હોમિઓપૅથી ઔષધીની ‘પોટેન્‍સી’ વિશે જાણકારી

૧. પોટેન્‍સી શબ્‍દનો અર્થ

‘પોટેન્‍સી’ આ શબ્‍દનો અર્થ ‘શક્તિ’ એવો થાય છે ઘન અવસ્‍થામાંના ઔષધનો ‘દૂધની સાકર’ (નોંધ) સહિત ખાંડવાથી, તેમજ પ્રવાહી (દ્રવ) ઔષધી આલ્‍કોહોલ સાથે બાટલીમાં જોરથી હલાવવાથી તે ઔષધીની શક્તિ વધે છે. તેને ‘પોટેન્‍સી’ કહે છે.

નોંધ – દૂધમાંની ખાંડ (શુગર ઑફ મિલ્‍ક)

દૂધમાંથી વિશિષ્‍ટ પદ્ધતિથી બનાવેલી સાકર. તેનો ઉપયોગ ઘન ઔષધીની શક્તિ વધારવા માટે કરવામાં આવે છે.

 

૨. પોટેન્‍સીના પ્રકાર

પ્રવાહી ઔષધીની જે પોટેન્‍સી સિદ્ધ થાય છે, તેને ‘ડાયલ્‍યૂશન્‍સ’ કહે છે. ઘન અવસ્‍થામાં ઔષધીની જે પોટેન્‍સી સિદ્ધ થાય છે, તેમને ‘ટ્રાયચ્‍યુરેશન્‍સ’ અથવા ‘અટેન્‍યુએશન્‍સ’ કહે છે. ‘ડાયલ્‍યૂશન્‍સ’ આલ્‍કોહોલ સાથે કરવામાં આવે છે, જ્‍યારે ‘ટ્રાયચ્‍યુરેશન્‍સ’ દૂધની સાકર સાથે કરવામાં આવે છે.

૨ અ. સેંટીસિમલ પોટેન્‍સી

મૂળ ઔષધનો એક ભાગ અને આલ્‍કોહોલ અથવા દૂધની સાકરના ૯૯ ભાગ આ રીતે પ્રમાણ લઈને સિદ્ધ કરવામાં આવનારી પોટેન્‍સીને ‘સેંટીસિમલ પોટેન્‍સી’ કહે છે.

હોમિઓપૅથીના નિર્માતા ડૉ. હાનેમાન આ પ્રમાણ લઈને ઔષધી સિદ્ધ કરતા હતા. ઔષધીના નામ આગળ ‘સ’(C) અક્ષર લખેલો હોય અથવા કોઈપણ અક્ષર લખેલો ન હોય, તો તે ઔષધ ‘સેંટીસિમલ પોટેન્‍સી’નું છે, એમ સમજવું, ઉદા. બેલાડોના ૩૦C. ‘સેંટીસિમલ પોટેન્‍સી’ માટે ‘સી’(C) અક્ષર ન લખીએ, તો પણ ચાલે; પરંતુ ‘ડેસિમલ પોટેન્‍સી’ માટે ‘X’ અથવા ‘D’ માંથી એકાદ અક્ષર લખવો જ પડે છે. ‘એકજ પ્રકારની પોટેન્‍સી ૨ જુદી જુદી રીતે લખવી’ આ હોમિઓપૅથીના જાગતિક નિયમો અનુસાર છે.

૨ આ. ડેસિમલ પોટેન્‍સી

મૂળ ઔષધનો એક ભાગ અને આલ્‍કોહોલ અથવા દૂધની સાકરના ૯ ભાગ આ પ્રમાણ રાખીને સિદ્ધ કરવામાં આવતી પોટેન્‍સીને ‘ડેસિમલ પોટેન્‍સી’ કહે છે. ડૉ. હેરિંગે આ પદ્ધતિ ચાલુ કરી. ઔષધીના નામ આગળ ‘ડી’ (D) આ અક્ષર લખેલો હોય અથવા ‘X’ એવું ચિહ્‌ન હોય, તો તે ઔષધ ‘ડેસિમલ પોટેન્‍સી’નું છે, એમ સમજવું, ઉદા. બેલાડોના ૩૦X અથવા બેલાડોના ૩૦D

૨ ઇ. પ્રવાહી પોટેન્‍સી

૧. ઔષધના મૂળ અર્કનો ૧ ભાગ લઈને તેમાં ૯ ભાગ આલ્‍કોહોલ ભેળવીને તે મિશ્રણને એક બાટલીમાં ૧૦ વાર વિશિષ્‍ટ પદ્ધતિથી ધક્કા દેવાથી તે મૂળ ઔષધીમાં જે શક્તિ નિર્માણ થાય છે, તેને ‘૧ (પહેલી) પોટેન્‍સી’ કહે છે.

૨. આ ૧ (પહેલી) પોટેન્‍સીનો ૧ ભાગ લઈને તેમાં ૯ ભાગ આલ્‍કોહોલ ભેળવીને તે મિશ્રણને એક બાટલીમાં ૧૦ વાર વિશિષ્‍ટ પદ્ધતિથી ધક્કા (Succession)  દેવાથી તે ઔષધીની વધેલી શક્તિને ‘૨ (બીજી) પોટેન્‍સી’ એમ કહે છે. એમજ ફરીફરીને કરવાથી આગળ આગળની પોટેન્‍સી સિદ્ધ કરવામાં આવે છે. આ રીતે ૩૦, ૨૦૦, ૧M (૧ સહસ્ર), ૧૦M (૧૦ સહસ્ર) CM (૧ લાખ) પોટેન્‍સી સિદ્ધ કરવામાં આવે છે.

૩. પ્રવાહી પોટેન્‍સી સિદ્ધ કરતી વેળાએ બાટલીમાં મૂળ અર્ક અને આલ્‍કોહોલ ઉમેરવાથી બાટલીમાંની ૩/૪ જગ્‍યા ખાલી રાખવી પડે છે. ત્‍યાર પછી બાટલીને કઠ્ઠણ બૂચ મારીને તે અંગૂઠાથી દાબીને બાટલીને વિશિષ્‍ટ પદ્ધતિથી પછાડીને બાટલીને ધક્કા આપવામાં આવે છે.

૨ ઈ. ઘન પોટેન્‍સી

૧. ઘન અવસ્‍થામાં ઔષધના મૂળ ચૂર્ણનો ૧ ભાગ અને ૯ ભાગની દૂધની સાકર લઈને તેને ૧ કલાક વિશિષ્‍ટ પદ્ધતિથી એકસરખું ઘૂંટવાથી ‘૧X (પહેલી) પોટેન્‍સી’ સિદ્ધ થાય છે. ‘ઘૂંટવું’, અર્થાત્ ‘ઔષધ અને દૂધમાંની સાકર ચીની માટીની ખાંડણીમાં મૂકીને તેને દસ્‍તા વડે ઘૂંટવું’.

૨. આ પહેલી પોટેન્‍સીના ઔષધનો ૧ ભાગ લઈને તેમાં ૯ ભાગ દૂધની ખાંડ ભેળવીને ૧ કલાક વિશિષ્‍ટ પદ્ધતિથી એક સરખું ઘૂંટવાથી ‘૨ X (બીજી) પોટેન્‍સી’ સિદ્ધ થાય છે. આ પદ્ધતિથી ૩X, ૬X, ૧૨X જેવી પોટેન્‍સી સિદ્ધ કરવામાં આવે છે.

૩. ઘૂંટતી વેળાએ ખાંડણીમાં સર્વ સાકર એકદમ ભેળવવાને બદલે તે ખાંડના ૪ ભાગ કરવા. તેમાંથી ૧ ભાગ ખાંડણીમાં નાખીને પ્રથમ ૧૫ મિનિટ ઘૂંટવું. પછી બીજો ભાગ નાખીને ફરીવાર ૧૫ મિનિટ ઘૂંટવું. ત્‍યાર પછી વધેલા ૨ ભાગ નાખીને અર્ધો કલાક ઘૂંટવું. એકસરખો (સમાન) જોર દઈને ધીમે ધીમે ઘૂંટવું.

સંદર્ભ : સનાતનનો આગામી ગ્રંથ ‘હોમિઓપૅથી ઉપચાર’
સંકલક : આધુનિક વૈદ્ય પ્રવીણ મેહતા, સનાતન આશ્રમ, દેવદ, પનવેલ. (૧૫.૧૧.૨૦૧૯)

Leave a Comment