નવરાત્રિ પૂજન

આસો સુદ પક્ષ પ્રતિપદાથી નવમી સુધી માતૃભાવ અને વાત્સ્લ્યાવની અનુભૂતિ પ્રદાન કરનારી, પ્રીતિ અને વ્યાપકતાના ગુણોના સર્વોચ્ચ સ્તર પરનું દર્શન કરાવનારી જગદોદ્ધારિણી, જગતનું પાલન કરનારી શક્તિની ઉપાસના, વ્રત અને ઉત્સવ ઊજવવાનો સમયગાળો અર્થાત્ નવરાત્રિ. આસો સુદ એકમના દિવસે ઘટસ્થાપના પછી નવરાત્રોત્સવ આરંભ થાય છે.  નવરાત્રિમાં મૂળ નક્ષત્ર પર સરસ્વતીનું આવાહન, પૂર્વાષાઢા નક્ષત્ર પર પૂજન, ઉત્તરાષાઢા નક્ષત્ર પર બલિદાન, શ્રવણ નક્ષત્ર પર વિસર્જન કરવું જોઈએ. સુદ આઠમ અને નવમી, આ મહાતિથિઓ છે.

 

ઇતિહાસ

અ. રામના હાથે રાવણનો વધ થાય, એ ઉદ્દેશથી નારદે રામને નવરાત્રિનું વ્રત કરવા માટે કહ્યું. આ વ્રત પૂર્ણ કર્યા પછી રામે લંકા પર ચડાઈ કરીને અંતે રાવણનો વધ કર્યો.

આ. મહિષાસુર નામક અસુર સાથે એકમથી નવમી એવી રીતે નવ દિવસ યુદ્ધ કરીને દેવીએ નવમીની રાત્રે એનો વધ કર્યો. ત્યારથી તેને ‘મહિષાસુરમર્દિની’ના નામથી ઓળખવા લાગ્યા.

 

ભાવાર્થ

અસુર શબ્દની વ્યુત્પત્તિ છે – ‘असुषु रमन्ते इति असुरः ।’  અર્થાત્  જે સદૈવ ભૌતિક આનંદ, ભોગ-વિલાસમાં જ રમમાણ થાય છે તેઓ અસુર છે.  એવા મહિષાસુરનો આજે પ્રત્યેક માનવીના હૃદયમાં વાસ છે અને તેણે માનવીની આંતરિક દૈવીવૃત્તિઓ પર અધિકાઈ પ્રસ્થાપિત કરી છે. સદર મહિષાસુરની માયા જાણી લઈને તેની આસુરી પકડમાંથી મુક્ત થવા માટે શક્તિની ઉપાસના કરવી આવશ્યક છે. તે માટે નવરાત્રિના નવ દિવસ શક્તિની ઉપાસના કરવી.

 

મહત્વ

અ. ધર્મસ્થાપના માટે દેવી ફરીફરીને અવતાર ધારણ કરે છે – જગતમાં જ્યારે જ્યારે તામસી, આસુરી અને ક્રૂર લોકો પ્રબળ થઈને સાત્વિક અને ધર્મનિષ્ઠ સજ્જનોને પીડા આપે છે, ત્યારે દેવી ધર્મસંસ્થાપના કરવા માટે ફરીફરીને અવતાર ધારણ કરે છે. તે નિમિત્તે આ વ્રત છે.

આ. નવરાત્રિમાં દેવીતત્વ અધિક હોય છે. દેવીતત્ત્વનો વધારેમાં વધારે લાભ મળવા માટે નવરાત્રિના કાળમાં ‘શ્રી દુર્ગાદેવ્યૈ નમ:’ આ નામજપ વધારેમાં વધારે કરવો.

 

વ્રત કરવાની પદ્ધતિ

આ વ્રત ઘણાં કુટુંબોમાં કુળાચારના સ્વરૂપે હોય છે.

 અ. અષ્ટભુજા દેવીની અને નવાર્ણ યંત્રની સ્થાપના

ઘરમાં કોઈ પવિત્ર સ્થાન પર એક વેદી તૈયાર કરીને તેના પર સિંહારૂઢ  અષ્ટુજા દેવીની અને નવાર્ણ યંત્રની સ્થાપના કરવી. અષ્ટુજા દેવી શક્તિતત્વનું મારક રૂપ છે.  નવાર્ણવ યંત્ર પૃથ્વી પર સ્થાપિત દેવીના બિરાજનાત્મક આસનનું પ્રતીક છે. યંત્રની બાજુમાં ઘટની સ્થાપના કરીને, કળશ અને દેવીની યથાવિધિ પૂજા કરવી.

આ. ઘટસ્થાપના અને માળાબંધન

નવરાત્ર મહોત્સવમાં કુળાચાર પ્રમાણે ઘટસ્થાપના અને માળાબંધન કરવું. ખેતરમાંથી મૃત્તિકા (માટી) લાવીને તેનું બે વેઢાં (આંગળીનાં) જેટલું જાડું પડ કરવું તેમજ તેનું ચોરસ સ્થાન બનાવીને તેમાં પાંચ અથવા સાત પ્રકારના ધાન્ય ઉગાડવા. તેમાં (પાંચ અથવા) સપ્તધાન્ય રાખવા. જવ, ઘઉં, તલ, મગ, ચોખા, સાવે(અડદ) અને ચણા આ સાત ધાન્ય છે.

 

નવરાત્રિ દરમિયાન નિત્ય કરવા યોગ્ય કૃતિઓ

૧. માટી અથવા તાંબાનો કલશ લઈને તેમાં પાણી, ગંધ, ફૂલો, ધરો, અક્ષત, સોપારી, પંચપલ્લવ, પંચરત્નો અથવા નાણાં ઇત્યાદિ વસ્તુઓ મૂકવી.

૨. સપ્તધાન્ય અને કલશ (વરુણ) સ્થાપનાના વૈદિક મંત્ર આવડતા ન હોય તો પુરાણોક્ત મંત્ર બોલવા. તે પણ આવડતા ન હોય તો તે તે વસ્તુનું નામ લઈને ‘સમર્પયામિ’ બોલીને નામમંત્રનો વિનિયોગ કરવો. કલશમાં માળા પહોંચે તેવી રીતે બાંધવી. અખંડ દીપપ્રજ્વલન, તે દેવતાનું મહાત્મ્યપઠન (ચંડીપાઠ), સપ્તશતીપાઠ, દેવીભાગવત, બ્રહ્માંડપુરાણમાંનું લલિતોપાખ્યાનનું શ્રવણ, લલિતાપૂજન, સરસ્વતીપૂજન, ઉપવાસ, જાગરણ ઇત્યાદિ વિવિધ કાર્યક્રમ કરીને ક્ષમતા અને સામર્થ્ય અનુસાર નવરાત્ર મહોત્સવ અને દુર્ગાપૂજા ઊજવવા.

૩. નવ દિવસ પ્રતિદિન દેવીને નૈવેદ્ય ધરાવવો – ભક્તનો ઉપવાસ ભલે હોય, છતાં દેવતાને હંમેશાંની જેમ અન્નનો નૈવેદ્ય ધરવો પડે છે.

૪. આ કાળમાં શાસ્ત્રોમાં કહેવા પ્રમાણે અને ઉત્કૃષ્ટ આચારના એક ભાગ તરીકે વ્રત કર્તાએ શ્મશ્રૂ ન કરવું (દાઢી-મૂંછો અને માથા પરના વાળ ન કાપવા), કડક બ્રહ્મચર્ય, પલંગ પર અથવા ગાદલા પર ન સૂવું, સીમાને પાર કરવી નહીં, ચંપલ ન વાપરવા એવી વિવિધ બાબતોનું પાલન કરવું.

 

અખંડદીપ પ્રજ્વલન પાછળનું શાસ્ત્ર

નવરાત્રિ અથવા અન્ય ધાર્મિક્ વિધિ સમયે દીવો અખંડ પ્રજ્વલિત રહેવો આવશ્યક છે. નવરાત્રિમાં વાયુમંડળ શક્તિ અને તેજતત્વની લહેરોથી પ્રારિત હોય છે. અખંડ પ્રજ્વલિત દીવાની જ્યોતિમાં આ લહેરો ગ્રહણ કરવાની ક્ષમતા હોય છે. અખંડદીપ પ્રજ્વલનનો લા વાસ્તુમાં રહેનારાઓને સમગ્ર વર્ષ સુધી મળે છે. જો તે પવન, તેલ ખૂટી જવું, મેશ થવી ઇત્યાદિ કારણસર બૂઝાઈ જાય તો તે કારણો દૂર કરીને ફરીથી પ્રજ્વલિત કરવો અને પ્રાયશ્ચિત્ત તરીકે અધિષ્ઠાતા દેવતાનો ૧૦૮ અથવા ૧૦૦૮ જેટલો નામજપ કરવો.

 

કુમારિકાઓની પૂજાનું મહત્વ

ધર્મશાસ્ત્ર પ્રમાણે નવ દિવસ પ્રતિદિન કુમારિકાઓની પૂજા કરીને તેને જમાડવી. સુવાસિની એટલે પ્રગટ શક્તિ, જ્યારે કુમારિકા એટલે અપ્રગટ શક્તિ. પ્રગટ શક્તિનો થોડો અપવ્યય થતો હોવાથી સુવાસિની કરતાં કુમારિકાઓમાં કુલ શક્તિ વધારે હોય છે.

 

કુમારીકાપૂજા

નવરાત્રિમાં નવ દિવસ, પ્રત્યેક દિવસે એક અથવા પહેલા દિવસે એક, બીજા દિવસે બે, નવમા દિવસે નવ એ રીતે ચડતી પદ્ધતિથી કુમારીકાઓને ભોજન કરાવવું, એવું વિધાન છે. આ કુમારી બે વર્ષથી દશ વર્ષ સુધીની ઉમંરની હોય છે. પ્રત્યેક વર્ણએ પોતપોતાના વર્ણની કુમારીને જમવા બોલાવવાનું હોય છે. તે નિર્દોષ, નિરોગી અને અવ્યંગ હોવી જોઈએ , એવું પણ શાસ્ત્રોમાં કહ્યું છે. દેવીપૂજન થયા પછી કુમારીની પૂજા કરાય છે. પ્રથમ તેનું નીચેના મંત્રથી આવાહન કરાય છે.

मन्त्राक्षरमयीं लक्ष्मीं मातृणां रूपधारिणीम् ।
नवदुर्गात्मिकां साक्षात् कन्यामावाहयाम्यहम् ॥

અર્થ : મંત્રાક્ષરમય, લક્ષ્મીસ્વરૂપ, માતૃકાઓનું રૂપ ધારણ કરનારી અને સાક્ષાત્ નવદુર્ગાત્મિકા, એવી ક્નયાનું હું આવાહન કરું છું.

પ્રથમ કુમારીને શણગારેલા બાજઠ પર બેસાડાય છે, તેના પગ ધોવાય છે, તેને ગંધ, પુષ્પ, કંકુ-ચાંલ્લો લગાડાય છે, ચણીયા-ચોળી અપાય છે અને તેના ગળામાં ફુલોની માળા પહેરાવાય છે. તેને પંચામૃત અને મિષ્ટાન્ન સમર્પિત કરાય છે. પછી તેને આદિ શક્તિનું રૂપ માનીને નમસ્કાર કરાય છે.

 

નવરાત્રિ સમાપનની કેટલીક કૃતિઓ

અ. નવરાત્રિની સંખ્યા પર ભાર દઈને કેટલાક લોકો છેવટના દિવસે પણ નવરાત્રિ રાખે છે; પણ શાસ્ત્ર પ્રમાણે છેલ્લા દિવસે નવરાત્રિ ઊઠવા આવશ્યક છે. તે દિવસે સમારાધાન (ભોજનપ્રસાદ) થયા પછી જો સમય હોય, તો તે જ દિવસે બધા દેવ કાઢીને અભિષેક અને ષોડશોપચાર પૂજા કરવી. જો સમય ન હોય, તો બીજા દિવસે સર્વ દેવો પર પૂજાભિષેક કરવો.

આ. દેવીના મૂર્તિ વિસર્જન સમયે ઉગાડેલા અનાજના રોપ (જુવારા) દેવીને ચડાવે છે. તે રોપોને  શાકંરીદેવી તરીકે સ્ત્રીઓ માથા પર ધારણ કરીને વિસર્જન કરવા લઈ જાય છે.

ઇં. નવરાત્ર (ઘટ) બેસે ત્યારે અને ઊઠે ત્યારે દેવોનું  ઉદ્ધાર્જન (સુગંધી દ્રવ્યોથી સ્વચ્છ કરવા, ઉટવણું લગાડવું) અવશ્ય કરવું. ઉદ્ધાર્જન માટે હંમેશાંની જેમ લિંબુ, ભસ્મ ઇત્યાદિ વસ્તુઓનો ઉપયોગ કરવો. રંગોળી અથવા વાસણ માંજવાના ચૂર્ણ (પાવડર)નો ઉપયોગ કરવો નહીં.

ઈ. અંતમાં સ્થાપિત ઘટ અને દેવીની મૂર્તિનું ઉત્થાપન (વિસર્જન) કરવું.

દેવીની નીચે જણાવ્યા પ્રમાણે પ્રાર્થના કરે છે –

હે દેવી, અમે શક્તિહીન છીએ, અમર્યાદ ભોગ ભોગીને માયાસક્ત બની ગયા છીએ. હે માતા, તું અમને બળ પ્રદાન કરનારી બન. તુજ શક્તિથી અમે આસુરી વૃત્તિનો નાશ કરી શકીશું.

 

ગરબો

ગુજરાતમાં માતૃશક્તિના પ્રતીક તરીકે નવરાત્રિમાં અનેક છિદ્રો ધરાવતા માટલામાં મૂકેલા દીવાની પૂજા કરવામાં આવે છે. સ્ત્રીઓના સૃજનાત્મકતાના પ્રતીક તરીકે નવ દિવસ પૂજવામાં આવનારા દીપગર્ભમાંના દીપ શબ્દનો લોપ થઈને ગર્ભ-ગરભો-ગરબો અથવા ગરબા એવો શબ્દ પ્રચલિત થયો.

 

ગરબો રમવા નો અર્થ શું છે ?

ગરબો રમવો એને જ હિંદુ ધર્મમાં તાળીઓ પાડીને લયબદ્ધ સ્વરમાં દેવીમાના ભક્તિરસપૂર્ણ ગુણગાનયુક્ત ભજન કહે છે. ગરબે રમવું, અર્થાત્ તાળીઓ થકી નાદયુક્ત સગુણ ઉપાસનાથી શ્રી દુર્ગાદેવીને ધ્યાનમાંથી જાગૃત કરીને, તેમને બ્રહ્માંડ માટે કાર્ય કરવાના હેતુથી મારક રૂપ ધારણ કરવા માટેનું આવાહન છે. તાળીના પ્રહારથી તેજની નિર્મિતિ થાય છે અને દેવીના મારક રૂપને જાગૃત કરવું શક્ય બને છે. તાળી પાડવી એ તેજની આરાધનાનું દર્શક છે. તાળી પાડતાં પાડતાં, ગોળાકાર ચકરડું કરીને, મંડળ બનાવીને દેવીતત્વને આવાહન કરનારા ભજન ગાવાથી દેવી પ્રત્યે ભાવ જાગૃત થવામાં સહાયતા મળે છે.

ગરબો રમતી વેળાએ ગોળાકાર રમતા રમતા બનાવેલું મંડળ ઘટનું પ્રતીક હોય છે.

 

નવરાત્રોત્સવ માં થતાં
અનાચાર રોકીને ઉત્સવની પવિત્રતા જાળવો  !

ગરબો માતૃશક્તિનું તેમજ ડાંડિયામાં પ્રયુક્ત દાંડી, દેવીની હાથમાંના ખડ્ગનું પ્રતીક છે. પહેલાંના સમયમાં ગરબો રમતી વેળાએ માતાજીના, કૃષ્ણલીલાના અને સંતરચિત ગીતો જ ગાવામાં આવતાં હતાં. આજે માતાજીના ગરબાને વિકૃત સ્વરૂપ આવ્યું છે. ચલચિત્રોનાં ગીતોનાં તાલ પર અશ્લીલ અંગવિક્ષેપ કરીને ગરબો રમવામાં આવે છે. ગરબાનું નિમિત્ત કરીને વ્યાભિચાર પણ થાય છે. પૂજાસ્થાન પર તમાકૂસેવન, મદ્યપાન, ધ્વનિપ્રદૂષણ ઇત્યાદિ પ્રકાર થાય છે. આવા અનાચાર એટલે ધર્મ અને સંસ્કૃતિની હાનિ જ છે. આવા ગેરપ્રકારો રોકવા, એ કાળ અનુસાર આવશ્યક ધર્મપાલન જ છે. સનાતને ગત કેટલાક વર્ષોથી ગેરપ્રકારોના વિરોધમાં જનજાગૃતિ અભિયાન હાથ ધર્યું છે. તેમાં તમે પણ સહભાગી થાવ !

 

જાગૃત નાગરિકોને નિવેદન !

આજકાલ નવરાત્રોત્સવને દયનીય સ્વરૂપ પ્રાપ્ત થયું છે. તમારા પરિસરમાં અથવા પરિચિત સાર્વજનિક ઉત્સવ મંડળોમાં અનાચાર થઈ રહ્યા હોય, તો તેમનો વિરોધ ન કરવો એટલે ‘મૌન સહમતિ’ આપવા બરાબર છે. ધર્મની દૃષ્ટિએ ધર્મદ્રોહી કૃતિ કરનારા અને તેને મૌન સહમતિ દર્શાવનારા, બન્ને સરખા જ અપરાધી છે. સમાજના ઘટક હોવાને લીધે આપણે અનાચારોને રોકવા માટે કૃતિ કરવી જોઈએ !

ભારતીય સંસ્કૃતિ પર પ્રહારનો અર્થ છે રાષ્ટ્રીયત્વની હાનિ. દેવી-દેવતા તેમજ ધર્મનું અપમાન રોકવા માટે સનાતનના અભિયાનમાં તમે પણ સહભાગી થઈને ધર્મરક્ષણ માટે કટિબદ્ધ થઈને દેવતાઓની કૃપા સંપાદન કરો.

(અધિક જાણકારી માટે વાંચો સનાતન-નિર્મિત ગ્રંથ :  ‘શક્તિ’ (૨ ભાગ) તથા લઘુગ્રંથ ‘દેવીપૂજન સાથે સંબંધિત કૃતિઓનું શાસ્ત્ર’

Leave a Comment