શ્રી ગણેશ જયંતી

શ્રી ગણેશજીનો જન્મ દિવસ

મહા સુદ ચોથના દિવસે ગણેશ લહેરો પહેલી વાર પૃથ્વી પર આવી, એટલે આ દિવસ શ્રી ગણેશજીના જન્મ દિવસ તરીકે ઊજવવામાં આવે છે. આ દિવસથી ગણપતિનો અને ચોથનો સંબંધ જોડવામાં આવ્યો.

ગણપતિના સ્પંદનો અને પૃથ્વીના ચતુર્થી તિથિના સ્પંદનો એકસરખા હોવાથી તે એકમેકને અનુકૂળ હોય છે; એટલે જ તે તિથિએ ગણપતિના સ્પંદનો વધારે પ્રમાણમાં પૃથ્વી પર આવી શકે છે. ચતુર્થી એટલે જાગૃતિ, સ્વપ્ન, સુષુપ્તિ પછીની તુર્યાવસ્થા. આ તિથિની વિશિષ્ટતા એટલે, આ તિથિએ શ્રી ગણેશનું તત્ત્વ હંમેશની તુલનામાં ૧ સહસ્રગણું કાર્યરત હોય છે. આ તિથિએ કરેલી શ્રી ગણેશની ઉપાસનાથી ગણેશતત્ત્વનો વધારે લાભ થાય છે.

 

ઉપાસના

ડાબી બાજુ સૂંઢની ટોંચ રહેલી (વામમૂખી) મૂર્તિ પૂજામાં રાખવી.

 

દૂર્વાનું મહત્ત્વ

ગણેશપૂજનમાં દૂર્વા ખાસ મહત્ત્વના છે. દૂર રહેલાં ગણેશ પવિત્રકોને દૂર્વા નજીક લાવે છે.

 

શ્રી ગણપતિને દૂર્વા ચઢાવવાનાં કારણો

પૌરાણિક કારણ

ગણપતિ સાથે વિવાહ કરવાના હેતુથી એક અપ્સરાએ ધ્યાનમગ્ન રહેલા ગણપતિનું ધ્યાનભંગ કર્યું. ગણપતિએ વિવાહ માટે નકાર કરવાથી અપ્સરાએ ગણપતિને શાપ આપ્યો. તેથી ગણપતિના માથામાં બળતરા થવા લાગી. આ બળતરા ન્યૂન (ઓછી) કરવા માટે ગણપતિએ મસ્તક પર દૂર્વા ધારણ કર્યા; તેથી ગણપતિને દૂર્વા ચઢાવાય છે.

આયુર્વેદ અનુસાર કારણ

આયુર્વેદ પ્રમાણે પણ દૂર્વાના રસથી શરીરનો દાહ (બળતરા) ન્યૂન થાય છે, એમ કહે છે.

આધ્યાત્મિક કારણ

પૂજાનો એક ઉદ્દેશ એમ હોય છે કે, આપણે પૂજા કરીએ તે મૂર્તિમાંનું દેવત્વ વધીને તેનો આપણને ચૈતન્યના સ્તર પર લાભ થાય. એ માટે તે તે દેવતાનું વધારેમાં વધારે તત્ત્વ આકર્ષિત કરનારી વસ્તુઓ દેવતાને ચઢાવવી ઉપયુક્ત હોય છે. દૂર્વામાં ગણેશતત્ત્વ આકર્ષિત કરવાની ક્ષમતા સૌથી વધારે હોય છે; તેથી શ્રી ગણેશને દૂર્વા ચઢાવાય છે.

દૂર્વા કેવા હોવા જોઈએ ?

ગણપતિને ચઢાવવાના દૂર્વા કુમળા હોવા જોઈએ. તેમને બાલતૃણમ્ કહેવાય છે. જૂનું થયા પછી તે એક જાતનું ઘાસ બને છે.

દૂર્વાની લંબાઈ કેટલી હોવી જોઈએ ?

પહેલાં ગણપતિની મૂર્તિ આશરે એક મીટર જેટલી ઊંચાઈની રહેતી; એના કારણે સમિધાઓની લંબાઈની દૂર્વા ચઢાવવામાં આવતી. મૂર્તિ જ સમિધાઓના આકારની હોય, તો નાના આકારના દૂર્વા ચઢાવવા. પણ જો મૂર્તિ પુષ્કળ મોટા આકારની હોય તો સમિધાઓના આકારના જ દૂર્વા ચઢાવવા. સમિધા સાથે બંધાય છે, તે રીતે દૂર્વા એકત્ર બંધાય છે. સાથે બાંધવાથી તેમની સુગંધ વધારે સમય ટકે છે. તે વધારે સમય તાજા રહે એ માટે પાણીમાં ભીંજવીને પછી ચઢાવાય છે. આ બન્નેને કારણે ગણપતિનાં પવિત્રકો વધારે સમય મૂર્તિમાં રહે છે.

દૂર્વાની સંખ્યા કેટલી હોવી જોઈએ ?

વિષમ સંખ્યા શક્તિ સાથે સંબંધિત હોય છે. દૂર્વા મોટે ભાગે વિષમ સંખ્યામાં (ન્યૂનતમ ૩ અથવા ૫, ૭, ૨૧, ઇત્યાદિ) ચઢાવાય છે. વિષમ સંખ્યાને કારણે મૂર્તિમાં શક્તિ વધારે પ્રમાણમાં આવે છે. ગણપતિને ખાસ કરીને ૨૧ દૂર્વા ચઢાવાય છે. ૨૧ આંકડો સંખ્યાશાસ્ત્ર અનુસાર ૨+૧=૩ એવો છે. શ્રી ગણપતિ ૩ આંકડા સાથે સંબંધિત છે. ૩ આંકડો કર્તા, ધર્તા સાથે જ હર્તા પણ હોવાથી તે શક્તિને કારણે ૩૬૦ લહેરો નષ્ટ કરવાનું શક્ય બને છે. સમ સંખ્યામાં દૂર્વા ચઢાવવાથી વધારેમાં વધારે ૩૬૦ લહેરો આકર્ષિત થાય છે અને પછી ૧૦૮ લહેરો પણ આકર્ષિત થાય છે. (રાવણ પ્રતિદિન ૩૬૦ + ૧૦૮ = ૪૬૮ દૂર્વા ચઢાવતો હતો.)

 

દૂર્વા અર્પણ કરવાની પદ્ધતિ
(મૂર્તિ જાગૃત કરવાની અને તેની જાગૃતતા જાળવી રાખવાની પદ્ધતિ)

ચહેરો છોડીને સંપૂર્ણ ગણપતિ દૂર્વાથી શણગારવા. તેને કારણે મૂર્તિની બાજુમાં દૂર્વાની સુગંધ આવવા લાગે છે. દૂર્વાથી ગણપતિને શણગારવાથી આ ગંધ ગણપતિના આકારમાં સંપ્રેષિત (સંગ્રહિત) થાય છે; માટે ગણપતિનાં પવિત્રકોના આકારને આ આકાર ભણી આવવું સહેલું બને છે. આને મૂર્તિએ સમાકારિકત્વ ગ્રહણ કર્યું, એમ કહેવાય છે. એનેજ મૂર્તિ જાગૃત થઈ, એવું પણ કહેવાય છે. આવેલાં પવિત્રકો ચાલ્યા જવાને બદલે તે ત્યાં જ રહે તે માટે મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરાય છે. આ ગંધ હોય ત્યાં સુધી પવિત્રકો વધારે પ્રમાણમાં રહે છે. તેવી રીતે તે રહે એ માટે દિવસમાં ત્રણ વાર દૂર્વા પાલટવામાં આવે છે. તેથી દિવસમાં ત્રણ વાર પૂજા કરાય છે.

લાલ વસ્તુ

ગણેશનો વર્ણ લાલ છે. તેઓની પૂજામાં લાલ વસ્ત્ર, લાલ ફૂલ (જાસુદ) અને રક્તચંદન વપરાય છે. તેમના લાલ રંગને કારણે ગણેશ પવિત્રકો મૂર્તિ ભણી આકર્ષિત થાય છે.

મંત્ર

આ કાળ દરમ્યાન કરેલી શ્રી ગણેશજીની ઉપાસના દ્વારા ગણેશતત્ત્વનો અધિક લાભ થાય છે. તે માટે આ દિવસે શ્રી ગણપતિનો ‘ૐ ગઁ ગણપતયે નમ:’ આ નામજપ વધારેમાં વધારે કરવો.

૧. માનવીના શરીરમાંના જુદા જુદા કાર્યો જુદી જુદી શક્તિઓ દ્વારા થતા હોય છે. તે જુદી જુદી શક્તિઓની મૂળભૂત શક્તિને પ્રાણશક્તિ એમ કહે છે. શ્રી ગણપતિનો નામજપ પ્રાણશક્તિ વધારનારો હોય છે.

૨. અનિષ્ટ શક્તિઓના ત્રાસનું નિવારણ કરનારી ઉચ્ચ દેવતાઓ પૈકી એક એટલે શ્રી ગણપતિ. ગણપતિના નામજપ દ્વારા અનિષ્ટ શક્તિઓના ત્રાસનું કાયમસ્વરૂપનું નિવારણ થઈ શકે છે.

કાળ અનુસાર આવશ્યક ઉપાસના

વર્તમાન સમયમાં વિવિધ પ્રકારોથી દેવતાઓનું અપમાન કરવામાં આવે છે; વ્યાખ્યાન, પુસ્તક, જાહેરખબર ઇત્યાદિના માધ્યમ દ્વારા દેવતાઓનું અપમાન કરવામાં આવે છે; વ્યાવસાયિક હેતુથી જાહેરખબરો માટે દેવતાઓનો ઉપયોગ ‘મૉડેલ’ તરીકે કરવામાં આવે છે; દેવતાઓનો પહેરવેશ કરીને ભીખ માંગવામાં આવે છે.

શ્રદ્ધા, દેવતાઓની ઉપાસના કરવા માટેનો પાયો છે. દેવતાઓનું અપમાન કરવાથી શ્રદ્ધા પર માઠું પરિણામ નીપજે છે. તેથી તે ધર્મહાનિ જ છે. ધર્મહાનિ રોકવી કાળને અનુસરીને આવશ્યક ધર્મપાલન જ છે; તે દેવતાના સમષ્ટિ સ્તરની ઉપાસના જ છે. તે ઉપાસના કર્યા સિવાય દેવતાની ઉપાસના પૂર્ણ થઈ જ ન શકે. તેથી શ્રી ગણેશભક્તે પણ દેવતાઓનું અપમાન રોકવા પ્રત્યે જાગૃત થઈને ધર્મહાનિ રોકવી. સંસ્થા આ સંદર્ભમાં કાયદેસર રીતે કાર્યરત છે.

વિગતવાર જાણકારી માટે વાંચો : સનાતન-નિર્મિત ગ્રંથ ‘શ્રી ગણપતિ’