‘રામચરિતમાનસ’ના રચયિતા ગોસ્‍વામી તુલસીદાસ

‘હસ્‍તિનાપુરમાં આત્‍મારામ નામક કનોજી બ્રાહ્મણ અકબર બાદશાહના દરબારમાં હતા. તેમનાં પત્નીનું નામ હુલસી હતું. તેમની કૂખે મૂળ નક્ષત્ર પર એક બાળકનો જન્‍મ થયો. માતાના પેટમાં તે બાળક ૧૨ માસ હતું. મુખમાં બત્રીસ દાંત હતા. જન્‍મતઃ જ આ બાળકના મુખમાં રામનામ આવ્‍યું. આવા અદ્‌ભૂત દુશ્‍ચિહ્‌નોને કારણે માતા-પિતાએ તે છોકરાને સુવર્ણદાન સાથે ચુનિયા નામક દાસીને આપી દીધો. છોકરાની માતા હુલસીનું નિધન થયું. ચુનિયા દાસીએ ૫ વર્ષ બાળકને ઉછેર્યું. પછી તેનું પણ મૃત્‍યુ થયું.

જગજ્‍જનની પાર્વતીજીએ એક બ્રાહ્મણ સ્‍ત્રીનો વેષ ધારણ કરીને તે છોકરાને ‘નરસિંહદાસ’ નામક સાધુને સ્‍વાધીન કર્યો. તેણે આ છોકરાને ઉછેર્યો. આગળ જતાં શિવશંકર ભગવાને નરહરિનંદને દૃષ્‍ટાંત આપીને તે છોકરાનો ઉપનયન (જનોઈ) વિધિ કરવા માટે કહ્યું. ઉપનયન પછી છોકરાનું નામ ‘રામબોલા’ પાડવામાં આવ્‍યું. એ જ તુલસીદાસ !

અયોધ્‍યા ખાતે ૧૨ વર્ષ શ્રી ગુરુદેવના સાનિધ્યમાં રહીને તેમણે વેદશાસ્‍ત્રનું અધ્‍યયન પૂર્ણ કર્યું. પછી તેઓ હસ્‍તિનાપુર ગયા. આત્‍મારામ દુબે (તેમના પિતાજી)ને તેઓ મળ્યા. આત્‍મારામ તુલસીદાસને અકબર બાદશાહ પાસે લઈ ગયા. અકબર બાદશાહ તુલસીદાસ પર ઘણો વિશ્‍વાસ કરવા લાગ્‍યા. બાદશાહ તુલસીદાસજીને શિકાર માટે પોતાની સાથે લઈ જતા. આત્‍મારામે તુલસીદાસના વિવાહ ‘રત્નાવલી’ નામક એક ધનવાનની કન્‍યા સાથે ભારે ઠાઠમાઠથી કરાવ્‍યા. બન્‍ને પતિ-પત્ની વચ્‍ચે સારો પ્રેમસંબંધ બંધાણો. તુલસીદાસને તેમના વિના જરાય ચેન પડતું નહીં.

એક દિવસ તુલસીદાસ અકબર બાદશાહ સાથે દૂરદેશ ગયા. રત્નાવલીને પિયરથી તેડામણું આવ્‍યું હોવાથી તે પિયર ગઈ. તુલસીદાસ ઘરે આવ્‍યા. રત્નાવલી પિયર ગઈ હોવાનું તેમને કહેવામાં આવ્‍યું. તેઓ આવેલા પગે જ સાસરે જવા નીકળ્યા. ત્‍યાં પહોંચવામાં રાત્રિના બે પ્રહર થઈ ગયા. ઘરના બધા જ લોકો બારણાં બંધ કરીને સૂઈ ગયા હતા. તુલસીદાસ વિચાર કરવા લાગ્‍યા કે હવે અંદર કેમ જવું ? રત્નાવલીને મળવા માટે તેઓ ઘણા આતુર બની ગયા હતા. એક સાપ બારીને ગૂંચળું વાળીને લટકતો હતો, તે તેમણે જોયું. તેને ઝાલીને તુલસીદાસ અંદર ગયા.

ઘરના માણસો જાગી ગયા. તુલસીદાસ છે, એમ રત્નાવલીની માતાએ તેને કહ્યું. તે તુલસીદાસ પાસે ગઈ અને પૂછ્‌યું, ‘‘સર્વ બારણાં તો બંધ હતા, તમે અંદર કેવી રીતે આવ્‍યા ?’’ ત્‍યારે તુલસીદાસે કહ્યું, ‘‘તે જે દોરડું મને અંદર આવવા માટે લટકાવ્‍યું હતું, તે દોરડાને પકડીને હું અંદર આવ્‍યો.’’ આ વાત સાંભળીને રત્નાવલીને નવાઈ લાગી. તે બારી પાસે જઈને જુએ છે તો એક મોટો સાપ લટકતો હતો. ત્‍યારે તેણે તુલસીદાસને કહ્યું, ‘‘હે પ્રાણનાથ, તમે જેટલો પ્રેમ મારા પર કરો છો, તેટલો જો શ્રીરામના ઠામે કરશો, તો તમારા જન્‍મનું સાર્થક થશે.’’ તેના આ ઉદ્‌ગાર સાંભળીને તુલસીદાસ વિરક્ત થઈ ગયા. તેમના મનમાં વૈરાગ્‍ય ઉત્પન થયું. તેઓ આવ્‍યા તેવા જ પાછા ચાલવા લાગ્‍યા.

આનંદવન ગયા. ત્‍યાં તેમણે ૧૨ વર્ષ તપશ્‍ચર્યા કરી. પછી તેઓ રામકથા કરવા લાગ્‍યા. એકવાર તુલસીદાસને એક પિશાચ મળ્યો. પિશાચે પૂછ્‍યું ‘‘બોલ, તારે શું જોઈએ છે ?’’. ‘‘રામ સાથે ભેટ કરાવી આપ’’, એમ તુલસીદાસે કહ્યું ત્‍યારે જ તે પિશાચ પાછળ પાછળ જવા લાગ્‍યું. દૂર જઈને તેણે કહ્યું, ‘‘તું જે ઠેકાણે પુરાણ સાંભળવા જાય છે, ત્‍યાં એક વૃદ્ધ બ્રાહ્મણ હાથમાં લાકડી લઈને સૌથી પહેલો આવે છે અને બધા ગયા પછી જાય છે. તે તારો રામ સાથે મેળાપ કરી આપશે. તે પ્રત્‍યક્ષ હનુમાનજી છે.’’ એમ કહીને પિશાચ અદૃશ્‍ય થઈ જાય છે.

બીજા દિવસે પુરાણ પૂરું થયા પછી તે બ્રાહ્મણ જતો હતો ત્‍યારે તુલસીદાસે તેમને માર્ગમાં ભેટીને સાષ્‍ટાંગ નમસ્‍કાર કર્યા. ‘‘હું ગરીબ બ્રાહ્મણ છું. તને આપવા માટે મારી પાસે કાંઈ નથી.’’ એવું બ્રાહ્મણે કહ્યું કે તરત જ તુલસીદાસ કહે છે, ‘‘તમે હનુમાનજી છો. શ્રીરામજીના દર્શન તમે મને કરાવી આપો.’’ ‘વાલ્‍મીકિએ અવતાર લીધેલા આ તુલસીદાસ છે’, આ વાત હનુમાનજી જાણી જાય છે. તેમને હનુમાનજી ભેટી પડે છે. વહેલા જ શ્રીરામ સાથે ભેટ કરાવીશ, એમ કહીને હનુમાનજી અદૃશ્‍ય થઈ જાય છે.

હનુમાનજી શ્રીરામજીને કહે છે, ‘‘આપની આજ્ઞાથી વાલ્‍મીકિએ તુલસીદાસ નામથી અવતાર લીધો છે. તેમને આપના દર્શનની તાલાવેલી લાગી છે.’’ ત્‍યારે પ્રભુ રામચંદ્રજી તુલસીદાસને વાલ્‍મીકિએ વર્ણન કરેલા રૂપમાં દર્શન આપીને આલિંગન આપે છે. તેમના મસ્‍તક પર હાથ રાખીને તેઓ અદૃશ્‍ય થયા.

તુલસીદાસ શ્રીરામજીનું ભજન-કીર્તન કરવા લાગ્‍યા. કાશી ક્ષેત્રમાં તેમની કીર્તિ ઘણી ફેલાઈ. લોકોએ તુલસીદાસને મઠ બાંધી આપ્‍યો. ધર્મકાર્ય માટે ધનવાન લોકોએ તુલસીદાસજીને દ્રવ્‍ય લાવી આપ્‍યું. એકવાર બ્રાહ્મણ સહિત તુલસીદાસ ભોજન કરતા હતા. એટલામાં ‘જય સીતારામ’ કહેતો ત્‍યાં એક બ્રાહ્મણ ભીક્ષા માગવા માટે આવ્‍યો. ત્‍યારે તુલસીદાસે તેને પોતાની પંગતમાં બેસાડ્યો. તેથી અન્‍ય સર્વ બ્રાહ્મણ ઊઠીને જવા લાગ્‍યા. ‘‘તમે શા માટે ઊભાં થયાં ?’’ તુલસીદાસે પૂછ્‍યું. ત્‍યારે તેમણે કહ્યું, ‘‘આના હાથે તો બ્રહ્મહત્‍યા થઈ છે. આવા પાપી માણસની પંગતમાં અમે બેસીશું નહીં.’’

‘રામનામથી આ પુણ્‍યવાન થયો છે. તેનાં સર્વ પાપો ધોવાઈ ગયા છે. નામસ્‍મરણથી નાશ ન પામે તેવું પાતક છે જ નહીં’’, એવું શ્રીકૃષ્‍ણજીએ ઉદ્ધવને કહ્યું છે’, એવું તુલસીદાસે કહ્યું. ત્‍યારે તે બ્રાહ્મણો કહે છે, ‘તમે સામેના શિવમંદિરમાંના પોઠિયા દ્વારા નૈવેદ્ય ભક્ષણ કરી બતાવો. તો પછી આનું પાતક ધોવાઈ ગયું, એવું અમે સમજીશું ! અમારે બ્રહ્મજ્ઞાન સાંભળવું નથી, પ્રતીતિ જોઈએ.’ આ તેમનું ભાષણ સાંભળીને તુલસીદાસ એક પત્રાવળમાં નૈવેદ્ય પીરસીને શિવમંદિરમાં ગયા. નંદી સામે તે નૈવેદ્ય મૂક્યો અને હાથ જોડીને કહ્યું, ‘હે ભગવાન, સમુદ્રમંથન સમયે તમે વિષભક્ષણ કર્યું, તે સમયે તમારા સર્વાંગને થયેલી બળતરા રામનામનો ઉચ્‍ચાર કરતાં જ શાંત થઈ.

તે જ શ્રીરામનું નામ આ બ્રાહ્મણે લીધું હોવાથી આને બ્રહ્મહત્‍યાથી મુક્તિ મળી નથી શું ? તે સાક્ષી આ સહુકોઈને બતાવવા માટે પાષાણના આ નંદીએ સહુકોઈની સામે નૈવેદ્ય ભક્ષણ કરવો, એવી આ દાસ આપને વિનંતિ કરે છે. પ્રાર્થના કરે છે.’ ત્‍યારે સહુકોઈની સામે નંદી તે નૈવેદ્ય પત્રાવળ સાથે ગ્રહણ કરે છે. આ ચમત્‍કાર જોઈને તે સર્વેએ તુલસીદાસનાં ચરણો પર માથું ટેકવ્‍યું.

આગળ એકવાર એમ બન્‍યું કે, ‘જૈતપાળ’ નામક એક ધનવાનનું મૃત્‍યુ થયું. તેનાં પત્ની સતી જવા માટે ઘરમાંથી નીકળ્યા. જતી વેળાએ માર્ગમાં તેમને તુલસીદાસનો મઠ દેખાયો. તુલસીદાસને નમસ્‍કાર કરવા માટે તે મઠમાં ગયાં. તેમણે તુલસીદાસને ભક્તિભાવથી નમસ્‍કાર કર્યા. ‘अष्‍टपुत्रा सौभाग्‍यवती भव !’ , એવા આશીર્વાદ તેમને આપ્‍યા. ત્‍યારે તેમણે કહ્યું, ‘મહારાજ, મારા પતિ મૃત્‍યુ પામ્‍યા છે તેથી હું સહગમન કરવા જઈ રહી છું. તેથી તમારા આશીર્વચન કેવી રીતે સત્‍ય થાય ?’ આ સાંભળીને તુલસીદાસ કહે છે, ‘શ્રીરામજીના ચિંતનમાં હું નિમગ્‍ન હતો ત્‍યારે તમને આશીર્વાદ મળ્યા છે.

તેનો અર્થ આ આશીર્વાદ શ્રીરામે જ આપ્‍યા છે, એવું સમજો અને તે સર્વસમર્થ પ્રભુ તમને મળેલું આશીર્વચન પૂર્ણ કરશે.’ આ સાંભળીને તે સ્‍ત્રી તેના પતિના શબ પાસે આવી. ત્‍યારે જ તેનો પતિ ઊઠીને ઊભો રહ્યો. આ ચમત્‍કાર જોઈને લોકો આશ્‍ચર્યચકિત થઈ ગયા. તેણે પોતાના પતિને સાથે લઈને મઠમાં જઈને બન્‍નેએ તુલસીદાસનાં ચરણો પર માથું નમાવ્‍યું. તે દંપતી તુલસીદાસની સેવા કરવા લાગ્‍યા. તે મઠમાં રહીને તુલસીદાસે અનેક લોકોને ભક્તિમાર્ગે વાળ્યા. પછી ગોકુળ, મથુરા ઇત્‍યાદિ તીર્થો કરતા કરતા તેઓ વૃંદાવન ગયા. ત્‍યાં તેમની ભેટ સંત મીરાબાઈ સાથે થઈ.

સંત તુલસીદાસે વાલ્‍મીકિ રામાયણને હિંદીમાં ઢાળ્યું. ‘તુલસીદાસકૃત શ્રીરામચરિતમાનસ !’ તુલસી રામાયણે ગરીબના ઝૂંપડાથી માંડીને ધનવાનોના મહેલ સુધી સર્વ ઠેકાણે સરખો જ પ્રવેશ કર્યો છે. તુલસીદાસને હનુમાનજીએ વિનયપદો લખવાની આજ્ઞા કરી. તે માન્‍ય કરીને તેમણે ‘વિનય-પત્રિકા’ નામક શ્રેષ્‍ઠ કાવ્‍યની રચના કરી. તુલસીદાસ જેટલા અન્‍ય કોઈ લોકપ્રિય કવિ ભારત ખાતે મધ્‍યયુગમાં થયા નથી.

સંવત ૧૬૩૧ની રામનવમીના દિવસે તુલસીદાસે ‘શ્રીરામચરિતમાનસ’ લખવાનો આરંભ કર્યો. ૨ વર્ષ, ૭ માસ, ૨૭ દિવસ પછી તેમની આ રચના પૂર્ણ થઈ. સંવત ૧૬૩૩ના માગસર મહિનાના સુદ પક્ષમાં શ્રીરામ-સીતાજીના વિવાહ દિવસે સાતેય કાંડ પૂર્ણ થયાં.

ભગવાન શ્રીરામજીની આજ્ઞાથી તુલસીદાસે કાશીમાં જઈને શ્રી વિશ્‍વનાથ અને શ્રી અન્‍નપૂર્ણા દેવીને તેમનું કાવ્‍ય વાંચી બતાવ્‍યું અને ગ્રંથ વિશ્‍વનાથના ગર્ભગૃહની સામે મૂક્યો. બીજા દિવસે ગ્રંથ પર ‘સત્‍યં શિવં સુંદરમ્’ એમ લખેલું અને તેની નીચે ‘શ્રી શંકર’ આ અક્ષરો દેખાયા. તુલસીદાસનું આ કાવ્‍ય નષ્‍ટ કરવા માટે કેટલાક દુષ્‍ટ પંડિતોએ પ્રયત્ન કર્યા. તે ગ્રંથની ચોરી કરવા માટે તેમના ઘરે ચોરોને પણ મોકલવામાં આવ્‍યા; પણ બે ધનુર્ધર ત્‍યાં પહેરો ભરતા હોવાનું તેમને દેખાયું. તેઓ ભાગી ગયા. તુલસીદાસે પછી તે ગ્રંથ તેમના અતિપ્રિય મિત્ર તોડરમલ પાસે મૂક્યો.

હનુમાનજીના કહેવા પ્રમાણે તુલસીદાસે વિનયપદોની રચના કરી, ત્‍યારે શ્રીરામ ભગવાને તેના પર હસ્‍તાક્ષર કર્યા. આ રચના ‘વિનયપત્રિકા’ નામથી પ્રસિદ્ધ છે.

સંવત ૧૬૮૦ એટલે અષાઢ વદ પક્ષ ત્રીજ, શનિવારના દિવસે તુલસીદાસે અસ્‍સી ઘાટ પર શ્રીરામનામ લેતા લેતા દેહત્‍યાગ કર્યો.

Leave a Comment