ગુરુ-શિષ્ય સંબંધ

ગુરુપ્રાપ્તિ થવા માટે એકાદ અધ્યાત્મદૃષ્ટિએ ઉન્નતનું મન જીતવું પડે છે, જ્યારે અખંડ ગુરુકૃપા થવા માટે ગુરુનું મન સાતત્યથી જીતવું પડે છે. એનો સહેલો માર્ગ એટલે ઉન્નતોને અને ગુરુને અપેક્ષિત હોય તે કરતા રહેવું. તેમને એક જ વાતની અપેક્ષા હોય છે અને તે એટલે સાધના. સાધનાના આગળના તબક્કામાં તન, મન, ધન અને પ્રાણ આ બધું શ્રીગુરુને અર્પણ કરવાનું હોય છે. તેવું તબક્કાવાર કરતા ફાવે એ દૃષ્ટિએ શિષ્યમાં કયા ગુણ હોવા જોઈએ, શિષ્યનું કુલ જીવન કેવું હોવું જોઈએ, વગેરે બાબતોની વિગતવાર માહિતી આ લેખમાં આપી છે.

 

વ્યાખ્યા અને અર્થ 

આધ્યાત્મિક ઉન્નતિ થવા માટે જે ગુરુએ કહેલી સાધના કરે છે, તેને શિષ્ય કહેવાય.

શિષ્યત્વનું મહત્ત્વ 

શિષ્યને દેવ, ઋષિ, પિતૃ અને સમાજ આ ચાર ઋણ ફેડવાની આવશ્યકતા પડતી નથી. ગુરુપુત્ર આ પદવીને યોગ્ય હોય એવો ગુરુસેવક શિષ્ય, વ્યવહારમાં ભોળો હોવા છતાં તેની દીક્ષા, વ્રત, તપ, વગેરે સાધના સિદ્ધ થાય છે.

વિદ્યાર્થી અને શિષ્ય 

શિક્ષકની ફીના પૈસા આપ્યા બાદ વિદ્યાર્થી અને શિક્ષકનો હિસાબ પૂર્ણ થાય છે; પણ ગુરુ આત્મજ્ઞાન જ આપતા હોવાથી ગુરુ માટે કંઈપણ અને કેટલું પણ કરીએ તો પણ તે ઓછું જ હોય છે. બાળપણમાં માતા-પિતાએ આપણું બધું કર્યું હોવાથી તેમના માટે આપણે કેટલુંય કરીએ તો તે ઓછું જ હોય છે, તેમજ આ પણ છે.

ગુરુ-શિષ્ય સંબંધ

ગુરુ-શિષ્યના સંબંધ જગતમાં પવિત્ર માનવામાં આવ્યા છે. આ એક જ સંબંધ સાચો છે. ગુરુ-શિષ્ય સંબંધ કેવળ આધ્યાત્મિક સ્વરૂપનો જ હોય છે. શિષ્યને ‘મારો ઉદ્ધાર થવો જેઈએ’ આ એક જ જાણ રહેવી જોઈએ. ગુરુને એક જ જાણ હોય છે, ‘એનો ઉદ્ધાર થવો જોઈએ’.

ગુરુ શોધવા નહીં

ગુરુ શોધીને મળતા નથી; કારણકે ગુરુતત્ત્વ સૂક્ષ્મતમ છે અને સાધકને કેવળ સ્થૂળ અને થોડુ ઘણું સૂક્ષ્મ સમજાય છે. અધ્યાત્મમાં શિષ્યે ગુરુ કરવાના હોતા નથી, પણ ગુરુ શિષ્ય કરે છે, એટલે તેઓ જ શિષ્યની પસંદગી અને તૈયારી કરે છે. કોઈએક ગુરુનો હું શિષ્ય છું, એવું માનવું નહીં. ગુરુએ પોતે કહેવું જોઈએ કે, આ મારો શિષ્ય છે. એકાદ યુવાન મનમાં ધારે કે અમુક એક છોકરી મારી પ્રેમિકા છે, તો તેનો ઉપયોગ નથી કારણ કે તે છોકરીએ પણ તેમ કહેવું જોઈએ. તેવું જ ગુરુ-શિષ્ય સંબંધમાં પણ હોય છે.

ગુરુપ્રાપ્તિ થવા માટે શું કરવું ?

કર્મયોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગ, વગેરે કોઈપણ માર્ગે સાધના કરીએ, તો પણ આખરે ગુરુકૃપા વગર ૬૦% કરતાં વધારે ઉન્નતિ થવી કઠિન છે. શિષ્યની આધ્યાત્મિક ઉન્નતિ થાય, એવો સંકલ્પ ગુરુના મનમાં આવે પછી જ શિષ્યની સાચી પ્રગતિ થાય છે. એને જ ગુરુકૃપા કહેવાય. તે સિવાય શિષ્યની પ્રગતિ થતી નથી. ગુરુપ્રાપ્તિ થયા પછી અને ગુરુમંત્ર મળ્યા પછી ગુરુકૃપાની શરૂઆત થાય છે. તેને અખંડ ટકાવવા માટે ગુરુએ કહેલી સાધના જીવનભર સાતત્યથી કરતા રહેવું આવશ્યક હોય છે.

ગુરુઆજ્ઞાપાલનનું રહસ્ય

આજ્ઞાપાલન કરતા ફાવશે નહીં એવું બાહ્યત: લાગે, છતાં આજ્ઞાપાલન કરવાનું સામર્થ્ય ગુરુ જ અંદરથી આપે છે. જે ગુરુઆજ્ઞાપાલન કરતો નથી તે ઘોર એવા રૌરવ નરકમાં પડે છે. તેનું ઘર જાણે યમપુરી જ હોય છે. તે નરકમાં સડતો રહે છે. તેના જેવો પાપી કોઈ નથી. તે પુરુષ અખંડ દારિદ્રય ભોગવે છે. યોગમાર્ગમાં દીર્ઘકાળ કરેલી તપશ્ચર્યા બાદ જ મૂલાધાર, સ્વાધિષ્ઠાન, અનાહત અને વિશુદ્ધ ચક્રોના છેદ પછી જ આજ્ઞા ચક્રનો છેદ થાય છે, પણ ગુરુઆજ્ઞાપાલનથી સીધો આજ્ઞા ચક્રનો જ છેદ થાય છે.

આજ્ઞાધારકપણામાંના તબક્કા

અ. ગુરુ કહે તે રીતે કરવું
આ. ગુરુના મનનું જાણીને તે રીતે કરવું
સર્વસ્વનો ત્યાગ

સર્વસ્વનો ત્યાગ કરવો શરૂઆતમાં એકદમ શક્ય હોતું નથી. ધીમે ધીમે તબક્કાવાર તે શકય બને છે. અહીં ધ્યાનમાં રાખવા જેવો મુદ્દો એ છે કે, એકાદના પૂર્વજન્મના પુણ્યને લીધે તેને પુષ્કળ પૈસો મળવાનો હોય તો તે મળે જ છે. ગુરુને માયામાંનું કંઈ જોઈતું ન હોવાથી શિષ્યે અર્પણ કરેલા પૈસા તેઓ લેતા નથી અને તે પૈસા શિષ્ય પાસે જ રહે છે. એવી પરિસ્થિતિમાં તે પૈસા ગુરુના છે , આ ભાવથી શિષ્ય પૈસાનો સદુપયોગ કરે છે.

ગુરુસાન્નિધ્યનું મહત્ત્વ

ઘરબારનો ત્યાગ કરીને ગુરુસાન્નિધ્યમાં રહેવું આ સાધનાનો સૌથી ઝડપી પ્રગતિ કરાવનાર માર્ગ છે. ગુરુ વિશે સાચો પ્રેમ થવા માટે સહવાસની જરૂર હોય છે. ગુરુના નજીક રહેવાથી જ વિષયો પર કાબૂ રહે છે. શિષ્યના મનોદેહ અને વાસનાદેહ આપણા સંપર્કમાં રહીને તે વધારે શુદ્ધ અને સુસંવાદી બને, એવો જીવનમુક્ત ગુરુના આ નિકટસંબંધ પાછળનો હેતુ હોય છે. ભારતમાં પહેલાં ગુરુકુળ પદ્ધતિમાં ગુરુના આશ્રમમાં જ રહીને વિદ્યાર્થી શીખતા હતા.

ગુરુને કંઈ જ કહેવું નહીં

શિષ્યે ગુરુનું સાંભળવાનું હોય છે, ગુરુને કહેવાનું હોતું નથી. ગુરુએ આપણું સાંભળવું એવી અપેક્ષા રાખવી, એટલે આપણે ગુરુ કરતાં મોટા છીએ, એવું જ થયું. ગુરુને તેમનું જમણ, દવા, આરામ, વગેરે કોઈ વિશે કંઈપણ કહેવું નહીં. એકે પોતાની લગ્નપત્રિકામાં કૃપયા ભેટ લાવવી નહીં એવું છપાવ્યું હતું; પણ ગુરુને આપવાની પત્રિકામાં તેણે તે છેકેલું હતું. તે વિશે પૂછયું ત્યારે તેણે જણાવ્યું, ગુરુએ શું કરવું, આ ગુરુને હું કેવી રીતે કહું ? (ગુરુ પાસેથી શિષ્યને બધું જ જોઈતું હોય છે, આ ભાવ પણ તેમાં હોઈ શકે !)

ગુરુકાર્ય સાથે એકરૂપ થવું

આધ્યાત્મિક કાર્ય

૧૯૯૩ ની ગુરુપૂર્ણિમાના એક મહિના પહેલાં એક ગુરુએ તેમના શિષ્યોને ગુરુપૂર્ણિમાનો ત્યાં સુધીનો જમાખર્ચ કહ્યો. ત્યારે ૪૫,૦૦૦ રૂપિયા જમા હતા અને ૬૫,૦૦૦ રૂપિયા ખર્ચ થવાના હતા. બીજી જ રાત્રે એક શિષ્યે ૧૦,૦૦૦ રૂપિયા મોકલાવ્યા. ગુરુ પૈસા કયાંથી લાવશે ? આપણને શકય તેટલું કરવું જોઈએ , આ વિચાર તેના મનમાં હતો. બીજાઓએ જમા-ખર્ચ કેવળ સાંભળ્યો અને ભૂલી ગયા.

ગુરુના ઘરનું કાર્ય

ગુરુના ઘરે વિવાહ સમારંભ, વગેરે કોઈ કાર્ય હોય, તો તે પોતાના ઘરનું કાર્ય માનવું.

ગુરુની બીમારી અને દેહત્યાગ

બીમારીમાં ગુરુ બેહોશ હોય, તો ડૉકટર અથવા વૈદ્યની સલાહથી ઈલાજ કરવો. બેહોશ ન હોય તો અને ડૉકટર અથવા વૈદ્યે કહેલું પથ્ય, દવા, ઇત્યાદિ નહીં જોઈએ , એમ ગુરુ કહે તો ગુરુનું સાંભળવું. સાચો સંબંધ જીવ-શિવનો, એટલે જ શિષ્ય-ગુરુનો, સંબંધ સાચો સંબંધ હોય છે. માતા-પિતા, પતિ-પત્ની, છોકરાં, વગેરે માયાના બધા સંબંધ ખોટા છે.

ગુરુનો દેહત્યાગ 

ગુરુએ દેહત્યાગ કરેલો જાણ્યા બાદ શિષ્યે બધા કામો બાજુમાં મૂકીને કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે તેમના અંતિમ દર્શન માટે જવું. પિતાના અવસાન બાદ છોકરો અંત્યદર્શન માટે જાય છે, તેવું આ છે.

સંદર્ભ : સનાતન સંસ્થાનો ગ્રંથ ‘શિષ્ય’