ઘરમાં જ રોપોનું નિર્માણ કરીને વાવેતર કરો !

Article also available in :

એકાદ ઝાડમાંથી નવો રોપ સિદ્ધ કરવા માટે તે ઝાડનો કયો ભાગ ઉપયોગી છે, તેની જાણકારી હોવી આવશ્યક છે. કેટલાંક ઝાડ ડાળી દ્વારા,  કેટલાંક બી દ્વારા, કેટલાંક મૂળિયા દ્વારા, જ્યારે કેટલાંક પાન દ્વારા ઉગાડી શકાય છે. ઝાડનો પ્રત્‍યેક ભાગ કેવી રીતે વાપરવો, એ સમજાય તો, આપણે બીજું ઝાડ ઘરમાં જ સિદ્ધ કરી શકીએ. તે માટે નર્સરીમાં (રોપવાટિકામાં) જવાની આવશ્‍યકતા રહેતી નથી. તેમજ એકાદ ઝાડ કોઈ કારણસર મરી જશે, એમ લાગે, તો તરત જ જીવિત હોય ત્‍યારે જ તેમાંથી અન્‍ય ઝાડ સિદ્ધ કરી શકીએ છીએ.

ડૉ. નંદિની બોંડાળે

 

૧. ડાળી દ્વારા સિદ્ધ થનારા નવા રોપ

અ. જે ઝાડના નવા રોપ ડાળી દ્વારા સિદ્ધ કરી શકાય છે, આવા ઝાડની ડાળીઓ કાપ્‍યા પછી તે આપણે નવા રોપ સિદ્ધ કરવા માટે ઉપયોગમાં લાવી શકીએ છીએ. એ માટે સાવ કૂણી કે પુષ્‍કળ જૂની ડાળી વાપરવી નહીં. તેને માટે સર્વસામાન્‍ય રીતે કાપેલી ડાળીનો વચલો ભાગ લેવો.

આ. ડાળી સામાન્‍ય રીતે ૬ થી ૮ ઇંચ લાંબી હોવી જોઈએ. ૬ થી ૮ ઇંચ લાંબી ડાળીને ૪ થી ૫ પેરી (પેરી એટલે થડને પાન જ્યાં જોડાય છે, તે ભાગ.) અપેક્ષિત છે. પેરી પાસે આંખ હોય છે. જેમાંથી નવી ડાળી ફૂટે છે અર્થાત સિદ્ધ થાય છે. તેમજ પેરી પાસેથી જ ડાળીના મૂળિયા પણ ફૂટે છે.

ઇ. નવું ઝાડ સિદ્ધ કરવા માટે ડાળી માટીમાં વાવવી, અર્થાત તે માટીમાં ઊભી ખોડવી. માટીમાં દટાયેલી પેરીને મૂળિયા ફૂટશે અને ઉપરની પેરીમાંથી નવાં પાન આવશે. તે માટે ઓછામાં ઓછી ૨-૩ પેરી માટીમાં દટાય એ રીતે કરવું.

ઈ. ડાળી માટીમાં વાવતી વેળાએ માટીમાં જનારી પેરી પાસેનાં પાન કાપવાં. ડાળી માટીમાં સીધી જ દાટવાને બદલે પહેલાં લોખંડનો સળિયો અથવા એકાદ લાકડી  માટીમાં દાટીને ડાળી વાવવાની જગ્‍યા ખાલી કરવી અને સળિયો માટીમાંથી કાઢી લઈને તે જગ્‍યાએ ડાળી વાવવી. જો ડાળી માટીમાં સીધી જ ઘુસાડીએ, તો ડાળીની નીચેની બાજુની પેરીઓને ઇજા થાય છે.

ઉ. ડાળીથી ઉગનારા કેટલાંક ફૂલઝાડ

તગર, અનંત, બોગનવેલ, જાસૂદ, એક્‍ઝોરા, મોગરો, ગુલાબ, રાતરાણી, સર્વ રંગના ક્રોટન (શોભાનાં ઝાડ).

 

૨. બી દ્વારા ઉગનારા નવા રોપ

બી વાવતી વેળાએ તે માટીમાં કેટલે ઊંડે સુધી વાવવા, તેની જાણ ન હોવાથી ઘણીવાર વાવેલી બીમાંથી કાંઈ ઉગતું નથી. પ્રત્‍યેક બીનો આકાર અને આકારબંધ જુદો હોય છે. તુલસીના બી પુષ્‍કળ ઝીણાં હોય છે, જ્‍યારે વટાણા અને વાલના બીનો આકાર ઘણો મોટો હોય છે. બી વાવતી વેળાએ તેના પર જે માટી હોય, તે માટીના પડની જાડાઈ બીની જાડાઈ કરતાં વધારેમાં વધારે ત્રણગણી હોવી જોઈએ. તેનાં કરતાં વધારે ન જોઈએ. તેનો જ અર્થ તુલસીનું બી અથવા મરચાં, ટામેટાં ઇત્‍યાદિના બી પર સાવ થોડી માટી નાખવી, જ્‍યારે વટાણા પર ૧ સેં.મિ. જાડાઈનો માટીનો થર ચાલી શકે. માટીનો થર જો વધારે થાય અને થર ફોડીને જો બી ઉપર આવી શકતું ન હોય, તો બી ઉગશે નહીં. તેથી સામાન્‍ય રીતે બીના આકારથી બમણો એટલો જ માટીનો થર તેના પર હોવો જોઈએે.

૨ અ. બીથી ઉગનારા કેટલાંક ઝાડ

ગરણ, અબોલી, ગલગોટા, બારમાસી, તુલસી, ગુલબાસી, સૂરજમુખી

 

૩. કંદ-મૂળ દ્વારા ઉગનારા નવા રોપ

સોનટક્કા, કર્દળ, લિલી ઇત્‍યાદિના નવા રોપ તેના કંદ દ્વારા ઉગાડી શકાય છે. એક કંદનું ઝાડ થયા પછી તેનાં ફૂલો ખીલ્‍યા પછી તેની વૃદ્ધિ થાય છે અને તેને નવા રોપ ફૂટે છે. આ નવા રોપ બીજી જગ્‍યાએ વાવવા હોય તો જૂના ઝાડનાં ફૂલો ખીલી ગયા પછી લોખંડના સળિયા અને ફૂટપટ્ટીની સહાયતાથી તે કંદ માટીમાંથી છૂટ્ટો કરવો અને નવા રોપના પાનની નીચે રહેલા કંદ સાથે જ તે જૂના કંદથી હાથથી તોડી નાખીને છૂટ્ટો કરવો. તેને કાપવો નહીં. કંદ તોડીને છૂટ્ટો કરવાથી ઝાડની દૃષ્‍ટિએ તે યોગ્‍ય ઠટેકાણે જ તૂટે છે. આ કંદ માટીમાં વાવતી વેળાએ પૂર્ણ રીતે માટીમાં ઢંકાઈ જાય, એટલો ઊંડો ખાડો ખોદીને તેમાં મૂકવો અને માટીથી પૂર્ણ રીતે ઢાંકવો. નવા ફૂટેલા રોપ સર્વ પાન સાથે જમીનની ઉપર હોવા જોઈએ.

૩ અ. કંદ દ્વારા ઉગનારા કેટલાંક ઝાડ

સોનટક્કા, કર્દળ, લિલી, રજનીગંધા, શાકની અળવી, આદું, વજ (ઘોડાવજ, વેખંડ), હેલિકોનિયા.

 

૪. પાનથી ઉગનારા નવા રોપ

નવા રોપ માટે કેટલાંક ઝાડનાં પાન જમીનમાં વાવવા પડે છે. સર્વસામાન્‍ય રીતે આ ઝાડના પાનની કિનારીએ રહેલા ખાંચામાંથી નવો ફણગો ફૂટે છે અને મૂળિયા પણ પણ ફૂટે છે. પાનની જાડાઈ ઘણી ઓછી હોવાથી પાન વાવતી વેળાએ પાન જમીન પર આડું મૂકવું. તેના પર પાનની ખાંચ ઢંકાઈ જાય, એ રીતે માટીનો પાતળો થર પાથરવો. તેને પાણી પાતી વેળાએ માટી ધોવાઈ ન જાય, તેની કાળજી લેવી.

૪ અ. પાન દ્વારા ઉગનારા કેટલાંક ઝાડ : બ્રહ્મકમળ, પાનફૂટી (પર્ણબીજ).

 – ડૉ. નંદિની બોંડાળે, ઠાણે (મુંબઈ)

Leave a Comment