રામનવમી

શ્રી વિષ્ણુના સાતમાં અવતાર શ્રીરામ જન્મ પ્રીત્યર્થ શ્રી રામનવમી ઊજવે છે. ચૈત્ર સુદ નવમીને રામનવમી કહે છે. ઘણાં રામમંદિરમાં ચૈત્ર સુદ એકમથી નવ દિવસ આ ઉત્સવ ઊજવવામાં આવે છે. રામાયણના પારાયણ, કથાકીર્તન તથા રામમૂર્તિના વિવિધ શ્રૃંગાર કરીને આ ઉત્સવ ઊજવવામાં આવે છે. આ દિવસે પ્રભુ શ્રીરામનું વ્રત કરવાથી સર્વ વ્રતોનું ફળ પ્રાપ્ત થાય છે તેમ જ બધાજ પાપોનું ક્ષાલન થઈને અંતમાં ઉત્તમલોકની પ્રાપ્તિ થાય છે.

 

રામનવમીનું મહત્ત્વ

ત્રેતાયુગમાં જ્યારે રામજન્મ થયો, ત્યારે કાર્યરત રહેલો શ્રીવિષ્ણુનો સંકલ્પ, ત્રેતાયુગમાંના અયોધ્યાવાસીઓનો ભક્તિભાવ અને પૃથ્વી પરના સાત્ત્વિક વાતાવરણને કારણે પ્રભુ શ્રીરામના જન્મ-ઘટનાનું પરિણામ ૧૦૦ ટકા થયું હતું. ત્યાર પછી પ્રત્યેક વર્ષે આવનારી ચૈત્ર સુદ નવમીના દિવસે બ્રહ્માંડમાંના વાતાવરણમાં રામતત્ત્વનું પ્રક્ષેપણ કરીને વાતાવરણ સાત્ત્વિક અને ચૈતન્યમય બનાવવા માટે વિષ્ણુલોકમાંથી શ્રીરામતત્ત્વયુક્ત વિષ્ણુતત્ત્વ ભૂલોકની દિશામાં પ્રક્ષેપિત થાય છે અને તે દિવસે શ્રીરામ ભગવાનનો અંશાત્મક જન્મ થાય છે. તેનું પરિણામ વર્ષભર થઈને બ્રહ્માંડમાં રામતત્ત્વયુક્ત સાત્ત્વિકતા અને ચૈતન્યનું પ્રક્ષેપણ થાય છે. રામતત્ત્વયુક્ત સાત્ત્વિકતા અને ચૈતન્ય બ્રહ્માંડમાંના પ્રત્યેક સજીવ અને નિર્જીવ ગ્રહણ કરે છે અને તેથી તેઓ તેમનું કાર્ય સારી રીતે કરી શકે છે.

 

આધ્યાત્મિક મહત્ત્વ

કોઈપણ દેવતા અથવા અવતારોની જયંતી પર તેમનું તત્ત્વ પૃથ્વી પર વધારે પ્રમાણમાં કાર્યરત થાય છે. શ્રીરામનવમીના દિવસે શ્રીરામતત્ત્વ અન્ય દિવસો કરતાં ૧૦૦૦ ગણું કાર્યરત થાય છે. રામનવમીના દિવસે ‘શ્રીરામ જય રામ જય જય રામ ’ નામજપ અને શ્રીરામની ભાવપૂર્ણ ઉપાસનાથી શ્રીરામતત્ત્વનો અધિકાધિક લાભ થાય છે.

 

શ્રીરામરક્ષાસ્તોત્રનું પઠણ

જે સ્તોત્રનું પઠણ કરનારાઓનું શ્રીરામ દ્વારા રક્ષણ થાય છે, તે સ્તોત્ર શ્રીરામરક્ષાસ્તોત્ર છે. ભગવાન શંકરે બુધકૌશિક ઋષિને સ્વપ્નમાં દર્શન આપીને, તેમને રામરક્ષા સંભળાવી અને સવારે ઊઠીને તેમણે તે લખી લીધી. આ સ્તોત્ર સંસ્કૃત ભાષામાં છે. આ સ્તોત્રના નિત્ય પઠણથી ઘરની સર્વ પીડા અને ભૂતબાધા પણ દૂર થાય છે. જે કોઈ આ સ્તોત્રનું પઠણ કરશે તે દીર્ઘાયુષી, સુખી, સંતતિવાન, વિજયી અને વિનયસંપન્ન થશે’, એવી ફળશ્રુતિ આ સ્તોત્રમાં કહેવામાં આવી છે.

એ સિવાય આ સ્તોત્રમાં શ્રીરામચંદ્રજીનું યથાર્થ વર્ણન, રામાયણની રૂપરેખા, રામવંદન, રામભૂક્ત સ્તુતિ, પૂર્વજોને વંદન અને તેમની સ્તુતિ, રામનામનો મહિમા ઇત્યાદિ વિષયો અંતરભૂત છે.

 

રામરાજ્ય

એવું નથી કે, માત્ર શ્રીરામ જ સાત્ત્વિક હતા, પરંતુ પ્રજાજનો પણ સાત્ત્વિક હતા; એટલા માટે રામરાજ્યમાં શ્રીરામના દરબારમાં એક પણ તકરાર ન આવી. પંચજ્ઞાનેંદ્રિય, પંચકર્મેંદ્રિય, મન, ચિત્ત, બુદ્ધિ અને અહંકાર પર રામનું (આત્મારામનું) રાજ્ય હોવું એજ ખરું રામરાજ્ય છે.

 સંદર્ભ : સનાતન સંસ્થાનો ગ્રંથ ‘શ્રીરામ’