સોળ સંસ્‍કારમાંના બે સંસ્‍કાર – બાળકના નિષ્‍ક્રમણ અને અન્‍નપ્રાશન સંસ્‍કાર

માનવીનો જન્‍મ ઈશ્‍વરપ્રાપ્‍તિ માટે છે, એવી ધર્મની શીખ હોવાથી જન્‍મથી તે મૃત્‍યુ સુધીના પ્રત્‍યેક પ્રસંગે ઈશ્‍વરની સમીપ જવા માટે આવશ્‍યક એવી ઉપાસના કેવી રીતે કરવી, એનું માર્ગદર્શન ધર્મશાસ્‍ત્રોમાં કરવામાં આવ્‍યું છે. જન્‍મથી વિવાહ સુધી જીવનનું એક ચક્ર પૂર્ણ થાય છે. તેવું જ ચક્ર પુત્રના / કન્‍યાના જન્‍મથી તેના વિવાહ સુધી હોય છે. એવું પેઢી દર પેઢી સુધી ચાલુ હોય છે.

ગર્ભધારણાથી વિવાહ સુધીના કાળના જીવનમાં આવનારા મુખ્‍ય સોળ પ્રસંગોમાં ઈશ્‍વરની સમીપ જવા માટે સંસ્‍કાર કરાય છે.  સંસ્‍કારોને કારણે આગળ ઉપાસના સારી થવા માટે સહાયતા મળે છે.

સદર લેખમાં નિષ્‍ક્રમણ (ઘરની બહાર લઈ જવું) અને અન્‍નપ્રાશન આ બાળકના બે સંસ્‍કાર અંતર્ગતની વિધિમાંની પ્રત્‍યેક કૃતિ કેવી રીતે કરવી, તે આપ્‍યું છે. તેમ કરવાથી  આ સંસ્‍કારો પાછળ રહેલું શાસ્‍ત્ર સમજવા માટે સહાયતા થશે. વર્ણ, જાતિ, ઉપજાતિ ઇત્‍યાદિઓના સંસ્‍કારોમાંની વિધિઓમાં થોડા ઘણા પાઠભેદ હોવા છતાં પણ તેને કારણે વિધિઓ પાછળનું શાસ્‍ત્ર સમજવામાં અડચણ આવશે નહીં. હાલના બુદ્ધિપ્રધાન સમયમાં પણ સહુકોઈએ સંસ્‍કાર અને વિધિ પાછળનું શાસ્‍ત્ર જાણી લઈને તે પ્રમાણે કરીને વધારેમાં વધારે ઈશ્‍વરની સમીપ જવાનો પ્રયત્ન કરવો.

 

નિષ્‍ક્રમણ વિધિ (ઘરની બહાર લઈ જવું)

મુહૂર્ત

બાળકના જન્‍મદિવસથી ત્રીજા મહિનામાંના જન્‍મદિવસે અથવા જન્‍મ-નક્ષત્રે  આ વિધિ કરવામાં આવે છે. ચોથા મહિનામાં શુભ સમયે અગ્‍નિ, ગાય, ચંદ્રનું દર્શન કરાવવું.

ઉદ્દેશ

આયુષ્‍યની અને સંપત્તિની વૃદ્ધિ કરવી, એ આ સંસ્‍કારનો ઉદ્દેશ છે.

સંકલ્‍પ

‘મારા બાળકનું આયુષ્‍ય અને ‘શ્રી’ એટલે લક્ષ્મીની વૃદ્ધિ, તેમજ બીજગર્ભથી થયેલા દોષનો નાશ કરવાના ઉદ્દેશથી શ્રી પરમેશ્‍વરની પ્રીતિ માટે નિષ્‍ક્રમણ, એટલે બહાર નીકળવું, આ કર્મ કરું છું.’

વિધિ

ઇષ્‍ટદેવતાઓનું ગંધ, અક્ષત, પુષ્‍પો, ઇત્‍યાદિથી પૂજન કરવું. સંસ્‍કારનો મંત્ર બોલીને પિતાએ અને અન્‍યોએ બાળકને ખોળામાં લેવું અને બાળકના જીવનની અભિવૃદ્ધિ માટે નીચે પ્રમાણે ઈશ્‍વરને પ્રાર્થના કરવી – ‘ચંદ્ર, સૂર્ય, અષ્‍ટદિક્‌પાળ, અષ્‍ટદિશા, આકાશ આ બધા પાસે હું  બાળક અનામત તરીકે આપું છું; તેથી આપ એનું રક્ષણ કરશો. આ બાળક સાવધ અથવા અસાવધ હોય ત્‍યારે રાત દિવસ આપ એનું રક્ષણ કરશો. ઇંદ્રાદિ દેવ નિરંતર એનું રક્ષણ કરજો.’

એ પછી મહાદેવ અથવા શ્રીવિષ્‍ણુના દેવાલયમાં અથવા કોઈપણ સગાના ઘરે મહાદેવ અથવા શ્રીવિષ્‍ણુ ભગવાનની પૂજા કરવી. છાણથી લીંપેલી જગ્‍યા પર ચોખા ઇત્‍યાદિ અનાજ રાખીને તેના ઉપર બાળકને બેસાડીને પકડી રાખવું. મંત્ર બોલીને ભસ્‍મથી અથવા અક્ષતથી તે બાળકના માથા પર, કપાળ પર પ્રોક્ષણ કર્યા પછી અમૂપ (અનારસા) ઇત્‍યાદિથી મહાદેવ, શ્રી ગણેશ દેવતાનું પૂજન કરવું અને બાળકને ખાદ્ય પદાર્થ ઇત્‍યાદિ આપીને તેને ભગવાન સામે ઊંધું રાખવું અને પછી ઘરે આવવું.

એક વિચારસરણી અનુસાર આ દિવસે પિતાએ સંસ્‍કાર્ય છોકરાને પોતાની પત્ની સાથે ઘરની બહાર લઈ જઈને ‘તચ્‍ચક્ષુ:’ આ મંત્રથી સૂર્ય અવલોકન કરાવવું. આ મંત્રનો અર્થ નીચે જણાવ્‍યા પ્રમાણે છે – ‘સમગ્ર જગત્‌ના નેત્ર અને ભગવાનને પ્રિય એવા પૂર્વ ભણી ઉદય પામનારા સૂર્યના પ્રસાદથી અમને સો વર્ષોનું આયુષ્‍ય પ્રાપ્‍ત થાઓ.’

 

અન્‍નપ્રાશન વિધિ

ઉદ્દેશ

સંસ્‍કારથી માતાના ગર્ભમાં હોય ત્‍યારે થયેલા મલમૂત્રાદિ ભક્ષણના દોષ દૂર થાય છે.

મુહૂર્ત

છોકરાને છઠ્ઠો અથવા આઠમો મહિનો અને કન્‍યાને પાંચમો અથવા અન્‍ય વિષમ માસ અન્‍નપ્રાશન માટે યોગ્‍ય છે. (સમ સંખ્‍યા પુરુષવાચક, તો વિષમ સંખ્‍યા સ્‍ત્રીવાચક હોય છે.)

સંકલ્‍પ

‘મારા બાળકને માતાના ગર્ભમાંના મલના પ્રાશનથી થયેલા દોષોનો નાશ, શુદ્ધ અન્‍ન ઇત્‍યાદિની પ્રાપ્‍તિ, બ્રહ્મવર્ચસનો (તેજનો) લાભ, ઇંદ્રિયો અને આયુની સિદ્ધિ, બીજગર્ભથી થયેલાં પાપોનું નિરસન એ દ્વારા શ્રી પરમેશ્‍વરની પ્રીતિ થાય એ માટે ‘અન્‍નપ્રાશન’ નામનો સંસ્‍કાર કરું છું. તેના અંગભૂત શ્રી ગણપતિપૂજન, સ્‍વસ્‍તિવાચન, માતૃકાપૂજન, નાંદીશ્રાદ્ધ કરું છું.’

સંકલ્‍પનું મહત્ત્વ

પ્રત્‍યેક વિધિના આરંભમાં સંકલ્‍પ હોય છે જ; કારણકે વિધિની પરિણામકારકતામાં સંકલ્‍પનો ભાગ ૭૦ ટકા હોય છે, જ્‍યારે પ્રત્‍યક્ષ કૃતિનો ભાગ કેવળ ૩૦ ટકા હોય છે. એમ હોવા છતાં પ્રત્‍યક્ષ કૃતિ મહત્ત્વની હોય છે; કારણકે કેવળ સંકલ્‍પથી આનંદ મળતો નથી, જ્‍યારે કૃતિને કારણે આનંદ મળે છે. તેના કારણે ફરી તે કૃતિ કરવાનો સંકલ્‍પ મનમાં આવે છે.

વિધિ

સંકલ્‍પ થયા પછી દેવતાની સામે પોતાની જમણી બાજુએ શુભ્ર વસ્‍ત્ર પર, માતાના ખોળામાં પૂર્વ દિશા ભણી મોઢું કરીને બેસેલા બાળકને પ્રથમ અન્‍નપ્રાશન કરાવવું. દહીં, મધ, ઘીથી યુક્ત એવું અન્‍ન સોનાના અથવા કાંસાના પાત્રમાં રાખીને ‘હે અન્‍નપતે ઈશ્‍વર, અમને આરોગ્‍યકારક અને પુષ્‍ટિદાયક અન્‍ન આપો’, એવું બોલીને સુવર્ણયુક્ત હસ્‍તથી (હાથમાં સોનું લઈને) અન્‍ન લઈને પહેલો કોળિયો આપવો. પછી પેટ ભરીને જમણ થયા પછી મોઢું ધોઈને બાળકને ભૂમિ પર બેસાડવું.

જીવિકા પરીક્ષા

બાળક સામે પુસ્‍તકો, શસ્‍ત્રો, વસ્‍ત્રો ઇત્‍યાદિ વસ્‍તુ તેની ઉપજીવિકાનું સાધન શોધવા માટે મૂકવા. બાળક સ્‍વેચ્‍છાથી જે વસ્‍તુને પ્રથમ હાથ લગાડશે તે તેના માટે આગળ ઉપજીવિકાનું સાધન થશે એવું માનવું.

સંદર્ભ : સનાતન સંસ્‍થાનો ગ્રંથ ‘સોળ સંસ્‍કાર’

Leave a Comment