પેટ સાફ થવા માટે રામબાણ ઘરગથ્‍થુ ઔષધી : મેથીના દાણા

Article also available in :

અનેક લોકોને પેટ સાફ ન થવાની સમસ્‍યા હોય છે. આ સમસ્‍યાને કારણે અનેક શારીરિક સમસ્‍યાઓ ઉદ્ભવે છે. ઘણા લોકો પ્રતિદિન ઝાડો સાફ આવે એ માટે ઔષધિઓ લેતા હોય છે. તેમાંની મોટાભાગની ઔષધિઓને કારણે આંતરડામાં સૂકાપણું ઉત્‍પન્‍ન થાય છે. તેથી પેટ સાફ ન થવાની સમસ્‍યા પ્રબળ બને છે.

વૈદ્ય મેઘરાજ પરાડકર

 

૧. મેથીના દાણા ખાવાની પદ્ધતિ

‘પેટ સાફ થવા માટે મેથીના દાણા રામબાણ ઔષધી છે. રાત્રે સૂતા પહેલાં અથવા રાત્રે જમ્‍યા પછી અર્ધી ચમચી મેથીના દાણા થોડા પાણી સાથે ઔષધિની ગોળી ગળી જઈએ, તે રીતે ચાવ્‍યા વિના ગળી જવા. તેથી સવારે ઊઠ્યા પછી પેટ સાફ થાય છે.

 

૨. મેથીના દાણા આ રીતે કાર્ય કરે છે

મેથીના દાણા પેટમાં ગયા પછી ફૂલે છે અને તેમાં રહેલી ચીકાશને કારણે તે આંતરડામાંનો મળ આગળ ધકેલે છે. આંતરડામાં આવશ્‍યક તેટલું પાણીનું પ્રમાણ મેથીના દાણાને કારણે જળવાય છે. તેને કારણે આંતરડાં શુષ્‍ક (કોરા) થતા નથી. મેથીદાણા વાત, પિત્ત અને કફ આ ત્રણેય દોષોનું શમન કરે છે. મેથી આહારમાંનો પદાર્થ છે. તેથી અનેક દિવસ મેથીદાણા પ્રતિદિન સેવન કરીએ, તો પણ અપાય થતો નથી. મેથીના દાણા ગળવાથી નૈસર્ગિક રીતે ઝાડો આવે છે. ઝાડા થતા નથી. મેથી શક્તિવર્ધક પણ છે. તેથી નિયમિત રીતે મેથીના દાણાનું સેવન કરવાથી થાક પણ દૂર થાય છે.

 

૩. કોઠા પ્રમાણે મેથીના દાણાનું પ્રમાણ

પ્રતિદિન અર્ધી ચમચી મેથીના દાણા ગળીને તે લાગુ પડે, તો બીજા અઠવાડિયામાં તેનું પ્રમાણ ઓછું કરી જોવું. ઓછામાં ઓછું જેટલા પ્રમાણમાં લાગુ પડે, તેટલું પ્રમાણ હંમેશાં ચાલુ રાખવું. કેટલાક જણનો કોઠો વધારે પડતો ભારે હોય છે. આવા લોકોનો અર્ધી ચમચી મેથીના દાણા ગળવાથી પેટ સાફ થતું નથી, આવા લોકોએ મેથીના દાણાનું પ્રમાણ પ્રતિદિન અર્ધી ચમચીથી વધારી જોવું. જે પ્રમાણ લાગુ પડે, તે નિયમિત લેવું. કેટલાકને એક સમયે ૩ થી ૪ ચમચી સુધી મેથીના દાણા લેવા પડે છે.

 

૪. મેથીના દાણા ધોઈને લેવા

પેટ સાફ થવા માટે વાપરવામાં આવતી અન્‍ય ઔષધિઓ કરતાં મેથીના દાણા ઘણાં સોંઘા છે. બજારમાં જે મેથીના દાણા મળે છે, તેના પર રસાયણિક છાંટણ કરેલું હોઈ શકે છે. તેને કારણે ઉનાળાના દિવસોમાં સમગ્ર વર્ષ થઈ રહે તેટલા મેથીના દાણા લાવીને ધોઈને સરખા સૂકવીને હવાબંધ ડબામાં ભરી રાખવા અને આવશ્‍યકતા અનુસાર સમગ્ર વર્ષ વાપરવા.’

– વૈદ્ય મેઘરાજ માધવ પરાડકર, સનાતન આશ્રમ, રામનાથી ગોવા. (૧૮.૩.૨૦૨૧)

Leave a Comment