હનુમાન જયંતી

બ્રહ્માંડનું કાળચક્ર ત્રણ સ્તર પર અર્થાત્ ઉત્પત્તિકાળ, સ્થિતિકાળ અને લયકાળમાં ભ્રમણ કરતું રહે છે. તે સ્તર પર દેવતાઓ માટે વધારેમાં વધારે કાર્ય જે દિવસોમાં કરવામાં આવે છે, તે દિવસો હિંદુ કાળગણનામાં વ્રત, તહેવાર તથા ઉત્સવ ઇત્યાદિ ત્રણ સ્તર પર ઊજવવામાં આવે છે. કેટલીક પૂર્ણિમાને દિવસે વિશિષ્ટ દેવતાઓનું વધારેમાં વધારે તત્ત્વ કાર્યકારી ભૂમિકાના રૂપમાં ભૂતલ પર આવે છે. તે તે પૂર્ણિમાઓ વધારે મહત્ત્વ ધરાવે છે. હનુમાનજીનો જન્મ ચૈત્ર પૂર્ણિમાના દિવસે થયો હતો, તે દિવસ ‘હનુમાન જયંતી’ તરીકે ઊજવવામાં આવે છે.

કાળચક્રમાં નિર્માણ કાર્ય દરમ્યાન આવતી આ પૂર્ણિમા નિર્ગુણ સ્તર પર હનુમાનજીનું વધારેમાં વધારે મારક પ્રગટ શક્તિરૂપી તત્ત્વ ભૂમંડળને પ્રદાન કરે છે. આ દિવસે આ તત્ત્વ વાયુમંડળમાં આવેલા રજ-તમાત્મક કણોનું વિઘટન કરીને, પોતાની પ્રગટ શક્તિના તેજનું ઘનીકરણ કરે છે. આ તેજના કાર્યકારી સંચયનો આગળ દીર્ઘકાળ સુધી હનુમાનજીના ઉપાસકોને લાભ મળે છે.

 

હનુમાન જયંતી કહેવું જ શા માટે યોગ્‍ય ….? અવશ્‍ય જાણી લો !

હનુમાન જયંતી કે હનુમાન જન્‍મોત્‍સવ ?

જયંતી શબ્‍દનો શબ્‍દકોશમાં અર્થ આપ્‍યો છે કે, કોઈની જન્‍મતિથિ પર ઊજવવામાં આવતો ઉત્‍સવ, જે પ્રચલિત છે. જયંતી દેવતાઓ, સંતો અને મહાપુરુષોની ઊજવવામાં આવે છે. હનુમાનજી પણ આ શ્રેણીમાં આવે છે. અમને આ અર્થનો સંદર્ભ ક્યાંય પણ મળ્યો નહીં કે, જે જગત્‌માં નથી, તેમની જયંતી ઊજવવામાં આવે છે.

હનુમાન જયંતી શબ્‍દપ્રયોગ કરવો વધારે યોગ્‍ય

જયંતી અનેક દેવતાઓની પણ ઊજવવામાં આવે છે. ઉદા. દત્ત જયંતી, વામન જયંતી, પરશુરામ જયંતી ઇત્‍યાદિ. પરશુરામ પણ શ્રી હનુમાનજીની જેમ ચિરંજીવી છે, કે જેમની જયંતી ઊજવવામાં આવે છે. તેથી, હનુમાન જન્‍મોત્‍સવને બદલે હનુમાન જયંતી શબ્‍દપ્રયોગ કરવો વધારે યોગ્‍ય છે.

 

દાસ્યભક્તિનું સર્વોત્કૃષ્ટ ઉદાહરણ

જ્યારે પણ દાસ્યભક્તિનું સર્વોત્કૃષ્ટ ઉદાહરણ આપવાનું થાય છે, ત્યારે હનુમાનજીની રામભક્તિનું સ્મરણ થાય છે. તેઓ તેમના પ્રભુ માટે પ્રાણ પણ ત્યાગવા માટે હંમેશા તૈયાર રહેતા હતા. હનુમાનજી એ સેવક તેમ જ સૈનિકનું એક સુંદર સંમિશ્રણ છે. પ્રભુ રામચંદ્રની સેવા સામે, તેમને શિવત્વ અને બ્રહ્મત્વની ઇચ્છા પણ કોડી બરાબર હતી. હનુમાનજી એટલે શક્તિ અને ભક્તિનો સંગમ.

 

હનુમાનજીની વિશિષ્ટતાઓ

બ્રાહ્મતેજ અને ક્ષાત્રતેજનું પ્રતીક

હનુમાનજીના ગળામાં રહેલી જનોઈ બ્રાહ્મતેજનું પ્રતીક છે. હનુમાનજી શિવજીના અવતાર હોવાથી તેમનામાં લય કરવાનું સામર્થ્ય છે. રામભક્તિ કરતા કરતા તેમનામાં વિષ્ણુતત્ત્વ આવ્યું. તેને લીધે તેમનામાં સ્થિતિનું (તારક) સામર્થ્ય પણ આવ્યું. હનુમાનજીમાં બ્રાહ્મતેજ અને ક્ષાત્રતેજ બન્ને હોવાથી યુદ્ધના સમયે આવશ્યકતા પ્રમાણે તેઓ તેમનો ઉપયોગ કરી શકે છે. કૌરવ-પાંડવોના યુદ્ધમાં શ્રીકૃષ્ણ ભગવાને હનુમાનજીને અર્જુનના રથ પર સ્થાન આપ્યું હતું. ત્યારે હનુમાનજીએ રથ તેમ જ અર્જુન તરફ આવનારા અસ્ત્ર અને શસ્ત્ર હવામાં જ નષ્ટ કરી દીધા હતા.

ભક્તોની માનતા પૂર્ણ કરનારા

હનુમાનજીને માનતા પૂર્ણ કરનારા ભગવાન માનવામાં આવે છે, એટલા માટે વ્રત અથવા તો માનતા માનનારા અનેક સ્ત્રી-પુરુષો મૂર્તિની શ્રદ્ધાપૂર્વક નિર્ધારિત પ્રદક્ષિણા ફરે છે.

અનિષ્ટ શક્તિઓનું નિવારણ કરનારા

૧૦ ટકા વ્યક્તિઓનો વિવાહ, ભાવિ વધૂ-વરના એક-બીજા પાસેથી અવ્યાજબી અપેક્ષાઓને લીધે થતા નથી. અપેક્ષાઓ ઓછી કરવાથી વિવાહ થઈ જાય છે. ૫૦ ટકા વ્યક્તિઓના વિવાહ પ્રારબ્ધને લીધે થતા નથી. જો પ્રારબ્ધ મંદ અથવા મધ્યમ હોય, તો કુળદેવીની ઉપાસના થકી વિવાહ થઈ જાય છે. જો પ્રારબ્ધ તીવ્ર હોય, તો માત્ર સંતોની કૃપાથી જ વિવાહ થવો સંભવ બને છે. વધેલા ૧૦ ટકા વ્યક્તિઓનો વિવાહ અન્ય આધ્યાત્મિક કારણોને લીધે નથી થતો. આવી સ્થિતિમાં કારણ પ્રમાણે ઉપાય કરવા પડે છે.

જાગૃત કુંડલિનીનાં માર્ગમાં જો કોઈ બાધા આવે, તો તેને દૂર કરીને કુંડલિનીને યોગ્ય દિશા દેવાની હોય છે. તે વ્યક્તિને હનુમાનજીનાં મંદિરમાં લઈ જવામાં આવે છે અથવા હનુમાનસ્તોત્ર પઠણ કરવા માટે કહેવામાં આવે છે. હનુમાનજીની ઉપાસના કરવાથી આવી અડચણો નષ્ટ થઈ જાય છે.

પ્રચલિત પૂજા

ઘણું કરીને શનિવાર અને મંગળવાર આ દિવસો હનુમાનજીના દિવસ તરીકે માનવામાં આવે છે. આ દિવસે હનુમાનજીને સિંદૂર, આંકડાના પાન-ફૂલ અને તેલ ચડાવાની પ્રથા છે. કેટલાક સ્થાનો પર તો નારિયેળ ચડાવવાની પણ રૂઢિ છે. પૂજા સમયે દેવતાઓને જે વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે, તે વસ્તુઓ તે તે ભગવાનને પ્રિય છે, એવું બોલીભાષામાં કહેવામાં આવે છે, ઉદા. ગણપતિને લાલ ફૂલ, શિવજીને બિલિપત્ર ઇત્યાદિ. પ્રત્યક્ષમાં શિવ, વિષ્ણુ, ગણપતિ જેવા ઉચ્ચ દેવતાઓની પસંદ-નાપસંદ હોતી જ નથી. દેવતાઓને ખાસ વસ્તુઓ અર્પણ કરવા પાછળનું કારણ એમ છે કે, પૂજવામાં આવતી મૂર્તિમાં ચૈતન્ય નિર્માણ થાય. આ ચૈતન્ય નિર્માણ કરવા માટે દેવતાઓને જે ખાસ વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે, એ વસ્તુઓમાં દેવતાઓનાં મહર્લોક સુધી ફેલાયેલા પવિત્રક (તે દેવતાનાં સૂક્ષ્માતિસૂક્ષ્મ કણ) આકર્ષિત કરવાની ક્ષમતા અન્ય વસ્તુઓ કરતાં વધારે હોય છે. તેલ, સિંદૂર અને આંકડાનાં પાનમાં હનુમાનજીના પવિત્રકો આકર્ષિત કરવાની ક્ષમતા સૌથી વધારે છે; એટલા માટે જ હનુમાનજીને આ વસ્તુઓ અર્પણ કરે છે.

 

હનુમાનજીને નારિયેળ શા માટે અને કેવી રીતે અર્પણ કરવું જોઈએ ?

નારિયેળ સારા અને ખરાબ એમ બન્ને પ્રકારની લહેરીઓ આકર્ષિત અને પ્રક્ષેપિત કરે છે. નારિયેળ ચડાવતા પહેલાં હનુમાનજીની મૂર્તિની સામે નારિયેળની શિખા રાખવી તેમ જ હનુમાનજીનાં સાત્ત્વિક સ્પંદનો નારિયેળમાં આવવા માટે પ્રાર્થના કરવી. તે પછી નારિયેળ વધેરીને તેનો અર્ધો ભાગ પોતાની પાસે રાખીને શેષ ભાગ સ્થાનદેવતાને અર્પણ કરવો. સ્થાનદેવતાનાં માધ્યમ દ્વારા મંદિરની આજુ-બાજુ રહેલી કષ્ટદાયક શક્તિઓને ઉતારો મળવાથી તેઓ પણ સંતોષ પામે છે. ત્યાર પછી આપણા માટે રાખેલા નારિયેળનાં અર્ધા ભાગને પ્રસાદ તરીકે ગ્રહણ કરવાથી હનુમાનજીની સાત્ત્વિક લહેરીઓનો આપણને લાભ મળે છે. કેટલાક ભાવિકો દેવતાને આખો જ નારિયેળ અર્પણ કરી દે છે. તેના દ્વારા તેમનામાં ત્યાગની ભાવના થોડી ઉત્પન્ન થાય છે; પણ તેમને આધ્યાત્મિક લાભ નથી મળતો. એટલે ઘણું કરીને દેવતાને આખું નારિયેળ અર્પણ કરવાને બદલે, તેને વધેરીને અડધો ભાગ મંદિરમાં આપીને અને અડધો ભાગ પોતાના માટે રાખીને દેવતાનાં તત્ત્વનો વધારેમાં વધારે લાભ લેવો.

પૂજા કરવાની રીત

૧. હનુમાનજીની મૂર્તિ અથવા ચિત્રને અનામિકાથી (ટચલી આંગળીની નજીકની આંગળીથી) સિંદૂર લગાડવું

૨. રુઈના પાન અને ફૂલો ચડાવતી વેળાએ તેનુ ડીંટિયું હનુમાનજી તરફ રાખીને તે પાંચ અથવા પાંચગણી સંખ્યામાં ચડાવવા.

૩. હનુમાનજીને કેવડો, ચમેલી અથવા અંબરમાંથી એક સુવાસની ૨ ઉદ્દબત્તીઓથી ઓવાળવું.

૪. હનુમાનજીને ન્યૂનતમ (ઓછામાં ઓછી) પાંચ અથવા પાંચગણી પ્રદક્ષિણા કરવી.

હનુમાન જયંતીના દિવસે હનુમાનતત્ત્વ હંમેશ કરતાં ૧ સહસ્ર ગણું કાર્યરત હોય છે. તેનો લાભ લેવા માટે ‘શ્રી હનુમતે નમ:’ આ નામજપ વધારેમાં વધારે કરવો.

 

 હનુમાનજીનાં વિવિધ રૂપ

૧. વામમુખી

આધ્યાત્મિક ઉન્નતિ માટે વામમુખી (જેનું મુખ ડાબી તરફ છે તેવી) મૂર્તિ અથવા દાસ્યહનુમાનજીની મૂર્તિ પૂજામાં રાખવામાં આવે છે.

૨. વીર હનુમાન

કોઈ વ્યક્તિને અનિષ્ટ શક્તિના કષ્ટ થતા હોય તો તેના નિવારણ માટે વીર હનુમાનજીની ઉપાસના કરવામાં આવે છે. વીર હનુમાનજી હમેશા યોદ્ધાની મુદ્રામાં હોય છે અને તેમની પૂંછ ત્યારે ઊભી રહે છે. તેમના પગ નીચે રાક્ષસની મૂર્તિ હોય છે.

૩. દાસ હનુમાનજી

દાસ હનુમાનજીની પૂંછડી હમેશાં જમીન પર હોય છે. તેઓ શ્રીરામ સામે હાથ જોડીને ઊભા રહ્યા હોય છે.

 

ધર્મ-અધર્મની લડાઈમાં મહત્ત્વના દેવતા અર્થાત્ હનુમાનજી !

હનુમાનજી બળ-ઉપાસના માટેના ભગવાન છે. હનુમાનજીએ ત્રેતાયુગમાં રાવણ-વિરોધી યુદ્ધમાં પ્રભુ શ્રીરામચંદ્રને સહાયતા કરી, જ્યારે દ્વાપરયુગમાં મહાભારતના ઘનઘોર યુદ્ધ સમયે તેઓ કૃષ્ણ-અર્જુનનાં રથ પર બિરાજમાન હતા. લંકાદહન, દ્રોણગિરી પર્વત ઉપાડવા જેવા કઠિન કાર્યો હનુમાનજીએ રામનામના બળ પર કર્યા. આપણે પણ રાષ્ટ્ર અને ધર્મ કાર્ય નામજપ અને ભક્તિનાં બળ પર કરવું જોઈએ. કેવળ હનુમાનજીની પૂજાઅર્ચના કરવાને બદલે તેમનાં ગુણ આત્મસાત કરીશું તો જ હનુમાનજીની સાચી ભક્તિ થશે ! મહારાષ્ટ્રમાં બળ-ઉપાસનાની કેળવણી કરવા માટે રામદાસસ્વામીજીએ હનુમાનજીની ૧૧ મૂર્તિઓની સ્થાપના કરી અને હિંદવી સ્વરાજ્ય સ્થાપનાની મશાલ પ્રગટાવી.

 

હનુમાનજીના ગુણ

૧. નામપર દૃઢ શ્રદ્ધા

‘નામ જ બધુ કરે છે’, હનુમાનજીની એવી દૃઢ શ્રદ્ધા છે. વિશ્વામિત્રઋષિનું આજ્ઞાપાલન કરવા માટે શ્રીરામજીએ હનુમાન સાથે યુદ્ધ કર્યું. શ્રીરામજીએ તેમના પર અનેક બાણ છોડ્યા; પણ રામનામની ભક્તિને કારણે તેમને એકપણ બાણ ન લાગ્યો. નામ પર શ્રદ્ધા હોવાથી જ તેઓ સમુદ્ર ઓળંગીને લંકા પહોંચી ગયા.

૨. સગુણમાં ન અટકવું

હનુમાનજીમાં સગુણ ભાવ કરતાં નિર્ગુણ ભાવ વધારે છે. તેઓ વ્યક્તિનિષ્ઠ નહીં, જ્યારે તત્ત્વનિષ્ઠ છે. એટલા માટે ભગવાન શ્રીકૃષ્ણએ સોંપેલી સેવા પણ હનુમાનજીએ તેટલી જ શ્રદ્ધાપૂર્વક પાર પાડી.

૩. બ્રહ્મચર્યનું કડક પાલન કરવું

૪. નિષ્કામ પ્રાર્થના કરવી

શ્રીરામ ભગવાને અંગદને ‘યુવરાજ’ પદ આપ્યું, સુગ્રીવ અને વિભીષણને રાજ્ય આપ્યું તથા અન્ય બધાયને મૂલ્યવાન ભેટવસ્તુઓ આપી. માત્ર હનુમાનજીને કાંઈ જ ન આપ્યું. શ્રીરામ ભગવાને માગી લેવા માટે કહેવાથી હનુમાનજીએ પ્રાર્થના કરી, ‘હે પ્રભુ, મને સદૈવ આપના ચરણોમાં સ્થાન આપો. મારા હૃદયમાં સદૈવ આપનો વાસ રહે. આપની સેવા કરવા દો.’ આનાથી સ્પષ્ટ જ થાય છે કે, હનુમાનજી કેટલા નિષ્કામ છે.

૫. આસક્તિ નહીં, પણ વૈરાગ્ય હોવું

હનુમાનજીએ ધન, માન, દેહસુખ, સ્ત્રી, રાજ્ય અને પદનો ત્યાગ કર્યો. તેમને માત્ર ભગવાન જોઈતા હતા. જ્યારે સીતાજીએ હનુમાનજીને સોનાનો હાર આપ્યો, ત્યારે તેમાં રામ ન હોવાથી તેમણે તે હારને તોડીને ફેંકી દીધો હતો. તેમને પોતાના આરાધ્ય પ્રભુ રામ સિવાય કાંઈ જ જોઈતું નહોતું.

સંદર્ભ : સનાતન સંસ્થાનો લઘુગ્રંથ ‘મારુતિ’