શરીર નિરોગી રાખવા માટે આયુર્વેદિક નિયમોનું પાલન કરો !

Article also available in :

અનુક્રમણિકા

સુલભ આરોગ્‍યદાયી દિનચર્યા

વૈદ્ય મેઘરાજ પરાડકર

शरीरमाधं खलु धर्मसाधनम् । અર્થાત્ ધર્માચરણ માટે (સાધના કરવા માટે) શરીર નિરોગી હોવું અત્‍યંત આવશ્‍યક છે. શરીર નિરોગી રહે, એ માટે આયુર્વેદમાં દિનચર્યા અને ઋતુચર્યાઓ કહી છે. સાધકો જો તેમનું પાલન કરે, તો આરોગ્‍ય સુધરવા સાથે સાધનાની ફળનિષ્‍પત્તિ પણ વધે છે. આજે આપણે દિનચર્યા વિશે કૃતિમાં લાવવાનાં કેટલાંક સૂત્રો સમજી લઈએ. દિનચર્યા પાળવા માટે જુદો સમય ફાળવવાને બદલે દૈનંદિન વ્‍યવહારમાં જ આ બાબતો સહેલાઈથી કેવી રીતે આચરણમાં લાવી શકાય, તેનો વિચાર આ લેખમાં કરવામાં આવ્‍યો છે.

 

૧. બ્રાહ્મમુહૂર્ત પર ઊઠવું

આયુર્વેદમાં બ્રાહ્મમુહૂર્ત પર ઊઠવું, એમ કહ્યું છે. બ્રાહ્મમુહૂર્ત એટલે સૂર્યોદય પહેલાં ૯૬ થી ૪૮ મિનિટનો સમય. આ સમયમાં ઊઠવાથી શૌચની સંવેદના આપમેળે જ નિર્માણ થઈને પેટ સાફ થાય છે. જેમને બ્રાહ્મમુહૂર્ત પર ઊઠવું શક્ય નથી તેમણે ઓછામાં ઓછું સવારે ૭ વાગ્‍યા સુધી તોયે ઊઠવું. ધીમે ધીમે વહેલા ઊઠવાનો પ્રયત્ન કરવો. સૂર્યોદય પછી સૂઈ રહેવાથી શરીર ભારે થવું, આળસ આવવો, પચનતંત્ર બગડી જવું, કબજિયાત જેવા ત્રાસ ઉદ્‌ભવી શકે છે.

 

૨. સવારે ઊઠ્યા પછી પાણી પીવું નહીં !

કેટલાક યોગ શિક્ષકો સવારે ઊઠીને લોટો ભરીને પાણી પીવાનું કહે છે. યોગશાસ્‍ત્રના સર્વ નિયમોનું પાલન કરીને નિયમિત રીતે આસનો, પ્રાણાયામ ઇત્‍યાદિ કરનારાઓને આ રીતે પાણી પીવાથી કાંઈ અપાય થતા નથી; પણ સામાન્‍ય માણસે સવારે અનાવશ્‍યક પાણી પીવાથી તેની પચનશક્તિ મંદ થાય છે. પચનશક્તિ એટલે જ જઠરાગ્‍નિ. તે મંદ થવો, એ સર્વ રોગોનું કારણ છે.

 

૩. શૌચ

સવારે ચા પીધા વિના શૌચ થતું નથી, એવી ઘણાં લોકોની ફરિયાદ હોય છે. ઘણીવાર આ ટેવનું પરિણામ હોય છે. જેમનું સવારે ઊઠીને પેટ સાફ થતું નથી તેમણે સામાન્‍ય રીતે ૧ અઠવાડિયું રાત્રે સૂવા પહેલાં ૧ ચમચી ત્રિફળા ચૂર્ણ ઉષ્‍ણ પાણીમાં લેવું. સવારે ઊઠ્યા પછી ૨ મિનિટ થોડું ચાલીને શૌચ માટે બેસવું; પણ જોર કરવું નહીં. એવું આઠ દિવસ કરવાથી ધીમે ધીમે સવારે ઊઠ્યા પછી પેટ સાફ થવાની ટેવ પડે છે.

 

 ૪. મુખમાર્જન

પહેલા બ્રશથી દાંત સ્‍વચ્‍છ કરવા. ત્‍યાર પછી (સનાતન) દંતમંજન અથવા (સનાતન) ત્રિફળા ચૂર્ણથી ધીમે ધીમે દાંત ઘસવા અને પેઢાને પણ ચૂર્ણ લગાડવું. તેથી પેઢા મજબૂત બનશે. કોઈપણ ટૂથપેસ્‍ટમાં (સાવ નામાંકિત સ્‍વદેશી કંપનીની ટૂથપેસ્‍ટમાં પણ) ફ્‍લુરાઈડ અને સોડિયમ લૉરિલ સલ્‍ફેટ નામક હાનિકારક પરિબળ હોય છે. તેથી ટૂથપેસ્‍ટનો ઉપયોગ ટાળવો.

અ. દાંતનું આરોગ્‍ય જાળવવા માટે લેવાની કાળજી

૨ થી ૪ ચમચી કાળા તલ સવારે ચાવીને ખાવાથી દાંતનું આરોગ્‍ય સુધરે છે. પિષ્‍ટમય પદાર્થ, ખાંડ અથવા અન્‍ય ગળ્યા પદાર્થો ઘણા વધારે પ્રમાણમાં અને નિરંતર ખાવાથી દાંત સડવાનું જોખમ વધે છે. દાંતના આરોગ્‍ય માટે વધારે ખાટી ચીજો અથવા અતિશય ઠંડાં કે ઉષ્‍ણ (ગરમ) પદાર્થો અથવા પીણાં ટાળવા. કોઈપણ ચીજ, ખાસ કરીને ચૉકલેટ ખાધા પછી તરત જ બ્રશથી દાંત ઘસીને સારી રીતે કોગળા કરવા.

 

૫. નાકમાં ઔષધ નાખવું (નસ્‍ય)

નાકમાં ૨-૨ ટીપા તેલ અથવા ઘી નાખવું તેને નસ્‍ય કહે છે. નસ્‍ય કરવાથી મગજને શક્તિ મળે છે. માથાનો દુઃખાવો ખભા દુઃખવા, વાળ ખરવા, અથવા ધોળા થવા, બે નસ્‍કોરામાંનો પડદો (Nasal septum) એક બાજુએ ખસવો, દમ, જૂની શરદી, જૂની ઉધરસ જેવા વિકારોમાં, તેમજ ડોકના ઉપરના ભાગના આરોગ્‍ય માટે પ્રતિદિન નસ્‍ય કરવું લાભદાયક છે. ઠંડીના દિવસોમાં નસ્‍ય સવારે કરવું શક્ય ન હોય તો બપોરે ભોજન કરી લીધા પછી તરત જ કરી શકાય છે.

૫ અ. પૂર્વસિદ્ધતા

ડ્રૉપર ધરાવતી ઔષધની નાની ખાલી બાટલી સ્‍વચ્‍છ ધોઈને કોરી કરીને તેમાં ટોપરાનું તેલ ભરી રાખવું. સવારે દાંત ઘસવા પહેલાં આ બાટલી ગરમ પાણીમાં મૂકવી, તેથી દાંત ઘસી લો, ત્‍યાં સુધી આ તેલ નવશેકું થાય છે.

૫ આ. કૃતિ

દાંત ઘસી લીધા પછી નાક સાફ કરી લેવું. ત્‍યાર પછી મોઢા પર નવશેકું પાણી મારીને ચહેરો થોડો શેકી લેવો. પછી ચહેરો લૂછી લઈને સૂતેલી સ્‍થિતિમાં ઓશીકું માથાની નીચે રાખવાને બદલે ડોક નીચે લઈને નસ્‍કોરાં સીધા ઊભાં આવે એ રીતે માથું થોડું વાળવું અને બન્‍ને નસ્‍કોરામાંના પડદા પર (Nasal septum) બન્‍ને બાજુથી નવશેકું ટોપરાનું તેલ ૨-૨ ટીપાં છોડીને ૧ મિનિટ એ જ સ્‍થિતિમાં રહેવું. ગળામાં ઉતરેલું તેલ પછી થૂંકી નાખવું, તે ગળવું નહીં. નસ્‍ય સમયે ગળામાં આવેલું તેલ ગળી જવાથી પચનશક્તિ મંદ થાય છે. ૧ મિનિટ પછી પહેલાંની જેમ ચહેરો નવશેકા પાણીથી શેકીને નવશેકા પાણીથી કોગળા કરી નાખવા.

નસ્‍ય માટે ટોપરાના તેલની જેમજ ગાયનું શુદ્ધ ઘી અથવા તલના તેલનો પણ ઉપયોગ કરી શકાય છે. પિત્તનો ત્રાસ રહેલી વ્‍યક્તિએ ટોપરાનું તેલ અથવા ઘીનો ઉપયોગ કરવો.

 

૬. મોઢામાં તેલ રાખવું  (ગંડૂષ)

નસ્‍ય થયા પછી ૨ ચમચી નવશેકું તેલ (તલનું અથવા ટોપરાનું તેલ) ૫ મિનિટ મોઢામાં રાખવું તેનાથી દાંત અને પેઢા નિરોગી રહે છે. જેમના દાંતમાં કંપારી છૂટે છે અથવા જેમને મોઢામાં લાળ આવવાનુ પ્રમાણ ઓછું છે, તેમણે આ અવશ્‍ય કરવું. મોઢામાં તેલ રાખ્‍યું હોય ત્‍યારે જ આગળ જણાવેલા કર્ણપૂરણ ઇત્‍યાદિ વિધિ કરી શકાય છે. તેને કારણે સમય બચી જાય છે. ૫ મિનિટ પછી આ તેલ થૂંકી નાખવું, તે ગળવું નહીં. તેલ થૂંકી નાખ્‍યા પછી આવશ્‍યકતા અનુસાર નવશેકા પાણીથી કોગળા કરવા.

 

૭. કાનમાં તેલ નાખવું (કર્ણપૂરણ)

મોઢામાં તેલ રાખ્‍યું હોય ત્‍યારે જ પડખા પર સૂઈને એક કાનમાં નવશેકા તેલના ૩-૪ ટીપા નાખવા. ૨ મિનિટ એ જ સ્‍થિતિમાં રહેવું. ત્‍યાર પછી કાનમાં રૂનું પૂમડું મૂકીને બીજા પડખા પર વળીને બીજા કાનમાં પણ નવશેકું તેલ નાખવું. કર્ણપૂરણ માટે ટોપરાનું તેલ, તલનું તેલ અથવા કપાસિયાનું તેલ પણ વાપરી શકાય છે.

૭ અ. લાભ

કાનમાં તેલ નાખવાથી કાનનું આરોગ્‍ય સુધરે છે. કાન દુઃખવા, ચક્કર આવવા, ઊભા રહ્યા પછી રક્તદાબ (બ્‍લડ પ્રેશર) ઓછું થવું, ચાલતી વેળાએ સમતોલ ગુમાવવા જેવી વ્‍યાધિમાં નિયમિત કર્ણપૂરણ કરવાથી લાભ થાય છે. જે લોકો હંમેશાં કાનમાં ઇયરફોન લગાડીને રહે છે તેમણે હંમેશાં કર્ણપૂરણ કરવું.

૭ આ. કર્ણપૂરણ કરતી વેળાએ લેવાની દક્ષતા

કર્ણપૂરણ માટે વાપરવાનું તેલ સારી રીતે ગરમ કરીને ઠંડું કરવું અને પછી સ્‍વચ્‍છ કોરી બાટલીમાં ભરવું. તેલમાં અથવા બાટલીમાં જો પાણીનો અંશ રહે તો તેલને ફૂગ આવી શકે છે. આવું તેલ કાનમાં નાખવાથી કાનને પણ ફૂગનો ચેપ લાગી શકે છે. કાનને છિદ્ર હોય અથવા કાનને જંતુનો ચેપ લાગ્‍યો હોય, તો કર્ણપૂરણ કરવું નહીં. કાનમાં તેલ નાખ્યા પછી તે જો ગળામાં આવે તો કાનને છિદ્ર છે, એવું અનુમાન બાંધી શકાય છે. આવા સમયે કાનના વૈદ્ય દ્વારા કાન તપાસી લેવા. ઘણીવાર કાનમાં તેલ નાખ્‍યા પછી કાનમાંનો મેલ ફૂલવાથી કાન દુખવા માંડે છે. કાનમાં ડૂચો મારવા જેવું થાય છે (ન સંભળાવું). આવા સમયે રૂ લગાડેલી સળીથી મેલ ધીમે રહીને કાઢવો. મેલ કડક હોય તો તજ્‌જ્ઞ વૈદ્ય દ્વારા તપાસી લેવું.

 

૮. ઔષધી ધુમાડો લેવો (ધૂમપાન)

નાક અથવા મોઢા દ્વારા ઔષધી ધુમાડો લેવો એટલે ધૂમપાન.

૮ અ. લાભ

વારંવાર શરદી થવી, દમ, માથું ભારે થવું, ઉધરસ જેવી વ્‍યાધિમાં ધૂમપાનને કારણે લાભ થાય છે. વાતાવરણમાં ઠંડી વધવાથી થનારી અને ઔષધીઓ લઈને પણ સાજી ન થનારી ઉધરસ પર ધૂમપાન એ રામબાણ ઉપાય છે. ધૂમપાનને કારણે શ્‍વસનમાર્ગમાં સંગ્રહાયેલો વધારાનો કફ દૂર થઈને શ્‍વસનતંત્ર નિરોગી રહેવામાં સહાયતા થાય છે.

૮ આ. પૂર્વસિદ્ધતા

૨ ચોરસ ઇંચ કાગળની ભૂંગળી કરીને બીડીની જેમ પોલી નળી બનાવવી. નળી એક બાજુ થોડી સાંકડી કરવી. સાંકડા ભાગ પાસે બાજુથી સેલોટેપ ચોંટાડવી, એટલે નળી ખુલશે નહીં. નળીના પહોળા છિદ્રમાંથી તેમાં અજમો ભરવો. અજમાને બદલે સૂકવેલા તુલસીના પાનનું ચૂર્ણ પણ વાપરી શકાય છે, તેમજ જો ચલમ ઉપલબ્‍ધ હોય તો કાગળને બદલે તેનો ઉપયોગ કરી શકાય છે.

૮ ઇ. કૃતિ

અજમા ભરેલી નળીનો સાંકડો ભાગ મોઢામાં ધીમે રહીને ઝાલીને પહોળો ભાગ લાઇટરથી અથવા દીવાસળીથી સળગાવવો. નળીની સાથે જ અજમો બળતો હોય ત્‍યારે અજમાનો ધુમાડો સાવચેતીથી મોઢા દ્વારા અંદર લેવો અને મોઢામાંથી જ બહાર છોડવો. ધુમાડો બહાર છોડતી વેળાએ નળી મોઢામાંથી બાજુએ કાઢવી. આ રીતે ૩-૪ વાર અજમાનો ધુમાડો મોઢા દ્વારે શ્‍વાસની સાથે અંદર ખેંચી લઈને છોડવો. સર્વ પતી ગયા પછી નળીમાંનો વધેલો અજમો ડબીમાં ભરી રાખવો અને બળેલો કાગળ નાખી દેવો. ડબીમાંનો અજમો બીજા દિવસે વાપરી શકાય છે.

 

૯. શરીરે તેલ ચોપડવું (અભ્‍યંગ)

ત્‍યાર પછી સંપૂર્ણ શરીરે તેલ ચોપડવું. આ માટે ટોપરાનું તેલ, તલનું તેલ, કપાસિયાનું તેલ આમાંથી કોઈપણ તેલ ચાલશે.

૯ અ. લાભ

નિયમિત અભ્‍યંગ કરવાથી ત્‍વચાનું આરોગ્‍ય સુધરે છે, ઉત્સાહ આવે છે, દૃષ્‍ટિ સુધરે છે અને શરીર પુષ્‍ટ બનીને મજબૂત બને છે. સાંધાને ઊંજણ મળે છે (તેલ પૂરાય છે) . ઠંડીના દિવસોમાં કોરી હવામાં ઠંડીને કારણે ત્‍વચા ફાટે છે, તેમજ પગમાં ચીરા પડે છે. આવા સમયે અભ્‍યંગ કરવાથી તરત જ લાભ દેખાઈ આવે છે. અભ્‍યંગને કારણે સ્‍થૂળ માણસનો મેદ (ચરબી) ખરે છે (ઓછો થાય છે) અને કૃશ માણસનું શરીર પુષ્‍ટ બને છે. આ કાર્ય મેદ ધાતુમાંની સૂક્ષ્મ અન્‍ન વહન કરનારી વાહિનીઓ ખુલ્‍લી થવાથી સાધ્‍ય થાય છે. નિયમિત અભ્‍યંગ કરવાથી ત્‍વચાને કરચલી પડતી નથી.

૯ આ. પૂર્વસિદ્ધતા

એક બાટલીમાં અભ્‍યંગ માટે તેલ ભરી રાખવું. તેલમાં પ્રત્‍યેક ૧૦૦ મિ.લીટરે ૨ ગ્રામ પ્રમાણમાં કપૂરની ભૂકી ઓગાળી નાખવી. શરીરે તેલ લગાડતા પહેલાં તે નવશેકું કરીને પછી લગાડવું.

અભ્‍યંગ માટેનું તેલ (સનાતન) ગોમૂત્રની નાની ખાલી બાટલીમાં પણ ભરી શકાય છે. સવારે દાંત ઘસવા પહેલાં આ બાટલી ગરમ પાણીમાં ડૂબાડી રાખીએ, તો અભ્‍યંગનો સમય થાય ત્‍યાં સુધી આ તેલ નવશેકું બને છે.

૯ ઇ. કૃતિ

વાળ સિવાય સંપૂર્ણ શરીરે લગાડવા માટે એક સમયે ૨૦ મિ.લી. તેલ જોઈએ. આ તેલ મોઢાથી માંડીને પગ સુધી સંપૂર્ણ શરીરે લગાડવું. તે માટે ૫ મિ. નો સમય પૂરતો છે. તેલ ચોળતી વેળાએ આવશ્‍યકતા અનુસાર દાબ આપી શકાય છે.

૯ ઇ ૧. વિવિધ અવયવોને તેલ ચોળવાની દિશા

માલીશ કરવાની અનેક પદ્ધતિઓ ભલે હોય, તો પણ આ ઠેકાણે ઓછામાં ઓછા સમયમાં કરી શકાય, એવી પદ્ધતિ આપી છે.

૯ ઇ ૨. અભ્‍યંગ વિશે વિશેષ સૂચના

અ. એક હાથને તેલ લગાડી લીધા પછી બીજા હાથને લગાડવા માટે બીજું તેલ લેવાને બદલે પહેલા હાથનું જ વધારાનું તેલ લગાડી શકાય છે. આ રીતે પગને પણ કરી શકાય. આમ કરવાથી ઓછા તેલમાં કાર્ય સાધ્‍ય થઈ શકે છે.

આ. ધર્મશાસ્‍ત્ર અનુસાર વિશિષ્‍ટ વારે અભ્‍યંગના તેલમાં ભેળવવાના પદાર્થ

અભ્‍યંગના તેલમાં રવિવારે ફૂલો, મંગળવારે માટી, ગુરુવારે ધરો (દૂર્વા) અને શુક્રવારે ગોમય (ગાયનું છાણ) ભેળવીને તે તેલથી અભ્‍યંગ કરવાથી તે દિવસે અભ્‍યંગ કરવાથી લાગનારા દોષોનું નિવારણ થાય છે.

ઇ. જમ્‍યા પછી ઓછામાં ઓછું ૩ કલાક અભ્‍યંગ કરવું નહીં. તેને કારણે જઠર અને આંતરડા ભણી જનારો રક્તપ્રવાહ કેટલાક પ્રમાણમાં સ્‍નાયુ અને ત્‍વચા ભણી વાળવામાં આવે છે અને તે ઠેકાણે રહેલા વિષસ્‍વરૂપ આમને (અપચિત અન્‍નને) સૂક્ષ્મ કણ, ત્‍વચા અને સ્‍નાયુ ભણી લઈ જઈને ત્‍યાં વિકાર નિર્માણ કરે છે.

 

૧૦. વ્‍યાયામ

૧૦ અ. વ્‍યાયામનું પ્રમાણ

અભ્‍યંગ કર્યા પછી શરીરની અર્ધી શક્તિથી વ્‍યાયામ કરવો. વ્‍યાયામ કરતી વેળાએ મોઢેથી શ્‍વાસ ચાલુ થાય કે અર્ધી શક્તિ વપરાઈ ગઈ, એમ જાણવું. હજી વ્‍યાયામ કરવો હોય તો થોડો સમય થોભીને શ્‍વાસ ફરીવાર નાક દ્વારા વ્‍યવસ્‍થિત ચાલુ થાય પછી કરી શકાય. ઓછામાં ઓછો ૨૦ મિ. વ્‍યાયામ કરવો. સૂર્યનમસ્‍કાર પણ કરી શકાય છે.

૧૦ આ. વ્‍યાયામ વિશે કેટલીક પ્રાયોગિક સૂચનાઓ

૧. વ્‍યાયામ જો પહેલીવાર જ કરતા હોવ, તો પહેલા જ દિવસે પુષ્‍કળ વ્‍યાયામ કરવો નહીં. વ્‍યાયામ પ્રત્‍યેક દિવસે થોડો થોડો વધારતો જવો અને પોતાનાથી સહન થાય, તેટલો જ કરવો.

૨. વ્‍યાયામ પછી શરીરનું તાપમાન વધે છે. ઠંડીના દિવસોમાં સવારે ઊઠીને ઘણી ઠંડી લાગતી હોય, તો ૨ મિ. જ્યાં હોવ ત્યાં તે જગ્‍યાએ જ દોડવાથી ઠંડી લાગવાનું પ્રમાણ તરત જ ઓછું થાય છે.

૩. વ્‍યાયામ પછી ૨ મિનિટ કોરા કપડાથી અથવા હાથથી સર્વ શરીરે માલીશ કરી લેવું. તેથી વ્‍યાયામને કારણે પેશીઓમાં વધેલો વાત (વાયુ) ન્‍યૂન થાય છે, તેમજ ઘર્ષણ દ્વારા એક પ્રકારનો વિદ્યુત પ્રવાહ નિર્માણ થઈને તે શરીરમાંના રોગોને નષ્‍ટ કરે છે.

૪. વ્‍યાયામ કરી લીધા પછી ૩૦ મિ. પછી સ્‍નાન કરવું. આ વચગાળાની ૩૦ મિ. માં કપડાં ધોવા, વાચન અથવા નામજપ કરી શકાય.

૫. અભ્‍યંગ પછી જો વ્‍યાયામ કરવાનો ન હોય, તો ૨૦ મિ. પછી સ્‍નાન કરી શકાય છે. જો વધારે ઉતાવળ હોય તો અભ્‍યંગ પછી ૫ મિ. પછી પણ સ્‍નાન કરી શકાય છે. તેલ લગાડ્યા પછી ૫ મિ.માં તે તેલ ત્‍વચામાં શોષાવા માંડે છે. શરીર ચોળવાની ૫ મિનિટમાં આ સાધ્‍ય થાય છે. તેમ છતાં તેલ લગાડીને ૨૦ મિ. થોભી શકતા હોવ તો ઉત્તમ.

૬. સવારે જો પ્રશિક્ષણ વર્ગ માટે જવું હોય (સામૂહિક વ્‍યાયામ કરવો હોય) તો ધૂમપાન સુધીની કૃતિઓ કરીને પ્રશિક્ષણ વર્ગ માટે જવું. પ્રશિક્ષણ વર્ગ થયા પછી ૧૫ મિનિટ શાંત બેસીને વાચન અથવા નામજપ કરવો. ત્‍યાર પછી શરીરે ૫ મિનિટ તેલ લગાડીને થોડો સમય થોભીને પછી સ્‍નાન કરવું.

૭. અભ્‍યંગ કરીને (શરીરે તેલ લગાડીને) વ્‍યાયામ કરવાથી પરસેવો વળતો નથી, એમ હોતું નથી. ઊલટું અભ્‍યંગ કરીને વ્‍યાયામ કરવાથી તેલનું કાર્ય સારી રીતે થાય છે.

 

૧૧. સ્‍નાન

૧૧ અ. સ્‍નાન માટેનું પાણી

શરીરે તેલ લગાડેલું હોવાથી સ્‍નાન માટે નવશેકું પાણી લેવું. સ્‍નાન કરતી વેળાએ પ્રથમ માથું ભીંજાવુ, પછી પગ પલાળવા. પહેલાં જ પગ ભીના કરવાથી શરીરમાંની ઉષ્‍ણતા વધીને આરોગ્‍ય માટે અપાયકારક બને છે. માથા પર ઉષ્‍ણ પાણી લેવાથી વાળ ખરે છે, તેથી માથા પર હંમેશાં નવશેકું પાણી લેવું. ઠંડા પાણીથી સ્‍નાન કરનારો માથા પર ઠંડું પાણી લઈ શકે છે. ઠંડીના દિવસોમાં ઠંડા પાણીથી સ્‍નાન કરવાનું ટાળવું.

૧૧ આ. સ્‍નાન કરતી વેળાએ મોટેથી નામજપ અથવા સ્‍તોત્ર બોલવાના લાભ

શરીર પર અચાનક પાણી રેડવાથી પ્રાણ અને ઉદાન વાયુની ગતિમાં અસમતોલ નિર્માણ થાય છે. કેટલાકને સ્‍નાન થયા પછી અચાનક થાક લાગે છે, તે સમયે પ્રાણ અને ઉદાન વાયુની ગતિ અસંતુલિત થવી, આ એક કારણ હોઈ શકે. પાણીનો પહેલો લોટો માથા પર રેડતી વેળાએ મોટેથી નામજપ કરવાથી અથવા એકાદ સ્‍તોત્ર બોલવાથી પ્રાણ અને ઉદાન વાયુની ગતિ સંતુલિત રહે છે અને નહાયા પછી થાક લાગવાનું પ્રમાણ ઓછું થાય છે.

૧૧ ઇ. ઉટવણું લગાડવું

અભ્‍યંગને કારણે શરીરે લાગેલું વધારાનું તેલ ઉટવણું લગાડવાથી જાય છે. તે માટે (સનાતન) ઉટવણું, ચણાનો લોટ પણ વાપરી શકાય છે. ઉટવણું લગાડવાથી ચરબી ઓછી થવામાં સહાયતા થાય છે. તેથી સ્‍થૂળ લોકોએ ઉટવણું લગાડવું જ.

૧૧ ઈ. ખાંડ વિનાની ચા અને કશાયની ભૂકીનો ઉટવણાની જેમ ઉપયોગ કરવો

ચામાં નાખવાની ખાંડ પાણી ઉકાળ્યા પછી નાખવાને બદલે તે ચા ગાળી લીધા પછી ગાળેલી ચામાં નાખવાથી ઇંધન (ગૅસ) બચે છે, ખાંડ હંમેશાં કરતાં ઓછા પ્રમાણમાં લાગે છે અને તે ચાની ભૂકીમાં ભળતી નથી. આવી ખાંડ વિરહિત ચાની ભૂકી તડકામાં સૂકવીને તેનો ઉપયોગ ઉટવણાની જેમ કરી શકાય છે. ચાને બદલે ધાણા-જીરાનો કશાય કરતા હોવ તો તે ભૂકીનો ઉપયોગ પણ આ રીતે જ કરી શકાશે.

૧૧ ઉ. સ્‍નાન સમયે સાબુ લગાડવો નહીં

સ્‍નાન સમયે સાબુ લગાડવો નહીં. સાબુમાંના કૃત્રિમ દ્રવ્‍યોને કારણે ત્‍વચા કોરી બને છે. સાબુને બદલે ઉપર જણાવ્‍યા પ્રમાણે ઉટવણું લગાડવું. એક સમયે શરીરે લગાડવા માટે ૨ ચમચી ઉટવણું બસ થઈ રહે છે. ઉટવણાની જેમજ મુલતાની માટી અથવા રાફડાની માટી પણ વાપરી શકાય છે, તેમજ શિકાકઈ, આમળાની સુકવણી, અરીઠા, તલનું ચૂર્ણ ભેગું કરીને તેનો ઉપયોગ સાબુની જેમ કરી શકાય છે.

સ્‍નાન કરતી વેળાએ સાબુનો ઉપયોગ કરવો નહીં, આ બાબત ભલે આદર્શ હોય, તો પણ શરીરે લાગેલું વધારાનું તેલ કાઢવા માટે ઘણા લોકોને સાબુ લગાડવાનું સગવડભર્યું લાગે છે. આવા સમયે સાબુ લગાડ્યા પછી શરીર વધારે ચોળવું નહીં. ત્‍વચા પરનું સર્વ તેલ સાબુથી કાઢવાને બદલે તેલની થોડી ચીકાશ ત્‍વચા પર રહેવા દેવી. શરીર લૂછ્‍યા પછી ત્‍વચા પર આવશ્‍યક તેટલી ચીકાશ રહે છે, તેલ કપડાંને લાગતું નથી અને તે ચીકાશનો ત્રાસ થવાને બદલે ત્‍વચા મુલાયમ રહેવામાં લાભ થાય છે.

૧૧ ઊ. શૅમ્‍પૂને બદલે શિકાકઈનો ઉપયોગ કરો !

સ્‍નાન કરતી વેળાએ વાળના મૂળિયે શૅમ્‍પૂ જરાય લગાડવો નહીં. સાબુ જેવા ફીણ આવનારા શૅમ્‍પૂમાં સોડિયમ લૉરિલ સલ્‍ફેટ નામક ઝેરી દ્રવ્‍ય હોય છે. શૅમ્‍પૂ કરતાં (સનાતન) શિકાકઈનો ઉપયોગ કરી શકાય.

૧૧ એ. સ્‍નાન ક્યારે કરવું નહીં ?

તાવ, મોઢામાં સ્‍વાદ ન હોવો, અપચો, પેટ ફૂલી ગયું હોય, અતિસાર (ઝાડા થવા) જેવા વિકાર, અતિશય ભૂખ લાગવી, આંખો અને કાન દુઃખવા, ચહેરો અચાનક જ વાંકો થવો એના જેવી સ્‍થિતિમાં સ્‍નાન કરવું નહીં, તેમજ કાંઈ ખાઈને અથવા જમ્‍યા પછી પણ સ્‍નાન કરવું નહીં. ખાધા પછી સ્‍નાન કરવાનું થાય, તો ૩ કલાક પછી કરવું.

 

૧૨. વાળને તેલ લગાડવું

નહાયા પછી વાળમાં તેલ લગાડવું. વાળ થોડા ભીના હોય ત્‍યારે તેલ લગાડવાથી તે સારી રીતે લાગે છે. તેલ લગાડતી વેળાએ તે વાળના મૂળિયે લાગે એમ કરવું. તેથી વાળ ખરવાનું અને ધોળા થવાનું ઓછું થાય છે.

આજકાલ બજારમાં ચીકાશ ન ધરાવનારા વાળ માટેના તેલ મળે છે. તેમાં વનસ્‍પતિજ તેલ હોવાને બદલે ખનીજ તેલ હોય છે. આવા તેલનો વાળ માટે કાંઈ જ લાભ થતો નથી. ડબલ રિફાઈન્‍ડ, ટ્રિપલ રિફાઈન્‍ડ જેવા તેલ પણ વાળ માટે અપાયકારક હોય છે. તેના કરતાં ઘાણીએ પીલેલું શુદ્ધ ટોપરાનું, તલનું અથવા કપાસિયાનું તેલ વાળ માટે અત્‍યંત પોષક હોય છે.

 

૧૩. આહાર વિશેનાં માર્ગદર્શક સૂત્રો

હંમેશાં પહેલાંનો આહાર પચી ગયા પછી હિત અને મિત આહાર લેવો. ભૂખ લાગી નથી અને જમવાનો સમય પાળવાનો છે, આવી સ્‍થિતિ હોય ત્‍યારે જમવા પહેલાં અર્ધો કલાક ૧ સેં.મી. આદુનો ટુકડો મીઠું લગાડીને ચાવીને ખાવો, એટલે ભૂખ લાગે છે. જો તો પણ ભૂખ ન લાગે, તો ૪ કોળિયા ઓછું જ જમવું. યોગ્‍ય સમયે ભૂખ લાગવી એ આરોગ્‍યનું લક્ષણ છે. અલ્‍પાહાર અથવા ભોજન કરીને તરત જ સ્‍નાન કરવું નહીં. જો ખાધા પછી સ્‍નાન કરવાનું હોય તો વચમાં ૩ કલાકનો સમયગાળો જવા દેવો; પરંતુ સ્‍નાન કરીને તરત જ અલ્‍પાહાર કરી શકાય છે.

 

૧૪. જમી લીધા પછી
વજ્રાસન કરીને બેસવું અને વામકુક્ષી લેવું

જેમને સંભવ છે, તેમણે જમ્‍યા પછી ૫-૧૦ મિનિટ વજ્રાસનમાં બેસવું, એટલે પચનતંત્રને લોહીનો પુરવઠો સારી રીતે થઈને પચન ક્રિયા સુધરે છે. આ સમયમાં નામજપ અથવા સ્‍વયંસૂચનાના સત્રો કરી શકાય છે. બપોરે ભોજન પછી વયોવૃદ્ધ (૬૦ વર્ષ કરતાં વધારે વયના) સાધકો વિશ્રાંતિ લઈ શકે છે. જે લોકો પરોઢિયે વહેલા ઊઠે છે, તેઓ પણ બપોરે ૨૦ મિનિટ વામકુક્ષી લઈ શકે છે. અન્‍યોએ બને ત્‍યાં સુધી બપોરે સૂવાનું ટાળવું. જો સૂવાનું જ થાય, તો બેઠાં બેઠાં સૂઈ જવું. બપોરનું ભોજન પચવામાં હળવું હોય તો બપોરે વધારે ઊંઘ આવતી પણ નથી.

 

૧૫. પાણી પીવા વિશે માર્ગદર્શક સૂત્રો

૧૫ અ. સમગ્ર દિવસમાં કેટલું પાણી પીવું ?

પાણી કેટલું અને ક્યારે પીવું આ વિશે પુષ્‍કળ મતભેદ જોવા મળે છે. આ મતભેદોને કારણે સામાન્‍ય માનવીના મનમાં સંભ્રમ નિર્માણ થાય છે. આયુર્વેદમાં પાણી ક્યારે પીવું આ વિશે આગળનાં સૂત્રો આપ્‍યાં છે.

ऋते शरन्‍निदाघाभ्‍यां पिबेत् स्‍वस्‍थोऽपि चाल्‍पशः ।  

– અષ્‍ટાંગહૃદય, સૂત્રસ્‍થાન, અધ્‍યાય ૫

અર્થ : શરદ અને ગ્રીષ્‍મ ઋતુઓ છોડતાં નિરોગી માણસે સમગ્ર દિવસમાં થોડું જ પાણી પીવું. તરસ અને ભૂખ લાગવી આ ભગવાને માનવીને આપેલું વરદાન છે. જ્‍યારે આપણને પાણી અને અન્‍નની આવશ્‍યકતા હોય છે, ત્‍યારે આપણને ક્રમવાર તરસ અને ભૂખ લાગે છે. તરસ લાગે ત્‍યારે એકસામટું ગટગટ પાણી પીવાને બદલે થોડું થોડું પાણી પીવું, એવું આયુર્વેદ કહે છે.

સંસ્‍કૃતમાં ક એટલે પાણી અને તેને કારણે અર્થાત્ પાણીથી ફલિત થાય છે, તે કફ. અનાવશ્‍યક પાણી પીવાથી શરીરમાં કફદોષ વૃદ્ધિંગત થઈને પચનશક્તિ મંદ થાય છે. કેટલાક જણને વૈદ્યએ તેમના રોગને અનુસરીને પુષ્‍કળ પાણી પીવા માટે કહેલું હોય છે. તે પાણી રોગીએ એકસામટું પીવાને બદલે સમગ્ર દિવસમાં થોડું થોડું પીવું. જેઓ પાઉં (ડબલરોટી), બ્રેડ જેવા મેદાના પદાર્થો ખાવાનું ટાળી શકતા નથી, તેમણે આ પદાર્થ ખાતી વેળાએ વચ્‍ચે વચ્‍ચે નવશેકું પાણી પીવું, તેથી તે પદાર્થ પચે છે.

૧૫ આ. જમતી વેળાએ પાણી પીવું કે  ન પીવું ?

આ વિશેનું માર્ગદર્શક સૂત્ર નીચે પ્રમાણે છે.

समस्‍थूलकृशा भक्‍तमध्‍यान्‍तप्रथमाम्‍बुपाः । 

– અષ્‍ટાંગહૃદય, સૂત્રસ્‍થાન, અધ્‍યાય ૫

અર્થ : જમતી વેળાએ વચ્‍ચે વચ્‍ચે થોડું થોડું પાણી પીવું. તેથી પચન વ્‍યવસ્‍થિત થાય છે. જમ્‍યા પછી (પુષ્‍કળ) પાણી પીવાથી વ્‍યક્તિ સ્‍થૂળ બને છે, અર્થાત્ અનાવશ્‍યક ચરબી વધે છે. જમવા પહેલાં પાણી પીવાથી ભૂખ મંદ બને છે, ભોજન ઓછું જાય છે અને વ્‍યક્તિ કૃશ બને છે; પણ આ રીતે કૃશ બનવું તે આરોગ્‍ય માટે અપાયકારક હોય છે.

જમતી વેળાએ વચ્‍ચે વચ્‍ચે થોડું થોડું પાણી પીવું જ યોગ્‍ય છે. જમવામાં દ્રવ પદાર્થ પુષ્‍કળ હોય તો જુદું પાણી પીવાની આવશ્‍યકતા હોતી નથી.

 

૧૬. સંગણકીય સેવા કરતી વેળાએ પાળવાની પરેજી

સંગણકની સામે નિરંતર બેસી રહેવાથી શરીરની ખાસ કરીને આંતરડાની હિલચાલ ઓછી થાય છે. તેને કારણે નિરંતર બેઠું કામ કરનારાઓને કબજિયાત અને સમયજતાં કબજિયાતને કારણે પિત્તનો ત્રાસ ઉદ્‌ભવે છે, તેમજ એકધાર્યું સંગણકની સામે જોવાથી આંખો પર પણ તાણ આવે છે. સંગણકના આવાં દુષ્‍પરિણામ ટાળવા માટે સામાન્‍ય રીતે પ્રત્‍યેક કલાકે ૨ મિનિટ ચાલવું. ચાલતા ચાલતા ડોક, ખભા અને હાથ છૂટા કરવા.

પ્રત્‍યેક ૨૦ મિનિટ પછી આંખોને ૨૦ સેકંડ વિશ્રાંતિ આપવી, એટલે કે આંખો બંધ કરવી અને આંખોની હિલચાલ કરવી. પછી ૨૦ ફૂટ કરતાં વધારે અંતર પરની વસ્‍તુ ભણી ૨૦ સેકંડ જોવું. આને ૨૦-૨૦-૨૦નો નિયમ એવું કહે છે.

 

૧૭. ચા પીવી આરોગ્‍ય માટે હાનિકારક !

૧૭ અ. ચાનાં દુષ્‍પરિણામ

ચાનો સ્‍વાદ તૂરો હોવાથી તે કબજિયાત નિર્માણ કરે છે. કેટલાકને ચા ન પીવાથી શૌચ થતું નથી. આ ટેવને લીધે છે. શૌચનો વેગ નિર્માણ કરવો, આ કાંઈ ચાનું કામ નથી. ચા લોહીમાંની આમ્‍લતા (ઍસિડિટી) વધારે છે. નિયમિત રીતે ચા પીવાથી હાડકાં કટકણાં (બરડ) બને છે, રક્તવાહિનીઓ આકુંચન પામીને લોહીનું દબાણ વધે છે અને આમ્‍લપિત્તનો ત્રાસ વધે છે. ચા સાથે આપણે કાંઈક ચીજવસ્‍તુ ખાઈએ છીએ. તેમાં મીઠું હોવાથી ચામાં રહેલા દૂધ સાથે સંપર્ક આવવાથી ચા શરીર માટે મારક બને છે. ચાને કારણે શરીરની હાનિ જ વધારે થતી હોય, તો પણ ચાનું વ્‍યસન લાગવાથી સામાન્‍ય માનવી ચા છોડી શકતો નથી.

૧૭ આ. ચા માટે પર્યાય

૧૭ આ ૧. ધાણા-જીરાનું કશાય

ચા પીવા કરતાં ધાણા-જીરાનું કશાય પીવું સારું હોય છે.

૧૭ આ ૨. વરિયાળી ઇત્‍યાદિનું કશાય

પ.પૂ. ગોંદવલેકર મહારાજના સંપ્રદાયમાં આગળ જણાવેલા ઔષધી પરિબળોનો ઉપયોગ કરીને કશાય બનાવવાનો પ્રઘાત છે. વરિયાળી, ધાણા, જીરું, અજમા, સુવાદાણા, ગોખરુ, વાવડિંગ, સુંઠ અને જેઠીમધ આ વસ્‍તુઓ સમપ્રમાણમાં લઈને થોડી શેકી લઈને પછી દળી લેવી. પ્રતિદિન ઉકાળો કરવા માટે ૧ પવાલું પાણી લઈને પોણી ચમચી દળેલી ભૂકી નાખીને ઉકાળી લેવું અને કશાય ગાળી લઈને ગરમ હોય ત્‍યારે પીવું. તેમાં ખાંડ, મીઠું, દૂધ ઇત્‍યાદિ કાંઈ નાખવું પડતું નથી.

૧૭ આ ૨ અ. લાભ : આ ઉકાળો પેટ માટે ઘણો સારો હોય છે. તેમાંના વરિયાળી અને ધાણા પેટ સાફ થવા માટે ઉપયોગી છે, જીરું શરીરમાંની ઉષ્‍ણતા ઓછી કરે છે, અજમાને કારણે પેટમાં વાયુ (ગૅસ) થતો નથી, વાવડિંગને કારણે જંતુ થતા નથી, સુંઠને કારણે કફ થતો નથી તેમજ જેઠીમધને કારણે ઉકાળો ગળ્યો બને છે અને ગળું સ્‍વચ્‍છ રહે છે.

૧૭ આ ૩. તુલસીનો ઉકાળો

પ્રત્‍યેક ઋતુ અનુસાર ચોક્કસ ઔષધી વનસ્‍પતિનો ઉકાળો લેવો એ આરોગ્‍ય માટે અતિશય ઉપયુક્ત પુરવાર થાય છે. ચોમાસામાં ઠંડીના દિવસોમાં તુલસીનો ઉકાળો આવશ્‍યકતા અનુસાર ખાંડ ઉમેરીને લઈ શકીએ છીએ. આ ઉકાળામાં દૂધ નાખવું નહીં. ચોમાસામાં અને ઠંડીના દિવસોમાં તુલસીનો ઉકાળો લેવાથી શરદી, ઉધરસ, તાવ આવવો ઇત્‍યાદિ વિકાર થતા નથી. તુલસી વિષઘ્‍ન હોવાથી શરીરમાંના ઝેરીલા દ્રવ્‍યોનો નાશ થાય છે, તેમજ પચન સુધરીને ભૂખ સારી લાગવા માંડે છે.

૧૭ આ ૩ અ. તુલસીનો ઉકાળો બનાવવાની પદ્ધતિ

મંજરી સહિતના તુલસીના ૨૫-૩૦ પાન ૧ કપ પાણીમાં ઉકાળવા. પાણી ઉકળે એટલે ગૅસ બંધ કરવો. ઉકાળો ગાળીને ગરમ હોય ત્‍યારે જ આવશ્‍યકતા અનુસાર ખાંડ નાખીને અથવા નાખ્‍યા વિના પીવો. તુલસીનો ઉકાળો કરવા પહેલાં ૩ કલાક તુલસીના પાન પાણીમાં પલાળવાથી ઉકાળામાં તુલસીનો અર્ક હજી સારી રીતે ઉતરે છે. જો સવાર-સાંજ ઉકાળો કરવાના હોવ, તો એકવાર વાપરેલા પાન સાથે થોડા નવા પાન ઉમેરીને વાપરી શકાય છે.

આયુર્વેદમાં આપેલી દિનચર્યા આ રીતે પાળવા માટે જુદો સમય ફાળવવો પડતો નથી. પ્રતિદિન આ રીતે દિનચર્યા પાળવાથી આપણે પુષ્‍કળ રોગ ટાળીને જીવનમાંનો અમૂલ્‍ય સમય બચાવીને સાધના સારી રીતે કરી શકીએ છીએ.

 

૧૮. નૈસર્ગિક શારીરિક વેગ રોકી રાખવા નહીં !

અધોવાત (ગુદદ્વારમાંથી છૂટનારો વાયુ), શૌચ, પેશાબ, છીંક, તરસ, ભૂખ, ઊંઘ, ઉધરસ, શ્રમને કારણે લાગેલી હાંફ, બગાસું, આંસુ, ઊલટી અને શુક્રધાતુનું સ્‍ખલન (વીર્યપાત) આ ૧૩ નૈસર્ગિક વેગ છે. આ વેગ આવે તો કદીપણ તે રોકવા નહીં, તેમજ વેગ જાણીજોઈને નિર્માણ પણ કરવા નહીં, ઉદા. શૌચની સંવેદના થયા પછી તે રોકી રાખવી નહીં અને શૌચ થતું ન હોય તો જોર કરવું નહીં. નૈસર્ગિક વેગ વિશે આ પરેજી પ્રયત્નપૂર્વક પાળવાથી શરીર નિરોગી રહે છે. મોટાભાગે બસનો ત્રાસ થાય છે, તેથી ગોળી લઈને નૈસર્ગિક રીતે થનારી ઊલટી રોકી રાખવામાં આવે છે. આ સમયે ઔષધીના કારણે ઊલટીનો વેગ રોકવામાં આવે છે. આવું એક નાનકડું કારણ પણ આગળ જતાં અનેક મોટા રોગને આમંત્રણ આપી શકે છે, તેથી નૈસર્ગિક વેગ પરાણે રોકી રાખવાને બદલે તે આવવા દેવા. તેમનું શરીરને આવશ્‍યક તે કાર્ય પતે કે, આ વેગ આપમેળે જ બંધ થાય છે.

૧૮ આ. મનોવેગ સંકેલો !

ઉપરોક્ત કહેલા ૧૩ શારીરિક વેગ એ અધારણીય, અર્થાત્ રોકી ન શકાય તેવા છે; પણ લોભ, ઈર્ષા, દ્વેષ, મત્‍સર, આસક્તિ આ મનના વેગ ભલે નૈસર્ગિક હોય, તો પણ તે પ્રયત્નપૂર્વક રોકી રાખવા.

 

૧૯. શાંત નિદ્રા અને આંખોનું
આરોગ્‍ય જાળવવા માટે કરવાની કૃતિઓ

૧૯ અ. રાત્રે શાંત ઊંઘ લાગવા માટે માથાને તેલ લગાડો !

રાત્રે સૂતી વેળાએ માથાને પુષ્‍કળ તેલ લગાડવાથી શાંત ઊંઘ આવે છે. તેલ તાલકામાં જીરવવું. સવારે અભ્‍યંગ માટે વાપરીએ છીએ તે પ્રમાણે કપૂરમિશ્રિત તેલ માથે લગાડવું. પથારીને તેલ લાગે નહીં તે માટે માથા ફરતું જુદું કપડું વીંટવું. ગડી કાઢેલી જૂની ગાંધી ટોપી કે જૂની કાનટોપી પણ વાપરી શકાય.

 ૧૯ આ. પગના તળિયે ઘી ચોપડવું

પ્રતિદિન રાત્રે સૂવા પહેલાં પગના તળિયે અડધી ચમચી દેશી ગાયનું શુદ્ધ ઘી ૫ મિ. ચોળવું. તેને કારણે આંખોનું આરોગ્‍ય સુધરે છે અને શાંત નિદ્રા પણ લાગે છે. જો ઘી ચોળવા માટે કાંસાની વાટકી મળે તો ઉત્તમ; પણ તે જો ન હોય તો હથેળીથી ઘી ચોપડવું. ઘી ચોળ્યા પછી તે પથારીમાં લાગે નહીં તે માટે બન્‍ને તળિયા જુદા જુદા કપડામાં વીંટી રાખવા. જૂના પગના મોજા પણ વાપરી શકાય છે. સવારે ઊઠ્યા પછી પગ સાબુથી ધોઈ નાખવા એટલે પગનું ઘી નીકળી જશે. પગને લગાડવા માટે દેશી ગાયનું શુદ્ધ ઘી ઉપલબ્‍ધ ન હોય તો ટોપરાનું તેલ લગાડવું.

૧૯ ઇ. આંખોમાં ઘી નાખવું

પ્રતિદિન રાત્રે સૂતા પહેલાં બન્‍ને આંખોમાં ૧-૧ ટીપું ઘી નાખવાથી આંખો નિરોગી રહે છે અને ચશ્‍માનો ક્રમાંક વધતો નથી.

૧૯ ઇ ૧. પૂર્વસિદ્ધતા : એક કાચની ખાલી બાટલી સ્‍વચ્‍છ ધોઈને કોરી કરી લેવી. સનાતન અત્તરની ખાલી બાટલી પણ ઉપયોગમાં લઈ શકાય છે. બાટલી સાથે એક અન્‍ય ડબીમાં કાનમાં ટીપા નાખવાનો અથવા નાના બાળકોને ઔષધ આપવાનો જાડો પ્‍લાસ્‍ટિકનો ડ્રૉપર રાખવો. દેશી ગાયના શુદ્ધ ઘરગથ્‍થુ ઘીની ઉપર જે પાતળું ઘી હોય છે, તે આ બાટલીમાં ભરી રાખવું. પાતળું ઘી ન મળે તો દેશી ગાયનું ઘરગથ્‍થુ શુદ્ધ ઘી લેવું. શુદ્ધ ઘી પણ જો ન મળે, તો આયુર્વેદિક ઔષધાલયમાં મળનારું ત્રિફળા ઘૃત નામનું ઘી લેવું. ઘી પ્‍લાસ્‍ટિકની બાટલીમાં નાખવું નહીં; કારણકે પ્‍લાસ્‍ટિકનો કેટલોક ભાગ ઘીમાં ઓગળે છે અને આવું ઘી આંખોમાં નાખ્‍યા પછી આંખોની બળતરા થાય છે. જો ઘી જામી ગયું હોય તો રાત્રે સૂઈ જતા પહેલાં તે બાટલી ગરમ પાણીમાં ઝાલીને ઘી ઓગાળી લેવું. બાટલી પાણીમાંથી કાઢી લઈને બાટલીને લાગેલું પાણી કપડાથી લૂછી લેવું.

૧૯ ઇ ૨. કૃતિ : પથારી નાખીને સૂવાની સિદ્ધતા થયા પછી પથારીમાં આડા થઈને બન્‍ને આંખોમાં ૧-૧ ટીપું ઘી નાખવું અને બાટલી બાજુએ મૂકીને સૂઈ જવું.

 

૨૦. રાત્રે દૂધ પીવા વિશેનાં માર્ગદર્શક સૂત્રો

રાત્રે સૂતી વેળાએ દૂધ પીવાથી પચનશક્તિ મંદ થાય છે અને કફના વિકાર થાય છે. તેથી બને ત્‍યાં સુધી રાત્રે સૂતી વેળાએ દૂધ પીવાને બદલે સવારે સ્‍નાન કર્યા પછી દૂધ પીવું. દૂધ સાથે કાંઈ ખાવું નહીં; કારણકે અન્‍ય પદાર્થોમાં મીઠાનો અંશ હોય છે જેનો દૂધ સાથે સંયોગ શરીર માટે અપાયકારક હોય છે. દૂધ પીધા પછી કાંઈ ખાવું હોય તો સાધારણ એક કલાક રહીને ખાવું. રાત્રે દૂધ જો પીવાનું થાય જ, તો ૧ કપ દૂધમાં અડધી ચમચી આ પ્રમાણમાં હળદર નાખીને તે પીવું.

દૂધ પીતી વેળાએ તે ગરમ જ પીવું. એક સમયે ૧ કપ એટલું જ દૂધ પીવું. વધારે દૂધ પીવાથી તે પચશે જ એવું નથી. ઘણા સાધકો આમ્‍લપિત્તનો ત્રાસ થાય છે તેથી ઠંડુ દૂધ પીવે છે. આમ્‍લપિત્તમાં ઠંડુ દૂધ પીવાથી તાત્‍પુરતો લાભ ભલે થતો હોય, તો પણ ઠંડુ દૂધ પચનશક્તિ બગાડી નાખે છે. તેને કારણે કબજિયાત નિર્માણ થાય છે અપચો થવાથી આમ્‍લપિત્તનો ત્રાસ હજી વધે છે. તેથી ક્યારે પણ ઠંડું દૂધ પીવું નહીં.

 

૨૧. સૂવું

બને ત્‍યાં સુધી પૂર્વ ભણી અથવા દક્ષિણ ભણી માથું કરીને સૂવું. પશ્‍ચિમ અથવા ઉત્તર દિશામાં માથું કરીને સૂવાથી આયુષ્‍યની પાયમાલી થાય છે, એવું વિષ્‍ણુ અને વામન પુરાણોમાં કહ્યું છે. સૂતી વેળાએ અતિ પવનનું સેવન કરવું નહીં; કારણકે તેમ કરવાથી શરીરમાંનું કોરાપણું વધે છે, ત્‍વચાનું આરોગ્‍ય બગડે છે અને સાંધા જકડાઈ જાય છે.

પ્રત્‍યેકે પોતાને આવશ્‍યક તેટલી નિદ્રા લેવી જોઈએ. સામાન્‍ય માણસને સર્વસામાન્‍ય રીતે ૬ થી ૮ કલાક નિદ્રા પૂરતી છે. આપણે કેટલી નિદ્રા લેવાથી સમગ્ર દિવસ દરમ્‍યાન આપણી કાર્યક્ષમતા સારી રહે છે, તેનો પોતે જ અભ્‍યાસ કરીને તે અનુસાર ઊંઘનો સમયગાળો નક્કી કરવો અને બીજા દિવસે ઊઠીએ ત્‍યાં સુધી તેટલી ઊંઘ પૂર્ણ થાય એ રીતે યોગ્‍ય સમયે નામજપ કરતા કરતા સૂઈ જવું.

આયુર્વેદમાં આપેલી દિનચર્યા આ રીતે પાળવાથી આપણને વધારાનો સમય આપવો પડતો નથી. પ્રતિદિન આવી દિનચર્યાનું પાલન કરવાથી આપણે પુષ્‍કળ રોગ ટાળીને જીવનમાંનો અમૂલ્‍ય સમય બચાવીને સાધના સારી રીતે કરી શકીએ.

 – વૈદ્ય મેઘરાજ પરાડકર, આયુર્વેદાચાર્ય, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૧૬.૧૨.૨૦૧૩)

Leave a Comment