રાંદલ માતાજી

રાંદલમાતા (અર્થાત્ રાજ્ઞિ કે રન્ના દેવી) સૂર્યની પત્ની મનાય છે. રાંદલમાતા એટલે છાયા જે વિશ્વકર્માની પુત્રી પણ મનાય છે. સૂર્યના આવાહન સાથે જ દેવીનું આવાહન કરવામાં આવે છે. રાંદલમાતાનું વાહન ઘોડો છે.

 

રાંદલ માતાજીની પૂજાવિધિ

ઉદ્દેશ

રાંદલમાતા માનતા પૂરી કરનારી દેવી મનાય છે. એ માટે લગ્ન અને બીજા મંગલ પ્રસંગોમાં હોંશપૂર્વક રાંદલ તેડવામાં આવે છે. રાંદલમાતાની પૂજા કરવાથી સંતાનપ્રાપ્તિ થાય છે. રાંદલમાતા તેડવી એ વિધિ કેટલાય કુટુંબોમાં કુળધર્મ સમજીને કરવામાં આવે છે.  કેટલાક ઠેકાણે માતાજીની કૃપા થાય એ હેતુથી અથવા માનતા ફળવાના રૂપથી આ વિધિ કરવામાં આવે છે. જેના ઘરે રાંદલમાતા તેડ્યા હોય, તે ઘરની સ્ત્રીઓ રાંદલમાતાનો ઘોડો ખૂંદવા આવજો એવાં નોતરાં આપવા ગામમાં નીકળે છે.

 

રાંદલ માતાજીની પ્રત્યક્ષ પૂજાવિધિ

૧. રાંદલ માતાજીની સ્થાપના પૂજાઘરમાં કરવામાં આવે છે. કેટલાક સ્થાને રાંદલની સ્થાપના નૈઋત્ય ખૂણામાં પૂર્વાભિમુખ કરવામાં આવે છે. રૂપકડા બાજોઠ પર લીલું કે રાતું કપડું પાથરી ઉપર ઘઉં, ચોખા કે જુવારનો ઢગલો કરી તેના પર તાંબાના બે લોટા અને ચોટલીવાળાં શ્રીફળ મૂકી શ્રીફળને આંખો, નેણ અને નાક બનાવે છે. પછી માતાજીને સોળે શણગાર સજાવવામાં આવે છે.

૨. સૌપ્રથમ હળદર, કંકુ અને સૌભાગ્ય અલંકાર અર્પણ કરીને મૂર્તિની પૂજા કરવામાં આવે છે.

૩. તે પછી દેવીની આરતી કરવામાં આવે છે. અખંડ દીવડા પ્રગટાવવામાં આવે છે, કુંડામાં સાત ધાન્ય વાવી જવારો ઉગાડવામાં આવે છે. પાંદડીયો (કડવા લીંબડાના પાંદડાનો) ધૂપ કરીને ચોખાના લોટની કુલેર, દૂધ, ખીર, ચણાનો પ્રસાદ નૈવેદ તરીકે ધરાવવામાં આવે છે.

૪. આખી રાત જાગરણ કરવામાં આવે છે. તે વખતે ગરબા કરવા ઉપરાંત ઘોડો ખૂંદવામાં આવે છે. કેટલાક સ્થાને ઘોડો ખૂંદવાના વિધિને  જાગ લેવા કે જાગ માંડવા પણ કહે છે. સ્ત્રીઓ તાળીઓ પાડતી પાડતી અને બંને પગે કૂદતી માતાજીનો ઘોડો ખૂંદે છે.

૫. બીજે દિવસે સવારે સ્નાન કરીને દેવીની આરતી કરવામાં આવે છે.

૬. તે પછી માતાજીની માંડવી માથા પર લઈને દેવીના ગીતો ગાતા દેવીનું ગામમાંથી સરઘસ કાઢવામાં આવે છે. (આ વિધિ કેટલાક લોકો સાતમા કે નવમા દિવસે કરે છે.)

૭. છેવટે મૂર્તિનું નદીમાં વિર્સજન કરવામાં આવે છે.

 

 માતાજીનો ઘોડો ખૂંદવો એ કૃતિથી ભક્તોને થનારો લાભ

અ. ઘોડો ખૂંદવો

ઘોડો રજોગુણી કાર્યશક્તિનું પ્રતીક હોવાથી આ પ્રતીકના માધ્યમથી વાયુમંડળમાંની દેવીની કાર્યશક્તિમાંનો રજોગુણ સતત કાર્યમાન રાખવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ઘોડો ખૂંદવો, એ કૃતિને લીધે વાયુમંડળના રજોગુણી લહેરો સતત ગતિમાન અવસ્થામાં ભ્રમણ કરે છે. આ લહેરોના સ્પર્શથી જીવની કાર્યને ગતિ આપનારી સૂર્યનાડી સતત જાગૃત અવસ્થામાં રહે છે.

આ. દેવીના સ્મરણમાં રાત્રે જાગરણ કરવું

આ રાતના અંધકારના તમોગુણ પર માત કરવાનું પ્રતીક છે. આવી રીતે આ વિધિમાંથી ક્ષુદ્રદેવતાની કૃપાનો લાભ થઈને રજોગુણના માધ્યમથી આપણું મનોકામનાયુક્ત કાર્યાગ સાધ્ય કરવામાં આવે છે.

 

 રાંદલ મા તેડવા એ વિધિ પાછળનું અધ્યાત્મશાસ્ત્ર

અ. ક્ષુદ્રદેવતાને આવાહન કરીને તેમનું પૂજન કરવું

‘આ એક જે-તે સ્થાનના ક્ષુદ્રદેવતાને આવાહન કરવાની વિધિ છે. માટીની મૂર્તિ પૂજવાથી પૃથ્વીતત્વની ઉપાસના કરીને તેમાનું શક્તિરૂપી દેવીતત્ત્વ કંકુમાર્ચનથી જાગૃત કરવામાં આવે છે અને પૃથ્વીતત્વના સ્તર પર તે તે સમયે શક્તિતત્વનો લાભ મેળવવામાં આવે છે. તે પછી સોનાના સૌભાગ્ય અલંકારોથી તેને મઢાવીને તેજના સ્તર પર તેમાંના શક્તિરૂપી દેવત્વનો ચૈતન્યરૂપી દેવત્વમાં રૂપાંતર કરવામાં આવે છે.

આ. પૂજાવિધિથી થતાં ફાયદા

ક્ષુદ્રદેવતાના આવાહનથી વાસ્તુની શુદ્ધિ, કનિષ્ઠ સ્તર પરની અનિષ્ટ શક્તિઓના હુમલાઓથી રક્ષણ, તેમજ સંતાન પ્રાપ્તિ વચ્ચે આવતા પૂર્વજ-અનિષ્ટ શક્તિઓની અડચણો દૂર થાય છે.’

Leave a Comment