તાવમાં ઉપયોગી એવી કેટલીક આયુર્વેદિક ઔષધિઓ

Article also available in :

 

૧. મહાસુદર્શન ઘનવટી

વૈદ્ય મેઘરાજ પરાડકર

‘કોઈપણ પ્રકારના તાવમાં કોઈપણ વયજૂથમાં ધોકા વિના (અડચણ વિના) ઉપયોગમાં લઈ શકાય એવી આ ઔષધી છે. (સાભાર : ‘સિદ્ધયોગ સંગ્રહ’ / ‘આયુર્વેદ સાર સંગ્રહ’) આ ઔષધીને કારણે શરીરમાંનું તાવનું ઝેર મળ વાટે બહાર પડી જવામાં સહાયતા થાય છે. હમણા જ આવેલા તાવમાં, તેમજ જૂના તાવમાં પણ આ ઔષધી લાભદાયક છે. આ ઔષધી તાવ આવવાની સંભાવના હોય ત્‍યારે પણ લેવાથી તાવનો પ્રતિબંધ કરવામાં સહાયક પુરવાર થાય છે.

૧ અ. તાવ

તાવ આવવાની સંભાવના હોય અથવા તાવ આવ્‍યો હોય, ત્‍યારે ૨ – ૩ દિવસ એકેક ગોળીનું ચૂર્ણ નવશેકા પાણી સાથે દિવસમાં ૨ – ૩ વાર લેવું. ૩ વર્ષથી નાના બાળકો માટે પા  પ્રમાણમાં, જ્‍યારે ૩ થી ૧૨ વર્ષના બાળકોને અડધા પ્રમાણમાં ઔષધ આપવું. કેટલીક વાર તાવમાં સૂકી ઉધરસનો ઠાંસો લાગે છે. આવા સમયે આ ઔષધનો ઉપયોગ કરવાને બદલે સંશમની વટી જેવા અન્‍ય ઔષધિઓનો ઉપયોગ કરવો.

૧ આ. પિત્ત થવું

ગળામાં અથવા છાતીમાં બળતરા થતી હોય, ત્‍યારે આ ઔષધ ચાવીને ખાવાથી લાભ થાય છે. જ્‍યારે ત્રાસ થાય, ત્‍યારે ૧ ગોળી ચાવીને ખાવી. ગોળી અત્‍યંત કડવી હોય છે.

 

૨. સંશમની વટી

આ ઔષધ હમણા જ આવેલા તાવ કરતાં જૂના તાવમાં વધારે સારું કાર્ય કરે છે. (હમણા જ આવેલા તાવમાં મહાસુદર્શન ઘનવટી ઔષધ લેવું.) આ ઔષધમાં ગળા (ગળો)ની સાથે જ લોહભસ્‍મ, સુવર્ણમાક્ષિક ભસ્‍મ અને અબરક ભસ્‍મ ઘટકો હોય છે. તેથી લોહી સકસ બનવામાં સહાયતા થાય છે. સર્વસામાન્‍ય રોગપ્રતિકારક શક્તિ વધવા માટે આ ઔષધીનો ઉપયોગ થાય છે. કોરોના મહામારીના કાળમાં આ ઔષધ ઘણું પ્રસિદ્ધ થયું. ગર્ભવતી, સુવાવડી સ્‍ત્રી, નાના બાળકો, નાજુક પ્રકૃતિના માણસો, તેમજ વયોવૃદ્ધો માટે પણ આ ઔષધી ધોકા વિના (અડચણ વિના) આપી શકાય છે. દિવસમાં એકેક ગોળીનું ચૂર્ણ ૨ વાર લેવું. ૩ વર્ષથી નાના બાળકો માટે પા પ્રમાણમાં, જ્‍યારે ૩ થી ૧૨ વર્ષના બાળકો માટે અડધા પ્રમાણમાં ઔષધ આપવું.

૨ અ. જૂનો તાવ

શરીરમાં શોષાઈ ગયેલા (સંગ્રહાયેલા) જૂના તાવમાં આનો સારો ઉપયોગ થાય છે. આવા તાવમાં ઘણીવાર પ્‍લીહા (સ્‍પ્‍લીન, બરોળ) વધે છે. તે સમયે આ ઔષધ ઉપયુક્ત પુરવાર થાય છે. આ ઔષધ ૧ માસ લેવું.

૨ આ. પંડુરોગ

શરીર ક્ષીણ થવું, થાક લાગવો અને પંડુરોગ (હિમોગ્‍લોબિન ઓછું હોવું)માં પણ આ ઔષધ ઉપયુક્ત છે. આ ઔષધ ૧ થી ૩ માસ લેવું. આ સાથે જ લોહી વધારનારી અન્‍ય ઔષધિઓ પણ લેવી.

૨ ઇ. ઘણાં સમયની ઉધરસ

૧ – ૨ અઠવાડિયા આ ઔષધ લેવું. ૧ માસ કરતાં વધારે દિવસથી ઉધરસ ચાલુ હોય, તો વૈદ્યની સલાહ લેવી.

૨ ઈ. શ્‍વેતપ્રદર (યોનિમાર્ગમાંથી ધોળો સ્રાવ થવો) અને વીર્યસ્રાવ

૧ થી ૩ માસ ઔષધ લેવું

૨ ઉ. સ્‍મરણશક્તિ વધવા માટે, મગજ અને પચનસંસ્‍થાને બળ આપવા માટે, તેમજ કોઈપણ દીર્ઘકાળ રહેલા જૂના રોગમાં લોહી સકસ બનીને શક્તિ આવવા માટે

૧ થી ૩ માસ ઔષધ લેવું

 

૩. જયમંગલ રસ

આ સુવર્ણયુક્ત ઔષધ છે અને તાવની આત્‍યંતિક અવસ્‍થામાં (આખરી, અંતિમ, ઇમર્જન્‍સીમાં) ઉપયોગી થાય છે. તાવ ૧૦૪ અંશ ફેરનહીટ કરતાં વધારે થાય તો એક ગોળીનું ચૂર્ણ, ૨ ચપટી જીરાનું ચૂર્ણ અને થોડા મધમાં ભેળવીને આપવું. જીરાનું ચૂર્ણ ઉપલબ્‍ધ ન હોય, તો કેવળ મધ સાથે અને જો મધ પણ ઉપલબ્‍ધ ન હોય, તો ગોળી ચાવીને ખાવી. (આટલા વધારે તાવમાં પોતાના મનથી ઔષધ લેવા કરતાં ત્‍વરિત વૈદ્યને મળવું જોઈએ; પણ વૈદ્ય પાસે પહોંચવા સુધી પ્રાથમિક ઉપચાર તરીકે આ ઔષધ લેવામાં વાંધો નથી.) આ ઔષધમાં સોનાના ભસ્‍મ સાથે ચાંદીનું ભસ્‍મ પણ હોવાથી આ ઔષધનું મૂલ્‍ય વધારે હોય છે.’

ઔષધિઓ પોતાના મનથી લેવા કરતાં વૈદ્યના માર્ગદર્શન અનુસાર જ લેવી જોઈએ; પરંતુ ઘણીવાર વૈદ્ય પાસે તરત જ જવા જેવી પરિસ્‍થિતિ હોતી નથી. કેટલીક વાર વૈદ્ય પાસે પહોંચીએ ત્‍યાં સુધી તરત જ ઔષધ મળવું આવશ્‍યક હોય છે, જ્‍યારે ઘણીવાર થોડીઘણી ઔષધિઓ લેવાથી વૈદ્ય પાસે જવાનો વારો જ આવતો નથી. તેથી ‘પ્રાથમિક ઉપચાર’ તરીકે અહીં આયુર્વેદની કેટલીક ઔષધિઓ આપી છે. જો ઔષધિઓ લઈને પણ સારું ન લાગે, તો બીમારી સહન કર્યા કરવા કરતાં સ્‍થાનિક વૈદ્યને મળવું.

–  વૈદ્ય મેઘરાજ માધવ પરાડકર, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૧૪.૭.૨૦૨૨)

Leave a Comment