વસંત પંચમી

મહા સુદ પક્ષ પાંચમ ‘વસંત પંચમી’ નામથી પ્રસિદ્ધ છે. આ દિવસથી વસંત ઋતુનું આગમન થાય છે. એવી માન્યતા છે કે કામદેવ મદનનો જન્મ પણ આ દિવસે જ થયો હતો. દાંપત્ય જીવન સુખથી વીતે, આ ઉદ્દેશ્યથી લોકો રતિ-મદનની પૂજા અને પ્રાર્થના કરે છે. આ દિવસે નવા ફાલનાં કુંડલ કરીને ઘરના દેવતાઓને અર્પણ કરીને નવાન્ન ભક્ષણ કરે છે. આ દિવસે સરસ્વતીદેવી ઉત્પત્તિ થઈ, તેથી તેમની પૂજા કરે છે. સ્ત્રીઓ પીળું વસ્ત્ર પરિધાન કરીને પીળાં ફૂલોથી આ દિવસે મા સરસ્વતીનું પૂજન કરે છે. આ દિવસે લક્ષ્મીજીનો પણ જન્મદિવસ ઊજવવામાં આવે છે, અર્થાત્ આ તિથિને ‘શ્રીપંચમી’ પણ કહે છે.

 

શ્રી સરસ્વતીદેવીની ઉપાસના માટે આવશ્યક ગુણ અને ઘટક

૧. ગુરુદેવનું માર્ગદર્શન લેવું

દેવતાની ઉપાસના સાથે જ ઉપાસક માટે ગુરુદેવનું માર્ગદર્શન ઘણું આવશ્યક છે. સતત માર્ગદર્શન લેવાથી ઉપાસકની ભૂલો અને ખામીઓ તેના ધ્યાનમાં આવે છે અને તે તત્કાળ સુધારી લઈ શકાય છે. તેથી તેના જીવનનાં ઘણાં વર્ષો વ્યર્થ જતા બચી જાય છે.

૨. ધર્માચરણી અને સદાચરણી હોવું

શ્રી સરસ્વતીદેવી દ્વારા મળેલું જ્ઞાન, વિદ્યા અને કલાના યોગ્ય ઉપયોગ હેતુ, ઉપાસક માટે ધર્માચરણ દ્વારા સદાચારી બનવાનું અતિશય આવશ્યક છે. અધર્મથી આચરણ કરનારાઓ દ્વારા ઘણું કરીને જ્ઞાન, કલા અને વિદ્યાનો દુરુપયોગ થાય છે. એ જ કારણસર તે સરસ્વતી દેવી દ્વારા આગળના સ્તર પરનું જ્ઞાન, કલા અને વિદ્યા પ્રાપ્ત કરી શકતો નથી; તેથી તે તેમની અવકૃપાને પાત્ર બની જાય છે.

૩. દઢતા અને નિરંતરતા જાળવવી

જ્ઞાન, કલા, વિદ્યા, આ એક દિવસમાં ગ્રહણ કરી શકાતી નથી. (શ્રીકૃષ્ણ જેવા અવતાર જ એક દિવસમાં વિવિધ વિદ્યા ગ્રહણ કરી શકે છે.) તેથી ઉપાસનામાં દઢતા અને નિરંતરતા ઘણી આવશ્યક છે. દઢતા અને નિરંતરતાને કારણે કલાકાર સાત્ત્વિક રચનાઓ કરી શકે છે.

૪. સાધના

ઉચ્ચ સ્તરનું જ્ઞાન ગ્રહણ કરવા માટે ઉપાસક માટે નિરંતર સાધના કરવાનું ઘણું આવશ્યક છે. સાધનાથી જ્ઞાન ગ્રહણ કરવાની ક્ષમતા વધે છે. જ્ઞાનના યોગ્ય ઉપયોગ માટે સાત્ત્વિક બુદ્ધિ પણ સાધના દ્વારા જ સંભવ છે.

૫. વિનમ્રતા, અલ્પ અહં, શરણાગતભાવ અને કૃતજ્ઞતાભાવ

‘વિદ્યા વિનયેન શોભતે ।’ ઉક્તિ અનુસાર શ્રી સરસ્વતીદેવીને ‘ઓછો અહં’ ધરાવતો ઉપાસક વધારે પ્રિય છે. વિનમ્ર, શરણાગત અને કૃતજ્ઞતાભાવથી સંપન્ન ઉપાસક ભલે કાંઈ ન માગે, તેમ છતાં પણ શ્રી સરસ્વતીદેવી તેને સ્વયં વિદ્યા પ્રદાન કરે છે.

૬. વ્યષ્ટિ કરતાં સમષ્ટિનો વિચાર વધારે

શ્રી સરસ્વતીદેવીને સંકુચિત મનોવૃત્તિના ઉપાસકને બદલે વ્યાપક પ્રવૃત્તિના ઉપાસક વધારે પ્રિય છે. આવા ઉપાસકોને જ્ઞાન આપવાથી તે જ્ઞાન કેવળ તેના સુધી જ સીમિત રહેવાને બદલે, સર્વ જીવો સુધી તે જ્ઞાન પહોંચી જાય છે.

સંદર્ભ : સનાતન નિર્મિત લઘુગ્રંથ ‘શ્રી સરસ્વતી’ મરાઠી અને હિંદી ભાષામાં ઉપલબ્ધ