ગીતામાં આપેલા વચનોની જેમ રાષ્‍ટ્રએ શક્તિશાળી બનવું, તે માટે સ્‍વતંત્રતાવીર સાવરકરે પ્રસ્‍તુત કરેલા સ્‍ફૂર્તિદાયી વિચારો

હે માતૃભૂમિ, તારા
માટે મરવું એટલે જીવવું । અને
તારા વિના જીવવું એટલે મૃત્‍યુ ॥
 સ્‍વતંત્રતાવીર સાવરકર

ભગવાન શ્રીકૃષ્‍ણ, ભીષ્‍મ, આર્ય ચાણક્ય અને છત્રપતિ શિવાજી મહારાજજીની જે રાજકીય નીતિ હતી, તે જ નીતિ સાવરકરની પણ હતી. ‘ये यथा मां प्रपद्यन्‍ते तांस्‍तथैव भजाम्‍यहम् ।’ (શ્રીમદ્‌ભગવદ્‌ગીતા, અધ્‍યાય ૪, શ્‍લોક ૧૧), અર્થાત્ ‘જે મારી સાથે જેવું વર્તન કરે છે, તેની સાથે હું તેવું જ વર્તન કરું છું.’ આ ગીતાવચન તે જ રાજકીય નીતિનું સૂત્ર છે અને એ જ ભગવાન શ્રીકૃષ્‍ણનું તત્વ છે.

 

૧. સાવરકરની રાજકીય નીતિ

૧ અ. સાવરકરની રાજકીય નીતિનો પાયો રાષ્‍ટ્ર છે અને તેમણે દેશને દેવત્‍વ આપ્‍યું હોવું

‘સાવરકરની રાજકીય નીતિનું મુખ્‍ય કેંદ્રબિંદુ રાષ્‍ટ્ર છે. ‘જે રાષ્‍ટ્રના હિતમાં હોય, તે ગ્રાહ્ય અને રાષ્‍ટ્રના અહિતમાં હોય, તે ત્‍યાજ્‍ય’, આ તેમનું સૂત્ર છે. એટલું જ નહીં, જ્‍યારે ભગવાન પણ દેશ જ છે. તેઓ કહે છે, ‘રાષ્‍ટ્રીય કાર્ય અવિરત કરવું, એ પણ ઈશ્‍વરની ભક્તિ જ છે. સંધ્‍યા જ છે. નામજપ જ છે. પૂજા જ છે. રાષ્‍ટ્રની પાયમાલી માટે કારણીભૂત પ્રાર્થના પણ પાપ છે’, એવા તેમના વિચાર હતા.

૧ આ. સાવરકરે પત્રકારોના પ્રશ્‍નો વિશે
‘જેવા સાથે તેવા’ પરરાષ્‍ટ્ર ધારાધોરણ હોવાનું સ્‍પષ્‍ટતાથી કહેવું

તટસ્‍થતા, પંચશીલ આ તત્વનો જયકાર ચાલુ હતો. તે સમયે પત્રકારોએ સાવરકરને પ્રશ્‍ન પૂછ્‌યો, ‘તમારું પરરાષ્‍ટ્ર ધોરણ કેવું હશે ?’’ ત્‍યારે સાવરકરે કહ્યું, ‘‘કાયમનું એવું એકજ પરરાષ્‍ટ્ર ધોરણ હોઈ શકે નહીં. એક શબ્‍દમાં મારું પરરાષ્‍ટ્ર ધોરણ કહું છું, ‘Resiprocity’ અર્થાત્ ‘જેવા સાથે તેવા.’’

ખરૂં રાજકારણ સહકારી કે અસહકારી હોતું નથી. જો સહકાર કરીને પ્રશ્‍નો ઉકેલાતા હોય, તો સહકાર કરવો. જો અસહકારથી પ્રશ્‍નો ઉકેલાતા હોય, તો અસહકાર કરવો; પણ તેટલા પૂરતો સહકાર સાથે સહકાર, અસહકાર સાથે અસહકાર, આ રીતે જેવા સાથે તેવા, એ જ પ્રતિસહકાર. જે રાષ્‍ટ્ર અમારી સાથે મિત્રતાથી વર્તશે, તેમની સાથે અમે મિત્રતાથી વર્તશું. જે શત્રુત્‍વથી વર્તશે, તેમની સાથે અમે શત્રુત્‍વથી વર્તશું. શત્રુનો જે શત્રુ તે અમારો મિત્ર હશે અને શત્રુનો મિત્ર તે અમારો શત્રુ હશે.

 

૨. લોકશાહી પર અનન્‍ય નિષ્‍ઠા ધરાવનારા
સાવરકરે રાષ્‍ટ્ર માટે ઉપદેશ કરેલા પ્રતિજ્ઞાવાક્યો !

૨ અ. અમેરિકા જેવા શક્તિશાળી રાષ્‍ટ્રોએ અંગીકાર કરેલી ‘દેશમાં
શાંતિ હોવી, બહાર યુદ્ધ કરવું !’ આ રાજકીય નીતિનો પુરસ્‍કાર કરવો રાષ્‍ટ્ર માટે હિતાવહ !

સાવરકરની લોકશાહી પર અનન્‍ય નિષ્‍ઠા હતી. તેઓ કહેતા, ‘આપણા રાષ્‍ટ્રએ આગળ જણાવેલા પ્રતિજ્ઞાવાક્યોનું આચરણ કરવું. Constitution inside, revolution outside. Law within, sword outside. Peace within war outside’, અર્થાત્ ‘દેશમાં બંધારણ હોવું જોઈએ, બહાર ક્રાંતિ હોવી. દેશમાં કાયદાનું રાજ્‍ય હોવું અને બહાર તલવારનું રાજ્‍ય હોવું. દેશમાં શાંતિ હોવી, બહાર યુદ્ધ કરવું.’

અહિંસા અને શાંતિનો જપ કરનારા માયકાંગલાઓને આ વાંચીને ફેર ચડશે; પણ અમેરિકા, રશિયા જેવા શક્તિશાળી રાષ્‍ટ્રો આ જ રાજકીય નીતિનો અંગીકાર કરી રહ્યા છે. બહારના દેશોમાં ધમાચકડી બોલાવીને, યુદ્ધ કરાવીને શાસન ઉલથાવી નાખે છે. પોતાના દેશમાં શાંતિ, સુવ્‍યવસ્‍થા જાળવવા માટે અન્‍ય દેશોમાં જઈને અંધાધૂંધી ફેલાવી રહ્યા છે. આપણા દેશમાં આતંકવાદીઓ તાગડધિના કરી રહ્યા છે. આપણે પણ તેમના દેશમાં તે જ કરવું જોઈએ, તો જ તે રોકાશે. ઇસ્રાયલને તો તેર શત્રુઓએ ઘેરી લીધો છે. તેઓ પણ આ જ રાજકીય નીતિને અનુસરીને વર્તન કરે છે, તેથી તેઓ સુરક્ષિત છે.

 

૩. શસ્‍ત્રબળ એ જ સાચું બળ !

૩ અ. પોતાના શસ્‍ત્રબળ પર ઊભાં રહેલા રાષ્‍ટ્રો ખરા અર્થથી સ્‍વતંત્ર છે
અને હિંદુ રાષ્‍ટ્રનું શસ્‍ત્રબળ કોઈપણ રાષ્‍ટ્રના શસ્‍ત્રબળ કરતાં સમર્થ હોવું જોઈએ !

સ્‍વતંત્રતા મળ્યા પછી સાવરકરે કહ્યું, ‘‘મળેલી સ્‍વતંત્રતા જો જાળવી રાખવી હોય, તો પ્રબળ અને પ્રચંડ શસ્‍ત્રબળ નિર્માણ કરવું જોઈએ.’’ આજે સમગ્ર માનવજાતિ રાષ્‍ટ્રવાદ અને શસ્‍ત્રવાદના પાયા પર ઊભી છે. જે રાષ્‍ટ્રો પોતાના શસ્‍ત્રબળ પર ઊભાં છે, તે જ ખરા સ્‍વતંત્ર છે. જો ખરેખર સ્‍વતંત્ર રાષ્‍ટ્ર તરીકે અજેય રીતે જીવવું હોય, તો પોપલાં અને દુર્બળ શાંતિપાઠની પાછળ દોટ મૂકવાની તમારી હાડકાંમાં જીરવેલી ટેવ છોડી દેવી પડશે. આપણાં હિંદુ રાષ્‍ટ્રનું શસ્‍ત્રબળ કોઈપણ રાષ્‍ટ્રના શસ્‍ત્રબળ કરતાં સામર્થ્‍યવાન થવું જોઈએ.

૩ આ. ‘અમે તટસ્‍થ છીએ’, એમ કહીને સૈન્‍યબળ વિશે ઉદાસીન રહેલાઓને
સ્‍વતંત્રતાવીર સાવરકરે અતિશય તલસાટથી અને અત્‍યંત દ્રષ્‍ટાપણાંથી કરેલું માર્ગદર્શન

શસ્‍ત્રબળનો ધ્‍વંસ શાંતિસૂક્તોથી થતો નથી, પણ તેના કરતાં સવાગણાં શસ્‍ત્રબળથી થાય છે. અમેરિકા, રશિયા મોટા રાષ્‍ટ્રો શા માટે છે ? કારણકે તેમની પાસે અણ્‍વસ્‍ત્રો, સૈન્‍યબળ છે. ‘અમે કોઈના પર આક્રમણ કરીશું નહીં, તો પછી અમારા પર કોણ આક્રમણ કરશે ? સૈન્‍યબળની આવશ્‍યકતા શું છે ? અમે તટસ્‍થ છીએ’, એમ કહેનારાઓને સાવરકર કહે છે ‘‘અમે તટસ્‍થ ? વાહ ભૈ વાહ !’’ જો ચકલીઓ ‘અમે તટસ્‍થ છીએ’, એવી ઘોષણા કરે, તો બાજ તેમના પર તરાપ મારવાનું છોડી દેશે ખરો ? તેથી શસ્‍ત્રસજ્‍જ રહેવું જોઈએ.

યુવકોને સૈનિકી શિક્ષણ આપવું જોઈએ. ભૂદળ, વાયુદળ અને નૌદળ સુસજ્‍જ કરવું જોઈએ. શસ્‍ત્રાસ્‍ત્રોના સેંકડો કારખાનાઓ ચાલુ કરવા જોઈએ. એક કરોડ હિંદુઓનું સૈન્‍ય ઊભું કરવું જોઈએ. બળવાન બનીએ, તો તટસ્‍થ રહેવામાં અર્થ છે.

૩ ઇ. આક્રમક જગત્‌નો સામનો કરવા માટે અત્‍યાધુનિક શસ્‍ત્રાસ્‍ત્રોનો
ઉપયોગ કરવાની ઇચ્‍છાશક્તિ રાજ્‍યકર્તાઓમાં નિર્માણ થવી આવશ્‍યક !

સર્વ જગત્ આક્રમક છે, ત્‍યાં સુધી તેમને પ્રત્‍યાક્રમણથી ઉત્તર દેવો જોઈએ. (When the whole world is unjust, you must be unjust.) ‘અમે કોઈના પર આક્રમણ કરીશું નહીં’, આ ભાષા અને કૃતિ એટલે ગાંડપણ છે. અમેરિકા આક્રમણ કરે છે. રશિયા આક્રમણ કરે છે. ચીન આક્રમણ કરે છે, ઇસ્રાયલ આક્રમણ કરે છે. અમારું કેવળ અનાક્રમણ અને તટસ્‍થતા ? આ મૂર્ખામી છે. જો લોકશાહી પાછળ શક્તિ હોય, તો જ તે જીવે છે. શક્તિ ન હોય, તો તેનો નાશ થાય છે; તેથી દેશનું સૈન્‍યબળ વૃદ્ધિંગત થવું જોઈએ. તેમને આધુનિક શસ્‍ત્રાસ્‍ત્રો આપવા જોઈએ. તે વાપરવાની ઇચ્‍છાશક્તિ રાજ્‍યકર્તાઓમાં હોવી જોઈએ.

૩ ઈ. શિવાજી મહારાજની જેમ રાજકીય ધોરણમાં પરિસ્‍થિતિ પ્રમાણે પાલટ કરવો

રાજકારણ અને બુદ્ધિમાં તત્વ તરીકે સુસંબદ્ધતા જાળવવી જોઈએ; પણ ‘રાજકારણ અને યુદ્ધમાં કૂટનીતિ તરીકે સુસંબદ્ધતા પાળવી જ જોઈએ,’ એમ કહેવાનો કાંઈ અર્થ નથી. ઊલટું એક આંગ્‍લ વિચારવંતે કહ્યું છે, ‘સુસંગતતા આ ગધેડાનો ગુણ છે.’ અર્થાત્ આ રાજકારણ પૂરતું યોગ્‍ય છે. સંત-મહાત્‍માઓની વાણી અને વર્તનમાં સુસંગતતા હોવી જ જોઈએ; પણ ‘वाराङ्‍गनेव नृपनीतिरनेकरूपा ।’ (નીતિશતક, શ્‍લોક ૪૭), અર્થાત્ ‘રાજકારણ વેશ્‍યા જેવું અનેક રૂપો ધરાવે છે.’ ત્‍યાં પાતિવ્રત્‍ય શું કામનું ?

આગ્રાથી ભાગી છૂટ્યા પછી છ. શિવાજી મહારાજે ઔરંગઝેબને ક્ષમા માગતાં પત્રો મોકલાવ્‍યા; પણ આચરણ તેની વિરુદ્ધમાં કર્યું. કૃષ્‍ણનીતિ, ચાણક્યનીતિ એ જ કહે છે અને સાવરકર પણ તે જ કહે છે, ‘સામેનો શત્રુ જેવું વર્તન કરે છે તેવું વર્તન કરવું, એ ખરી રાજકીય નીતિ છે.’

 

૪. સ્‍વતંત્રતાવીર સાવરકરનું દ્રષ્‍ટાપણું

૪ અ. ‘માનવી એક થઈને તેનું માનવીરાષ્‍ટ્ર થાય, એવું અમને પણ લાગે છે. અમારો વેદાન્‍ત તેનાથી પણ આગળ જઈને સજીવ-નિર્જીવ સૃષ્‍ટિ એક માને છે; પણ આપણે દેશકાળ પરિસ્‍થિતિ પ્રમાણે વ્‍યવહાર કરવો જોઈએ.’ (વર્ષ ૧૯૪૩)

૪ આ. ‘રાષ્‍ટ્રવાદ હજી પાંચસો વર્ષ તોયે જીવિત રહેશે. ત્‍યાર પછી શું થશે, કાંઈ કહેવાય નહીં. ત્‍યાર પછી પૃથ્‍વી એક થઈને મંગળ ગ્રહ બીજું રાષ્‍ટ્ર થશે.’ (વર્ષ ૧૯૪૩)

આ કેટલું દ્રષ્‍ટાપણું ! ’

 વા.ના. ઉત્‍પાત (‘ધર્મભાસ્‍કર’ દિવાળી વિશેષ અંક, નવેંબર-ડિસેંબર ૨૦૧૨)