બ્રાહ્મમુહૂર્ત પર ઊઠવાના ૯ લાભ !

Article also available in :

સૌપ્રથમ આપણે સર્વેએ એમ ધ્‍યાનમાં લેવું જોઈએ કે, ‘બ્રહ્મમુહૂર્ત’ એવો શબ્‍દ નથી, જ્‍યારે ‘બ્રાહ્મમુહૂર્ત’ એવો યોગ્‍ય શબ્‍દ છે. બ્રાહ્મમુહૂર્ત પરોઢિયે ૩.૪૫ થી ૫.૩૦ આ રીતે પોણાબે કલાકનો હોય છે. તેને રાત્રિનો ‘ચોથો પ્રહર’ અથવા ‘ઉત્તરરાત્ર’ પણ કહે છે. આ કાળમાં અનેક બાબતો એવી બનતી હોય છે કે, જે સંપૂર્ણ દિવસના કામ માટે લાગનારી ઊર્જા આપે છે. આ મુહૂર્ત પર ઊઠવાથી આપણને એકજ સમયે ૯ લાભ મળે છે.

બ્રાહ્મમુહૂર્ત

 

૧. પ્રાણવાયુ મોટા પ્રમાણમાં મળવો

આ કાળમાં ‘ઓઝોન’ વાયુ પૃથ્‍વીના વાતાવરણના સૌથી નીચેના થરમાં વધારે પ્રમાણમાં આવ્યો હોય છે. આ ‘ઓઝોન’માં માનવીના શ્‍વસન માટે આવશ્‍યક પ્રાણવાયુ (ઓક્સિજન) મોટા પ્રમાણમાં હોય છે. તેથી આ કાળમાં ઊઠીને જમણું નસકોરું ચાલુ કરીને દીર્ઘ શ્‍વસન કરવાથી રક્તશુદ્ધિ થાય છે. લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ વધવાથી હિમોગ્‍લોબિન સુધરે છે. તેથી ૯૦ ટકા રોગોથી મુક્તિ મળે છે.

 

૨. તારલા હોય ત્‍યાં સુધી ઊઠવું

આ કાળમાં મંદ પ્રકાશ હોય છે. આંખો ખોલ્‍યા પછી એકદમ તેજસ્‍વી પ્રકાશ આંખો પર પડે, તો થોડો સમય આપણને કાંઈ જ દેખાતું નથી. એવું જો વારંવાર થતું રહે, તો આંખોના વિકાર થાય છે અને દૃષ્‍ટિ પણ ક્ષીણ થઈ શકે છે. તેમ થાય નહીં, તે માટે તારલા હોય ત્‍યાંસુધી ઊઠવું.

 

૩. અપાનવાયુનું કાર્ય સુલભતાથી થવું

આ કાળમાં પંચતત્વોમાંથી વાયુતત્વ વધારે પ્રમાણમાં કાર્યરત હોય છે અને માનવી શરીરમાંનો અપાનવાયુ કાર્યરત હોય છે. અપાનવાયુ મલનિઃસારણ અને શરીરશુદ્ધિનું કાર્ય કરે છે. આ વાયુ કાર્યરત હોય ત્‍યારે મલ બહાર ફેંકવાનું કાર્ય સહજતાથી થઈ શકે છે. જોર લગાડવો પડે તો ધીમે ધીમે હરસ થવાની સંભાવના હોય છે. હરસ થાય નહીં અને ઉત્તમ શરીરશુદ્ધિ થાય, તે માટે આ જ કાળમાં મલનિઃસારણ કરવું, તેમજ જૈવિક ઘડિયાળની જેમ આ કાળમાં મોટા આંતરડામાં ઊર્જા કાર્યરત હોય છે.

 

૪. બ્રાહ્મમુહૂર્ત પર શરીર બહાર
નવદ્વારો દ્વારા મેલ કાઢી નાખવાનું મહત્વ

આપણા શરીરમાં સંપૂર્ણ દિવસ દરમ્‍યાન ભેગો થયેલો મેલ ૯ સ્‍થાનોમાંથી બહાર ફેંકાતો હોય છે. ૨ આંખો, ૨ નસકોરાં, ૨ કાન, ૧ મોઢું, ૧ મૂત્રદ્વાર અને ૧ ગુદદ્વાર આ રીતે ૯ સ્‍થાનોને નવદ્વાર કહે છે. આ ૯ ઠેકાણે રાત્રે શરીરમાંનો મેલ ભેગો થાય છે. તે મેલમાં અનેક જીવાણુ અને વિષાણુ હોય છે, કે જે રોગ ઉત્‍પન્‍ન કરી શકે છે. આ જીવાણુ અને વિષાણુઓને સૂર્યપ્રકાશ મળ્યા પછી તેમની ઘણા મોટા પ્રમાણમાં વૃદ્ધિ થઈ શકે છે અને આપણે રોગને બલિ ચડી શકીએ છીએ. આ થાય નહીં, તે માટે બ્રાહ્મમુહૂર્ત પર ઊઠીને આ મેલ શરીર બહાર ફેંકી દેવો જોઈએ.

 

૫. બ્રાહ્મમુહૂર્ત પર સ્‍નાન કરવાનું મહત્વ

સૂર્યોદય પહેલાં બ્રાહ્મમુહૂર્ત પર સ્‍નાન કરવાથી ત્‍વચા પરના રંધ્રો (છિદ્રો) ખુલ્‍લા થાય છે. તેથી શુદ્ધ હવા અંદર શોષાઈ જઈને સર્વ અવયવોને શુદ્ધ પ્રાણવાયુ મળવાથી સંપૂર્ણ શરીર સમગ્ર દિવસના કામો માટે સ્‍ફૂર્તિદાયક રહે છે. સંપૂર્ણ દિવસ કામ કરવા છતાં આપણે એકદમ ઉત્‍સાહી રહીએ છીએ.

 

૬. મગજમાંની સ્‍મરણશક્તિ સહિત અન્‍ય શક્તિ કેંદ્રો જાગૃત થવાં

આ સમયગાળામાં ૐકાર જપ કરવાથી મગજમાંની સ્‍મરણશક્તિ સહિત અન્‍ય શક્તિકેંદ્રો જાગૃત હોય છે. આ સમયે વિદ્યાધ્‍યયન કરવાથી અન્‍ય સમય કરતાં વધારે સમય સુધી સ્‍મરણમાં રહે છે.

 

૭. બ્રાહ્મમુહૂર્ત પર શરીરશુદ્ધિ કરવાની આવશ્‍યકતા

સૂર્યોદય સમયે અનેક પ્રકારની આરોગ્‍યદાયી લહેરો વાતાવરણમાં સૂર્યકિરણો દ્વારા આવતી હોય છે. જો પોતાની ત્‍વચાના રંધ્રો ખુલ્‍લા હોય, તો તે શોષાઈ જાય છે. તે માટે બ્રાહ્મમુહૂર્ત પર ઊઠીને શરીરશુદ્ધિ કરવી જોઈએ.

 

૮. સાધના કરવાથી સપ્‍તચક્રોની જાગૃતિ થવી

આ કાળમાં આપણે ૐ મંત્રજપ કરવાથી સપ્‍તચક્રો જાગૃત થાય છે; કારણકે આ મુહૂર્ત પર વાતાવરણ શુદ્ધ હોવાથી વધારે પ્રમાણમાં કંપનો નિર્માણ થઈને તેના દ્વારા કુંડલિની જાગૃતિ થાય છે.

 

૯. પુણ્‍યાત્‍માઓ અને સિદ્ધાત્‍માઓ દ્વારા માર્ગદર્શન મળવું

આ મુહૂર્ત પર અનેક પુણ્‍યાત્‍માઓ અને સિદ્ધાત્‍માઓ પરલોકમાંથી પૃથ્‍વીતલ પર આવ્યા હોય છે. આ પુણ્‍યાત્‍માઓને, સિદ્ધાત્‍માઓને આપણે સાધના દ્વારા મળીને ઉત્તમ માર્ગદર્શન મેળવી શકીએ છીએ. આ રીતે ૯ લાભ આપણે બ્રાહ્મમુહૂર્ત પર ઊઠીને સ્‍નાનાદિ કર્મો કરવાથી મેળવી શકીએ છીએે.

(સંદર્ભ : સનાતન પ્રભાત )

Leave a Comment