શ્રીરામજન્‍મભૂમિ હિંદુઓને પાછી મેળવી આપવાના યશમાં જગદ્‌ગુરુ રામભદ્રાચાર્યજીનું યોગદાન

Article also available in :

અયોધ્‍યા ખાતે ૫ ઑગસ્‍ટ ૨૦૨૦ના દિવસે ભવ્‍ય શ્રીરામમંદિરનું ભૂમિપૂજન થયું અને બાંધકામનો પણ પ્રારંભ થયો છે. શ્રીરામમંદિર માટે ન્‍યાયાલયમાં પ્રભુ શ્રીરામના અસ્‍તિત્‍વથી માંડીને શ્રીરામજન્‍મભૂમિના અસ્‍તિત્‍વ સુધી અનેક પુરાવા આપવામાં આવ્‍યા. ત્‍યાર પછી હિંદુઓને આ ઐતિહાસિક વિજય પ્રાપ્‍ત થયો. આમાં અનેક જણનું પ્રત્‍યક્ષ-પરોક્ષ રીતે યોગદાન રહ્યું છે.

સર્વોચ્‍ચ ન્‍યાયાલયમાં શ્રીરામજન્‍મભૂમિની સુનાવણી ચાલુ હતી. તે સમયે હિંદુઓના પક્ષમાં પક્ષકાર તરીકે ધર્મચક્રવર્તી, તુલસીપીઠના સંસ્‍થાપક, પદ્મવિભૂષણ જગદ્‌ગુરુ રામભદ્રાચાર્યજી ઉપસ્‍થિત હતા. તેઓ વિવાદાગ્રસ્‍ત ભૂમિ પર શ્રીરામજન્‍મભૂમિ હોવાના પક્ષમાં ધર્મશાસ્‍ત્રમાંથી એક પછી એક પુરાવા આપી રહ્યા હતા. ત્‍યારે ૫ ન્‍યાયમૂર્તિઓની ઘટનાપીઠમાં સહભાગી બનેલા ન્‍યાયમૂર્તિએ માર્મિક રીતે હિંદુઓના પક્ષમાં રહેલા ધારાશાસ્‍ત્રીને પૂછ્‍યું કે, ‘‘તમે લોકો પ્રત્‍યેક વિષયમાં વેદમાંથી જ પુરાવો માગો છો, તો તમે વેદમાંથી જ પુરાવો આપી શકો કે, શ્રીરામનો જન્‍મ અયોધ્‍યામાં આ જ ઠેકાણે થયો હતો ? ત્‍યારે પ્રજ્ઞાચક્ષુ જગદ્‌ગુરુ રામભદ્રાચાર્યજીએ થોડો પણ સમય વેડફ્‍યા વિના કહ્યું, ‘‘હા, આપી શકીએ છીએ, મહોદય !’’ અને તેમણે ઋગ્‍વેદમાંના જૈમિનીય સંહિતાનું ઉદાહરણ દેવાનું ચાલુ કર્યું. જેમાં શરયૂ નદીથી જન્‍મસ્‍થળની દિશા અને અંતરની અચૂક જાણકારી આપીને શ્રીરામજન્‍મભૂમિની સ્‍થિતિ કહેવામાં આવી છે, જે તંતોતંત સાચી હતી.

 

જગદ્‌ગુરુ રામભદ્રાચાર્યજીનો પરિચય

જગદ્‌ગુરુ રામભદ્રાચાર્યજીનું મૂળ નામ ગિરિધર મિશ્રા છે અને જન્‍મ ૧૪ જાન્‍યુઆરી ૧૯૫૦ના દિવસે જૌનપૂર જિલ્‍લાના (ઉત્તરપ્રદેશ) સાંડીખુર્દ ગામમાં થયો. તેઓ પ્રજ્ઞાચક્ષુ છે. તેઓ કેવળ બે માસના જ હતા ત્‍યારે તેમની દૃષ્‍ટિ જતી રહી. તેઓ વાંચી, લખી શકતા નથી, તેમજ બ્રેલ લિપિનો ઉપયોગ પણ કરતા નથી. તેઓ કેવળ સાંભળીને શીખે છે અને તેમની રચનાઓ અન્‍યોની સહાયતાથી બોલીને લખી લે છે. તેમને ૨૨ ભાષાઓ આવડે છે અને તેમણે ૮૦ ગ્રંથોની રચના કરી છે. જેમાં મહાકાવ્‍યોનો (સંસ્‍કૃત અને હિંદી) સમાવેશ છે. તુલસીદાસજીના સર્વશ્રેષ્‍ઠ અભ્‍યાસકોમાં તેમની ગણના થાય છે.

જગદ્‌ગુરુ રામભદ્રાચાર્યજીનો ચિત્રકૂટ (મધ્‍યપ્રદેશ) ખાતે પ્રસિદ્ધ આશ્રમ છે. તેઓ એક પ્રસિદ્ધ વિદ્વાન, શિક્ષણતજ્‌જ્ઞ, બહુભાષિક, રચનાકાર, પ્રવચનકાર, દાર્શનિક અને હિંદુ ધર્મગુરુ છે. તેઓ સંન્‍યાસી છે અને રામાનંદ સંપ્રદાયના વર્તમાનના ૪ જગદ્‌ગુરુ રામાનંદાચાર્યોમાંના એક છે તેમજ વર્ષ ૧૯૮૮ થી આ પદ પર બિરાજમાન છે. આ સાથે જ ચિત્રકૂટ ખાતેના તુલસીપીઠ નામના ધાર્મિક અને સામાજિક કાર્ય સાથે સંબંધિત ‘જગદ્‌ગુરુ રામભદ્રાચાર્ય વિકલાંગ વિશ્‍વવિદ્યાલય’ના સંસ્‍થાપક છે તેમજ આજીવન કુલાધિપતિ છે. વર્ષ ૨૦૧૫માં ભારત સરકાર દ્વારા તેમને ‘પદ્મવિભૂષણ’ આપીને સન્‍માનિત કરવામાં આવ્‍યા છે.

(સંદર્ભ : સામાજિક માધ્‍યમોમાંથી)

Leave a Comment