ગુરુની આજ્ઞાનું પાલન કરીને તેમનું મન જીતનારો ઉપમન્‍યુ !

Article also available in :

બોધકથા

ધૌમ્‍યઋષિનો શિષ્‍ય ઉપમન્‍યુ ગુરુગૃહે રહીને આશ્રમની ગાયો સંભાળવાની સેવા કરતો હતો. તે ભિક્ષા માગીને પોતાનો ઉદરનિર્વાહ ચલાવી રહ્યો હતો. તેની પરીક્ષા લેવા માટે એકવાર ધૌમ્‍યઋષિએ મળેલી ભિક્ષામાંથી અડધી ભિક્ષા ગુરુદેવને આપવી અને અડધી ભિક્ષા પર નિર્વાહ કરવો, એમ કહ્યું. ઉપમન્‍યુ આનંદથી અડધી ભિક્ષા ધૌમ્‍યઋષિને અર્પણ કરવા લાગ્‍યો. વધેલી અડધી ભિક્ષામાં પણ ઉપમન્‍યુ સંતોષી રહેવા લાગ્‍યો. થોડા સમય પછી ધૌમ્‍યઋષિએ તેને મળેલી સંપૂર્ણ ભિક્ષા ગુરુદેવને અર્પણ કરવા માટે કહ્યું. ઉપમન્‍યુએ તેમ કર્યું. અન્‍નગ્રહણ કર્યાવિના પણ ઉપમન્‍યુનું સ્‍વાસ્‍થ્‍ય સારું જ છે, એ જોઈને ધૌમ્‍યઋષિએ તેને પૂછ્ યું, તું શું સેવન કરે છે ? ત્‍યારે તેણે કહ્યું, ગુરુદેવ, હું જંગલમાં ગાયનું દૂધ પીવું છું. ત્‍યારે ધૌમ્‍યઋષિ બોલ્‍યા, અરે, તેને કારણે દૂધ એઠું થાય છે. તે નહીં પીતો. ધૌમ્‍યઋષિની આ આજ્ઞા પણ ઉપમન્‍યુએ આનંદથી માન્‍ય કરી.

ઉપમન્‍યુ બીજા દિવસે ગાયો લઈને જંગલમાં ગયો. ઘણી ભૂખ લાગ્‍યા પછી તેનાથી ન રહેવાયું. તેણે આકડાના પાનનો ચીક કાઢીને ખાધો. તે ચીક આંખોમાં ઉડવાથી તે આંધળો બની ગયો. સાંજે આશ્રમ ભણી ગાયો લઈ જતી વેળાએ તે કૂવામાં પડ્યો. રાત્ર ઘણી થઈ ગઈ હતી. ઉપમન્‍યુ પાછો ન ફરવાથી ધૌમ્‍યઋષિ તેનો શોધ લેતા લેતા વનમાં તેને સાદ પાડવા લાગ્‍યા. તેમની સાદથી ઉપમન્‍યુએ કૂવામાંથી પ્રતિસાદ આપ્‍યો. ધૌમ્‍યઋષિએ તેને બહાર કાઢ્યો. તેના મોઢેથી સર્વ વૃત્તાંત સાંભળ્યા પછી ધૌમ્‍યઋષિ પ્રસન્‍ન થયા. ગુરુના કહેવાથી ઉપમન્‍યુએ દેવોના વૈદ્ય અશ્વિનીકુમારને પ્રાર્થના કરી. અશ્વિનીકુમારોએ તેને દૃષ્‍ટિ આપી અને મહાજ્ઞાની થઈશ, એવા આશીર્વાદ પણ આપ્‍યા !

બાળકો, ઉપમન્‍યુએ ગુરુદેવનું શિસ્તબદ્ધ રીતે આજ્ઞાપાલન કરતી સમયે પોતાનો વિચાર કર્યો નહીં; તેથી જ તે ગુરુદેવનો માનીતો શિષ્‍ય બન્‍યો અને તેને ભગવાનના આશીર્વાદ પણ મળ્યા. તમે પણ શિક્ષકોનું આજ્ઞાપાલન કરીને તેમનું મન જીતો !

 

ગુરુદેવની આજ્ઞાનું પાલન કરવા માટે
પોતાનો જીવ જોખમમાં મૂકનારો શિષ્‍ય આરુણી !

ધૌમ્‍યઋષિના આશ્રમમાં આરુણી નામનો તેમનો એક શિષ્‍ય હતો. એક દિવસ પુષ્‍કળ વરસાદ વરસવા લાગ્‍યો. વરસાદના પાણીથી આશ્રમના ખેતરનો બાંધ ફૂટીને ખેતર વહી ન જાય; તે માટે ધૌમ્‍યઋષિએ શિષ્‍યોને કહ્યું, ‘જાઓ ! કાળજી લેજો. ખેતરનો બાંધ ફૂટવા ન દેશો.’

આરુણી અને કેટલાક શિષ્‍યો ખેતરના બાંધ પાસે આવ્‍યા. ફૂટેલો બાંધ તે બધા સરખો કરતા અને તે ફરી ફરીને વરસાદના પાણીથી ફૂટી જતો, એવું ઘણીવાર થયું. વરસાદ બંધ થતો નહોતો.રાત્રી થઈ. બધા શિષ્‍યો કંટાળીને પાછા ફર્યા. સમગ્ર દિવસ કષ્‍ટ કરવાથી થાકેલા સર્વ શિષ્‍યો ગાઢ સૂઈ ગયા. સવારે વરસાદ પડવાનો બંધ થયો, ત્‍યારે બધાયના ધ્‍યાનમાં આવ્‍યું કે આરુણી આશ્રમમાં દેખાતો નથી. આ સમાચાર ધૌમ્‍યઋષિને આપવામાં આવ્‍યા. ધૌમ્‍યઋષિએ કહ્યું, ચાલો, આપણે ખેતરમાં જઈને જોઈએ. ખેતરમાં આવ્‍યા પછી આરુણી ક્યાંય દેખાતો નહોતો. ધૌમ્‍યઋષિએ મોટેથી પૂછ્યું, ‘આરુણી, તું ક્યાં છો ?’ બાંધની દિશામાંથી ઉત્તર આવ્‍યો, ‘ગુરુજી હું અહીંયા છું !’ જુએ છે તો શું ? બાંધ ટકતો ન હોવાથી પોતે આરુણી જ ત્‍યાં આડો પડેલો તેમને દેખાયો ! ગુરુજીએ તેને ઉઠાડ્યો અને પ્રેમથી આલિંગન આપ્‍યું.

બાળકો, ગુરુદેવનું આજ્ઞાપાલન, એ શિષ્‍યનું કર્તવ્‍ય જ છે. તમે પણ આરુણીની જેમ આજ્ઞાપાલન કરીને ગુરુજીના લાડકા બનો !

(વધુ જાણકારી માટે વાંચો સનાતનનો ગ્રંથ – ‘સુસંસ્‍કાર અને સારી ટેવો’)

Leave a Comment