ગીતા જયંતી

 સાધના કરનારા લોકો માટે મોક્ષ
વિશે માર્ગદર્શન કરનારી ભગવાન્ શ્રીકૃષ્ણજીની શિખામણ !

ભગવાન્ શ્રીકૃષ્ણ ! નામ લેતાં જ મન આદર અને આનંદથી ભરાઈ જાય છે. ભગવાન્ શ્રીકૃષ્ણ પ્રત્યે મનમાં અત્યાધિક આદર શા માટે હોય છે ? તેમના અનુપમ સૌંદર્યને કારણે ? રાસલીલાને કારણે ? બાળપણમાં તેમણે કરેલા અનેક ચમત્કારોને કારણે ? ભગવાન્ શ્રીવિષ્ણુના સોળ કળાઓ ધરાવતા પૂર્ણાવતાર હોવાને કારણે ? ના ! ભગવદ્દગીતા દ્વારા તેમણે આપેલા દિવ્ય જ્ઞાનને કારણે ! ખરૂં જોતાં આ જ્ઞાન માટે ‘દિવ્ય’, ‘અપ્રતિમ’, ‘અલૌકિક’, ‘અદ્દભૂત’ જેવા શબ્દો પણ અપૂરાં પડે છે.

 

ભક્તોને આશ્વાસન આપતાં શ્રીકૃષ્ણજીનાં કેટલાંક વચનો

૧. શુભ કર્મ કરનારાઓની કદીપણ અધોગતિ થતી નથી !

‘न हि कल्याणकृत्कश्‍चिद्दुर्गतिं तात गच्छति ।’ – શ્રીમદ્ ભગવદ્દગીતા, અધ્યાય ૬, શ્લોક ૪૦

અર્થ

સારાં કર્મો કરનારાઓને કદીપણ દુર્ગતિ મળતી નથી.

૨. મારા નિષ્કામ ભક્તોનો યોગક્ષેમ હું ચલાઉં છું !

‘योगक्षेमं वहाम्यहम् ।’ – શ્રીમદ્ ભગવદ્દગીતા, અધ્યાય ૯, શ્લોક ૨૨

અર્થ

જે કોઈ અનન્યભાવથી મારી નિરંતર નિષ્કામ ઉપાસના કરે છે, તેમનો જીવનનિર્વાહ હું ચલાઉં છું.

૩. મારા ભક્તનો કદીપણ નાશ થતો નથી !

‘न मे भक्तः प्रणश्यति ।’ – શ્રીમદ્ ભગવદ્દગીતા, અધ્યાય ૯, શ્લોક ૩૧

અર્થ

મારા ભક્તનો ક્યારે પણ નાશ થતો નથી (અતિ દુરાચારી પણ જો અનન્યભાવથી મારી ભક્તિ કરશે, તો તેને સાધુ સમજવું યોગ્ય થશે; કારણકે તેણે યોગ્ય નિશ્ચય કર્યો છે. તે વહેલો જ ધર્માત્મા બની જાય છે.)

૪. ભક્તનો આ નશ્વર સંસારથી હું ઉદ્ધાર કરું છું !

‘तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् ।’ – શ્રીમદ્ ભગવદ્દગીતા, અધ્યાય ૧૨, શ્લોક ૭

અર્થ

જે કોઈ બધા જ કર્મો મને અર્પણ કરીને, મારા નામે પરાયણ થઈને મારામાં અનન્યતાથી ચિત્ત પરોવે છે, તેમનો હું મૃત્યુમય જગત્થી ઉદ્ધાર કરું છું.

૫. હું તમને બધા જ પાપોથી મુક્ત કરીશ !

‘अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः ॥’ – શ્રીમદ્ ભગવદ્દગીતા, અધ્યાય ૧૮, શ્લોક ૬૬

અર્થ

બધા જ ધર્મોનો (ધર્મોમાં કહેલાં બધાં જ કર્મોનો) ત્યાગ કરીને એક મારી જ શરણમાં આવો. શોક કરશો નહીં, હું તમને બધા પાપોથી મુક્ત કરીશ.

 

ભગવદ્દગીતા ની શિખામણનું આચરણ
કરીને પોતાનામાં સ્થિત ઈશ્વરને જાગૃત કરો !

સનાતનના સંત (પૂ.) સંદીપ આળશી

શ્રીમદ્ ભગવદ્દગીતા અર્થાત્ જીવનદર્શન અને મોક્ષદર્શન !

શ્રીમદ્ ભગવદ્દગીતા દ્વારા એવું જ્ઞાન મળે છે કે ‘જીવન કેવી રીતે જીવવું જોઈએ અને કેવી રીતે નહીં’. તે માર્ગ ભૂલેલા લોકોને માર્ગદર્શન કરે છે તેમજ દુ:ખી-પીડિત લોકોને આશ્વાસન આપે છે. ગીતામાં માતાની મમતા છે; તેથી ગીતા ‘માતા’ છે. ગીતાના પ્રત્યેક શબ્દમાં ચૈતન્ય સમાયેલું છે. ગીતા સંન્યાસ, જ્ઞાન, કર્મ, ધ્યાન, ભક્તિ ઇત્યાદિ યોગમાર્ગોનું માર્ગદર્શન કરાવનારો ધર્મગ્રંથ છે.

યુરોપિયન વિદ્વાનોએ ઓળખ્યું ગીતાનું મહત્ત્વ !

જગતની ૧૯૨ ભાષાઓમાં ગીતાનો અનુવાદ થયો છે. અનેક યુરોપિયન તેમજ અમેરિકન વિદ્વાનોએ ગીતાની મહિમાનું મુક્ત કંઠથી યશોગાન કર્યું છે. થોરો નામક પશ્ચિમી દાર્શનિકને એકવાર કોઈએ પ્રશ્ન પૂછ્યો, ‘તમારા આચાર-વિચાર આટલા શ્રેષ્ઠ કેવી રીતે છે ?’ ત્યારે તેણે તત્કાલ ઉત્તર આપ્યો, ‘હું પ્રતિદિન સવારે ઊઠીને ભગવદ્દગીતા વાચું છું’.

 

શ્રીમદ્ ભગવદ્દગીતા ની શિખામણ
જ ભારતવર્ષને તેમજ જગતને પણ તારી લેશે !

ગીતા જ્ઞાનમય ચૈતન્યનું શિક્ષણ છે. અજ્ઞાન, રજ-તમ પ્રવૃત્તિ, દુ:ખ તેમજ અન્યાયના વિરોધમાં લડવાની વીરવૃત્તિ છે. ભગવદ્દગીતા માનવીમાં દેવત્વ જાગૃત કરે છે. આજે રાષ્ટ્ર અને ધર્મની સ્થિતિ દયનીય છે અને ભારતીઓ તેજહીન બની ગયા છે. ભગવદ્દગીતા ની શિખામણ જ ભારતવર્ષ તેમજ સમગ્ર જગતને તારી લેશે !
સનાતનના સંત (પૂ.) સંદીપ આળશી

 

મહાભારત – એક વિશિષ્ટતાપૂર્ણ ધર્મયુદ્ધ

૧. કૌરવ-પાંડવો વચ્ચેનું યુદ્ધ, એક ધર્મયુદ્ધ હતું. તે સમયે અરસ-પરસ ચર્ચા કરીને યુદ્ધના નિયમો બનાવવામાં આવ્યા હતા.

૨. સૂર્યાસ્ત થાય ત્યારે યુદ્ધ સમાપ્ત થઈ જતું હતું. તે વેળાએ બન્ને પક્ષના લોકો એકબીજાને મળતા હતા. રશિયા, યુરોપિયન દેશો, અમેરિકા આવા યુદ્ધની કલ્પના પણ કરી શકે નહીં.

શ્રીમદ્ ભગવદ્દગીતા હિંસા નહીં, જ્યારે મોક્ષપ્રાપ્તિ માટેના ઉપાયો બતાવે છે, આ વાત રશિયાને સમજાવો !

ભગવદ્દગીતા હિંસાને ઉશ્કેરે છે એમ માની લઈને રશિયામાં બે વાર સદર ગ્રંથ પર પ્રતિબંધ મૂકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો; પણ સત્ય તો એમ છે કે ભગવદ્દગીતા હિંસાને પ્રોત્સાહન આપવાને બદલે તત્ત્વજ્ઞાન શીખવે છે.

૩. ગીતામાં ઈશ્વરની ન તો ‘આજ્ઞા’ હોય છે કે નથી હોતા ‘ફતવા’

૪. નિર્ણય કરવાનો અધિકાર અર્જુનને જ આપવામાં આવવો

इति ते ज्ञानमाख्यातं गुह्याद्गुह्यतरं मया ।
विमृश्यैतदशेषेण यथेच्छसि तथा कुरु ॥ – શ્રીમદ્ ભગવદ્દગીતા, અધ્યાય ૧૮, શ્લોક ૬૩

અર્થ

આ રીતે, મારા દ્વારા તમને આ ગોપનીયથી પણ અતિ ગોપનીય જ્ઞાન કહેવામાં આવ્યું છે. હવે તમે આના વિશે સારી રીતે વિચાર કરીને, જેવી તમારી ઇચ્છા હોય, તે પ્રમાણે કરો.

સ્પષ્ટીકરણ

શ્રીકૃષ્ણજી અર્જુનને કહે છે, ‘મેં તને કર્તવ્ય-અકર્તવ્ય, યોગ્ય-અયોગ્ય, આત્માનું સ્વરૂપ, મોક્ષપ્રાપ્તિના માર્ગો ઇત્યાદિ વિશે સંપૂર્ણ જ્ઞાન આપ્યું છે. તેનો તું સારાસાર વિચાર કરીને જેવી તારી ઇચ્છા હોય, તે પ્રમાણે કર.’

ઉપર્યુક્ત વિવેચન દ્વારા સ્પષ્ટ થાય છે કે ભગવદ્દગીતા વિશે અધૂરી જાણકારીના આધાર પર અયોગ્ય ધારણા કરી લેવા કરતાં, તેનો યોગ્ય અભ્યાસ કરીને તેમાં વર્ણિત જ્ઞાન આત્મસાત્ કરવું એ જ રશિયા સહિત સહુકોઈના હિતમાં છે. – અનંત બાળાજી આઠવલે

 

ગીતામાં પ્રતિપાદિત મોક્ષપ્રાપ્તિના જુદા જુદા માર્ગ

અર્જુનને ગીતા-ઉપદેશ માનવજાતિ માટે મોક્ષનો માર્ગ બતાવવાનું નિમિત્ત હતું. ગીતામાં રણનીતિ, અસ્ત્ર-શસ્ત્રોનું કુશળ સંચાલન ઇત્યાદિ વિશે ચર્ચા જ નહોતી, પણ મોક્ષપ્રાપ્તિના વિભિન્ન યોગમાર્ગ કહેવામાં આવ્યા છે.

અ. સાંખ્યયોગ

આ સંન્યાસનો માર્ગ છે.

આ. ધ્યાનયોગ

તેમાં, એકલા તેમજ ગુપ્તસ્થાનમાં રહીને ધ્યાન લગાડવા માટે કહેવામાં આવ્યું છે.

ઇ. કર્મયોગ

તેમાં, સ્વાર્થ અને ફળપ્રાપ્તિની ઇચ્છાનો ત્યાગ કરીને કર્મ કરવા માટે કહેવામાં આવ્યું છે.

ઈ. ભક્તિયોગ

તેમાં, ઈશ્વરપ્રાપ્તિને માનવીનું ધ્યેય કહેવામાં આવ્યું છે.

ઉ. વિભૂતિયોગ

તેમાં, ઈશ્વરના સર્વવ્યાપી રૂપની અનુભૂતિ અનુભવવા માટે કહેવામાં આવ્યું છે.

એમ હોય, ત્યારે, ઉપર્યુક્ત યોગમાર્ગોમાં હિંસાને સ્થાન ક્યાં છે ?

સંદર્ભ : સનાતનનો ગ્રંથ ‘ગીતાજ્ઞાનદર્શન’