શુંભ અને નિશુંભ આ અજેય અસુરોનો નાશ કરીને ત્રિલોકમાં શાંતિ પ્રસ્‍થાપિત કરનારાં પાર્વતીસુતા કૌશિકીદેવી !

Article also available in :

અનુક્રમણિકા

કુ. મધુરા ભોસલે

‘મારા નાનપણમાં પ્રત્‍યેક સોમવારે રાત્રે ૯.૩૦ થી ૧૦.૩૦ ના સમયગાળામાં દૂરદર્શન વાહિની પર ‘ૐ નમઃ શિવાય’, આ ધાર્મિક માલિકા આવતી. આ માલિકામાં શિવજીનું આધ્‍યાત્‍મિક મહત્ત્વ વિશદ કરવા સાથે જ દેવી-માહાત્‍મ્‍ય પણ કહ્યું હતું. તેમાં દેવીએ વિવિધ અસુરોનો વધ કરવા માટે ધારણ કરેલા અવતારોની કથા સવિસ્‍તાર બતાવી હતી. સદર લેખમાં આપણે પાર્વતીથી નિર્માણ થયેલાં કૌશિકીદેવીની કથા અને પાર્વતીજીએ ધારણ કરેલાં વિવિધ રૂપોની જાણકારી કરી લેવાના છીએ.

 

૧. શુંભ અને નિશુંભએ બ્રહ્મદેવ
પાસેથી અજેય થવાનું અને દિવ્‍ય સ્‍ત્રી
શક્તિ દ્વારા મૃત્‍યુ પ્રાપ્‍ત કરવાનું વરદાન પ્રાપ્‍ત કરવું

શુંભ અને નિશુંભ આ અસુર ભાઈઓએ અનેક વર્ષો બ્રહ્મદેવની કઠોર આરાધના કરી. તેમની તપશ્‍ચર્યાથી પ્રસન્‍ન થયેલા બ્રહ્મદેવ હંસ પર આરૂઢ થઈને તેમની સામે પ્રગટ થયા. બન્‍ને અસુરોએ બ્રહ્મદેવ પાસે અમર થવાનું વરદાન માગ્‍યું. બ્રહ્મદેવે ‘તે વરદાન આપવું શક્ય નથી’, એમ કહ્યું. ત્‍યાર પછી બન્‍નેએ શક્તિ, સેના અને શસ્‍ત્રસંપન્‍ન થઈને અજેય થવાનું અને ત્રિલોકમાં વિજય પ્રાપ્‍ત કરવાનું વરદાન માગ્‍યું. આ સાથે જ ‘કોઈપણ દેવતા દ્વારા તેમનો વધ થાય નહીં, જ્‍યારે અયોનિજ (માતાના ગર્ભમાંથી ઉત્‍પન્‍ન ન થયેલા) એવાં દિવ્‍ય સ્‍ત્રી શક્તિ વિશે તેમના મનમાં કામવાસના જાગૃત થયા પછી તેના દ્વારા વધ થવા દેશો’, એવું વરદાન તેમણે માગ્‍યું. બ્રહ્મદેવે ‘તથાડસ્‍તુ’ કહ્યું અને તેઓ અંતર્ધાન પામ્‍યા.

 

૨. શુંભ-નિશુંભના ત્રાસથી ત્રિલોકમાંના
જીવોએ જગદંબાની પ્રાર્થના કરવી અને તેમણે
તેમનું દુઃખનિવારણ કરવાના આશીર્વાદ આપવા

અતુલિત બળસંપન્‍ન થયેલા આ બન્‍ને અસુરોએ પૃથ્‍વી, પાતાળ અને સ્‍વર્ગ આ ત્રણેય લોકો પર પોતાની અધિકાઈ સ્‍થાપિત કરી. તેમણે ત્રણેય લોકોમાં હાહાઃકાર મચાવ્‍યો. મનુષ્‍ય, દેવતા, નાગ, યક્ષ, ગંધર્વ, કિન્‍નર, સિદ્ધ અને વિદ્યાધરને સતાવવા લાગ્‍યા. આ અસુરોને લાગ્‍યું કે, સ્‍ત્રી દુર્બળ હોવાથી કોઈપણ સ્‍ત્રીશક્તિ તેમનો વધ કરી શકશે નહીં. તેને કારણે તેઓ અહંકારી બનીને ઉન્‍મત્ત થઈને સહુકોઈ પર અત્‍યાચાર કરવા લાગ્‍યા. તેમના અત્‍યાચારથી ત્રાસેલા દેવતા અને ઋષિમુનિઓએ બ્રહ્મદેવને આ સંકટમાંથી મુક્ત કરવા માટે પ્રાર્થના કરી. બ્રહ્મદેવે તેમને કહ્યું કે, કેવળ સ્‍ત્રીશક્તિ જ બધાનું દુઃખનિવારણ કરી શકે છે. તેથી સહુકોઈ પાર્વતીમાતાને શરણ ગયા અને તેમને શુંભ-નિશુંભના ત્રાસમાંથી તેમની મુક્તિ કરવા માટે પ્રાર્થના કરવા લાગ્‍યા. જગદંબાએ આદિશક્તિનું રૂપ ધારણ કરીને ‘વહેલા જ સહુકોઈના ત્રાસનું નિવારણ કરવામાં આવશે’, એવા આશીર્વાદ આપ્‍યા.

 

૩. શિવજીની કૃપાથી મંથરાચલના દેહમાં ચઢેલું
હલાહલ ઝેર બહાર નીકળીને તેની વેદના શાંત થવી

સમુદ્રમંથન સમયે મેરુ પર્વતના એક ભાગ ‘મંથરાચલ’ ફરતે વાસુકી નાગ દોરી પ્રમાણે વીંટીને દેવાસુરોએ સમુદ્રમંથન કર્યું હતું. સમુદ્રમાંથી પ્રગટ થયેલા હલાહલ વિષનો કુંભ નીલકંઠ ભગવાન શિવજીએ પ્રાશન કર્યો. શિવજી વિષ પ્રાશન કરે, ત્‍યાં સુધી વિષનું અંશાત્‍મક પરિણામ સમુદ્રમાં ડૂબી ગયેલા મંથરાચલના કેટલાક ભાગ પર થયું હતું. સમુદ્રમંથન પછી આ પર્વતને તેના મૂળ સ્‍થાન પર મૂકવામાં આવ્‍યો હતો; પણ આ વિષના પ્રભાવથી તેને અસહ્ય વેદના થતી હોવાથી તે વેદનાથી ટળવળતો હતો. ત્‍યાંથી ભ્રમણ કરનારા નારદમુનિને તેની વ્‍યથા સમજાઈ અને તેમણે તુરંત કૈલાસ પર જઈને શિવશંકર સામે તેની વ્‍યથા પ્રસ્‍તુત કરીને તેનો ઉદ્ધાર કરવાની પ્રાર્થના કરી. આ રીતે શિવશંકર પાર્વતીમાતા સાથે મંથરાચલ પાસે આવ્‍યા. તેમણે આશીર્વાદની મુદ્રા કર્યા પછી તેમની જમણી હથેળીમાંથી મંથરાચલ પર ચૈતન્‍યકિરણોનો વર્ષાવ થયો અને તેના દેહમાં ચઢેલું હલાહલ ઝેર કાળા ધુમાડાના રૂપમાં વાતાવરણમાં ફેલાવા લાગ્‍યું.

 

૪. હલાહલ વિષના ધુમાડાના પ્રભાવથી
ગૌરવર્ણ રહેલાં પાર્વતીદેવી કાળા પડી જવાં,અને
બ્રહ્મદેવની આરાધના કર્યા પછી,તેઓ ફરીવાર ગૌરવર્ણ થવાં

આ ઝેરીલા ધુમાડાનું શિવશંકર પર કાંઈ જ પરિણામ ન થયું; પરંતુ તેમની નજીક ઊભા રહેલાં ગૌરી પર (પાર્વતી પર) આ ઝેરીલા ધુમાડાનું પરિણામ થઈને તેમના ગૌર વર્ણનું (ગોરા રંગનું) રૂપાંતર શ્‍યામ વર્ણમાં (કાળા રંગમાં) થયું.

તેને કારણે તેઓ કાળા દેખાવા લાગ્‍યા. શિવજીએ કહ્યું કે, પાર્વતીજી કાળા રંગના પણ સુંદર દેખાય છે, છતાં પણ પાર્વતીજીને તેઓ શ્‍યામવર્ણ થયાનું અતિશય દુઃખ થયું. હલાહલ વિષના પ્રભાવને કારણે પ્રાપ્‍ત શ્‍યામવર્ણનું રૂપાંતર ફરીવાર ગૌરવર્ણમાં થવા માટે પાર્વતીમાતાએ હિમાલયના પર્વત પર બ્રહ્મદેવની કઠોર આરાધના આરંભ કરી. પાર્વતીદેવીની કઠોર આરાધનાથી બ્રહ્મદેવ પ્રસન્‍ન થયા અને તેઓ પાર્વતી સમક્ષ પ્રગટ થયા. ‘પાર્વતી દ્વારા શ્‍યામવર્ણધારી એક દેવીની નિર્મિતિ થાય અને પાર્વતીને પુનઃ ગૌરવર્ણ પ્રાપ્‍ત થાય’, એવું વરદાન બ્રહ્માજીએ આપ્‍યું. તે પ્રમાણે પાર્વતીમાંથી શ્‍યામવર્ણધારી કૌશિકીદેવીની નિર્મિતિ થઈ અને પાર્વતી પુનઃ ગોરા બની ગયાં.

 

૫. કૌશિકીદેવીએ હિમાલયમાંની
પર્વતમાળાઓમાં નિર્માણ કરેલા મહેલમાં વાસ કરવો

કૌશિકીદેવીએ પાર્વતીમાતાને જોઈને તરત જ હાથ જોડીને વિનમ્ર રીતે અભિવાદન કર્યું. પાર્વતીમાતાને દીકરી મળી હોવાનો અત્‍યધિક આનંદ થયો. ત્‍યારે તેમણે કૌશિકીદેવી માટે હિમાલયની પર્વતમાળાઓમાં એક સુંદર મહેલની રચના કરીને કૌશિકીદેવીને ત્‍યાં રહેવા માટે કહ્યું. ‘જો કાંઈ સંકટ આવે, તો શંખનાદ કરીને મારું આવાહન કરજે’, તેને એમ કહીને પાર્વતીમાતા લોપ પામ્‍યાં. કૌશિકીદેવી તેમના મહેલમાં તેમની સખીઓ સાથે રહેવા લાગ્‍યાં અને તે મહેલમાંના શિવલિંગની પૂજા કરીને શિવજીની આરાધનામાં મગ્‍ન થયાં. કૌશિકીદેવી શિવજીની આરાધના કરતી વેળાએ વીણાવાદન કરતાં અને સુમધુર અવાજમાં શિવસ્‍તુતિ ગાતાં હતાં.

 

૬. શુંભ-નિશુંભની આસુરી સેનાએ
હિમાલયની તળેટીમાં વાસ કરનારાં ઋષિ-મુનિઓ
પર આક્રમણ કરવું અને કૌશિકીદેવીએ તેમનું રક્ષણ કરવું

હિમાલયની તળેટીમાં રહેનારા ઋષિ-મુનિઓ કૌશિકીદેવીની આરાધના કરતા હતા અને તેમણે આશ્રમમાં તેમની મૂર્તિની સ્‍થાપના કરી હતી. એકવાર સ્‍વર્ગ પર રાજ્‍ય કરનારા શુંભ-નિશુંભના આસુરી સૈનિકોએ હિમાલયની તળેટીમાં વાસ કરી રહેલા ઋષિ-મુનિઓના આશ્રમ પર આક્રમણ કર્યું. ત્‍યારે તેમની સહાયતા કરવા માટે મૂર્તિમાંથી પ્રત્‍યક્ષ કૌશિકીદેવી પ્રગટ થયા અને તેમણે અનેક અસુરો પર શસ્‍ત્રનો મારો કરીને તેમનો નાશ કર્યો. તેમાંના કેટલાક અસુરો બચી ગયા અને તેઓ દોડતા શુંભ-નિશુંભ પાસે ગયા. તેમણે કૌશિકીદેવીનું અનુપમ સૌંદર્ય, ગુણકૌશલ્‍ય, શૌર્ય અને પરાક્રમનું વર્ણન કર્યા પછી શુંભ-નિશુંભ તેમના પર મોહિત થયા. તેમણે તેમની સાથે વિવાહ કરવાનો પ્રસ્‍તાવ પ્રસ્‍તુત કરવા માટે એક અસુરને દૂત બનાવીને તેમની પાસે મોકલ્‍યો. ત્‍યારે કૌશિકીદેવીએ કહ્યું, ‘મેં પ્રતિજ્ઞા કરી છે કે, જે મહાવીર યોદ્ધા મારી સાથે યુદ્ધ કરીને મને યુદ્ધમાં પરાજિત કરશે, તેની સાથે જ હું વિવાહ કરીશ.’ અસુર દૂતે કૌશિકીદેવીની પ્રતિજ્ઞા શુંભ-નિશુંભને કહી.

 

૭. શુંભ-નિશુંભએ મોકલેલા ધૂમ્રલોચનનો વધ
કાલિકાદેવીએ અને ચંડ-મુંડનો વધ ચામુંડાદેવીએ કરવો

કોમલાંગી અને સુમધુરા એવાં કૌશિકીદેવી સાથે યુદ્ધ કર્યા વિના જ તેમનું મન વિવાહ કરવા  વાળવા માટે શુંભ-નિશુંભએ તેમના સેનાપતિ ધૂમ્રલોચનને મોકલ્‍યો. ત્‍યારે કૌશિકીદેવીએ શંખનાદ કરીને પાર્વતીમાતાનું આવાહન કર્યું. પાર્વતીદેવીએ કાલિકાદેવીનું રૂપ ધારણ કર્યું. તેમણે ધૂમ્રલોચન અને તેની આસુરી સેના સાથે યુદ્ધ કરીને તેમનો નાશ કર્યો.

ત્‍યાર પછી કૌશિકીને બળજબરાઈથી પ્રાપ્‍ત કરવા માટે શુંભ-નિશુંભએ પાતાળમાંના મહાવીર યોદ્ધાઓ ચંડ-મુંડને પ્રચંડ સૈન્‍ય સાથે મોકલ્‍યા. આ યોદ્ધાઓ સાથે યુદ્ધ કરવા માટે પાર્વતીમાતાએ ચામુંડાદેવીનું રૂપ ધારણ કર્યું અને તેમની સાથે યુદ્ધ કરીને તેમનો સંહાર કર્યો.

 

૮. પાર્વતીમાતાએ રક્તબીજ આ
મહાબલી અસુર સાથે યુદ્ધ કરીને તેનો નાશ કરવો

ત્‍યાર પછી શક્તિ અને બુદ્ધિની સહાયતાથી કૌશિકીદેવી પર વિજય પ્રાપ્‍ત કરવા માટે શુંભ-નિશુંભએ રક્તબીજને કૌશિકીદેવી પાસે મોકલ્‍યો. કૌશિકીદેવીનું રક્ષણ કરવા માટે પાર્વતીદેવી તેમનાં મહેલમાં સૂક્ષ્મમાંથી ઉપસ્‍થિત હતાં. તેમણે તલવારનો વાર કરીને રક્તબીજનું માથું શરીરથી અલગ કર્યું. ત્‍યારે તેની કપાઈ ગયેલી ડોકમાંથી ભૂમિ પર પડનારા લોહીના પ્રત્‍યેક ટીપામાંથી અનેક રક્તબીજ નિર્માણ થયા. આ રક્તબીજોનો નાશ કરવા માટે પાર્વતીદેવીએ ધનુષ્‍ય ધારણ કરીને બાણ છોડ્યા. ફરી રક્તબીજોનાં માથાં શરીરથી અલગ થયા પછી તેમાંથી અસંખ્‍ય રક્તબીજોની નિર્મિતિ થઈ અને તે મોટેથી અટ્ટાહાસ કરવા લાગ્‍યો. ત્‍યારે પાર્વતીમાતાએ તેમના હાથમાંના અગ્‍નિકુંડમાંની જ્‍વાલાઓ ફૂંકીને રક્તબીજ પર અગ્‍નિજ્‍વાલાઓ છોડી અને રક્તબીજના અસંખ્‍ય રૂપો બળી ગયા. તેનું એક માથું બળતું હતું ત્‍યારે તેમાંથી પડેલા એક ટીપામાંથી ફરી રક્તબીજ પ્રગટ થયો. ત્‍યારે પાર્વતીદેવીએ તેના પર પાશ ફેંકીને તેની ડોક દબાવી દીધી અને તેનો વધ કર્યો.

 

૯. શુંભ-નિશુંભએ કૌશિકીદેવી સાથે
યુદ્ધ કરવું અને યુદ્ધમાં બન્‍નેનો અંત થવો

શુંભ અને નિશુંભ અસુરોનો વધ કરતી વેળાએ કૌશિકીદેવી !(સૌજન્‍ય : ‘માં વૈષ્‍ણોદેવી ડૉટ ઑર્ગ’ સંકેતસ્‍થળ)

રક્તબીજનો નાશ થયો, એ સાંભળતાં જ શુંભ-નિશુંભ અતિશય ક્રોધિત થયા અને તેઓ કૌશિકીદેવી સાથે યુદ્ધ કરવા માટે સેના સાથે સજ્‍જ થયા. કૌશિકીદેવી સિંહ પર આરૂઢ થયાં અને તેમણે અષ્‍ટભુજા રૂપ ધારણ કર્યું. તેમના પ્રત્‍યેક હાથમાં વિવિધ શસ્‍ત્રો હતાં. ત્રણેય જણ આકાશમંડળમાં મળ્યા. કૌશિકીદેવીનું લાવણ્‍ય જોઈને શુંભ-નિશુંભ સ્‍તંભિત થયા અને તેમને વિવાહ કરવાનો આગ્રહ કરવા લાગ્‍યા. ત્‍યારે કૌશિકીદેવીએ પુનઃ તેમને પોતાની પ્રતિજ્ઞાનું સ્‍મરણ કરાવી આપ્‍યું. તેથી શુંભ તેમની સાથે યુદ્ધ કરવા માટે સજ્‍જ થયો અને કૌશિકીદેવી પર આક્રમણ કરવા લાગ્‍યો. આ યુદ્ધ જોવા માટે આકાશમાં સમસ્‍ત દેવગણ ભેગા થયા. કૌશિકીદેવીએ તેમના પર કરેલું પ્રત્‍યેક આક્રમણ પાછું ઠેલ્‍યું અને તેમણે પ્રતિઆક્રમણ ચાલુ કર્યું. તેમણે કરેલા પ્રહારથી શુંભ ઘાયલ થયો અને અંતે યુદ્ધમાં તેનો નાશ થયો. કૌશિકીદેવીએ નિશુંભને પોતાના પ્રાણ બચાવવા માટે પાતાળમાં જતા રહેવાનું કહ્યું; પણ નિશુંભ, શુંભની હત્‍યાનો પ્રતિશોધ લેવા માટે વળગી રહ્યો. ત્‍યારે દેવીનું નિશુંભ સાથે ઘનઘોર યુદ્ધ ચાલુ થયું. અંતે આ યુદ્ધમાં નિશુંભનો પણ નાશ થયો.

 

૧૦. કાર્ય સમાપ્‍તિ પછી
કૌશિકીદેવી પાર્વતીમાતા સાથે એકરૂપ થવાં

શુંભ-નિશુંભના વધ પછી સર્વ દેવતાઓએ કૌશિકીદેવી, માતા પાર્વતી અને ભોલેનાથ શિવજીનો જયજયકાર કર્યો. એટલામાં ત્‍યાં શિવશંકર પાર્વતી સાથે પ્રગટ થયાં. સર્વ દેવ-દેવતાઓએ કૌશિકીદેવી, શિવજી અને પાર્વતીમાતા પર પુષ્‍પવૃષ્‍ટિ કરી અને તેઓ કૌશિકીદેવીનું યશોગાન ગાવા લાગ્‍યા. માતા-પિતાને જોઈને કૌશિકીદેવીને અતિશય આનંદ થયો અને તેમણે તે બન્‍નેને નમ્રતાથી વંદન કર્યા. શિવજીએ કહ્યું કે, કૌશિકીદેવીની કાર્યસમાપ્‍તિ થઈ છે અને હવે તેણે ફરીવાર પાર્વતી સાથે એકરૂપ થવું જોઈએ. પિતા મહાદેવની આજ્ઞા શિરસાવંદ્ય માનીને કૌશિકીદેવીનું સગુણ રૂપ પ્રકાશના ગોળામાં રૂપાંતરિત થયું અને આ પ્રકાશનો તેજસ્‍વી ગોળો માતા પાર્વતીના સગુણ રૂપ સાથે એકરૂપ થયો.

આ રીતે કૌશિકીદેવીએ મહાબળશાળી એવા અજેય યોદ્ધા શુંભ-નિશુંભનો નાશ કરીને ત્રિલોકમાં સુખ અને શાંતિની સ્‍થાપના કરી. તે માટે ભોલેનાથ શિવ, માતા પાર્વતી અને કૌશિકીદેવીનાં ચરણોમાં કોટિ કોટિ પ્રણામ !

(સંદર્ભ : દૂરદર્શન વાહિની પર પ્રસારિત થયેલી ‘ૐ નમઃ શિવાય’ માલિકામાંથી.)

Leave a Comment