પાલખેડ ખાતેની જગત્-પ્રસિદ્ધ લડાઈમાં પ્રથમ બાજીરાવ દ્વારા નિઝામનો દારુણ પરાભવ

શૌર્યગાથા વિશદ કરવાનો ઉદ્દેશ એટલો જ કે, ભારતનો ઇતિહાસ વિજયનો, પરાક્રમનો છે. ગત સાડા ત્રણસો વર્ષ પહેલાં છત્રપતિ શિવાજી મહારાજે ૧૦૦૦ વર્ષ મોગલ અને અન્‍ય આક્રમણકારીઓના અમલ હેઠળ રહેલા ભારતને સ્‍વતંત્ર કરવા માટે ચરસાચરસી ભર્યું યુદ્ધ કર્યું. છત્રપતિના ઇતિહાસમાંથી આપણને પ્રેરણા મળે છે. ત્‍યાર પછી દેશમાં અનેક લડાઈઓ લડવામાં આવી. તેમાંની કેટલીક લડાઈઓના કેવળ ઉદાહરણો અત્રે આપી રહ્યા છીએ.

પડોશી શત્રુદેશ પાકિસ્‍તાન વારંવાર યુદ્ધની ધમકીઓ આપી રહ્યો છે, જ્‍યારે ચીન ભારત પર આક્રમણ કરવાની તક જ શોધી રહ્યો છે. આવા સમયે આ શૌર્યગાથાનું સ્‍મરણ કરવાથી નવચૈતન્‍યનો સંચાર થઈને બાહ્ય આક્રમણ સમયે દેશાંતર્ગત રાષ્‍ટ્ર વિરોધી શક્તિઓ જો ઉઠાવ કરે, તો તેમનો સામનો નિર્ભયતાથી કરીને ભારતવાસીઓનું રક્ષણ કરી શકીશું.

બીજા મહાયુદ્ધમાં જે માણસે હિટલર જેવા પ્રશાસકના એક જ્‍યેષ્‍ઠ જનરલ રોમેલને યુદ્ધમાં હરાવ્‍યો તે ફિલ્‍ડ માર્શલ મૉંટગૅમેરીએ એક પુસ્‍તક લખ્‍યું છે ‘A Concise history of Warfare’ આ પુસ્‍તકમાં તેમણે જગત્‌ની મહત્વની લડાઈઓનું સરવૈયું લીધું છે. આ લડાઈઓમાંની એક લડાઈ એટલે નિઝામ અને પ્રથમ બાજીરાવ પેશવેમાંની પાલખેડની લડાઈ. ૨૦ વર્ષની કારકીર્દીમાં ૪૦ કરતાં વધારે લડાઈઓ બાજીરાવે નિર્ણાયક રીતે લડી અને જીતી લીધી. માળવા (વર્ષ ૧૭૨૩), ધાર (વર્ષ ૧૭૨૪), પાલખેડ (વર્ષ ૧૭૨૮), બુંદેલખંડ (વર્ષ ૧૭૩૦), દેહલી (વર્ષ ૧૭૩૭) અને ભોપાલ (વર્ષ ૧૭૩૮) આ તેમાંની કેટલીક પ્રમુખ લડાઈઓ છે.

આ સર્વ લડાઈઓથી મહારાષ્‍ટ્રના અને ભારતના રાજકારણ પર દૂરગામી પરિણામો થવા પામ્‍યાં. તેમાં પાલખેડની લડાઈ પ્રસિદ્ધ છે અને જે પદ્ધતિથી બાજીરાવે બુર્‌હાનપુરથી ગુજરાત સુધી નિઝામને અગિયારા ગણવાની ફરજ પાડી અને અંતે પાલખેડ ગામે નિઝામના સૈન્‍યની રસદ (લશ્‍કરનો ખોરાક અને તેની સામગ્રી) તોડીને તેને પરાજિત કરીને મુંગી શેવગાવનો સુલેહ કરવાની ફરજ પાડી, તેને એક યુદ્ધનીતિશાસ્‍ત્રના અત્‍યુચ્‍ચ નમૂના તરીકે ગણવામાં આવે છે. અમેરિકાના યુદ્ધશાસ્‍ત્રના અભ્‍યાસક્રમમાં પાલખેડની લડાઈનો અભ્‍યાસ કરવામાં આવે છે.

 

નિઝામ દ્વારા આક્રમણ

નિઝામ-ઉલ્-મુલ્‍ક તે પહેલાં દેહલીથી સેના લઈને દક્ષિણ સુભા છોડાવવા માટે બહાર નીકળ્યો હતો. નિઝામ પોતે ઔરંગઝેબના કાળમાંનો લડવૈયો. અનેક દેશ જોયેલો અને અનેક લડાઈઓ તેણે સ્‍વબળ પર જીતી હતી. નિઝામના સરદાર ઐવાઝ ખાને બાજીરાવનો પીછો ચાલુ કર્યો. બાજીરાવ ખાનદેશમાંથી ગુજરાત ભણી વળ્યો. બાજીરાવ પોતાને પતંગની જેમ ખેંચી જઈ રહ્યા હોવાનું ધ્‍યાનમાં આવીને નિઝામના સૈન્‍યએ તેનો પીછો કરવાનું ટાળ્યું અને બાજીરાવને શેહ આપવા માટે તેણે પુના પર જ આક્રમણ કરીને સાતારા સ્‍થિત છત્રપતિને જોખમ નિર્માણ કર્યું.

આ રીતે આક્રમણ થયા પછી છત્રપતિ, બાજીરાવ અથવા બન્‍ને નાક ઘસતાં પોતાને શરણ આવશે એવું નિઝામનું કારસ્‍થાન હતું. બાજીરાવે તેને મહત્વ આપ્‍યું નહીં અને નિઝામને જ કાટશેહ (ચાલની સામે ચાલ) આપવાનું નક્કી કર્યું અને નિઝામની રાજધાની રહેલા ઔરંગાબાદ પર આક્રમણ કર્યું. નિઝામને સદર યુદ્ધનીતિની અપેક્ષા ન હતી. તેના માટે ઔરંગાબાદનો બચાવ કરવાની ફરજ પડી; પણ હાથવેંત સપડાયેલા મરાઠા છત્રપતિને છોડી દેવાનું પણ અપ્રિય લાગતું હતું. હવે બાજીરાવના સકંજામાંથી ઔરંગાબાદ તો બચાવવું જ પડશે તે માટે નિઝામ પુના-સાતારા પરિસર છોડીને ઉત્તર ભણી નીકળ્યો.

બાજીરાવે ઔરંગાબાદનો રસ્‍તો છોડીને નિઝામને રસ્‍તામાં જ પકડી પાડવાનો વ્‍યૂહ રચ્‍યો. છાપો મારીને નાની લડાઈનું મોટી લડાઈમાં પરિવર્તન થાય તે પહેલાં પોતાને અનુકૂળ એવી દિશામાં દોડધામ કરીને બાજીરાવે નિઝામને નાશિક ભણી ખેંચ્‍યો. ભારે તોપો, ભારે બખ્તરો અને ઘોડદળનો નિઝામને તોટો જ થયો.

 

પાલખેડ ખાતે પ્રત્‍યક્ષ લડાઈ અને નિઝામનો પરાભવ

બાજીરાવ અતિશય નિયોજનબદ્ધ રીતે નિઝામને પાલખેડ ખાતે લઈ આવ્‍યા. પૂર્વનિયોજિત યોજના પ્રમાણે સર્વ અધિકારીઓને પોતપોતાની ફોજ સાથે બાજીરાવે પાલખેડ ખાતે બોલાવી લીધા હતા. હવે મરાઠાઓ પાસે લગભગ ૫૦ સહસ્ર સૈન્‍ય ભેગું થયું હતું. નગરથી મરાઠા ગુપ્‍તચરોના પથકો નિઝામની આસપાસ જ હતા. તેની પ્રત્‍યેક હિલચાલના સમાચાર બાજીરાવને બરાબર મળતા હતા. પાલખેડ વૈજાપૂરની પૂર્વ દિશામાં ૧૨ માઈલ, જ્‍યારે ઔરંગાબાદથી ૨૮ માઈલ દૂર છે. પૂર્વ ભણી પાણીનો સંગ્રહ છે તે જ દિશામાં પોતાનું સૈન્‍ય લઈને બાજીરાવ હતા.

ઘોડાની નાળ જેવી વ્‍યૂહરચના કરીને નિઝામને ખેંચી લાવીને બરાબર સૂડી વચ્‍ચે સોપારીની જેમ નિઝામને પકડ્યો. ઔરંગાબાદ ભણી ક્રમણ કરનારા બાજીરાવ અને તેમને ત્‍યાં પહોંચવા પહેલાં રોકવા માટે ગયેલા નિઝામનો આમનો-સામનો ૨૫ ફેબ્રુઆરી ૧૭૨૮માં પાલખેડ ખાતે થયો. મરાઠાઓએ નિઝામનું પાણી રોક્યું, રસદ (લશ્‍કરનો ખોરાક અને તેની સામગ્રી) તોડી. નિઝામનો લોકપ્રિય રહેલો તોપખાનો નગર નજીક કટાઈ રહ્યો હતો. અત્‍યારે આ કટોકટીની પરિસ્‍થિતિમાં નિઝામને તેનો કાંઈ જ ઉપયોગ ન હતો. મરાઠાઓને તોપથી શેકી કાઢવાનું નિઝામનું સ્‍વપ્ન પૂર્ણ રીતે ભંગ પામ્‍યું હતું અને ભયાનક મૃત્‍યુ વાસ્‍તવિકતા બનીને પાલખેડ ખાતે તેની સામે આવીને ઊભું હતું.

પાલખેડ ખાતે સૂડી વચ્‍ચે સપડાયેલા નિઝામની સ્‍થિતિ દારુણ થવા લાગી. ભૂખ, તરસ અને સામે ઊભા રહેલા મરાઠા વચ્‍ચે સપડાયેલા નિઝામ અને તેની ફોજ પર જીવિત હોય ત્‍યારે જ પોતાની કબર ખોદવાનો વારો આવ્‍યો હતો. આ સર્વ બિકટ પરિસ્‍થિતિને કારણે અંતે નિઝામે ઐવજ ખાન દ્વારા સુલેહની વાટાઘાટો ચાલુ કરી. અંતે ૬ માર્ચ ૧૭૨૮ના દિવસે મુંગી-શેવગાવ ખાતે સુલેહ થયો.

 

પેશવેપદ પ્રાપ્‍તિ પછી પહેલો પુષ્‍કળ મોટો વિજય

નિઝામ અને મોગલ સૈન્‍ય સાથે સંઘર્ષ કરીને તેમને પોતાની શરતો માન્‍ય કરવાની ફરજ પાડવાથી બાજીરાવની કીર્તિ સમગ્ર ભારતમાં ફેલાઈ અને ત્‍યાંથી જ દખ્‍ખન/માળવા ખાતે મરાઠા સામ્રાજ્‍યની મુહૂર્તમેઢ ઊભી થઈ. બાજીરાવે નિઝામના વિરોધમાં ઉપયોગમાં લાવેલી રણનીતિ આગળ મરાઠાઓએ ઘણી લડાઈઓમાં વાપરી અને સમગ્ર ભારતમાં સામ્રાજ્‍ય વિસ્‍તારિત કરવાનો પ્રારંભ કર્યો. બાજીરાવે પેશવેપદની પ્રાપ્‍તિ કર્યા પછી પ્રાપ્‍ત કરેલો આ પુષ્‍કળ મોટો વિજય હતો. છત્રપતિ શાહૂ મહારાજજીનું સિંહાસન જોખમમાં આવ્‍યું ત્‍યારે બાજીરાવે તેને બચાવ્‍યું અને પાલખેડ ખાતે નિઝામને ચીત કર્યો. ઑગસ્‍ટ ૧૭૨૭ થી માર્ચ ૧૭૨૮ આટલા સમયગાળામાં પુનાથી પાલખેડ ખાતે થોડું નહીં પણ ૨ સહસ્ર કિ.મી.નું અંતર પોતાના અશ્‍વપથકો સહિત પાર કર્યું.

સંદર્ભ : ડેસ્‍ટ્રાઈક્સ.વર્લ્‍ડપ્રેસ.કૉમ

Leave a Comment