મહાયુદ્ધ અટળ હોવાથી પ્રાણરક્ષાની કૃતિઓ અને સાધનાને સર્વોચ્ચ પ્રાધાન્ય આપો !

‘હાલમાં વૈશ્વિક સ્તરે પ્રચંડ ઉથલપાથલ થઈ રહી છે. વૈશ્વિક સ્તરે મહાયુદ્ધ અટળ છે અને આગામી ૫ થી ૭ વર્ષ અત્યંત ભીષણ એવી યુદ્ધજન્ય પરિસ્થિતિ સર્વત્ર રહેવાની છે. આ સમયગાળો એક પ્રકારે ‘સંધિકાળ’ (સંક્રમણ કાળ) છે.
ભવિષ્યમાં અત્યંત કપરો આપત્કાળ (સંકટનો સમય) આવવાનો છે, એવું છેલ્લા ૨૦ વર્ષથી ‘સનાતન સંસ્થા’ જણાવી રહી છે. તે ખરાબ સમય હવે આનાથી આગળ પ્રત્યક્ષ અનુભવવો પડશે. આ સંકટકાળમાં જીવતા રહેવા માટે અને જીવન જીવવા માટે કઈ પૂર્વસિદ્ધતા કરવી? તેમજ કઈ સાધના કરવી? તેનું માર્ગદર્શન સનાતન સંસ્થા સમયાંતરે ગ્રંથો, સામયિકો, સંકેતસ્થળો ઇત્યાદિ માધ્યમ દ્વારા આપતી રહી છે. સંસ્થા દ્વારા આપવામાં આવેલું આ માર્ગદર્શન માત્ર વાંચવા માટે નથી, પરંતુ તેને કૃતિમાં (અમલમાં) લાવવાનો યોગ્ય સમય હવે આવી ગયો છે. તેથી કોઈ પણ વિલંબ કર્યા વિના પ્રાણરક્ષા માટે આવશ્યક એવી કૃતિઓને સર્વોચ્ચ પ્રાધાન્ય આપો, તેમજ સંકટકાળમાં ભગવાન માત્ર ભક્તનું જ રક્ષણ કરે છે, એ ધ્યાનમાં રાખીને કઠોર સાધના કરો અને ભગવાનના અનન્ય ભક્ત બનો !
છેલ્લા ૫-૭ વર્ષોથી, વિશેષ કરીને કોરોના મહામારીના સમયથી ‘સંપત્કાળ’ (સારો સમય) પૂરો થઈને ‘આપત્કાળ’નો પ્રારંભ થયો છે. હવે ગત વર્ષથી, એટલે કે ભારત-પાક યુદ્ધથી યુદ્ધકાળ પ્રારંભ થયો છે. પ્રત્યેક સમયના નિયમો અલગ હોય છે. સંપત્કાળમાં મનોરંજન, પ્રવાસ, નોકરી-ધંધાને જેમ પ્રાધાન્ય હોય છે, તે જ રીતે યુદ્ધકાળમાં રાષ્ટ્રીય કર્તવ્યોનું પાલન કરવું, જીવ બચાવવા માટે પ્રયત્નો કરવા અને સાધના કરવી એને પ્રાધાન્ય હોય છે. સંધિકાળમાં સાધના કરવાથી અનેક વર્ષોની સાધના ટૂંકા ગાળામાં થઈ જાય છે. તેથી આગામી ૫-૭ વર્ષના કઠિન સમયમાં સાધના પર ભાર મૂકશો તો તમને મોટો આધ્યાત્મિક લાભ થશે અને ઈશ્વરી રક્ષણ મળશે.
આ ભીષણ યુદ્ધકાળમાં માત્ર પોતાનો જ વિચાર કરવાને બદલે, સમાજના સાત્ત્વિક હિંદુઓનું (જીવોનું) રક્ષણ કરવું અત્યંત આવશ્યક છે. આવી કઠિન પરિસ્થિતિમાં સાત્ત્વિક હિંદુઓના (જીવોના) પ્રાણરક્ષણ માટે પ્રામાણિકપણે પ્રયત્ન કરવા, એ જ આ સમયની ખરી સમષ્ટિ સાધના પુરવાર થશે.’
– સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત આઠવલે, સંસ્થાપક, સનાતન સંસ્થા. (૨૩.૫.૨૦૨૬)
સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત આઠવલેજીના એક આધ્યાત્મિક ઉત્તરાધિકારી શ્રીસત્શક્તિ (સૌ.) બિંદા નીલેશ સિંગબાળનો ગુરુપૂર્ણિમા નિમિત્તે સંદેશ
ઝડપી આધ્યાત્મિક ઉન્નતિ માટે સ્વભાવદોષ, પ્રમાદ અને સંભ્રમ દૂર કરો !

‘साध्यति निष्पादयति कार्यमिति इति साधकः।’ એટલે કે, જે (આધ્યાત્મિક ઉન્નતિ) સાધ્ય કરવા માટે નિષ્પત્તિ (અપેક્ષિત ફળ) મળે ત્યાં સુધી સાતત્યપૂર્વક કર્મ (સાધના) કરતો રહે છે, તે સાધક છે. આવા સાચા સાધક બનવાની પ્રક્રિયામાં સૌથી મોટા અવરોધો એટલે સ્વભાવદોષ, પ્રમાદ અને સંભ્રમ છે.
૧. સ્વભાવદોષ :
આળસ ઇત્યાદિે અનેક સ્વભાવદોષોને કારણે સાધનાની નિષ્પત્તિ (ગતિ અને ફળ) ઓછી થઈ જાય છે. આ માટે સાધકોએ ‘સ્વભાવદોષ નિર્મૂલન પ્રક્રિયા’ આત્મસાત કરવી મહત્ત્વપૂર્ણ છે. આ પ્રક્રિયા દ્વારા ‘સ્વભાવદોષ’ આ અવરોધનું નિવારણ કરી શકાય છે.
૨. પ્રમાદ :
પ્રમાદ એટલે જાણીજોઈને અથવા અજાણતામાં થયેલું અયોગ્ય વર્તન. કર્મફળ સિદ્ધાંત અનુસાર પ્રત્યેક કર્મનું ફળ ભોગવવું જ પડતું હોવાથી, કોઈ પણ પ્રમાદ સાધકની સાધના ખર્ચ કરે છે. પરિણામે તેની અપેક્ષિત આધ્યાત્મિક ઉન્નતિ થતી નથી. પ્રાયશ્ચિત ઇત્યાદિ કર્મ કરીને પ્રમાદનું પરિમાર્જન (નિવારણ) કરી શકાય છે; તેથી સાધકે થયેલા પ્રમાદ માટે પ્રાયશ્ચિત કરવું જોઈએ.
૩. સંભ્રમ :
સાધકની દૃષ્ટિએ સૌથી મોટો અવરોધ બનનારી બાબત એટલે સંભ્રમ ! સંભ્રમ એ સાધકે પોતે જ નિર્માણ કરેલી એક નકારાત્મક માનસિક અવસ્થા હોય છે. આમાં મુખ્યત્વે ત્રણ બાબતો હોય છે :
અ. ભ્રમ : (ખોટું હોય તેને સાચું માનવું)
આ. દ્વંદ્વ : (‘આ યોગ્ય કે અયોગ્ય’ એવી અનિર્ણાયક અવસ્થામાં રહેવું)
ઇ. વિકલ્પ : (ગુરુ અને સાધના વિશે મનમાં નકારાત્મક વિચારો કરવા)
સ્વભાવદોષ અને પ્રમાદ પર આપણે પ્રયત્નો દ્વારા વિજય મેળવી શકીએ છીએ; પરંતુ સંભ્રમ અવસ્થા દૂર કરવા માટે ગુરુનું માર્ગદર્શન અથવા ગુરુકૃપા જ આવશ્યક હોય છે. ગુરુરૂપી સંતોનું માર્ગદર્શન લેવું, એ જ સંભ્રમ અવસ્થા દૂર કરવાનો સર્વોત્તમ માર્ગ છે.
આ ગુરુપૂર્ણિમાના દિવસે ઝડપી આધ્યાત્મિક ઉન્નતિ મેળવવા માટે આપણામાં રહેલા અવરોધરૂપી સ્વભાવદોષ, પ્રમાદ અને સંભ્રમને દૂર કરવા માટે દ્રઢ નિશ્ચય કરીએ !’
– શ્રીસત્શક્તિ (સૌ.) બિંદા નીલેશ સિંગબાળ (૪.૬.૨૦૨૬)
સચ્ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત આઠવલેજીના એક આધ્યાત્મિક ઉત્તરાધિકારી શ્રીચિત્શક્તિ (સૌ.) અંજલી મુકુલ ગાડગીળનો ગુરુપૂર્ણિમા નિમિત્તે સંદેશ
આપત્કાળમાં રક્ષણ મેળવવા માટે ઈશ્વરના ભક્ત બનો !

‘અનેક દ્રષ્ટાઓ અને સંતોના જણાવ્યા અનુસાર આપત્કાળનો (સંકટના સમયનો) પ્રારંભ થઈ ગયો છે. આગામી અત્યંત ભીષણ આપત્કાળમાંથી પાર ઉતરવા માટે ‘બધાએ ઈશ્વરની ભક્તિ કરવી’, એ જ એકમાત્ર ઉપાય છે !
ભક્તિનું પ્રથમ પગથિયું એટલે જીવનમાં પ્રત્યેક કર્મ કરતી સમયે ઈશ્વર પ્રત્યે અંતઃકરણમાં ભાવ નિર્માણ કરવો. આ માટે નિત્ય સાધના કરવી આવશ્યક છે. ગુરુના ચરણોની સેવા કરતી સમયે ગરુના સાન્નિધ્યમાં જીવના અંતઃકરણમાં ભગવાન પ્રત્યે આપોઆપ ભાવ નિર્માણ થાય છે. આ માટે અલગ પ્રયત્નો કરવા પડતા નથી. ગુરુના ચરણ ન છોડવા, એ જ પ્રત્યેક જીવના જીવનનું અંતિમ ધ્યેય હોવું જોઈએ. કેટલાક લોકો કહેશે, ‘અમારે કોઈ ગુરુ નથી.’ આવા સમયે ‘આપણા ઈષ્ટદેવ જ આપણા ગુરુ છે’, એવો ભાવ રાખવો. આનાથી આપણું સંપૂર્ણ જીવન જ બદલાઈ જાય છે.
‘ભાવ ત્યાં દેવ’ એ કહેવત અનુસાર સતત ભગવાનના અનુસંધાનમાં (સ્મરણમાં) રહી શકાય છે. જીવનમાં અનુસંધાનનું અનન્યસાધારણ મહત્ત્વ છે. અનુસંધાનને કારણે જીવ માયાને ભૂલી જાય છે અને તેના માટે જીવન એક ‘આધ્યાત્મિક આનંદનો સાગર’ બની જાય છે. આના કારણે વર્તમાનમાં તેના પર ગમે તેટલી આપત્તિઓ આવે, તો પણ તે તેનો હસતા મુખે સામનો કરે છે. આને જ ‘દેવકૃપા થવી’ અથવા ‘ગુરુકૃપા થવી’ કહેવાય છે.
મનમાં ઈશ્વર પ્રત્યે અથવા ગુરુ પ્રત્યે ભાવ હોય, તો ‘બધું જ ભગવાનની ઈચ્છાથી થઈ રહ્યું છે’, એવી શ્રદ્ધા મનમાં નિર્માણ થાય છે. આપત્કાળમાં આ જ શ્રદ્ધા અને ભક્તિ આપણા જીવનનો આધાર બને છે. શ્રદ્ધા અને ભક્તિ વિના જીવનની નૌકા ભટકી જાય છે.
આપત્કાળમાં ભાવ-ભક્તિના સંગાથથી જ આપણે પાર ઉતરી શકીએ છીએ. ‘ત્રીજું મહાયુદ્ધ ભયંકર હશે’, એવું સંતોનું કહેવું છે. તે માટે પહેલેથી જ મન અને બુદ્ધિની સિદ્ધતા કરવી આવશ્યક છે. ‘નિત્ય સાધના કરવી’, એ જ તેના પરનો એક ઉત્તમ ઉપાય છે.
આ ગુરુપૂર્ણિમાએ ગુરુને શરણ જઈને વ્યષ્ટિ (વ્યક્તિગત) અને સમષ્ટિ (સમાજ માટેની) સાધનાનો યોગ્ય મેળ બેસાડવાનો પ્રયત્ન કરીને તીવ્ર સાધના કરવાનો સંકલ્પ કરીએ ! ગુરુદેવ ચોક્કસપણે આપણને આ કઠિન સમયમાંથી પાર ઉતારશે, એવી નિશ્ચિતિ રાખીએ !
આપત્કાળની પૂર્વસિદ્ધતા તરીકે માત્ર સ્થૂળ (ભૌતિક) સિદ્ધતા જ નહીં, પરંતુ ભાવ, ત્યાગ, શરણાગતિ અને અહં-નિર્મૂલન (અહંકાર દૂર કરવો) દ્વારા આત્મિક સિદ્ધતા પણ કરો ! એવું કરવાનો દ્રઢ સંકલ્પ આ ગુરુપૂર્ણિમાના દિવસે કરો અને એક સહસ્ર ગણું કાર્યરત એવા ગુરુતત્ત્વનો આધ્યાત્મિક લાભ પ્રાપ્ત કરો !’
– શ્રીચિત્શક્તિ (સૌ.) અંજલી મુકુલ ગાડગીળ (૩૧.૫.૨૦૨૬)
ગુરુપૂર્ણિમા