચ્‍ચાર થવો આવશ્‍યક હોય છે. અશુદ્ધ ઉચ્‍ચાર જો થાય તો હાનિ થાય છે. આ સંદર્ભમાં ‘अनक्षरं हतायुष्‍यं विस्‍वरं व्‍याधिपीडितम् ।’, અર્થાત્ ‘વેદાક્ષર જો અશુદ્ધ ઉચ્‍ચારીએ, તો આયુષ્‍ય અલ્‍પ થાય છે અને સ્‍વરહીન ઉચ્‍ચારવાથી વ્‍યાધિ પ્રાપ્‍ત થાય છે’, એવું પાણિનીય શિક્ષામાં કહ્યું છે; પણ નામના સંદર્ભમાં તે નિયમ લાગુ નથી. તેનો અશુદ્ધ ઉચ્‍ચાર કરવાથી પણ પાપ બાળી નાખે છે. આ વિશે નારદપંચરાત્રમાં એક શ્‍લોક છે, તે આ પ્રમાણે –

मूर्खो वदति विष्‍णाय बुधो वदति विष्‍णवे ।
नम इत्‍येव अर्थं च द्वयोरेव समं फलम् ॥

– નારદપંચરાત્ર, રાત્ર ૧, અધ્‍યાય ૧૧, શ્‍લોક ૩૯

અર્થ : મૂરખ મનુષ્‍ય ‘વિષ્ણાય નમઃ’ આ રીતે (અશુદ્ધ) બોલે છે અને વિદ્વાન મનુષ્‍ય ‘વિષ્‍ણવે નમઃ’ આ રીતે શુદ્ધ બોલે છે; પણ બન્‍નેનો ઉદ્દેશ નમનનો જ હોવાથી તેમને ફળ સરખું જ મળે છે.

આ. ‘मंत्रचळें पिसें लागतें सत्‍वर । अश्रद्ध ते फार तरलें नामें ॥’, અર્થાત્ વેદોમાંના મંત્ર અશુદ્ધ બોલીએ અથવા આભડછેટ ન પાળીએ, તો તો હાનિ થાય છે અને નામનો ઉચ્‍ચાર અશુદ્ધ થાય, તો પણ માનવી તરી જાય છે. નામસ્‍મરણ કોઈ ગમે ત્‍યારે, ગમે ત્‍યાં, આડુંઅવળું લે, તો પણ અપાય થતો નથી. વાલિયા કોળી ઊલટા નામથી (રામનો ઊલટો નામજપ કરીને) તરી ગયો અને આદ્યકવિ બની બેઠા.’

૫ અ ૩. ‘आचारहीनं न पुनन्‍ति वेदाः । – વસિષ્‍ઠસ્‍મૃતિ, અધ્‍યાય ૬, શ્‍લોક ૩’ અર્થાત્ આચારભ્રષ્‍ટ લોકોને વેદ તારી શકતા નથી; પણ દુરાચારી લોકોને પણ નામ તારી શકે છે.

૫ અ ૪. વેદપાઠક બ્રાહ્મણ (સાધના ન કરવાથી જેમને ગુરુપ્રાપ્‍તિ થતી નથી) મૃત્‍યુ ઉપરાંત બ્રહ્મરાક્ષસ થયાના ઉદાહરણો જડે છે; પણ નામધારકને મૃત્‍યુ પછી સદ્‌ગતિ જ પ્રાપ્‍ત થાય છે અને તે બ્રહ્મરાક્ષસનો પણ ઉદ્ધાર કરી શકે છે.’

૫ આ. જ્ઞાનયોગ પ્રમાણે સાધના ભલે
ન હોય, તો પણ નામજપથી ઈશ્‍વરપ્રાપ્‍તિ થવી

श्रुतिस्‍मृति हे दोन्‍ही डोळे । येणेंवीण जे आंधळे ।

तेही हरिभजनीं धांवतां भावबळें । पडे ना आडखुळें सप्रेमयोगें ॥

– એકનાથી ભાગવત, અધ્‍યાય ૨, કડવું ૩૨

અર્થ : શ્રુતિ-સ્‍મૃતિનો અભ્‍યાસ ન કરવાથી જેમને ભગવાન દેખાતા નથી, તેઓ પણ નામસ્‍મરણ નિરંતર ભક્તિભાવથી કરતા હોય, તો ભગવાનની દિશામાં ક્રમણ કરવા લાગે છે; કારણકે આવા ભક્તોને ભગવાન પીઠબળ આપે છે.

૫ ઇ. જ્ઞાનમાર્ગીઓ કરતાં નામધારક શ્રેષ્‍ઠ

એક સહસ્ર ગામમાંના બ્રાહ્મણ = એક ક્ષેત્રસ્‍થ બ્રાહ્મણ
એક સહસ્ર ક્ષેત્રસ્‍થ બ્રાહ્મણ = એક વેદપાઠક બ્રાહ્મણ
એક સહસ્ર વેદપાઠક બ્રાહ્મણ = એક પંડિત બ્રાહ્મણ
એક સહસ્ર પંડિત બ્રાહ્મણ = એક સંન્‍યાસી બ્રાહ્મણ
એક સહસ્ર સંન્‍યાસી બ્રાહ્મણ = એક પરમહંસ બ્રાહ્મણ
એક સહસ્ર પરમહંસ બ્રાહ્મણ = એક બ્રહ્મવેત્તા બ્રાહ્મણ
એક સહસ્ર બ્રહ્મવેત્તા બ્રાહ્મણ = એક નામયોગી નામધારક

૫ ઈ. સાક્ષીભાવથી જોવું અને નામજપ

‘સર્વત્ર સાક્ષીભાવથી જોવા કરતાં નામજપ મહત્ત્વનો; કારણકે સાક્ષીભાવથી જોવામાં દ્વૈત કાયમ રહે છે, જ્‍યારે નામજપ કરતા કરતા સાધક અદ્વૈત ભણી જઈ શકે છે.’ – પ.પૂ. ભક્તરાજ મહારાજ

 

૬. ધ્‍યાન અને નામજપ

ધ્‍યાન કરતાં નામજપ અધિક શ્રેષ્‍ઠ કેવી રીતે છે, એ નીચે આપેલાં કેટલાંક સૂત્રો પરથી ધ્‍યાનમાં આવશે.

૬ અ. ધ્‍યાન, નામ અને રૂપ

ધ્‍યાન ધરનારો માનવી ધ્‍યાનમાં હોય, ત્‍યાં સુધી દેવતાનું રૂપ નિહાળશે; પણ અન્‍ય સમયે તેણે નામમાં જ રહેવું પડશે. રૂપનું ધ્‍યાન મનમાં ભલે ન આવે, તો પણ નામ છોડવું નહીં. આગળ રૂપ આપમેળે જ આવવા લાગે છે.’

૬ આ. નામજપથી અનિષ્‍ટ શક્તિઓ સામે રક્ષણ થઈ શકવું

ધ્‍યાનાવસ્‍થામાં મનની નિર્વિચાર અવસ્‍થા હોય છે. મન નિર્વિચાર હોય, ત્‍યારે એકાદ અનિષ્‍ટ શક્તિ વ્‍યક્તિને ત્રાસ આપી શકે છે. આનાથી ઊલટું જો વ્‍યક્તિનો નામજપ ચાલુ હોય, તો નામનું સંરક્ષણ-કવચ નામધારક ફરતું નિર્માણ થતું હોવાથી તેને અનિષ્‍ટ શક્તિ ત્રાસ આપી શકતી નથી; તેથી નિર્વિચાર મન કરતાં નામજપ વધારે મહત્ત્વનો છે.

 

કળિયુગમાં સગુણ અથવા નિર્ગુણ ધ્‍યાન કરતાં નામજપ
કરતાં કરતાં ‘નામધ્‍યાન’ કરવું શ્રેષ્‍ઠ;કારણકે આવો નામજપ
સાધકને પંચતત્ત્વોની પેલેપાર, અર્થાત્ નિર્ગુણ ભણી દોરી જનારો હોવો

સદ્‌ગુરુ ડૉ. ચારુદત્ત પિંગળે

‘કેટલાક જણ સાધના તરીકે ધ્‍યાન ધરે છે; પણ ‘નામજપ કરવો, એટલે નિરંતર ઈશ્‍વરનું ધ્‍યાન છે’, એમ તેમને સમજાતું નથી. ધ્‍યાનમાં ઈશ્‍વરનું સગુણ રૂપ આવે છે, જ્‍યારે પ્રકાશબિંદુ ઇત્‍યાદિ દેખાવા એ નિર્ગુણ ધ્‍યાન છે. પ્રત્‍યેક ધ્‍યાનમાર્ગીની એકજ સમસ્‍યા હોય છે કે, ન તો તેનું સગુણ ધ્‍યાન થાય છે અને ન તો નિર્ગુણ; કારણકે ધ્‍યાન સમયે મનમાં અનેક વિચારોની ગડમથલ ચાલુ થાય છે. મનમાંના અનેક વિચારોને નષ્‍ટ કરવાની ક્ષમતા નામજપની ઊર્જામાં હોય છે.

નામજપને કારણે મન અનેક વિચારોમાંથી એક નામજપ પર એકાગ્ર (કેંદ્રિત) થવું, એટલે ‘નામધ્‍યાન’ લાગવું એમ છે. કળિયુગમાં સમાજની સાત્ત્વિકતા અત્‍યંત ઓછી હોવાથી કેવળ નામજપને કારણે સર્વસામાન્‍ય જીવોનું ધ્‍યાન લાગવું સંભવ નથી. અધ્‍યાત્‍મશાસ્‍ત્ર અનુસાર દેવતાના રૂપ કરતાં નામ શ્રેષ્‍ઠ હોય છે; કારણકે દેવતાનું રૂપ તેજતત્ત્વ સાથે, જ્‍યારે નામ (અક્ષર) આકાશતત્ત્વ સાથે સંબંધિત હોય છે. આ નામજપ સાધકને આકાશની પેલેપાર (પંચતત્ત્વોની પેલેપાર, નિર્ગુણ ભણી) દોરી જાય છે. પરા વાણીમાંનો નામજપ (સૂક્ષ્માતીસૂક્ષ્મ નામ) સાધકને ત્રિગુણાતીત થવા માટે (મોક્ષપ્રાપ્તિ માટે) સહાયતા કરે છે.’

– (સદ્‌ગુરુ) ડૉ. ચારુદત્ત પિંગળે (૨૯.૩.૨૦૧૭)

સંદર્ભ : સનાતન-નિર્મિત ગ્રંથ ‘નામજપનું મહત્ત્વ અને લાભ’ (અંગ્રેજી, હિંદી ભાષામાં ઉપલબ્ધ)

Leave a Comment