અહમ્ નિવારણ કરવા માટેના ઉપાય

અનુક્રમણિકા

અહમ્ દૂર કરવા માટેના ઉપાય એના પાંચ પ્રકાર છે

અ. માનસશાસ્‍ત્ર અનુસાર

આ. કર્મયોગ અનુસાર

ઇ. જ્ઞાનયોગ અનુસાર

ઈ. ભક્તિયોગ અનુસાર અને

ઉ. ગુરુકૃપાયોગ અનુસાર

 

અ. માનસશાસ્‍ત્ર અનુસાર અહમ્ નિવારણ કરવા માટેના ઉપાય

૧. સ્વભાવદોષ ઘટાડવા

પ્રત્યેક વ્યક્તિમાં કાંઈક તો સ્વભાવદોષ હોય જ છે. સ્વભાવદોષ હોવાં એ અહમ્નો જ ભાગ છે. ચિત્ત પરના રૂચિ-અરૂચિ, વાસના ઇત્યાદિ સ્વભાવકેંદ્રો પરના સંસ્કાર જ્યારે ઘટવા લાગે, તો તદનુરૂપ અહમ્ પણ ઓછું થવા લાગે છે. આ સંસ્કારોનો ક્ષય કરવાનો એક ઉપાય છે, તે એટલે સ્વયંસૂચના આપવી. આ સંદર્ભમાં અધિક પૃથક્કરણ સનાતનના ગ્રંથ ‘સુખી જીવન માટે સ્વસંમોહન-ઉપચાર’માં કરવામાં આવ્યું છે.
વ્યક્તિનો અહમ્ સંપૂર્ણ રીતે નિર્મૂળ થાય તે માટે સ્વભાવદોષ-નિર્મૂલન પ્રક્રિયાની સાથેસાથે,  ‘અહમ્ને ઘટાડવા માટે સાધનાના મહત્ત્વપૂર્ણ ઘટકો’ આ સૂત્ર હેઠળ આપવામાં આવેલાં અન્ય પ્રયત્નો પણ સતતપણે કરવાં આવશ્યક છે.

૨. પોતાની ભૂલચૂક સ્વીકારવાની વૃત્તિ

પ્રથમ તબક્કામાં ભૂલચૂક સ્વીકારવાનું શીખવું; બીજા તબક્કામાં પોતાની ભૂલ માટે ઈશ્વર પાસે તથા જે વ્યક્તિના સંદર્ભમાં તે ભૂલ થઈ છે, તેમની ક્ષમા માંગો. એ પ્રયત્નથી અહમ્ ક્ષીણ કરવામાં સહાય થાય છે.

૩. નમ્રતા

એક સુવચન છે – ‘    પ્રત્યેક વ્યક્તિ અને વસ્તુ પ્રત્યે આપણે જેટલાં નમ્ર બનીશું, એટલી સત્વરતાથી અહમ્ પણ ઘટવા લાગશે.

૪. અન્ય લોકો પાસેથી શીખવાની વૃત્તિ રાખવી

સતત અન્ય લોકોને શીખવવાને બદલે અન્ય લોકો પાસેથી શીખવાની વૃત્તિ રાખવી જોઈએ. જ્યાં અજ્ઞાન (અથાત્ હું કાંઈ જાણતો નથી) હોય, ત્યાં અહમ્ં નથી હોતો.

૫. પ્રશંસાની અપેક્ષા ન રાખવી

સર્વકાંઈ ગરુદેવ/ઈશ્વરની ઇચ્છા અનુસાર અથવા નિયમ અનુસાર થઈ રહ્યું છે, એવો ભાવ હંમેશાં રાખવામાં આવે, તો પ્રશંસાની અભિલાષા થતી નથી. જો કોઈ આપણી પ્રશંસા કરે, તો તે પ્રશંસાનું રૂપાંતર સાધનાની દૃષ્ટિએ કંઈક શીખવા માટે કરવાથી પ્રશંસાનો અહંકાર થતો નથી.

૬. માનની અભિલાષા ન રાખવી

‘મારું સન્માન થાય, મને માન મળે’, એવી લાગણી રાખવાથી આપણામાં રહેલા ‘હું’પણાને પોષણ મળે છે.

૭. પોતાની સરખામણી શ્રેષ્ઠ લોકો સાથે કરવી

બાળપણની અહમ્ વિહોણી વૃત્તિ, મોટા થયા પછી બે વિશેષ કારણોથી નષ્ટ થઈ જાય છે – વિદ્યા અને ધન. આ બંને કારણોથી એવી વૃત્તિ વિકસે છે કે ‘હું ઘણું કાંઈ જાણું છું અને હું શ્રેષ્ઠ છું.’ આ જ વૃત્તિ આગળ જતાં આપણા માટે ઘાતક પુરવાર થાય છે. સંત કબીર પોતાની ભક્તિની સરખામણી ગોપીઓની ભક્તિ સાથે કરતી સમયે કહે છે કે –

कबीर कबीर क्या कहे । जाये जमुना तीर ।

एक गोपी के प्यार में । बह गये लाख कबीर ॥

ભાવાર્થ –

કબીર કબીરનું શું રટણ કરો છો, જાવ જમુના નદીનાં કાંઠે,

એક ગોપીની પ્રેમભક્તિમાં, તણાઈ ગયા લાખો કબીર.

૮. નાના બાળકો સાથે રમવું

નાના બાળકો સાથે રમવાથી આપણે આપણી, ‘મહાનતા’ને થોડેઘણે અંશે ભૂલી જઈએ છીએ.

૯. પોતાના વિશે અન્ય લોકોને કાંઈ પણ કહેવું નહીં.

પોતાના સુખ-દુઃખ, પ્રાપંચિક (સાંસારિક) કામકાજ ઇત્યાદિ વિશે જે અન્ય લોકોને અધિક પ્રમાણમાં જાણકારી આપે છે, તેનામાં દેહબુદ્ધી હોય છે. પોતાના વિશે અન્ય લોકોને કાંઈ પણ નહીં જણાવવાથી દેહભાન આપમેળે ઘટવા લાગે છે.

૧૦. પરેચ્છાથી વર્તન કરવું

કુટુંબીજનો સાથે સ્વેચ્છાથી વર્તન કરવાને બદલે તેમની ઇચ્છા પ્રમાણે વર્તન કરવું જોઈએ. ‘પોતાને અન્ય લોકોથી નિરાળું સમજવું’ એ અહમ્નું જ એક લક્ષણ છે.

૧૧. અન્ય લોકો સાથે વાતચીત કરતી સમયે

૧. ઘણીવાર પોતાના અથવા અન્ય સાધકોના સ્વભાવદોષોને કારણે આપણો તેમની સાથે મનમેળ થતો નથી. એવા સમયે તે સાધકને કેવળ ‘એક વ્યક્તિ’ તરીકે સમજવાને બદલે તેને ‘ઈશ્વરનું એક નાનકડું રૂપ’ એ રીતે સ્વીકારી લઈને તેની સાથે આત્મીયતા વધારવાનો પ્રયાસ કરવો .

૨. કોઈ વ્યક્તિની સમક્ષ તરત જ પ્રતિક્રિયા વ્યક્ત નહીં કરવી.

૩. સામેવાળી વ્યક્તિ કાંઈ બોલી રહી હોય, તો વચ્ચે બોલવું નહીં.

૪. ધીમા અવાજે તથા નમ્રતાથી બોલવું.

 

આ. કર્મયોગ અનુસાર અહમ્ દૂર કરવાના ઉપાય

મનુષ્યને પોતાના નામ, પદ, કર્તૃત્વ ઇત્યાદિનો બહુ જ અહમ્ હોય છે. પરેચ્છા અનુસાર અથવા આજ્ઞાપાલનથી કર્મ કરવાથી અહમ્ ધીમે ધીમે ઘટવા લાગે છે.

 

ઇ. જ્ઞાનયોગ અનુસાર અહમ્ ન્યૂન કરવાનો ઉપાય

૧. ‘હું’, ‘મારું’, કહેવાથી દૂર રહેવું

પોતાના વિશે વાતચીત કરતી વેળાએ ‘હું ’, ‘મારું’ કહેવું નહીં .‘ઋષિ-મૂનિ તથા  સંત-મહાત્માઓ ‘હું’પણાથી પોતાને દૂર રાખતા. અનેક ઋષિ-મુનિઓએ પોતાના નામ વેદ-ઉપનિષદોમાં લખ્યા નથી. અનેક આધ્યાત્મિક લેખોમાં ઋષિ-મુનિઓએ આ રીતે લખ્યું છે –

અ. ‘તમે જે પ્રશ્ન કર્યો છે, એ જ પ્રશ્ન કોઈએ મહર્ષિ નારદજીને કર્યો હતો. તેમણે જે ઉત્તર આપ્યો, એ જ હું આપને જણાવું છું.’

આ. ‘એકવાર બ્રહ્મદેવને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો, તો બ્રહ્મદેવે તેનો ઉત્તર આ રીતે આપ્યો’.

ઇ. ‘પાર્વતીજીના પ્રશ્નના ઉત્તરમાં શિવજીએ કહ્યું.’

૨. વિશ્‍વની વ્યાપકતા સાથે પોતાની સરખામણી કરવી

‘અઢાર વિશ્‍વ છે. પ્રત્યેક વિશ્‍વમાં અનંત કોટિ બ્રહ્માંડ છે. તેમાંના એક બ્રહ્માંડમાં આપણી પૃથ્વી છે.

પૃથ્વી પર અનંત કોટિ જીવોમાંથી હું એક જીવ છું, અર્થાત્ સાગર કિનારે આવેલા અનંત કોટિ રેતીના કણોથી પણ હું ગૌણ છું’, એવો વિચાર કરવાથી પણ અહં ઓછો થાય છે.

 

ઈ. ભક્તિયોગ અનુસાર અહં ન્યૂન કરવાના ઉપાય

૧. ‘આ દેહ મારો નથી, હું પરમેશ્‍વરનો છું,’ એનું હંમેશાં ભાન રાખવું

‘દેહ મારો નથી, હું પરમેશ્‍વરનો છું, એનું હંમેશાં ભાન રાખવું જોઈએ. – શ્રી ગોંદવલેકર મહારાજ
સંતોમાં દેહભાન હોતું નથી. તેઓ દેવતાઓ સાથે કેટલા એકરૂપ થઈ ચૂક્યા હોય છે, એ તેમની વાતચીતમાંથી પણ કેવી રીતે વ્યક્ત થાય છે, એ આગળ આપવામાં આવેલાં ઉદાહરણ પરથી સ્પષ્ટ થશે. મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લામાં આવેલા બાંદા ખાતેના સંત પ.પૂ. દાસ મહારાજ (પ.પૂ. રઘુવીર મહારાજ) એ હનુમાન ભક્ત છે. એક વાર એક વ્યક્તિ પ.પૂ. દાસ મહારાજને આડું -અવળું બોલી. ત્યારે પ.પૂ. દાસ મહારાજે હનુમાનજીને કહ્યું, ‘‘તેમણે મને નહીં, આપને કહ્યું છે. મારાથી આ સહન થતું નથી’’ અર્થાત્ પ.પૂ. દાસ મહારાજને તે વિશે એમ લાગ્યું નહીં કે એ બોલનારી વ્યક્તિએ તેમના માટે કાંઈ કહ્યું છે (અયોગ્ય વેણ કાઢ્યા છે ). સંતગણ ઈશ્વર સાથે એકરૂપ થઈ ચૂક્યા હોય છે, તેથી તેમનામાં અહમ્ બહુ જ અલ્પ હોય છે.

૨. ‘હું ભગવાનનો છું’ એવો ભાવ રાખવો.


ભગવાન વિશે એવો જ ભાવ રાખો કે ‘હું ભગવાનનો છું.’ તેથી સતત મનથી ભગવાનની સેવા કરવાની ઇચ્છા થાય છે.

૩. સ્મરણ રહે કે સર્વકાંઈ પરમેશ્‍વરનું છે

સ્મરણ રહે કે સર્વકાંઈ પરમેશ્‍વરનું છે, તેઓ સર્વત્ર વ્યાપ્ત છે અને તેઓ જ બધુ કરે છે. એથી ‘સ્વ’ના વિચાર ઓછા થશે તેમજ પરમેશ્‍વર પ્રત્યેનો ભાવ વૃદ્ધિંગત થશે.
શ્રી ગરુદેવ રાનડેને  આ આશય ધરાવતી એક આમંત્રણ પત્રિકા મળી – ‘અમાસના દિવસે અમે એક સપ્તાહ (પાઠ) કરવાના છીએ. તેમાં આપ પણ પધારશો.’ આ આમંત્રણ પત્રિકા વાંચીને ગુરુદેવ બોલ્યા, ‘‘અમે કરવાના છીએ, આનો શું અર્થ  છે? ‘થવાનો છે’, એવું લખવું જોઈતું હતું.’’
પરમાર્થની જેમ પ્રપંચમાં પણ ભાવ રહેવો જોઈએ કે ‘ઈશ્‍વરે કર્યું’. ઉદા.‘હું શીખ્યો’ને બદલે એવો ભાવ રાખવો કે ‘ઈશ્‍વરે શીખવાડ્યું’, ‘ઈશ્‍વરે નોકરી અપાવી’, ’ઈશ્‍વરે મારા વિવાહ કરાવી આપ્યા’. ભૂખ, ઊંઘ, છીંક, બગાસું ઇત્યાદી જેવી દેહ સાથે સંબંધિત નાની નાની ક્રિયાઓ પર પણ આપણું કોઈ નિયંત્રણ નથી, તો ભલા આપણે કંઈ વાતનો અહમ્ રાખવો જોઈએ.

૪. ભગવાનના ચરણોમાં સંપૂર્ણ શરણાગત થવું

મહાભારતમાં એક પ્રસંગ છે. જુગારમાં પાંડવો કૌરવો સામે હારી જાય છે. તે વેળાએ, દુર્યોધન દુ:શાસનને પાંડવોની પત્ની દ્રૌપદીને રાજદરબારમાં લાવીને વિવસ્ત્ર કરવાની આજ્ઞા કરે છે. ત્યારે દ્રોપદી શ્રીકૃષ્ણ ભગવાનનું સ્મરણ કરે છે; શ્રીકૃષ્ણ આવે છે અને દ્રૌપદીને વસ્ત્રો પૂરાં પાડીને તેની લાજ રાખે છે. ત્યાર પછી દ્રૌપદી શ્રીકૃષ્ણને પૂછે છે, ‘‘તમે આવવામાં આટલો વિલંબ કેમ કર્યો ?’’ ઉત્તરમાં શ્રીકૃષ્ણ કહે છે, ‘‘જ્યાં સુધી તે પોતાના વસ્ત્રો પકડી રાખ્યાં હતાં, ત્યાં સુધી તને આશા હતી કે હું સ્વયં પોતાની લાજનું  રક્ષણ કરી શકું છું; પરંતુ જ્યારે તે જાણ્યું કે ‘લાજનું રક્ષણ કરવું શક્ય નથી’, ત્યારે તું સંપૂર્ણ શરણાગત થઈ અને હું તને સહાય કરવા દોડી આવ્યો’’

૫. પ્રાર્થના

પ્રાર્થનાનો અર્થ છે, ‘ભગવાનની સમક્ષ નમ્ર થઈને ઇચ્છિત વસ્તુ આતુરતાથી માંગવી. (જેને ગુરુ હોય,  તે સાધક પોતાના ગુરુને જ પ્રાર્થના કરે છે.) કોઈ પ્રસંગમાં ભગવાનને પ્રાર્થના કરવાથી આપણે અસમર્થ હોવાનું વ્યક્ત થાય છે, ઉપરાંત કર્તાપણું પણ આપણી પાસે રહેવાને બદલે તે ઈશ્‍વર પાસે રહે છે. પ્રાર્થના થયા પછી ગુરુ અથવા ભગવાન ‘તથાસ્તુ’ કહે છે, તેથી પ્રાર્થનાનું અપેક્ષિત ફળ મળે જ છે; તે સિવાય ‘ગુરુ અથવા ભગવાન જ કાર્ય કરાવી રહ્યા છે’, એવો ભાવ ઊપજવાથી કાર્યના સંબંધમાં અહમ્ નિર્માણ થતો નથી.

પ્રાર્થનાના કેટલાક ઉદાહરણો

અ. ‘હે ગરુદેવ/ભગવાન, આપ જ મારા ધ્યાનમાં લાવી આપશો કે ‘મારો અહમ્ કઈ બાબતોને કારણે વધે છે.’

આ. ‘હે ગુરુદેવ/ભગવાન, મારો એવી વ્યક્તિઓ સાથે મેળાપ કરાવો અથવા મારા જીવનમાં એવા પ્રસંગો નિર્માણ કરશો, જેમના થકી અહમ્ ઓછો કરવામાં સહાયતા મળે.’

ઇ. દાસ્યભાવ  વધારવા હેતુ પ્રાર્થના : ‘હે ઈશ્‍વર/ગુરુદેવ, આપ અનંત રૂપ ધારણ કરીને સર્વ સાધકો પર કૃપા કરો છો. આપ આ સર્વ અમારા માટે જ કરો છો. અમે આપના દાસ છીએ. હનુમાનજીની જેમ દાસ્યભક્તિ કરવાનું આપ જ મને શીખવાડો. એમ કરવાથી હું આપની પરિપૂર્ણ સેવા કરી શકીશ. સદ્દગરુનાથ, આપની કૃપા વિના અમે કાંઈ પણ કરી શકતા નથી. કર્તા-હર્તા આપ જ છો એનું ભાન અમને સતત થતું રહે. અમારા પર કૃપા કરશો કે અમારો અહમ્ ન વધે. હે ગુરુદેવ, આપની કૃપા નહિ હોય, તો તરત જ અમારામાં ‘કર્તાપણું’ આવી જાય છે. અમે આપના દાસ છીએ, એનું ભાન અમને નિરંતર થવા દેશો.’

અહમ્ ઓછું કરવામાં પ્રાર્થનાની સહાય થાય છે તે સંદર્ભમાં થયેલી અનુભુતિ

૧. દેવદર્શન માટે જવાનું આપણા હાથમાં છે, એવા પ્રકારનો અહમ્ ધરાવનારા સાધકને નીકળતા પહેલા તીવ્ર ત્રાસ થવો અને ‘આપના દર્શન માટે આપ જ મને લઈ  જાવ’, એવી પ્રાર્થના કરવાથી ત્રાસનું નિવારણ થવું : ‘એક વાર મને હરેશ્‍વરના દર્શન કરવા માટે જવું હતું. જાત્રા કરવાના બે દિવસ અગાઉ ત્યાંના પંડિતે ભગવાન પાસે મારા માટે આશીર્વાદ માંગ્યા કે હું હરેશ્‍વર આવી શકું. જ્યારે મને એની જાણ થઈ તો મેં કહ્યું કે, ‘‘હું તો આવીશ જ. આવી નાની નાની બાબતો માટે આશીર્વાદ કેમ માંગો છો ?’’ હરેશ્‍વરની  જાત્રા માટે સવારે ૬ કલાકે નીકળવાનું હતું. તે દિવસે પરોઢિયે ૪ કલાકે જ મારા પેટમાં તીવ્ર વેદના થવા લાગી. પછી મેં હરેશ્‍વર ભગવાનને જ પ્રાર્થના કરી કે ‘આપના દર્શન કરવા માટે આપ સ્વયં જ મને લઈ જાવ.’ ત્યાર પછી મને કોઈ પીડા થઈ નહીં. આ પ્રસંગ પરથી મને પ્રાર્થનાનું સામર્થ્ય સમજાયું અને મારો અહમ્ ઓછો થવામાં સહાયતા થઈ. – એક સાધક

કોઈ કાર્ય પૂર્ણ કરવા માટે કેવળ પ્રાર્થના જ પર્યાપ્ત હોતી નથી; પ્રાર્થનાની સાથે પ્રયત્ન કરવાનું પણ આવશ્યક  છે. ‘  એ કથન અનુસાર પરમેશ્‍વર આપણી સહાયતા કરે છે. જો પ્રયત્ન કરવાની વૃત્તિ આપણામાં નહીં હોય, તો પરમેશ્‍વર પણ આપણને સહાય કરતા નથી.

 ૬. કૃતજ્ઞતા

શરણાગત થવાની પ્રક્રિયા એ કૃતજ્ઞતા વ્યક્ત કર્યા વિના પૂર્ણ થતી નથી. કૃતજ્ઞતા દ્વારા કર્તાપણું ઈશ્‍વર/ગુરુદેવને અર્પણ કરવામાં આવે છે, તેથી અહમ્ ઓછું કરવામાં સહાયતા મળે છે. જે ઈશ્‍વરના કારણે આપણે શ્વાસ લઈ શકીએ છીએ, તેમના પ્રત્યે કેવળ શાબ્દિક કૃતજ્ઞતા વ્યક્ત કરવાથી સંપૂર્ણ લાભ થતો નથી. ઈશ્‍વર પ્રત્યેની કૃતજ્ઞતા આપણા આચરણમાં દેખાવી જોઈએ. ઈશ્‍વરનું નામ હંમેશા મુખે રમતું રહે, ઈશ્‍વરના બાળકોનો અર્થાત્ સમસ્ત માનવજાતિનો ઉદ્ધાર થાય, અર્થાત્ ઈશ્‍વરપ્રાપ્તિ માટે તેમને અધ્યાત્મનું જ્ઞાન સતત આપવાથી એ ઈશ્‍વર પ્રત્યે સાચી કૃતજ્ઞતા વ્યક્તિ થઈ કહેવાશે. જો સતત ભાન રહે કે કર્તા- હર્તા એવા ઈશ્‍વરની કૃપાથી જ આધ્યાત્મિક ઉન્‍નતિ થઈ રહી છે, તો સાધનાનો અંત થતો નથી.

तुलसी-तुलसी क्या करे तुलसी बन की घास ।

कृपा हुई श्रीराम की तो बन गए तुलसीदास ॥
– સંત તુલસીદાસ

 

 ઈ. ગુરુકૃપાયોગ અનુસાર અહમ્ દૂર કરવા માટેના ઉપાય

ભક્તિયોગ અનુસાર અહમ્ દૂર કરવાનાં સર્વ સૂત્રો અહીં પણ લાગુ થાય છે. કેવળ આ સાધનામાર્ગમાં નિર્ગુણ સ્વરૂપ ધરાવતા ઈશ્‍વરને બદલે સગુણ સ્વરૂપ ધરાવતા ઈશ્‍વર, અર્થાત્ ગુરુ જ સાધકોના ભગવાન હોય છે. આ સાધનામાર્ગમાં શિષ્ય ગુરુદેવની સમીપ અથવા દૂર રહીને, ગુરુના માર્ગદર્શન અનુસાર સાધના કરે છે. ગુરુની કૃપાથી શિષ્યનો અહમ્ તુરંત ઓછો થાય છે, તેથી કોઈપણ સાધનામાર્ગની તુલનામાં આ માર્ગ દ્વારા અહમ્-નિર્મૂલન પ્રક્રિયા ઝડપથી થાય છે.

૧. ગુરુની આજ્ઞામાં રહેવું તથા ગરુને માટે ભિક્ષા અથવા ગુરુકાર્ય માટે દાન માંગવું

સંન્યાસ ધર્મમાં ભિક્ષા માંગવાનું શીખવવામાં આવે છે. ભિક્ષા અથવા દાન માગતી વેળાએ જો પરિચિત લોકો ‘ના’ પાડે, તો અપેક્ષા ભંગ થાય છે અને અન્ય લોકો પાસેથી જ્યારે ભિક્ષા ન મળે, તો અપમાન થાય છે. આ સર્વ સહન કરતા આવડવું જોઈએ, તેથી ગુરુદેવ પોતાના શિષ્યની દેહબુદ્ધિ ઓછી કરવા માટે ભિક્ષા, દાન ઇત્યાદી માંગવાની આજ્ઞા કરે છે.

૨. ગુરુના સાન્નિધ્યમાં રહેવું

ગુરુના સાન્નિધ્યમાં રહેવાથી અહમ્ં સત્વરતાથી ઘટે છે. એના કારણો નીચે જણાવ્યા પ્રમાણે છે.

અ. ગરુના ઉપદેશ અને કૃતિ થકી અહમ્ ઘટાડવુ શીખી શકાય છે.

આ. ગુરુના ઠપકાથી અહમ્ ઘટે છે.

ઇ. ગુરુના સાન્નિધ્યમાં નામજપ આપમેળે થાય છે, તેથી અહમ્ નિર્માણ નથી થતો કે ‘હું નામજપ કરું છું ’.

સંદર્ભ : સનાતન દ્વારા નિર્મિત ગ્રંથ ‘અહમ્-નિર્મૂલન માટે સાધના’ (હિંદી, અંગેજી, મરાઠી ભાષામાં ઉપલબ્ધ)

Leave a Comment