આરતીનું મહત્ત્વ

આરતીઓની નિર્મિતિ કળિયુગમાં થઈ; કારણકે કળિયુગના જીવો અન્ય યુગોના જીવોની સરખામણીમાં ઓછા સાત્ત્વિક હોવાથી સંતોએ તાલ અને વાદ્યોનો ઉપયોગ કરીને મનોરંજનયુક્ત ઘટકો દ્વારા તેઓને ઈશ્વર તરફ લઈ જવાનો પ્રયત્ન કર્યો.

આરાતી

આરતી એ સગુણ ઉપાસનાનું એક માધ્યમ

ભક્તિમાર્ગ અનુસાર સાધના કરનારાઓમાં પ્રાથમિક અવસ્થા ધરાવતા સાધકને અમૂર્ત એટલે કે નિર્ગુણ રૂપના ઈશ્વર પ્રત્યે ભાવ નિર્માણ થવો મુશ્કેલ હોય છે. એનાથી ઊલટું મૂર્ત એટલે સગુણ રૂપ ધરાવતા ઈશ્વર સાથે આત્મીયતા સરળતાથી નિર્માણ થઈ શકે છે. આરતી એટલે દેવતાઓને આર્તતાથી પાડવામાં આવતો સાદ. એ સગુણ ઉપાસનાનું માધ્યમ છે અને એના દ્વારા જીવોનો ઈશ્વર પ્રત્યે રહેનારો ભાવ જાગૃત કરવામાં સહાયતા મળે છે

 

આરતી ક્યારે કરવી ?

સૂર્યોદયના સમયે દેવતાઓની લહેરોનું આગમન થવાથી પ્રક્ષેપિત થનારા તારક ચૈતન્યનું સ્વાગત જીવે આરતીના માધ્યમ દ્વારા કરવાનું હોય છે, જ્યારે સૂર્યાસ્તના સમયે રજ-તમયુક્ત લહેરોને નાબૂદ કરવા માટે દેવતાઓના મારક ચૈતન્યની આવાહનયુક્ત આરાધના જીવે આરતીના માધ્યમ દ્વારા કરવાની હોય છે. તેથી સૂર્યોદય સમયે તથા સૂર્યાસ્ત સમયે એમ બે વાર આરતી કરવી જોઈએ. આરતીથી વાયુમંડળમાં દેવતાઓના ચૈતન્યમય લહેરોનું પ્રમાણ વધી જઈને કષ્ટદાયક સ્પંદનોનું પ્રમાણ ઓછું થાય છે અને જીવના દેહની ફરતે સંરક્ષણ-કવચ નિર્માણ થાય છે.

 

મંદિરમાં આરતીના સમયે ઉપસ્થિત રહેવું અધિક લાભદાયક

આરતીના સમયે ભગવાનનું તત્ત્વ અધિક પ્રમાણમાં કાર્યરત થતું હોવાથી તે સમયે સાધકને દેવતાઓની શક્તિ અને ચૈતન્યનો વધારે લાભ થાય છે. તેથી મંદિરમાં અન્ય કોઈ સમયે ઉપસ્થિત રહેવાની સરખામણીએ આરતીના સમયે ઉપસ્થિત રહેવું અધિક લાભદાયક હોય છે.

 

આરતી ઉતારવાની સંપૂર્ણ કૃતિ

૧. આરતીનો આરંભ કરવા પહેલાં ત્રણ વાર શંખ વગાડવો. શંખ વગાડતી સમયે આંખો મીંચીને, દિશા તરફથી આવનારી ઈશ્વરની મારક લહેરોને આપણે આવાહન કરીને તેઓને જાગૃત કરીએ છીએ એવો ભાવ રાખવો જોઈએ. શંખ વગાડતી સમયે આરંભ ધીમા સ્વરે કરીને પછી તેને મોટા સ્વર ભણી લઈ જવો અને ત્યાં જ છોડી દેવો.

૨. શંખનાદ પૂર્ણ થયા પછી આરતી ગાવાનો આરંભ કરવો. આરતી ગાનારાઓનો ઈશ્વર પ્રત્યેનો ભાવ જેટલો અધિક, તેટલી આરતી અધિક ભાવપૂર્ણ અને સાત્ત્વિક થઈ રહે છે અને દીર્ઘ કાળ સુધી વાતાવરણમાં દેવતાઓની ચૈતન્યમય લહેરો ટકી રહે છે.

શબ્દોનો ઉચ્ચાર તથા ગાવાની પદ્ધતિ

આરતીના શબ્દોનો ઉચ્ચાર, શબ્દોનું તાલબદ્ધ સ્વરમાં ગાયન કરવાની ગતિ, શબ્દોનું જોડાણ કરીને ગાન કરવું અથવા શબ્દો છૂટા પાડીને ગાન કરવું, ઇત્યાદિ બાબતો પર શબ્દોમાંથી નિર્માણ થનારી સાત્ત્વિકતા અને ચૈતન્ય આધારિત હોય છે. આધ્યાત્મિક ઉન્નતિના આગળના તબક્કામાં આલાપ ધરાવતા ગીતને બદલે સરળ રાગમાં ગીતનું ગાન કરવામાં આવે તો મનને વધારે આનંદ પ્રાપ્ત થાય છે અને અંતરંગમાં શાંતિનો અનુભવ થવા લાગે છે.

આરતીનો અર્થ સમજી લઈને આરતીનું ગાન કરવું

મોટા ભાગની આરતીઓની રચના સંતગણ તથા ઉન્નત ભક્તો દ્વારા કરવામાં આવી છે. ઉચ્ચ સ્તર ધરાવનારા સંતોએ રચેલી આરતીઓનો અર્થ સમજી લઈને આરતીનું ગાન કરવામાં આવે, તો દેવતા પ્રત્યેની ભાવજાગૃતિ ઝડપથી થવામાં સહાયરૂપ બને છે.

આરતીના સમયે તાળીઓ પાડવી

આરતી દરમ્યાન તેના તાલને ઝીલી લેવા માટે તાળીઓ ધીમેથી પાડવાની હોય છે. અધ્યાત્મશાસ્ત્રની દૃષ્ટિએ તેની પાછળ રહેલું કારણ આ પ્રમાણેનું છે. આરતીના માધ્યમ દ્વારા આપણે દેવતાઓને આવાહન કરીએ છીએ. આરતીના નાદ દ્વારા જે નાદલહેરો નિર્માણ થાય છે, એ નાદલહેરોમાં દેવતાઓને આવાહન કરવાની ક્ષમતા હોય છે. જે સમયે આપણે આરતીના નાદને તાળીઓના માધ્યમ દ્વારા તાલના બંધનમાં ઢાળીએ છીએ, તે સમયે આરતીના માધ્યમ દ્વારા નિર્માણ થયેલી નાદલહેરોનું રૂપાંતર તાલબદ્ધ નાદલહેરોમાં થવાથી આપણે દેવતાઓને સ્પર્શ કરીને જાગૃત કરી શકીએ છીએ. તેથી દેવતાઓ જાગૃત થઈને કાર્ય કરે છે.

પ્રાથમિક અવસ્થાના સાધકની ભાવજાગૃતિ થઈ શકે તે દૃષ્ટિએ આરતીના સમયે તાળીઓ પાડવી અથવા વાદ્યો વગાડવા એ ઉપયુક્ત ઠરે છે. આગળના તબક્કામાં આરતી દરમ્યાન તાળીઓ પાડવી અથવા વાદ્યો વગાડવાને બદલે પોતાની વૃત્તિ અંતર્મુખ થાય તે તરફ ધ્યાન આપવું આવશ્યક હોય છે. પછી સાધક માટે આરતીના સ્થૂળ શબ્દો પણ ઉચ્ચારવાની આવશ્યકતા રહેતી નથી; કારણ કે તેને મળનારો શબ્દાતીત આનંદ અધિક હોય છે.

આરતીની વેળાએ વાદ્યો વગાડવા

આરતીનું ગાન કરતી વેળાએ ઘંટડી, મંજીરા, કરતાલ, પેટી અને તબલા જેવાં વાદ્યોનો તાલબદ્ધ સાથ મળે, તો આરતી અધિક ભાવપૂર્ણ અને અસરકારક બનવામાં સહાયતા થઈ રહે છે.

૧. ઘંટડી

પૂજા માટે ઉપયોગમાં લેવાતી ઘંટડી આરતી સમયે જ વગાડવી. સંપૂર્ણ આરતી પૂર્ણ થઈ રહે ત્યાં સુધી સદર ઘંટડીના ધ્વનિમાં સાતત્ય જાળવવું. ઘંટડીનો ધ્વનિ મધુર હોવો જોઈએ. આરતીના કારણે આકર્ષિત થયેલી બ્રહ્માંડના દેવતાઓની લહેરો, એ ઘંટડીમાંથી પ્રક્ષેપિત થનારી સૂક્ષ્મ નાદશક્તિમાંની નાદલહેરોના કારણે સાતત્યથી ગતિશીલ રહે છે.

૨. મંજીરા

મંજીરા વગાડવાથી નિર્માણ થનારા નાદમાંથી એકસરખી લયબદ્ધ સૂક્ષ્મ-ધ્વનિ લહેરો વાતાવરણમાં સર્વત્ર ફેલાય છે. આ લહેરો આરતી અથવા ભજન ગાનારા જીવની સુષુમ્ણાનાડી જાગૃત કરે છે. આ લહેરો વાતાવરણમાં ફેલાયેલાં દેવતાઓનાં તત્ત્વો અને સાત્ત્વિકતા પોતાની તરફ આકર્ષિત કરે છે અને નાદમાંથી જ ફરીથી વાતાવરણમાં અને જીવોની તરફ પ્રક્ષેપિત કરે છે.

આરતી પૂર્ણ થયા પછી પોતાની ફરતે પ્રદક્ષિણા કરવી

આરતી પૂર્ણ થયા પછી વાતાવરણમાં સાત્ત્વિકતાનું પ્રમાણ ખૂબ વધેલું હોય છે અને દેવતાઓ પાસેથી મોટા પ્રમાણમાં સાત્ત્વિક લહેરો પ્રક્ષેપિત થતી હોય છે. સાત્ત્વિકતાનો લાભ વધુમાં વધુ મળી રહે તે માટે ભગવાનને તેમ જ મંદિરમાં પ્રદક્ષિણા માર્ગ પરથી ભગવાન ફરતે પ્રદક્ષિણા કરવી. તે અનુકૂળ ન હોય તો પોતાની ફરતે ત્રણ પ્રદક્ષિણાઓ કરવી.

ત્યાર પછી મંત્રપુષ્પાંજલિ બોલવી અને પછી દેવતાઓનાં ચરણો પર ફૂલ અને અક્ષત્ ચડાવવા. તે પછી નીચે પ્રમાણે પ્રાર્થના વદવી.

‘મને તમારું આવાહન અને અર્ચન, તેમજ તમારી પૂજા કેવી રીતે કરવી, તે પણ જ્ઞાત નથી. પૂજા કરતી સમયે કાંઈ ભૂલ થઈ હોય તો, મને ક્ષમા કરજો. હે ભગવાન, હું મંત્રહીન, ક્રિયાહીન અને ભક્તિહીન છું. જે કાંઈ મે તમારી આરતી / પૂજા કરી છે, તે તમે પરિપૂર્ણ કરાવી લો. દિવસ-રાત મારા તરફથી જાણ્યે-અજાણ્યે સહસ્રો અપરાધ થતા હોય છે. તમારો દાસ છું એમ સમજીને મને ક્ષમા કરો.’

આરતી થયા પછી દેવતાઓના નામનો જયજયકાર કરવો

કનિષ્ઠ દેવતાઓ સ્તુતિપ્રિય હોય છે, જ્યારે ઉચ્ચદેવતાઓ ઉદ્દઘોષપ્રિય હોય છે. એટલે નાભિમાંથી પ્રકટ થયેલી આર્તતાથી બોલનારા જીવનો હુંકાર, જેનાથી ઊંડી ધ્યાનાવસ્થામાં રહેલા ઉચ્ચ દેવતાઓને જાગૃત કરીને તેઓને કાર્ય કરવા માટે, સત્વરે દોડી આવવા માટે વીનવવું. સંપૂર્ણ આરતીમાંથી જે સાધ્ય થતું નથી, એ એક આર્ત જયજયકારમાંથી સાધ્ય થાય છે. તેથી જયજયકારનું ઘણું મહત્ત્વ છે.

ત્યાર પછી તીર્થ પ્રાશન કરીને વિભૂતિ (ધૂપસળીની રક્ષા) ભ્રૂમધ્ય (બે ભ્રમરો વચ્ચેની જગા) પર લગાડવી.

આરતી ગ્રહણ કરવી

આરતી ગ્રહણ કરવાની આધ્યાત્મિક શાસ્ત્રની દૃષ્ટિએ યોગ્ય રીત અને તેની પાછળનું શાસ્ત્ર : જોત તરફ બ્રહ્માંડમાં વિહરતી જે તે દેવતાઓની લહેરો આકૃષ્ટ થાય છે. બન્ને હાથની હથેળીઓ દીવાની જોત પર ધરવાથી જોત તરફથી પ્રક્ષેપિત થનારી સાત્ત્વિકતા હથેળીઓના કેંદ્રબિંદુમાંથી પ્રાણદેહ તરફ સંક્રમિત થવાથી પ્રાણદેહની શુદ્ધિ થાય છે. ત્યાર પછી જમણો હાથ માથા પરથી આગળથી પાછળ ડોક સુધી ફેરવવાથી હાથમાંથી પ્રક્ષેપિત થનારી સાત્ત્વિકતા બ્રહ્મરંધ્ર દ્વારા, તેમ જ માથાની પાછળ વચ્ચોવચ આવેલા ત્રિકોણી હિસ્સામાંથી (જ્યાં શરીરમાં રહેલી ત્રણ નાડીઓ એકત્રિત મળે છે) શરીરમાં સંચારિત થવાથી સૂક્ષ્મદેહની શુદ્ધિ થવામાં મદદ થાય છે.

સંદર્ભ : સનાતન સંસ્થાનો ગ્રંથ ‘આરતી કેવી રીતે ઉતારવી ?’

Leave a Comment