રામજન્‍મભૂમિની ભાળ મળે તે માટે સમ્રાટ વિક્રમાદિત્‍યએ કરેલું તપ !

Article also available in :

અયોધ્‍યાનો મહિમા અને તેને ગતવૈભવ પ્રાપ્‍ત કરાવી આપનારો સમ્રાટ વિક્રમાદિત્‍ય !

‘જીવનમાં એકવાર તોયે પ્રભુ શ્રીરામજન્મભૂમિનાં દર્શન કરીને ધન્ય થઈએ’, એવી આશા પ્રત્યેક હિંદુના મનમાં હોય છે. સમ્રાટ વિક્રમાદિત્યએ ઘણી તાલાવેલીથી અને ભગવાન પર અપાર શ્રદ્ધા રાખીને શ્રીરામજન્મભૂમિ શોધી કાઢી અને પછી ત્યાં વિધિવત્ રામમંદિર બાંધ્યું. તેણે કરેલા શ્રમને કારણે જ આજે આપણે શ્રીરામજન્મભૂમિના દર્શન લઈ શકીએ છીએ, તેમજ શ્રીરામની મૂળ મૂર્તિનાં પણ દર્શન આપણને શ્રી કાલારામ મંદિરમાં થાય છે. તેથી સમ્રાટ વિક્રમાદિત્ય વિશે જેટલી કૃતજ્ઞતા વ્યક્ત કરીએ તેટલી ઓછી જ છે ! સમ્રાટ વિક્રમાદિત્યમાં રહેલી તડપ અને ભાવ અમારામાં પણ નિર્માણ થવા દો’, એવી શ્રીરામનાં ચરણોમાં પ્રાથના !’

– શ્રી ચિત્શક્તિ (સૌ.) અંજલી ગાડગીળ

 

૧. સમગ્ર ભારતમાંની ૭ મોક્ષનગરીઓમાં અગ્રસ્‍થાને રહેલી અયોધ્‍યા !

માતા કૈકેયીએ સીતાને તેનું મુખદર્શન કરતી વેળાએ ભેટ તરીકે આપેલો કનકમહેલ ! રાજા વિક્રમાદિત્‍યએ આ મહેલ ફરીથી બાંધ્‍યો.

ષટ્‌ગુણૈશ્‍વર્ય ભગવાન શ્રીવિષ્‍ણુના ચરણકમલ એ જ અવંતિકાપુરી (હાલનું ઉજ્જન) છે. શિવકાંચી અને વિષ્‍ણુકાંચી (હાલનું કાંચીપુરમ્, તામિલનાડુ) એ વિષ્‍ણુની બે જાંઘો છે. નાભિસ્‍થાન દ્વારકાપુરી અને હૃદયસ્‍થાન માયાપુરી (હાલનું હરિદ્વાર) છે. કંઠસ્‍થાન એ મથુરાનગરી છે, જ્‍યારે નાસાગ્ર પર કાશીપુરી (હાલની કાશી, વારાણસી) છે. આટલા બ્રહ્મપદોનું વર્ણન કરીને ‘પરબ્રહ્મસ્‍વરૂપ એવી અયોધ્‍યા ભગવાનનું શિરકમલ છે’, એવું ઋષિઓએ અયોધ્‍યાનું વર્ણન કર્યું છે.

આના પરથી ધ્‍યાનમાં આવે છે કે, આ સપ્‍તપુરી એટલે સાક્ષાત ભગવાન શ્રીવિષ્‍ણુનો દેહ છે. આપણી ભારતભૂમિમાં સાક્ષાત ભગવાનનો વાસ છે. ભારતમાં જન્‍મ થયો એ કેટલા મોટા ભાગ્‍યની વાત છે, એ આના પરથી ધ્‍યાનમાં આવે છે. આ સાતેય મુખ્‍ય મોક્ષ નગરીઓમાં (જ્‍યાં નિવાસ, જન્‍મ અને મૃત્‍યુ મળવાથી મોક્ષની અપેક્ષા કરી શકાય છે, એવી નગરીઓમાં) અયોધ્‍યાનગરી અગ્રસ્‍થાને છે. વિશ્‍વવિખ્‍યાત એવા સૂર્યવંશનો ઉદ્‌ગમ અહીં જ થયો, તેમજ મોટા મોટા ધર્માત્‍મા રાજાઓ અહીં જ થયા હતા.

૧ અ. અયોધ્‍યાનો ૩ વાર ઉદ્ધાર થવો

આ અયોધ્‍યા નગરીનો ૩ વાર ઉદ્ધાર થયો છે. પ્રથમ સૂર્યવંશી રાજા રુક્‍માનંદ અગિયારસના વ્રત પ્રભાવથી અયોધ્‍યાનગરીના સર્વજીવોને વૈકુંઠમાં લઈ ગયા હતા. કેટલાક સમયગાળા પછી આ જ વંશમાં રાજા હરિશ્‍ચંદ્રનો જન્‍મ થયો. તેઓ તેમના સત્યવ્રતના પ્રભાવથી અયોધ્યાની પ્રજાને વૈકુંઠમાં લઈ ગયા. ત્‍યાર પછી આ જ શ્રેષ્‍ઠ રઘુવંશમાં ત્રૈલોક્યાધિપતિ પ્રભુ શ્રીરામચંદ્રજી અવતર્યા. તેમણે પણ નિજધામ જતી વેળાએ અયોધ્‍યાવાસીઓને શરયૂ નદીમાં સ્‍નાન કરાવીને દિવ્‍ય દેહ ધારણ કરાવ્યા. તેમજ સહુને પોતાની સાથે લઈને વૈકુંઠમાં જવાની સિદ્ધતા કરી. તે સમયે તેમણે હનુમાનજીને પાસે બોલાવીને કહ્યું, ‘‘મારા પછી અયોધ્‍યાનું રાજ્‍ય તું સંભાળજે અને કલ્‍પ સુધી (અંત સુધી) અચલ રાજ્‍ય કરજે.’’ આ આજ્ઞા કરીને પ્રભુએ હનુમાનજીને અયોધ્‍યાની ગાદી પર બિરાજમાન કર્યા. ત્‍યારથી માંડીને શ્રીરામચંદ્રજીની આજ્ઞા શિરોમાન્ય કરીને મારુતિ હજી પણ ત્‍યાં જ બિરાજમાન છે. સાંપ્રત અયોધ્‍યામાંના મુખ્‍ય દેવતા શ્રી હનુમાનબલી જાગૃત છે.

૧ આ. પ્રભુ શ્રીરામના પુત્ર લવ-કુશએ અયોધ્‍યાનગરી ફરીવાર વસાવવી

શ્રીરામ નિજધામે ગયા પછી દીર્ઘકાળ સુધી અયોધ્‍યાનગરી ઉદાસ સ્‍થિતિમાં હતી. અયોધ્‍યા પર નજર નાખવામાં આવે તો જ્‍યાં-ત્‍યાં ભયંકર ગીચ અરણ્‍યો, વાનરસેના અને શરયૂ નદી એમ ત્રણ બાબતો દેખાતી હતી. આ સિવાય ચોથું મારુતિનું સ્‍થાન હતું. અન્‍ય કોઈપણ વસ્‍તુઓ શેષ રહી નહોતી. સમયાંતરે પ્રભુ શ્રીરામના પુત્ર લવ-કુશએ સ્‍વર્ગદ્વાર તીર્થ પર શ્રીનાગેશ્‍વરનાથ મહાદેવની સ્‍થાપના કરી અને ફરીથી અયોધ્‍યાનગરી યથાયોગ્‍ય વસાવી. આ કથા ત્રેતા અને દ્વાપર યુગોની છે.

 

૨. અયોધ્‍યા શોધી કાઢીને
મંદિરની સ્‍થાપના કરનારા સમ્રાટ વિક્રમાદિત્‍ય !

૨ સહસ્ર વર્ષ પહેલાં ઉજ્જનમાં સમ્રાટ વિક્રમાદિત્‍ય રાજ્‍ય કરતો હતો. એક વેળા શ્રીરામની કૃપાથી તેને કેટલાક વિચારોનું સ્ફુરણ થયું. તે વિચાર કરવા લાગ્‍યો, ‘મારો જન્‍મ ક્ષત્રિય કુળમાં સૂર્યવંશમાં થયો છે અને સૂર્યવંશની માતૃભૂમિ, તો અયોધ્‍યા છે. તે પ્રભુ શ્રીરામચંદ્રજીની પણ જન્‍મભૂમિ છે. તે ભૂમિની શોધખોળ કરવી જોઈએ.’ એવો વિચાર કરીને સમ્રાટ વિક્રમાદિત્‍ય અયોધ્‍યામાં આવ્‍યો અને ત્‍યાં ઉપસ્‍થિત રહેલા લોકો સાથે શ્રીરામજન્‍મભૂમિની શોધખોળ કરવા લાગ્‍યો; પણ ‘જન્‍મભૂમિ આ જ છે’, એવો દૃઢ પુરાવો તેને ક્યાંયે મળ્યો નહીં.

૨ અ. સમ્રાટ વિક્રમાદિત્‍યનો એક દૈવી પુરુષ સાથે ભેટો થવો

સમ્રાટ વિક્રમાદિત્‍ય પસ્‍તાવાથી વ્‍યથિત મનથી શરયૂ નદી પાસેના નિર્મલી કુંડના સ્‍થાને બેસીને વિચાર કરવા લાગ્‍યો. એટલામાં તેને જોવા મળ્યું કે, એક દિવ્‍ય પુરુષ કાળા રંગનાં વસ્‍ત્રો પરિધાન કરીને કાળા ઘોડે સવાર થઈને ત્‍યાં આવ્‍યો. તેણે નિર્મલી કુંડમાં સ્‍નાન કર્યું, તેમજ તેના ઘોડાને પણ ત્‍યાં સ્‍નાન કરાવ્‍યું. કેવળ સ્‍નાન કરવાથી તે બન્‍નેનો વર્ણ કપૂર જેવો દિવ્‍ય થયો. અચાનક તે પુરુષના શરીરનો રંગ બદલાયો. આ ચમત્‍કાર જોઈને સમ્રાટ વિક્રમાદિત્‍યને ઘણું આશ્‍ચર્ય થયું. ‘આ કોઈ દૈવી પુરુષ છે’, એવો વિચાર કરીને રાજાએ તેને નમસ્‍કાર કર્યા.

૨ આ. સદર દૈવી પુરુષ તીર્થરાજ પ્રયાગ હોવા અને તેણે
રામજન્‍મભૂમિની શોધખોળ કરવા માટે વિક્રમાદિત્‍યને આશીર્વાદ આપવા

પોતાનો પરિચય આપીને રાજાએ તેને શ્રીરામજન્‍મભૂમિ બતાવવા માટે વિનંતિ કરી અને હાથ જોડીને તેની સામે ઊભો રહ્યો. રાજાની ભક્તિ જોઈને તે પુરુષે કહ્યું, ‘‘રાજા, તું ધન્‍ય છે અને તારો પ્રશ્‍ન પણ ઉત્તમ છે; પણ મારાથી અહીં સમયનો બગાડ કરવાનું થશે નહીં. તેથી હે રાજન, તારા પ્રશ્‍નનો ઉત્તર કાશીક્ષેત્ર ખાતેના સમ્રાટ વિશ્‍વનાથના દરબારમાં મળશે.’’ તેણે પોતાનો પરિચય આપતા કહ્યું, ‘‘હું તીર્થરાજ પ્રયાગ છું. જનતાના પાપરૂપી મેલને હું હંમેશાં આ નિર્મલી કુંડમાં સાફ કરું છું. પછી ફરીને વિશ્‍વના પાપો ગ્રહણ કરવા માટે મારા સ્‍થાને જઉં છું. તેથી મારે વહેલું નીકળવું જોઈએ.’’ એ સમયે તેણે ‘શ્રીરામ તારું મનોરથ પૂર્ણ કરે’, એવા આશીર્વાદ રાજાને આપ્‍યા અને તીર્થરાજ ત્‍યાં જ અદૃશ્‍ય થયા.

 

૩. રામજન્‍મભૂમિની ભાળ મળે તે
માટે સમ્રાટ વિક્રમાદિત્‍યએ કરેલું તપ !

૩ અ. રાજાનો નિશ્‍ચય જોઈને કાશી વિશ્‍વેશ્‍વર પ્રસન્‍ન થવા

સમ્રાટ વિક્રમાદિત્‍યએ શ્રીરામનું સ્‍મરણ કર્યું અને શ્રીકાશીક્ષેત્ર જવા માટે પ્રયાણ કર્યું. ત્‍યાં તેણે ભગવાન વિશ્‍વેશ્‍વરના દર્શન કર્યા અને પ્રભુ શ્રીરામની જન્‍મભૂમિ વિશે જાણવા માટે પ્રાર્થના કરી. પ્રાર્થના કરીને સમ્રાટે અન્‍ન-જળ વિના, તેમજ દૃઢ નિશ્‍ચય કરીને શિવનામનો જપ કરતા કરતા ત્‍યાં જ શિવદ્વારે તપનો આરંભ કર્યો. રાજાનો આ દૃઢ નિશ્‍ચય જોઈને પરમ કરુણામય ભગવાન શ્રી શંકરે એક વૃદ્ધ વ્‍યક્તિનું રૂપ ધારણ કર્યું. એક હાથમાં પુસ્‍તક અને બીજા હાથમાં વૃદ્ધ ગાય લઈને બ્રાહ્મણના રૂપમાં શિવરાજ તેની સામે આવીને ઊભા રહ્યા.

૩ આ. વિશ્‍વેશ્‍વરરૂપી વૃદ્ધ વ્‍યક્તિએ રામજન્‍મસ્‍થાનને શોધવા માટેનો માર્ગ બતાવવો

તેમણે રાજાને કહ્યું, ‘‘આ અન્‍નપૂર્ણાનગરી છે. અહીં નિરાહાર રહેવાનો પ્રયત્ન કરીશ નહીં. મારા વચન પર જો વિશ્‍વાસ હોય, તો તારા સર્વ મનોરથ પૂર્ણ થશે. આ કામધેનુ અને આ પોથી લઈને તું અયોધ્‍યા જા. ત્‍યાં શરયૂ નદીના કાંઠે આ ગાયને ચરવા માટે છોડ. જ્‍યાં તેના આંચળમાંથી દૂધની ધારા વહેવા લાગશે, ‘ત્‍યાં જ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામચંદ્રજીનો જન્‍મ થયો છે’, એવું ચોક્કસ જાણજે. આ પોથીના આધારે અયોધ્‍યાનગરીનું પુનર્નિર્માણ કરજે. શ્રી વિશ્‍વેશ્‍વર તારા પર પ્રસન્‍ન છે અને તારી મનોકામનાઓ પૂર્ણ થશે.’’ આ કહ્યા પછી વૃદ્ધ બ્રાહ્મણ વેશધારી વિશ્‍વેશ્‍વર ત્‍યાં જ અંતર્ધાન પામ્‍યા. ત્‍યાર પછી રાજાએ તે પોથી અને ગાયની સાથે શ્રી વિશ્‍વેશ્‍વરને નમન કરીને અયોધ્‍યા જવા પ્રયાણ કર્યું.

પ્રભુ શ્રીરામચંદ્રજીનો રાજ્‍યાભિષેક થયો, તે આ પવિત્ર સ્‍થાન ! અત્‍યારે તે ‘રાજગદ્દી’ તરીકે પ્રચલિત છે !

 

૪. સમ્રાટ વિક્રમાદિત્‍યને રામજન્‍મભૂમિની
ભાળ મળ્યા પછી તેણે તે સ્‍થાનની વિધિવત્ પૂજા કરવી !

શ્રીરામચંદ્રજીનું ધ્‍યાન કરતા કરતા સમ્રાટ ઘણા આનંદથી શરયૂ નદીના કાંઠે આવી પહોંચ્‍યો. ત્‍યાં તેણે યથાવિધિ શરયૂમાતાનું પૂજન કર્યું. ત્‍યાર પછી નદીને સાષ્‍ટાંગ નમસ્‍કાર કરીને પ્રભુ શ્રીરામની જન્‍મભૂમિ બતાવવાની ગાયને પ્રાર્થના કરી. ત્‍યાર પછી તે કામધેનુ મુક્ત રીતે શરયૂ કાંઠે ફરવા લાગી. રાજા પણ તેની પાછળ પાછળ ફરતો હતો. સમયાંતરે એક ઠેકાણે ગાયના આંચળમાંથી દૂધની ધારા વહેવા લાગી. એ જોઈને રાજાને અતિશય આનંદ થયો.

‘આજે હું ધન્‍ય થયો, કૃતકૃત્‍ય થયો’, એમ કહીને તેણે ભૂમિનું અને કામધેનુનું વિધિવત્ પૂજન કર્યું. પછી વેદશાસ્‍ત્રસંપન્‍ન બ્રાહ્મણોને બોલાવીને તેમનું પણ પૂજન કર્યું અને તેમને તૃપ્‍ત કર્યા. પહેલાં બનેલી સર્વ ઘટનાઓ કહીને તેણે તે પોથી બ્રાહ્મણો સામે પ્રસ્‍તુત કરી. તેમને હાથ જોડીને પ્રાર્થના કરી, ‘હે ભૂદેવો, આ અયોધ્‍યાનગરીની પુનર્રચના કરવાની મારી ઇચ્‍છા છે, તે પૂર્ણ કરશો.’ ત્‍યાર પછી તે બ્રાહ્મણોએ સદર પોથીના આધારે અયોધ્‍યાની સીમા અને સર્વ તીર્થસ્‍થાનોની શોધખોળ કરી. અન્‍ય સ્‍થાનો અને જ્‍યાં જતાંવેંત પ્રભુના ચરિત્રની માહિતીની જાણ થાય, એવાં મંદિરો અને મૂર્તિઓની સ્‍થાપના કરી.

 

૫. સમ્રાટ વિક્રમાદિત્‍યએ
રામજન્‍મભૂમિના સ્‍થાન પર બંધાવેલા વિવિધ મંદિરો !

સમ્રાટ વિક્રમાદિત્‍યએ સહુપ્રથમ ૫ મંદિરો બંધાવીને તે ઠેકાણે પ્રભુ શ્રીરામચંદ્રજીની મૂર્તિઓની સ્‍થાપના કરી, તેમજ પૂજા, નૈવેદ્ય ઇત્‍યાદિની વ્‍યવસ્‍થા કરી.’

અ. પહેલું મંદિર : આ જન્મસ્થળે. એટલે જે ઠેકાણે કામધેનૂનાં આંચળોમાંથી દૂધની ધારા વહેવા લાગેલી, ત્યાં બાંધવામાં આવ્યું. ત્યાં એક મોટી શાલિગ્રામ શિલા પર રામ, લક્ષ્મણ, સીતા, ભરત, શત્રુઘ્ન અને રામનાં ચરણો પાસે હનુમાન એમ પાંચે મૂર્તિઓ કોતરાવી. તેમજ શ્રી રામયંત્ર સહિત મૂર્તિની સ્થાપના કરી.

આ. બીજું મંદિર : અહીં રત્નસિંહાસન છે. અહીં જ શ્રીરામચંદ્રનો રાજ્યાભિષેક થયો હતો. ત્યાં પટ્ટાભિષેક રામ-સીતાની મૂર્તિની સ્‍થાપના કરી.

ઇ. ત્રીજું કનક ભવન : અહીં રામ-જાનકીનું વિહારસ્થાન હતું. ત્યાં પણ શ્રીરામ-જાનકીની મૂર્તિની સ્‍થાપના કરી.

ઈ. ચોથું મંદિર : આ સહસ્રધારાતીર્થ પર છે. અહીં લક્ષ્મણ બાલાજીની ચતુર્ભૂજ મૂર્તિની સ્થાપના કરી.

ઉ. પાંચમું મંદિર : આ આદિશક્તિનાં સ્થાન પર બાંધવામાં આવ્યું છે. ત્યાં પણ એકજ ભવ્ય શિલામાં શ્રીમહાકાલી, શ્રીમહાલક્ષ્મી અને શ્રીમહાસરસ્વતી આ આદિશક્તિ ત્રિમૂર્તિ યંત્ર સહિત સ્થાપિત કરવામાં આવ્યા છે. આ સ્થાન હવે ‘દેવકાલી’ના નામથી પ્રસિદ્ધ છે.’

(સંદર્ભ : શ્રી અયોધ્‍યા મહાત્‍મ્‍ય, લેખક : યશવંતરા  દેશપાંડે)

Leave a Comment