શ્રી સંત તુલસીદાસનું જીવન ચરિત્ર

શ્રાવણ સુદ સાતમના દિવસે, એટલે કે આ વર્ષે ૩૧ જુલાઈએ, ગોસ્વામી સંત તુલસીદાસજીની જયંતિ છે. તે નિમિત્તે ચાલો આપણે તેમનું ચરિત્ર ટૂંકમાં જાણી લઈએ.

 

૧. શ્રી સંત તુલસીદાસ (જન્મ: વર્ષ ૧૫૧૧, દેહત્યાગ: વર્ષ ૧૬૨૩)

જન્મ અને બાળપણ :

ઉત્તર પ્રદેશમાં હસ્તિનાપુર ખાતે આત્મારામ અને હુલસીના પુત્ર તરીકે શ્રાવણ સુદ સાતમે તુલસીદાસજીનો જન્મ થયો. તેઓ માતાના ગર્ભમાં બાર મહિના રહ્યા હતા. જન્મ સમયે મૂળ નક્ષત્ર હતું, મુખમાં બત્રીસ દાંત હતા, શરીર પાંચ વર્ષના બાળક જેવું હતું, અને જન્મતાની સાથે જ બાળક રડ્યું નહીં, પરંતુ તેના મુખમાંથી ‘રામ’ નામ આવ્યું. આવા અદ્દભુત, પરંતુ દુષ્ટ ચિહ્‌નોને કારણે માતા-પિતાએ તે બાળકને સુવર્ણદાન સાથે ચુનિયા નામની દાસીને સોંપી દીધું. ત્યાર પછી બાળકની માતા હુલસીનું નિધન થયું. ચુનિયા દાસીએ બાળકનો પાંચ વર્ષ સુધી ઉછેર કર્યો. પછી તેનું પણ મૃત્યુ થયું. આ બાળક એકલવાયું જીવન જીવી રહ્યું હતું, ત્યારે સ્વયં જગજ્જનની પાર્વતીએ એક બ્રાહ્મણ સ્ત્રીના વેશમાં આવીને તે બાળકને નરસિંહદાસ નામના સાધુને સોંપી દીધું. તેમણે તે બાળકનું પાલન-પોષણ કર્યું. આગળ જતાં શ્રી શિવશંકરે નરહર્યાનંદને દ્રષ્ટાંત આપીને તે બાળકનો ઉપનયન સંસ્કાર કરાવવા કહ્યું. ઉપનયન પછી બાળકનું નામ રામબોલા રાખવામાં આવ્યું. તે જ તુલસીદાસ.

અધ્યયન :

અયોધ્યામાં બાર વર્ષ સુધી શ્રી ગુરુના સાનિધ્યમાં રહીને તેમણે વેદશાસ્‍ત્રનું અધ્યયન પૂર્ણ કર્યું. ત્યારબાદ તેઓ હસ્તિનાપુર ગયા. ત્યાં તેમના પિતા આત્મારામ દુબે સાથે તેમનો મેળાપ થયો. આત્મારામ અકબરના દરબારી હતા, અને તેઓ એકવાર તુલસીદાસજીને અકબર પાસે લઈ ગયા. બાદશાહ અકબર તુલસીદાસજી પર ખૂબ પ્રસન્ન થયા. બાદશાહ તુલસીદાસજીને શિકાર માટે પોતાની સાથે લઈ જતા હતા.

 

૨ . વૈવાહિક જીવન અને વૈરાગ્ય

તુલસીદાસજીના પિતા આત્મારામે તુલસીદાસજીના લગ્ન એક શ્રીમંતની પુત્રી સાથે ધામધૂમથી કરાવ્યા. તેનું નામ રત્નાવલી હતું. તે બંને પતિ-પત્નીને એકબીજા પ્રત્યે અત્યંત પ્રેમ હતો. તુલસીદાસજીને તેના વિના એક ક્ષણ પણ ચેન પડતું ન હતું.

એક દિવસ તુલસીદાસજી અકબર બાદશાહ સાથે દૂરના દેશમાં ગયા હતા ત્યારે રત્નાવલીને પિયર બોલાવવામાં આવતાં તે ત્યાં ગઈ હતી. તુલસીદાસજી ઘરે પાછા ફર્યા ત્યારે તેમને રત્નાવલી પિયર ગઈ હોવાનું કહેવામાં આવ્યું. તેઓ તરત જ સાસરી જવા નીકળ્યા. ત્યાં પહોંચતા પહોંચતા રાતના બે પ્રહર થઈ ગયા. ઘરના બધા લોકો દરવાજા બંધ કરીને સૂઈ ગયા હતા. તુલસીદાસજી વિચાર કરવા લાગ્યા કે અંદર પ્રવેશ કેવી રીતે કરવો? રત્નાવલીને મળવા તેઓ ખૂબ ઉત્સુક હતા. એક સાપ બારીને વીંટળાઈને લટકી રહ્યો હતો તે તેમની નજરે પડ્યો. તેને પકડીને તુલસીદાસજી અંદર ગયા. ઘરના લોકો જાગી ગયા. તુલસીદાસજી આવ્યા હોવાનું તેની માતાએ રત્નાવલીને જણાવ્યું.

તે તુલસીદાસજી પાસે આવી અને બોલી, “બધા દરવાજા બંધ હતા ત્યારે તમે અંદર કેવી રીતે આવ્યા?” ત્યારે તુલસીદાસજી બોલ્યા, “તે જે દોરડું મને અંદર આવવા માટે લટકાવી રાખ્યું હતું, તે દોરડાને પકડીને હું આવ્યો.” આ સાંભળીને રત્નાવલીને આશ્ચર્ય થયું. તે બારી પાસે જઈને જુએ છે તો એક મોટો સાપ લટકી રહ્યો હતો તે તેની નજરે પડ્યો. ત્યારે તે તુલસીદાસજીને બોલી, “પ્રાણનાથ, તમે મારા પર જેટલો પ્રેમ કરો છો, તેટલો જો શ્રીરામના ચરણોમાં રાખશો, તો તમારા જન્મનું સાર્થક થશે.” તેના આ ઉદ્દગાર સાંભળીને તુલસીદાસજી વિરક્ત થયા. તેમના મનમાં વૈરાગ્ય ઉત્પન્ન થયો. તેઓ ત્યાંથી તરત જ નીકળ્યા અને આનંદવન ગયા. ત્યાં તેમણે બાર વર્ષ સુધી તપસ્યા કરી. ત્યારબાદ તેઓ રામકથાનું કથન કરવા લાગ્યા.

 

૩. રામ દર્શનની તલપ :

એકવાર તુલસીદાસજીને એક પિશાચ મળ્યો. પિશાચે “તને શું જોઈએ છે?” એમ તુલસીદાસજીને પૂછ્યું. “રામની સાથે મેળાપ કરાવી દે.” એમ તુલસીદાસજીએ કહેતા જ તે પિશાચ પાછળ ખસવા લાગ્યો. દૂર જઈને તેણે તેમને કહ્યું, “તું જ્યાં પુરાણ સાંભળવા જાય છે, ત્યાં એક વૃદ્ધ બ્રાહ્મણ હાથમાં લાકડી લઈને બધાથી પહેલા આવીને બેસે છે અને બધા ગયા પછી નીકળી જાય છે. તે તને રામની સાથે મેળાપ કરાવશે. તે સાક્ષાત હનુમાન છે.” એમ કહીને પિશાચ અદૃશ્ય થઈ ગયો.

બીજા દિવસે પુરાણ પત્યા પછી તે બ્રાહ્મણ જઈ રહ્યો હતો ત્યારે તુલસીદાસજીએ તેને માર્ગમાં પકડીને સાષ્ટાંગ પ્રણામ કર્યા. “હું ગરીબ બ્રાહ્મણ છું. તને આપવા માટે મારી પાસે કંઈ નથી.” એમ બ્રાહ્મણે કહેતા જ તુલસીદાસજી બોલ્યા, “તમે હનુમાન છો. શ્રીરામના દર્શન તમે મને કરાવો.” વાલ્મીકિએ અવતાર લીધેલા આ તુલસીદાસ છે, એમ હનુમાનજીએ ઓળખી લીધું. તેમણે તેમને પ્રેમથી આલિંગન આપ્યું. જલદી જ શ્રીરામની સાથે મેળાપ કરાવું છું એમ કહીને હનુમાનજી અદૃશ્ય થઈ ગયા. હનુમાનજીએ શ્રીરામચંદ્રને કહ્યું, “તમારી આજ્ઞાથી વાલ્મીકિએ તુલસીદાસ નામથી અવતાર લીધો છે. તેમને તમારા દર્શનની તલપ લાગી છે.” ત્યારે પ્રભુ રામચંદ્રએ તુલસીદાસજીને વાલ્મીકિએ વર્ણવેલા રૂપમાં દર્શન આપીને આલિંગન આપ્યું. તેમના મસ્તક પર હાથ મૂકીને તેઓ અદૃશ્ય થઈ ગયા.

રચના :

તુલસીદાસજીને કવિ તરીકે હિંદી સાહિત્યમાં શ્રેષ્ઠ સ્થાન છે. તુલસીદાસજી જેટલો બીજો કોઈ લોકપ્રિય કવિ ભારતમાં મધ્યયુગમાં થયો નથી. તેમની રચનાઓએ ગરીબની ઝૂંપડીથી લઈને શ્રીમંતના મહેલ સુધી સર્વત્ર સમાન રીતે પ્રવેશ કર્યો છે. તેઓ રામચરિતમાનસ, અયોધ્યાકાંડ, સુંદરકાંડ ઇત્યાદિ મહાન આધ્યાત્મિક ગ્રંથોના રચયિતા છે.

હનુમાન ચાલીસા”ની રચના તુલસીદાસજીએ કરી. તુલસીદાસજીને હનુમાનજીએ વિનયપદ લખવાની આજ્ઞા કરી. તે માન્ય કરીને તેમણે ‘વિનય-પત્રિકા’ નામનું શ્રેષ્ઠ કાવ્ય રચ્યું. સંત તુલસીદાસજીએ વાલ્મીકિ રામાયણને હિંદી પહેરાવ ચઢાવ્યો. તે જ છે તુલસીદાસકૃત ”શ્રીરામચરિતમાનસ”.

સંવત ૧૬૩૧ના રામનવમીના દિવસે તુલસીદાસજીએ ‘શ્રીરામચરિતમાનસ’ લખવાનું પ્રારંભ કર્યું. બે વર્ષ, સાત મહિના, સત્તાવીસ દિવસમાં તેમની આ રચના પૂર્ણ થઈ. સંવત ૧૬૩૩ના માર્ગશીર્ષ માસમાં સુદ પક્ષમાં શ્રીરામ-સીતા વિવાહદિને સાતેય કાંડ પૂર્ણ લખાઈ ગયા.

ભગવાન શ્રીરામની આજ્ઞા અનુસાર તુલસીદાસજીએ કાશી જઈને શ્રી વિશ્‍વનાથ અને અન્નપૂર્ણાને પોતાનું કાવ્ય વાંચી સંભળાવ્યું અને ગ્રંથ વિશ્‍વનાથના મંદિરના ગર્ભગૃહમાં રાખ્યો. બીજા દિવસે ગ્રંથ પર ‘સત્યં શિવં સુંદરમ્’ એમ લખેલું અને તેની નીચે ‘શ્રી શંકર’ એમ અક્ષરો દેખાયા.

પ્રત્યક્ષ ભગવાન જ રક્ષક :

તુલસીદાસજીના આ કાવ્યને નષ્ટ કરવા કેટલાક દુષ્ટોએ પ્રયત્નો કર્યા. તે ગ્રંથ ચોરવા માટે તેમના ઘરે ચોરોને પણ મોકલવામાં આવ્યા. પરંતુ બે ધનુર્ધર ત્યાં પહેરો આપતા તેમને દેખાયા. તે જોઈને ચોર ભાગી ગયા. તુલસીદાસજીએ પછી તે ગ્રંથ પોતાના જીવલગ મિત્ર તોડરમલ પાસે રાખ્યો.

અવતારકાર્ય :

તુલસીદાસજીએ ભારતભ્રમણ કર્યું. તત્કાલીન હિંદુ સમાજ પર થયેલા આક્રમણ જોઈને તેઓ અત્યંત દુઃખી થયા. તેમણે ભારતના બધા રાજાઓને એકત્ર લાવવા પ્રયત્નો કર્યા. સામાન્ય લોકોમાં પણ તેમણે જનજાગૃતિ કરી. તુલસીદાસજીએ રામલીલા નાટ્ય-પ્રકારની શરૂઆત કરી.

તુલસીદાસજીની શિખામણ : તુલસીદાસજીની ભક્તિમાં વિનયને અત્યંત ઊંચું સ્થાન છે. અહંકાર નષ્ટ થઈને નમ્ર થયા વિના ભક્તિનો આનંદ અનુભવી શકાતો નથી, એવી તેમની શ્રદ્ધા છે. આ અહંકારના નાશ માટે આત્મપરીક્ષણ કરીને પોતાના દોષો નષ્ટ કરવા અને ગુણવૃદ્ધિ કરવી આવશ્યક છે. ભક્તિ માટે સત્સંગ, જ્ઞાન, વૈરાગ્ય, તપ, સંયમ, શ્રદ્ધા, પ્રેમ, ભગવત્‌કૃપા, શરણાગતિ આ વસ્તુઓ પણ મહત્વની માનવામાં આવી છે. એક રીતે તુલસીદાસજીના ભક્તનું વ્યક્તિત્વ એક આદર્શ માનવનું વ્યક્તિત્વ બની જાય છે. આ જ પ્રક્રિયા સનાતન સંસ્થાના સંસ્થાપક સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત આઠવલેજીએ ગુરુકૃપાયોગ અનુસાર અષ્ટાંગ સાધનાના માધ્યમ દ્વારા જણાવી છે. આ અનુસાર અનેક સાધકો અલ્પાવધિમાં સંત અને સદ્દગુરુ પદને પ્રાપ્ત થયા છે.

શ્રીરામ ચરણે વિલીન :

શ્રાવણ વદ ત્રીજ, ૧૬૨૩ સાલમાં તુલસીદાસજીએ આસી ઘાટ પર શ્રીરામ નામ લેતા દેહ છોડ્યો.

સૌજન્ય: સનાતન સંસ્થા

Leave a Comment