સ્વામીનારાયણ જયંતી

 ભગવાન સ્વામીનારાયણ જયંતી
(તિથિ : રામનવમી – ચૈત્ર સુદ પક્ષ નવમી)

ભગવાન સ્વામીનારાયણ શ્રીવિષ્ણુના અવતાર માનવામાં આવે છે. તેઓ વર્ષ ૧૭૮૧માં અયોધ્યા પાસેના છપિયા ગામમાં રાત્રે ૧૦.૧૦ કલાકે માનવ સ્વરૂપમાં પ્રગટ થયા. તેમનું બાલ્યાવસ્થાનું નામ ઘનશ્યામ હતું. તેમનાં માતાનું નામ ભક્તિદેવી અને પિતાનું નામ ધર્મદેવ હતું.

તેમણે ઉદ્ધવ અવતાર સદગુરુ રામાનંદ સ્વામીનું શિષ્યત્વ સ્વીકાર્યું અને સહજાનંદ સ્વામી નામ ધારણ કર્યું. તેમના ગુરુદેવે તેમનું મહાસામર્થ્ય જાણી લઈને તેમને પોતાની ગાદીના ઉત્તરાધિકારી બનાવ્યા. તેમણે આપેલા ‘સ્વામીનારાયણ’ના મહામંત્રથી લાખો લોકો મંત્રમુગ્ધ થવા લાગ્યા. ગુજરાતમાં સતત ભ્રમણ કરીને લોકોનું નૈતિક, સામાજિક, આધ્યાત્મિક અને આર્થિક જીવનધોરણ ઊંચુ લાવવા માટે તેમણે ભગીરથ પ્રયત્નો કર્યા. ઉદ્ધવ સંપ્રદાય ‘સ્વામીનારાયણ સંપ્રદાય’ તરીકે વિશ્વમાં વિખ્યાત થયો.

આ દિવસ સ્વામીનારાયણ સંપ્રદાયના ભક્તો ધૂમધામથી ઊજવે છે. ભક્તો નિર્જળા ઉપવાસ કરે છે. ભગવાનની મૂર્તિને પારણામાં પોઢાડીને મંત્રોચ્ચાર અને આરતી કરવામાં આવે છે. ભગવાન ભક્તોને ચૈત્ર પૂર્ણિમા સુધી પારણામાં દર્શન આપે છે. તે દિવસે પંચજીરી (ધાણા, સૂવાદાણા, વરિયાળી, ટોપરૂં અને ગોળ) નો પ્રસાદ વહેંચવામાં આવે છે.

સંદર્ભ : 1. http://en.wikipedia.org/wiki/swaminarayan_Jayanti