ગુરુકૃપાયોગ અનુસાર સાધના

અર્થ

ગુરુપ્રાપ્‍તિ થાય તે માટે અને ગુરુકૃપા સાતત્‍યથી થતી રહે તે માટે કરવાની સાધના એટલે ગુરુકૃપાયોગ અનુસાર સાધના.

પ્રકાર

વ્‍યષ્‍ટિ સાધના

વ્‍યષ્‍ટિ સાધના એટલે વ્‍યક્તિગત રીતે આધ્‍યાત્‍મિક ઉન્નતિ માટે કરવાના પ્રયત્ન. સાધના માટેનો સંપત્‍કાળ એટલે સાધના નિર્વિઘ્‍ન રૂપે થઈ શકે એવો સાધના કરવા માટેનો અનુકૂળ કાળ. સત્‍યયુગનો કાળ આવો હતો. આવા સંપત્‍કાળમાં કેવળ વ્‍યષ્‍ટિ સાધના કરી હોય, તો પણ ઈશ્‍વરપ્રાપ્‍તિ થાય છે.

સમષ્‍ટિ સાધના

સમષ્‍ટિ સાધના એટલે સંપૂર્ણ સમાજની આધ્‍યાત્‍મિક ઉન્નતિ થાય તે માટે કરવાના પ્રયત્ન. હાલમાં વૃદ્ધિંગત થઈ રહેલ રજ-તમનું પ્રદૂષણ તથા થઈ રહેલી ધર્મહાનિ, અરાજક સ્‍થિતિ ભણી આગેકૂચ કરી રહેલું રાષ્‍ટ્ર ઇત્‍યાદિ જેવી બાબતોથી હાલનો કાળ આપત્‍કાળ બની ચૂકયો છે. આ આપત્‍કાળમાં કેવળ વ્‍યષ્‍ટિ સાધનાથી ઈશ્‍વરપ્રાપ્‍તિ કરવાનું ઘણું મુશ્‍કેલ હોય છે. તે માટે વ્‍યષ્‍ટિ સાધનાને સમષ્‍ટિ સાધનાની સાથ આપવી ઘણી જ આવશ્‍યક હોય છે.

વ્‍યષ્‍ટિ સાધનાના ઘટકો

૧. કુળાચાર, તહેવારો, ધાર્મિક વિધિઓ ઇત્‍યાદિ જેવી કૃતિઓનું આચરણ કરવું

નીચે જણાવેલી બાબતોનો સમાવેશ ધર્મપાલનમાં થાય છે.

અ. નિત્‍યનિયમપૂર્વક કરવામાં આવી રહેલા કુળાચારોનું પાલન, કુળદેવીની પૂજા અર્ચના, દેવીના સ્‍તોત્રોનું પઠન, તેને માટે વધુમાં વધુ સમય ફાળવીને તેમનાં દર્શન કરવા જવું ઇત્‍યાદિ, ઉપાસના કરવી.

આ. નમસ્‍કાર, આરતી, વર્ષગાંઠ, જનોઈ, ઇત્‍યાદિ જેવી ધાર્મિક કૃતિ કરવી.

ઇ. ગૂડીપડવો, ગણેશચોથ, દશેરા, જેવા તહેવારો તથા ઉત્‍સવો તથા વિવિધ વ્રત શાસ્‍ત્ર અનુસાર ઊજવવા.

આવી ધાર્મિક પ્રવૃત્તિઓથી ઈશ્‍વર પ્રત્‍યે ભક્તિભાવ નિર્માણ થવામાં સહાયતા થાય છે. સદર ધાર્મિક પ્રવૃત્તિઓ ઈશ્‍વર પ્રાપ્‍તિ કરાવી આપનારા યશોમંદિરના સરળ પગથિયાં છે.

૨. સ્‍વભાવદોષ-નિર્મૂલન હેતુ પ્રયત્ન કરવા :

લગભગ પ્રત્‍યેક વ્‍યક્તિમાં ગુસ્‍સો, ચિડાઈ જવાની વૃત્તિ, આળસ, ભૂલકણી વૃત્તિ, ઇત્‍યાદિ જેવા સ્‍વભાવદોષો ઓછા-વત્તા પ્રમાણમાં હોય છે. સ્‍વભાવદોષ ધરાવતી વ્‍યક્તિ ઈશ્‍વર સાથે કયારેય પણ એકરૂપ થઈ શકતી નથી. સ્‍વભાવદોષોનો લાભ લઈને આસુરી શક્તિઓને માનવીના શરીરમાં પ્રવેશ કરીને દીર્ઘ સમય સુધી ત્‍યાં પોતાનું વાસ્‍તવ્‍ય કરવાનું સરળ થઈ પડે છે.

૩. નામજપ

કળિયુગ માટે નામજપ સહેલી અને સર્વોત્તમ આરાધના છે. નામજપ ગુરુકૃપાયોગ અનુસાર કરવાની સાધનાનો પાયો છે.

આધ્‍યાત્‍મિક ઉન્નતિ થાય તે માટે કુળદેવતાનો નામજપ

ગુરુની પ્રાપ્‍તિ થઈ હોય તો તથા ગુરુ દ્વારા ગુરુમંત્ર પ્રાપ્‍ત થયો હોય તો તેનો જ જપ કરવો, નહીંતર ઈશ્‍વરના અનેક નામોમાંથી કુળદેવતાનો નામજપ મુખ્‍યત્‍વે નીચેના બે કારણોસર પ્રતિદિન ઓછામાં ઓછો ૧ થી બે કલાક અને વધારેમાં વધારે સતત કરવો.

અ. જે કુળના કુળદેવતા, એટલે કે કુળદેવી અથવા કુળદેવ, જે આપણી આધ્‍યાત્‍મિક ઉન્નતિ માટે ઘણા જ ઉપયુક્ત હોય છે, એવા કુળમાં જ ઈશ્‍વરે આપણને જન્‍મ આપ્‍યો હોય છે.

આ. અંતિમ શ્‍વાસ સુધી પ્રત્‍યેક જીવની સાથે રહેનારા પ્રારબ્‍ધની તીવ્રતા કુળદેવતાના નામજપથી ઓછી થાય છે.

કુળદેવતાનો નામજપ કરવાની પદ્ધતિ

કુળદેવતાના નામ આગળ ‘શ્રી’ લગાડવું, નામને ચતુર્થીનો પ્રત્‍યય લગાડવો અને અંતમાં ‘નમ:’ બોલવું. ઉદા. કુળદેવતા ગણેશજી હોય તો ‘શ્રી ગણેશાય નમ:’ તેમ જ અંબામાતા હોય તો ‘શ્રી અંબાદેવ્‍યૈ નમ:’ એમ વદવું. ચતુર્થીના પ્રત્‍યયનો અર્થ ‘ને’ એવો થાય છે. જે દેવતાનું નામ આપણે લઈએ છીએ તે ‘દેવતાને નમસ્‍કાર’ એવો એનો અર્થ થાય છે.

જો કુળદેવતા જાણતા ન હોઈએ તો કયો નામજપ કરવો ?

જો કુળદેવતા જાણતા ન હોઈએ તો ‘શ્રી કુળદેવતાયૈ નમ:।’ એવો નામજપ કરવો. તે પૂરો થયા પછી કુળદેવતાનું નામ કહેનારા મળે છે. કુળદેવતાનો નામજપ પૂરો થયા પછી ગુરુ પોતે સાધકના જીવનમાં આવીને ગુરુમંત્ર આપે છે.

દત્ત ભગવાનનો નામજપ

કુળદેવતાના નામજપની સાથે સાથે દત્ત ભગવાનનો નામજપ કરવો આવશ્‍યક છે. એનું કારણ એ છે કે, હાલમાં લોકો અગાઉની જેમ શ્રાદ્ધકર્મ, શરાધિયાં ઇત્‍યાદિ વિધિ કરતા નહીં હોવાથી તેમને પૂર્વજોના અસંતુષ્‍ટ લિંગદેહોને કારણે ત્રાસ થઈ શકે છે. વિવાહ ન થવા, પતિ અને પત્નીનો મનમેળ ન રહેવો, ગર્ભધારણા નહીં થઈ શકવી, ગર્ભપાત થઈ જવો, ઇત્‍યાદિ જેવા ત્રાસના આ લક્ષણો છે. પૂર્વજોને કારણે થનારા ત્રાસના નિવારણ માટે, તેમ જ ભવિષ્‍યમાં પણ તે ત્રાસ થાય નહીં તે માટે ‘શ્રી ગુરુદેવ દત્ત ।’ નામજપની પ્રતિદિન ઓછામાં ઓછી ૩ માળા કરવી. જો ત્રાસ અધિક હોય તો નામજપની ૬ થી ૯ માળા કરવી.

૪. સત્‍સંગના લાભ

નામજપથી મળનારો આનંદ સત્‍સંગમાં ગયા પછી નામજપ કર્યા વિના પણ આપમેળે પ્રાપ્‍ત થાય છે. સત્‍સંગમાં આવનારા સર્વ સાધકોની એકત્રિત સાત્ત્વિકતા વધી જવાથી ત્‍યાં આવનારા પ્રત્‍યેકને જ તેનો લાભ થાય છે, એટલે કે પ્રત્‍યેક વ્‍યક્તિમાં રહેલા રજ-તમ ભાવ ધીમે ધીમે ઘટવા માંડે છે. એકાદ સત્‍સંગમાં જો કોઈ ઉન્નત દ્વારા પ્રબોધન થતું હોય, તો તેમના દ્વારા પ્રક્ષેપિત થનારી આનંદની લહેરોનું પ્રમાણ ઘણું વધારે હોવાથી સાધકને અધિકતમ આનંદની અનુભૂતિ થાય છે.

૫. સત્‍સેવા

દેવાલયોની સ્‍વચ્‍છતા કરવી, સંત સેવા કરવી ઇત્‍યાદિ સત્‍સેવા કહેવાય છે. અસત્‌ની સેવા, ઉદા. બીમારની સેવા કરતી વેળાએ તે મિથ્‍યા બાબતોને સત્‍ય માનીને કરવામાં આવે છે. અસત્ સેવાથી લેણ-દેણના હિસાબ પણ નિર્માણ થાય છે. તે ‘હું સેવા કરું છું’, એવો અહં પણ હોય છે; તેથી તેનો સાધના તરીકે વિશેષ ઉપયોગ હોતો નથી. આથી ઊલટું સત્‍સેવાને કારણે અહં-નિર્મૂલન થવામાં ઘણી સહાયતા થાય છે. ગુરુસેવા ‘અહં’ને વિસરવા માટે કરવામાં આવે છે.

૬. અહં-નિર્મૂલન હેતુ પ્રયત્ન કરવા

વ્‍યક્તિમાં અહંનો અલ્‍પ પ્રમાણમાં પણ જો અંશ હશે, તો તેને ઈશ્‍વરપ્રાપ્‍તિ થશે નહીં. એ માટે સાધના કરતી વેળા અહં-નિર્મૂલન માટે સભાનતાથી પ્રયત્ન કરવા આવશ્‍યક હોય છે. પ્રાર્થના, કૃતજ્ઞતા, શારીરિક સેવા ઇત્‍યાદિ જેવી કૃતિઓથી અહંનું પ્રમાણ ઘટી જવામાં સહાયતા થાય છે.

૭. સત્ માટે ત્‍યાગ

આધ્‍યાત્‍મિક ઉન્નતિ માટે તન, મન અને ધન ઇત્‍યાદિ સર્વનો ત્‍યાગ કરવાનો હોય છે. તેમાંથી ધનનો ત્‍યાગ કરવો એ વિજ્ઞાનની દૃષ્‍ટિએ સૌથી સહેલું છે; કારણકે આપણું સર્વ ધન આપણે બીજાને આપી શકીએ છીએ; પણ ધન પ્રમાણે તન અને મન આપી શકાતું નથી. તનથી શારીરિક સેવા અને મનથી નામસ્‍મરણ કરી શકાય છે. સર્કસમાં ઊંચા ઝૂલા પર ઝોલા ખાતી છોકરી તેના હાથમાં રહેલી ઝૂલાની લાકડી છોડે નહીં ત્‍યાં સુધી બીજા ઝૂલા પર ઊંધો ટિંગાયેલો માણસ તેને પકડી શકતો નથી. તેવી જ રીતે સાધક દ્વારા પોતાના સર્વસ્‍વનો ત્‍યાગ થયા વિના ઈશ્‍વર તેને આધાર આપતા નથી.

ત્‍યાગ કરવો એટલે વસ્‍તુઓનો ત્‍યાગ કરવો એવું નથી, તો ‘તે વસ્‍તુ વિશેની આસક્તિ છૂટવી’, એને ત્‍યાગ કહેવાય છે.

૮. ભાવજાગૃતિ માટે પ્રયત્ન કરવા

અંત:કરણમાં ભગવાન વિશેનું તીવ્ર આકર્ષણ અથવા ખેંચાણ નિર્માણ થવું, એને ‘હૃદયમાં ભગવાન વિશે ભાવ ધરાવવો’ એમ કહેવાય છે. જેટલી સત્‍વરતાથી આપણામાં ભાવ નિર્માણ થશે અને તે જેટલો અધિકતાથી જાગૃત રહેશે, તેટલી જ સત્‍વરતાથી આપણે ઈશ્‍વરની નજીક જઈ શકીશું. પ્રાર્થના, કૃતજ્ઞતા, આરતી, નમસ્‍કાર જેવી કૃતિઓ ભાવવૃદ્ધિ માટે ઉપયુક્ત ઠરે છે.

૯. સાક્ષીભાવ

સર્વત્ર અને પોતાની ઉન્નતિ ભણી પણ “સર્વ કાંઈ ગુરુદેવની ઇચ્‍છાથી બની રહ્યું છે”, એવા ભાવથી જોવું.

સમષ્‍ટિ સાધનાના ઘટકો

૧. અધ્‍યાત્‍મ પ્રસાર : સર્વોત્તમ સત્‍સેવા

ગુરુ તથા સંતગણનું એકમાત્ર કાર્ય હોય છે અને તે એટલે સમાજમાં સાધના વિશે રુચિ નિર્માણ કરીને સહુને સાધના કરવા માટે પ્રવૃત્ત કરવા અને અધ્‍યાત્‍મનો પ્રસાર કરવો. આપણે જો સદર કાર્ય આપણી ક્ષમતા અનુસાર કરવા માંડીએ તો ગુરુને લાગશે કે, ‘આ મારો છે.’ તેમને એવું લાગવું એટલે જ ગુરુકૃપાનો આરંભ થયો કહેવાય.

અધ્‍યાત્‍મપ્રસાર કેવી રીતે કરવો ?

‘ધર્મ અને સાધના વિશે મને કોઈ જ જાણકારી નથી, તો પછી અધ્‍યાત્‍મનો પ્રસાર કાર્ય કેવી રીતે કરી શકીશ ?’ એવું કેટલાક જણાને લાગવાની શકયતા હોય છે; પરંતુ તે ભૂલભર્યું છે. કૃષ્‍ણ ભગવાને જ્‍યારે ગોવર્ધન પર્વત પોતાની ટચલી આંગળી પર ઊંચકયો હતો, ત્‍યારે સર્વ ગોપગોપીઓએ પોતપોતાની લાકડીઓ તેની નીચે ધરીને પર્વતને ઊંચકવામાં પોતપોતાની રીતે સહાયતા કરી જ હતી. ગુરુદેવ એટલે ઈશ્‍વર, ધર્મગ્‍લાનિને દૂર કરવાના જ છે ; પરંતુ આપણે પણ આપણા ફાળે આવતું સેવા કાર્ય ઉપાડી લેવું જોઈએ. પ્રસાર કાર્ય હેતુ જેને અધ્‍યાત્‍મનો અભ્‍યાસ કરીને અન્‍ય લોકોને શીખવવાનું આવડે છે તેણે તે સેવા અવશ્‍ય કરવી અને જેને આર્થિક સહાયતા કરવાનું સાનુકૂળ છે, તેણે તે અવશ્‍ય કરવું જોઈએ. જેનાથી આ બન્ને બાબતો કરવી શકય નથી, તેણે પ્રસાર માટે ભીંતપત્રકો તથા કાપડના ફલકો લગાડવા, માહિતી પત્રકોની વહેંચણી કરવી, વ્‍યક્તિગત સંપર્ક થકી અન્‍ય લોકોને જાણકારી આપવી, સત્‍સંગના સ્‍થાન પર સ્‍વચ્‍છતા કરવી, સત્‍સંગ માટે શેતરંજીઓ પાથરવી, ખુરશીઓ ગોઠવવી, સદર કાર્ય માટે અર્પણ એકત્રિત કરવું, ઇત્‍યાદિ જેવી વાતો હાથ ધરી શકાય છે.

૨. રાષ્‍ટ્રરક્ષણ અને ધર્મજાગૃતિ

હાલમાં ભ્રષ્‍ટ રાજ્‍યકર્તાઓ ભારત પર રાજ કરી રહ્યા છે. આતંકવાદીએ તથા નક્ષલવાદીઓએ દેશમાં ઉધમાત મચાવ્‍યો છે. દરિદ્રતા, આંધળું કોમવાદી વલણ, સામાજિક અસમાનતા, અનામત ઇત્‍યાદિ જેવી અનેક સમસ્‍યાઓથી દેશ ઘેરાયેલો છે. ટૂંકમાં રાષ્‍ટ્ર અધોગતિના પંથે જઈ રહ્યું છે.

હિંદુઓમાં તો ધર્મનું પાલન કરવાની ઊણપ વર્તાઈ રહી છે. ધર્મ એ રાષ્‍ટ્રનો પ્રાણ છે. ધર્મ નષ્‍ટ થઈ જાય તો રાષ્‍ટ્ર તથા પર્યાય સ્‍વરૂપે આપણે સહુ નાશ પામીશું. તે માટે રાષ્‍ટ્રરક્ષણ અને ધર્મજાગૃતિના સંદર્ભમાં સમાજને જાગૃત કરવું મહત્ત્વનું બને છે.

૩. અન્‍ય પ્રત્‍યે પ્રીતિ

પ્રીતિ એટલે નિરપેક્ષ પ્રેમ. વ્‍યવહારના પ્રેમ સંબંધોમાં અપેક્ષા રહેલી હોય છે. સાધના કરવાથી તથા સાત્ત્વિકતા વધવાથી આસપાસની ચરાચર સૃષ્‍ટિને સંતુષ્‍ટ કરવાની વૃત્તિ નિર્માણ થાય છે. પ્રત્‍યેક વસ્‍તુમાં પરમેશ્‍વરનું સ્‍વરૂપ દેખાય છે.

આમ આવા પ્રકારની સાધનાથી ગુરુકૃપાનો પ્રવાહ શિષ્‍ય પાસે અવિરત વહેતો રહે છે અને તે મોક્ષને પામે છે.

સંદર્ભ : સનાતનનો ગ્રંથ ‘ગુરુકૃપાયોગ અનુસાર સાધના’

Leave a Comment