ચાલતા-બોલતા યોગસાધના કરાવી લેનારી સંસ્‍કૃત ભાષા !

સંસ્‍કૃત ભાષામાંની નીચે જણાવેલી વિશિષ્‍ટતાઓ તેને સર્વ ભાષાઓ કરતાં ઉત્‍કૃષ્‍ટ બનાવે છે.

૧. અનુસ્‍વાર (અં) અને વિસર્ગ (અઃ)

સંસ્‍કૃત ભાષાની સહુથી મહત્વપૂર્ણ અને લાભદાયક વ્‍યવસ્‍થા છે અનુસ્‍વાર અને વિસર્ગ !

૧ અ. વિસર્ગાન્‍ત શબ્‍દ

પુલ્‍લિંગના મોટા ભાગના શબ્‍દો વિસર્ગાન્‍ત હોય છે. ઉદા. ‘રામઃ, બાલકઃ, હરિઃ, ભાનુઃ’

૧ આ. અનુસ્‍વારાન્‍ત શબ્‍દો

નપુંસક લિંગના મોટાભાગના શબ્‍દો અનુસ્‍વારાન્‍ત હોય છે. ઉદા. ‘જલં, વનં, ફલં, પુષ્‍પં’

 

૨. વિસર્ગ અને અનુસ્‍વારના પ્રાણાયામ સાથે નજીકના સંબંધ હોવા

૨ અ. સંસ્‍કૃતમાંના ‘વિસર્ગનું’ ઉચ્‍ચારણ કરવાથી
‘કપાલભાતી પ્રાણાયામ’નો લાભ અનાયાસ પ્રાપ્‍ત થવો

સંસ્‍કૃતમાંના ‘વિસર્ગનું’ ઉચ્‍ચારણ કરવાથી અને ‘કપાલભાતી પ્રાણાયામ’ એ બન્‍નેમાં શ્‍વાસ બહાર ફેંકાય છે. અર્થાત્ જેટલી વેળાએ વિસર્ગનું ઉચ્‍ચારણ કરશો, તેટલી વેળાએ કપાલભાતી પ્રાણાયામ અનાયાસ થાય છે. જે લાભ કપાલભાતી પ્રાણાયામથી થાય છે, તે કેવળ સંસ્‍કૃતમાંના વિસર્ગનું ઉચ્‍ચારણ કરવાથી પ્રાપ્‍ત થાય છે.

૨ આ. સંસ્‍કૃતમાંના ‘અનુસ્‍વારનું’ ઉચ્‍ચારણ
કરવાથી ‘ભ્રામરી પ્રાણાયામ’નો લાભ અનાયાસ પ્રાપ્‍ત થવો

તેવી જ રીતે ‘અનુસ્‍વારનું’ ઉચ્‍ચારણ કરવાથી અને ‘ભ્રામરી પ્રાણાયામ’ એ બન્‍ને એકજ ક્રિયા છે. ભ્રામરી પ્રાણાયામમાં નાસિકા દ્વારા શ્‍વાસ છોડતી વેળાએ ભમરાની જેમ ગુંજારવ કરવાનો હોય છે અને અનુસ્‍વારનું ઉચ્‍ચારણ કરતી વેળાએ આ જ ક્રિયા થાય છે. તેથી જેટલી વેળાએ અનુસ્‍વારનું ઉચ્‍ચારણ થશે, તેટલી વેળાએ ભ્રામરી પ્રાણાયામ સરળતાથી થઈ જાય છે.

 

૩. કેવળ સંસ્‍કૃત ભાષામાં બોલવાથી ‘ઉક્ત પ્રાણાયામ’ આપોઆપ થવા

ગુજરાતીનું એક વાક્ય જોઈએ – ‘રામ ફળ ખાય છે.’ ‘આ જ વાક્ય સંસ્‍કૃતમાં ‘રામઃ ફલં ખાદતિ’, એમ બોલાય છે. ‘રામ ફળ ખાય છે’, એવું ગુજરાતીમાં બોલવાથી તેનો ઉદ્દેશ સાધ્‍ય થશે; પણ ‘રામઃ ફલં ખાદતિ’ એમ બોલવાથી અનુસ્‍વાર અને વિસર્ગરૂપી બે પ્રાણાયામ થાય છે. આ જ સંસ્‍કૃત ભાષાનું રહસ્‍ય છે. ‘અનુસ્‍વાર અને વિસર્ગ નથી’, એવું એકપણ વાક્ય સંસ્‍કૃત ભાષામાં મળશે નહીં. તેથી એવું કહી શકાશે કે, સંસ્‍કૃત ભાષામાં બોલવું એટલે ચાલતા-બોલતા યોગસાધના કરવી.’ (સંદર્ભ: અજ્ઞાત)

 

સંસ્‍કૃત ભાષાને લોપ પામવાથી
બચાવવા માટે વિવિધ પ્રયત્નો કરવા આવશ્‍યક !

સંસ્‍કૃતના શબ્‍દો મનને આકર્ષિત કરનારા અને આનંદ આપનારા છે. ઉદા. સુપ્રભાતમ્, સુસ્‍વાગતમ્, તેમજ ‘મધુરાષ્‍ટકમ્’ના શબ્‍દો. જો સંસ્‍કૃત ભાષાનો વ્‍યવહારમાં પણ ઉપયોગ કરીએ, તો આપણે સતત પ્રસન્‍ન રહીશું; પરંતુ ખેદની બાબત એ છે કે, આજના કાળમાં પશ્‍ચિમી લોકોના આંધળા અનુકરણને કારણે સંસ્‍કૃત ભાષાનો ઉપયોગ તદ્દન બંધ થઈ ગયો છે. સંસ્‍કૃતનો ફરીથી ઉપયોગ કરવા માટે આપણે વ્‍યવહારમાં સંસ્‍કૃતનો ઉપયોગ કરવાનો આરંભ કરવો પડશે. વિદ્યાર્થીઓને અભ્‍યાસક્રમમાં સંસ્‍કૃત ભાષા અનિવાર્ય કરીને તે શીખવવી જોઈએ અને તેઓને તે શીખવા માટે પ્રોત્‍સાહિત કરવા જોઈએ. વિદ્યાર્થીઓને વૈદિક ગણિતનો લાભ મેળવી આપવામાં આવે, તો તેઓ ગણિતના ક્ષેત્રમાં પુષ્‍કળ આગળ જઈ શકશે. સંસ્‍કૃત ભાષા આપણા દેશની અને સંસ્‍કૃતિની ઓળખાણ છે, સ્‍વાભિમાન છે. આપણે આ ભાષાને લોપ પામવામાંથી બચાવવી પડશે.’

(સંદર્ભ : માસિક ‘ઋષિપ્રસાદ’, જુલાઈ ૨૦૧૪)

Leave a Comment