દેવપૂજા માટે ઉપયોગમાં લેવાતી સાધનસામગ્રીનું  અધ્યાત્મશાસ્ત્રીય  મહત્ત્વ

પ્રસ્તાવના

પૂજાવિધિમાંથી દેવતાની કૃપા થઈ રહેવા માટે તરભાણું, પૂજાની તાસક, હળદર કંકુની વાટકીઓ, આરતિયું, ઘંટડી, મોટી દીવી, શંખ, કળશ ઇત્યાદિ સાધનસામગ્રી આ મહત્ત્વની કડી છે. દેવપૂજા શરુ કરવા પહેલાં સદર સાધનસામગ્રીની રચના વિશિષ્ટ પદ્ધતિથી કરવાથી, પૂજાવિધિમાંથી દેવતાના તત્ત્વનો લાભ અધિક પ્રમાણમાં શા માટે અને કેવી રીતે મળે છે, એનું અધ્યાત્મશાસ્ત્રીય વિશ્લેષણ આ લેખમાં આપવામાં આવ્યું છે. આ મહત્ત્વ જાણી લેવાથી આ સામગ્રી પ્રત્યે ભાવ નિર્માણ થવામાં મદદ થાય છે.

 

કળશ

૧. સમુદ્રમંથનના સમયે શ્રીવિષ્ણુએ અમૃતનો કળશ ધારણ કર્યો હતો. કળશમાં સર્વ દેવતાઓનો વાસ હોય છે. એ માટે પૂજામાં કળશની સ્થાપના કરવામાં આવે છે.
૨. કળશના વિશિષ્ટ આકારને લીધે કળશની અંદરના પોલાણમાં એક વિશિષ્ટ સૂક્ષ્મ-નાદ ઉત્પન્ન થાય છે. આને લીધે બ્રહ્માંડમાંનું શિવતત્ત્વ કળશ ભણી આકર્ષિત થાય છે. તેને કારણે કળશમાંથી પ્રક્ષેપિત થનારી સૂક્ષ્મ-નાદ લહેરોને કારણે જીવને શિવતત્ત્વનો લાભ અધિક થાય છે.

દેવતાઓનાં  આસન તરીકે ઉપયોગમાં
લેવામાં આવતા કળશમાં પાણી જ શા માટે ભરવું જોઈએ ?

પાણી શુદ્ધ છે અને ‘જેટલી શુદ્ધતા અધિક, તેટલા પ્રમાણમાં ઈશ્વરી તત્ત્વ આકર્ષિત કરવાની ક્ષમતા પણ અધિક’ એ નિયમ પ્રમાણે કળશમાં રહેલા જળમાં આસનનાં પાંદડાં પર (કળશમાં મૂકવામાં આવતા આંબાનાં અથવા નાગરવેલનાં પાંદડાં પર) પધારેલા દેવતાનું તત્ત્વ અધિક પ્રમાણમાં આકર્ષિત થાય છે. કળશના પાણીને લીધે દેવતાને બેસવા માટે આપેલું આસન દેવતાની પ્રાણપ્રતિષ્ઠાપના થઈ રહે ત્યાં સુધી કાયમ સ્વરૂપે શુદ્ધ જ રહે છે. તેથી ત્યાં પધારેલા દેવતાનું તત્ત્વ દીર્ઘકાળ સુધી ત્યાં રહી શકે છે.

નારિયેળ મૂકીને દેવતાની સ્થાપના કરવાના
કળશમાં સોપારી અથવા નાણાં શા માટે મૂકવામાં  આવે છે ?

અ. કળશમાં સોપારી મૂકવી

પાણીમાં સોપારી મૂકી હોવાથી સોપારીમાંથી પ્રક્ષેપિત થનારી રજ લહેરોને લીધે પાણી સત્ત્વ-રજોગુણ યુક્ત બને છે. તેથી પાણીની દેવતાના સગુણ તત્ત્વને પ્રક્ષેપણ કરવાની ક્ષમતા વધે છે.

આ.   કળશમાં પંચરત્નો અને સુવર્ણ મૂકવા

પંચરત્નોમાં બ્રહ્માંડમાં રહેલી પાંચ ઉચ્ચ દેવતાઓનાં સગુણ તત્ત્વ ગ્રહણ કરવાની, તેમજ પ્રક્ષેપણ કરવાની ક્ષમતા વધારે હોય છે. સુવર્ણ સત્ત્વગુણી હોવાથી તેની પણ સત્ત્વકણોને આકર્ષિત કરવાની અને પ્રક્ષેપણ કરવાની ક્ષમતા વધારે હોય છે.  તેથી બ્રહ્માંડમાં રહેલા પાંચેય ઉચ્ચ દેવતાઓનાં સગુણ તત્ત્વોનો જીવને એક જ સમયે લાભ મળી રહેવામાં સહાયતા થાય છે.

ઇ. કળશમાં તાંબાના પૈસા મૂકવા

તાંબાની ધાતુની સાત્ત્વિક લહેરો પ્રક્ષેપિત કરવાની ક્ષમતા અધિક હોય છે. તેથી કળશમાં રહેલા પાણીની લહેરો તાંબાના પૈસાના માધ્યમ દ્વારા વાતાવરણમાં પ્રક્ષેપિત થવા માટે સહાયતા મળે છે. તેમજ કળશમાં પૈસા નાખવાના માધ્યમ દ્વારા ધનનો ત્યાગ થવાથી જીવના મનમાં રહેલી પૈસા વિશેની આસક્તિ ઓછી થઈને પૂજાવિધિ દ્વારા મળનારી સાત્ત્વિકતાનો જીવને અધિક લાભ મળે છે. કાળ અનુસાર હવે પંચરત્નોનો અને તાંબાની ધાતુનો ઉપયોગ કરવાનું પ્રમાણ ઘટી ગયું છે અને અલ્પ લાભ પ્રદાન કરનારી મિશ્ર ધાતુના સાધનોનો ઉપયોગ કરવાનું ચાલુ થયું છે.

ઈ. કળશ ઉપર નારિયેળ મૂકવું

કળશ ઉપર નારિયેળ મૂકવાને કારણે નારિયેળની શિખા દ્વારા બ્રહ્માંડમાં રહેલું જે તે ઉપાસ્ય દેવતાનું તત્ત્વ આકર્ષિત થાય છે અને તે નારિયેળ દ્વારા કળશમાં રહેલા પાણીમાં સંક્રમિત થાય છે. પાણી વધારે નિર્મળ અને શુદ્ધ હોવાથી તે દેવતાની લહેરોમાંના સત્ત્વકણોને વધારેમાં વધારે પ્રમાણમાં ગ્રહણ કરે છે

દેવતાઓનાં આસન તરીકે ઉપયોગમાં લેવાયેલા
કળશનું પાણી તુલસીના કયારામાં શા માટે રેડવું તેમજ વાસ્તુમાં શા માટે છાંટવું ?

અન્ય વનસ્પતિઓની તુલનામાં તુલસીમાં વાતાવરણમાં રહેલાં શુદ્ધ સ્પંદનો અર્થાત્ સત્ત્વગુણ આકર્ષિત કરવાની ક્ષમતા વધારે હોય છે. તે સાથે જ તુલસી દિવસના ચોવીસે ચોવીસ કલાક વાતાવરણમાં શુદ્ધ સ્પંદનો જ પ્રક્ષેપિત કરતી હોય છે. કળશમાંના ચૈતન્યથી ભારિત થયેલું પાણી તુલસીમાં રેડવાથી તે પાણીની સાથે રહેલા દેવતાનાં તત્ત્વને પણ તુલસી શોષી લઈને પોતાની સાત્ત્વિકતાની સાથે સાથે તે દેવતાના ચૈતન્યને પણ વાતાવરણમાં પ્રક્ષેપિત કરે છે. તેથી દેવતાનાં તાલબદ્ધ (એક તાલમાં રહેનારા) સ્પંદનોનું વર્તુળ તૈયાર થઈને વાસ્તુ અને વાસ્તુની આસપાસની જગા શુદ્ધ રાખવામાં સહાયતા થાય છે. આ પ્રક્રિયાને ઈશ્વરનું એક સંરક્ષણ કવચ જ કહી શકાશે. તેવી જ રીતે કળશમાંનું પાણી વાસ્તુમાં સર્વત્ર છાંટવાથી વાસ્તુમાં દેવતાનાં સ્પંદનો વધારે પ્રમાણમાં પ્રક્ષેપિત થઈને વાસ્તુનું શુદ્ધિકરણ થાય છે.

 

ઘંટડી

ઘંટડીના નાદનું (અને શંખનાદનું) મહત્ત્વ

જે સમયે ઘંટડીનો નાદ કરવામાં આવે છે, તે સમયે તેમાંથી નિર્માણ થયેલી નાદશક્તિ ભણી બ્રહ્માંડમાં રહેલું શિવતત્ત્વ આકર્ષિત થાય છે. આવી રીતે ઘંટડીના ધ્વનિથી બ્રહ્માંડમાં રહેલું શિવતત્ત્વ જાગૃત થાય છે.પૂજાવિધિમાં શંખનાદને તેમજ ઘંટડીના નાદને પુષ્કળ મહત્ત્વ છે. ઘંટડીના નાદને લીધે તેમજ શંખનાદને લીધે જીવની આજુબાજુ રહેલું વાયુમંડળ જીવની સાધના માટે  સાત્ત્વિક બનાવવામાં આવે છે. તેથી દેવતા દ્વારા પ્રક્ષેપિત થનારી સાત્ત્વિક લહેરો જીવ દ્વારા વધુમાં વધુ પ્રમાણમાં ગ્રહણ કરવામાં આવે છે .

 

શંખ

શંખનું મહત્ત્વ

અ. દેવપૂજા અને આરતીનો આરંભ કરવા પહેલાં શંખનાદ કરે છે. શંખનાદ કરવા માટે ડાબો શંખ ઉપયોગમાં લેવાય છે. (શંખની ઉપર રહેલી આંટી પરથી શંખનો ડાબો (વામવર્ત) અને જમણો (દક્ષિણવર્ત) એ રીતે બે પ્રકાર ઓળખી શકાય છે.)

આ.   દેવપૂજા કરતા પહેલાં કળશની પૂજા થયા પછી શંખપૂજા કરીને તેના પર તિલક, ફૂલો અને તુલસીના પાન ચઢાવવામાં આવે છે અને ત્યાર પછી ફૂલોથી શંખમાં રાખેલું પાણી પૂજા કરનારા પર અને પૂજાસાહિત્ય ઉપર છાંટવામાં આવે છે. શંખમાં રહેલું  પાણી એ ગંગાના પાણી પ્રમાણે પવિત્ર માનવામાં આવે છે. શંખોદકનો ઉપયોગ દેવતાઓ ઉપર અભિષેક કરવા  માટે પણ કરવામાં આવે છે.

શંખની  કસોટી કેવી રીતે કરવી ?

શંખ વગાડયા સિવાય તેને કાન પાસે રાખવાથી તેમાંથી સંભળાતા મધુર ધ્વનિ પરથી તેના સાચાપણાની કસોટી કરવામાં આવે છે.

પૂજામાં મૂકવામાં આવેલા શંખનો અણિયાળો ભાગ
દેવતાઓની સામે રહે તેવી રીતે શા માટે મૂકવામાં આવે છે ?

શંખમાં શંકુ આકારના થયેલા પોલાણમાં દેવતાઓ દ્વારા પ્રક્ષેપિત થનારી શક્તિનો સંગ્રહ થવામાં સહાયતા થાય છે. આ મારક શક્તિ શંખના બીજા છિદ્રમાંથી બહાર પડે છે અને બહાર પડતી વેળાએ વાતાવરણમાં આ કિરણોનું રૂપાંતર વલયાંક્તિ લહેરોમાં થાય છે. કિરણોના સ્વરૂપમાં બહાર નીકળનારી ઊર્જામાં મારક તત્ત્વ વધારે પ્રમાણમાં હોવાથી જીવને આ ઊર્જાનો ત્રાસ થાય નહીં, તે માટે પૂજામાં શંખનો શંકુ આકારવાળો ભાગ દેવતા ભણી રાખવામાં આવે છે.  શંખમાંથી બહાર પડનારી આ મારક ઊર્જાને લીધે અનિષ્ટ શક્તિઓ શંખથી ડરે છે.

પૂજાવિધિમાં  શંખનાદનું મહત્ત્વ

શંખનાદમાંથી બહાર નીકળનારી નાદશક્તિને લીધે ઊર્ધ્વ દિશામાંથી આવનારી બ્રહ્માંડમાંની લહેરો જાગૃત થઈને વાતાવરણમાં રહેલા રજ-તમ કણોનું વિઘટન કરવામાં  આવે છે. તેથી વાયુમંડળમાંની લહેરોનું શુદ્ધિકરણ થાય છે. ઘરમાં શંખનાદ  કરવાથી ઘરનું વાતાવરણ શુદ્ધ અને પવિત્ર થાય છે. તેમજ શંખનાદને લીધે જીવની આસપાસ રહેલા વાયુમંડળને જીવની સાધના થાય તે માટે સાત્ત્વિક બનાવવામાં આવે છે. તેથી દેવતા દ્વારા આવનારી સાત્ત્વિક લહેરો જીવ દ્વારા વધારેમાં વધારે પ્રમાણમાં ગ્રહણ કરવામાં આવે છે.

 

નાની દીવી અને આરતિયું

આરતિયાની જ્યોત એ આપણા આત્મજ્યોતનું પ્રતીક છે. ‘મારા શરીરમાં રહેલા પંચપ્રાણોની સહાયતાથી આ આત્મજ્યોત પ્રજવલિત રહે છે અને એવી જોતથી હું ભગવાનને ઓવાળું છું (ભગવાનની આરતી ઉતારું છું)’ એવો જીવનો ભાવ હોવો જોઈએ. પાંચ પાંખડી ધરાવતું આરતિયું એ પંચપ્રાણોનો આત્મજ્યોતિ સાથે રહેલો સંબંધ દર્શાવે છે. પંચપ્રાણો સમેત કરેલી ઈશ્વરની વિનવણી એટલે ‘પંચારતી’ કહેવાય.

તાસક

આરતિયું મૂકવા માટે ઉપયોગમાં લેવાતી તાસક એ આપણા શરીરમાં રહેલા પંચપ્રાણોનું પ્રતીક છે.  ‘આ પંચપ્રાણોની સહાયથી હું ઈશ્વરની આરતી ઉતારું છું’ એવો આરતી કરતી વખતે જીવનો ભાવ હોવો જોઈએપૂજાઘરની બન્ને બાજુએ એકસરખી ઊંચાઈ ધરાવતી દીવીઓ રાખવી જોઈએ. દીવીમાં બને ત્યાં સુધી તલનું તેલ રેડવું. ઘી કરતાં તલના તેલમાં રજોગુણ વધારે હોવાથી તે દેવતાની કાર્યરત ક્રિયાશક્તિ દર્શાવે છે. બન્ને બાજુની દીવીઓ દેવતાની ચંદ્ર અને સૂર્ય નાડીઓનું દ્યોતક છે. દેવતા વધારેમાં વધારે તેજતત્ત્વ સાથે સંકળાયેલા હોવાથી તેના દ્યોતક તરીકે પૂજાઘરની બન્ને બાજુએ દીવીઓની ગોઠવણી કરવામાં આવે છે.હિંદુ ધર્મમાં ધાર્મિક કૃતિમાં ઉપયોગમાં લેવામાં આવનારા પ્રત્યેક ઘટકોની ગોઠવણી સાત્ત્વિક લહેરો ગ્રહણ કરવામાં યોગ્ય આકાર-રચનામાં સાકાર કરવી, એ ધર્મશાસ્ત્રનો મૂળ હેતુ છે. પૂજનની સાધનસામગ્રીની યોગ્ય રચના કરવાથી પૂજા કરનારાને આધ્યાત્મિક લાભ મળી રહેવામાં મદદ થાય છે.

સંદર્ભ : સનાતન સંસ્થાનો ગ્રંથ ‘પૂજાઘર અને પુજનની સાધનસામગ્રી (શાસ્ત્રીય મહત્ત્વ અને રચના)’