પ્રાચીન ભારતીય વિદ્યાપીઠોનો ઉજ્જ્વળ ઇતિહાસ

ભારતમાં પ્રાચીન કાળથી પુષ્કળ મોટાં વિદ્યાપીઠો અસ્તિત્વમાં હતા. તેમાંના કેટલાંક વિદ્યાપીઠો, તો બારમા સૈકાના અંત સુધી ટકી રહ્યા હતા. તેમાંથી સહસ્રો વિદ્યાર્થીઓ ઉચ્ચ દરજ્જાનું શિક્ષણ લઈને બહાર પડતા હતા. વર્તમાનમાં  ઑક્સફર્ડ,  કેંબ્રિજ  ઇત્યાદિ પશ્ચિમી વિદ્યાપીઠોના નામો આપણે સાંભળીએ છીએ અને ત્યાંના શિક્ષણનો ઉચ્ચ સ્તર, તેમનું શિસ્તબદ્ધ અનુશાસન અને તેમની પ્રદીર્ઘ પરંપરા વિશેનું જ્ઞાન વાંચીને આપણને નવાઈ લાગે છે; પણ આપણા દેશમાં પણ એક સમયે વિદ્યાપીઠો અસ્તિત્વમાં હતાં. તક્ષશિલા, નાલંદા, વિક્રમશિલા, નાગાર્જુન, કાશી, પ્રતિષ્ઠાન, ઉજ્જયિની, વલ્લી, કાંચી, મદુરા, અયોધ્યા આ સર્વ વિદ્યાપીઠો પ્રસિદ્ધ હતા.

 

૧. તક્ષશિલા વિદ્યાપીઠ

કાળક્રમ અનુસાર તક્ષશિલા એ સૌથી પ્રાચીન વિદ્યાપીઠ હોવાનું નિશ્ચિત થાય છે. તેનો કાળ ખ્રિસ્તી ગણના પહેલાં ૮૦૦ વર્ષથી ૪૦૦ વર્ષ સુધીનો માનવામાં આવે છે. તક્ષશિલા શહેર હમણાના પાકિસ્તાન સ્થિત રાવળપિંડી શહેરથી પશ્ચિમ દિશામાં ૨૦ માઈલ દૂર વસ્યું હતું. પ્રાચીન ગંધારનું, એટલે હમણાના અફઘાનિસ્તાનનું તે રાજધાનીનું શહેર હતું. વિદ્યાપીઠનો પરિસર અતિશય ભવ્ય, પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતો હતો. મોટાં મોટાં મકાનો બાંધેલા હતા. ૧૦ સહસ્ર વિદ્યાર્થીઓ ભણી શકે, એટલી વ્યવસ્થા હતી. શૈક્ષણિક ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય કીર્તિ પામેલા આ વિદ્યાપીઠમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓની લાંબી હરોળ રહેતી. આ વિદ્યાર્થીઓમાં ભારતના તેમજ પૂર્વ ભણીના ઇંડોનેશિયા, વ્હિએતનામ, ચીન, જાપાન જ્યારે પશ્ચિમ ભણીના ઇરાન, ઇરાકથી ગ્રીક અને રોમ સુધીના વિદ્યાર્થીઓ આવતા હતા અને અહીં ૮-૧૦ વર્ષો રહીને શિક્ષણ લેતા હતા. અહીંના અભ્યાસક્રમમાં ૧૮ શાસ્ત્રો અને ૧૮ કળાઓનો અંતર્ભાવ હતો. આ શાસ્ત્રોમાં ઇતિહાસ, પુરાણ, રાશી (ગણિત), નક્ષત્રવિદ્યા, સર્પદંશજ્ઞાન વિદ્યા, ભૂતવિદ્યા, નીતિશાસ્ત્ર, શરીરવિજ્ઞાન, ચિકિત્સા ઇત્યાદિ શાસ્ત્રો, તેમજ હસ્તીશિક્ષા, મૃગયા, આયુર્વેદ, ધનુર્વેદ, શિલ્પકળા, મૂર્તિકળા, ચિત્રકળા ઇત્યાદિ કળાઓનો સમાવેશ થતો હતો. ધર્મ અને તત્ત્વજ્ઞાન એ તે કાળમાં મહત્ત્વના વિષયો હતા. શિલ્પકળા અને સ્થાપત્યકળાનું તક્ષશિલામાં આપવામાં આવનારું શિક્ષણ આજની અભિયાંત્રિકી મહાવિદ્યાલયમાં આપવામાં આવતા વિષયો સાથે હળતું-મળતું હતું. આ વિદ્યાપીઠને પ્રકાશમાન કરવાનું કામ ચાણક્ય ઉર્ફેં કૌટિલ્યએ કર્યું હતું. આ વિદ્યાકેંદ્ર પર ઇરાની, ગ્રીક, શક, કુશાણ, હૂણ જેવા પરકીયોએ સતત આક્રમણો કરીને વર્ષ ૫૦૦ના સમયગાળા દરમિયાન આ વિદ્યાપીઠ નષ્ટ કર્યું.

 

 ૨. નાલંદા વિદ્યાપીઠ

પ્રાચીન ભારતના શૈક્ષણિક ઇતિહાસમાં મગધ (એટલે અત્યારનું બિહાર) પ્રદેશનું નામ સોનેરી અક્ષરોમાં લખવું પડશે. પટનાની પૂર્વમાં ૪૦ માઈલ પર નાલંદા હતું. તે ગામનું મૂળ નામ વટગામ હતું. તે ઠેકાણે વર્ષ ૧૮૧૨ થી વર્ષ ૧૮૩૮ના કાળમાં ઉત્ખનન થયું. તેના પરથી આ વિદ્યાપીઠનો શોધ થયો.  નાલ એટલે કમળ. બુદ્ધ ચરિત્રમાં કમળને વધારે મહત્ત્વ હતું. તેના પરથી નાલંદા નામ પડ્યું હશે. આ પ્રાચીન વિદ્યાક્ષેત્ર ૧૬૦૦ ફૂટ લંબાઈ ધરાવતું અને ૪૦૦ ફૂટ પહોળું હતું. ફાહીયાન, વ્હૂએનત્સંગ ઇત્યાદિ ચીની પ્રવાસીઓએ અહીં સાત માળનું મકાન હતું, એમ કહ્યું છે. ઠેકઠેકાણે કમળના સરોવરો હતા. નાલંદા વિદ્યાપીઠના પ્રમુખ શીલભદ્ર પાસે વ્હૂએનત્સંગે ૧૫ માસ અધ્યયન કર્યું હતું. જાગતિક કીર્તિ ધરાવતા આ વિદ્યાપીઠમાં ૨ સહસ્ર શિક્ષક અને ૧૦ સહસ્ર વિદ્યાર્થીઓ હતા. શિક્ષકો અને વિદ્યાર્થીઓના નિવાસની વ્યવસ્થા અહીં હતી. ઇત્સિંગ નામક ચીની પ્રવાસી અહીં ૧૦ વર્ષો સુધી રહ્યો હતો. તેણે તેના પ્રવાસવર્ણનમાં લખી રાખ્યું કે, વિદ્યાપીઠનો પરિસર ૭ ચો.મા. હતો. ત્યાં પ્રવેશ લેનારા પ્રત્યેક વિદ્યાર્થીની કસોટી પરીક્ષા લીધા પછી જ યોગ્ય વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં આવતો હતો. આ વિદ્યાપીઠને પ્રકાશમાન કરવાનું શ્રેય ગુપ્ત વંશના રાજાઓને, તેમજ સમ્રાટ હર્ષવર્ધનને ફાળે જાય છે. આ વિદ્યાપીઠમાં અનેક વિષયોનું ઉત્કૃષ્ટ શિક્ષણ પ્રદાન કરવામાં આવતું હતું. અર્થશાસ્ત્ર અને તત્ત્વજ્ઞાન આ મહત્ત્વના વિષયો, તે ઉપરાંત ખગોળશાસ્ત્ર, આરોગ્યશાસ્ત્ર, ધાતુશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, યોગવિદ્યા, શિલ્પકળા, વાસ્તુકળા, ચિત્રકળા, સ્થાપત્યકળા અને ૧૮ સંપ્રદાય આ વિષયોનો પાઠ્યક્રમમાં સમાવેશ થતો હતો. બૌદ્ધ ધર્મ ઉપરાંત જૈન અને હિંદુ ધર્મનું પણ તત્ત્વજ્ઞાન અત્રે શીખવવામાં આવતું હતું. ન્યાયશાસ્ત્ર, વ્યાવહારિક જ્ઞાનનું અધ્યયન થતું હતું. નાલંદા ખાતેનું ગ્રંથાલય વિશેષ પ્રસિદ્ધ હતું. તેનું નામ  ધર્મગંજ  હતું. રત્નસાગર, રત્નોદધિ, રત્નરંજક એવાં ત્રણ મોટાં ગ્રંથાલયો હતાં. મુખ્ય મકાન ૯ માળનું હતું. અહીંના ગ્રંથાલયમાં લાખો ગ્રંથ રાખવામાં આવ્યા હોવા જોઈએ. આટલો વિશાળ ગ્રંથસંગ્રહ સમગ્ર જગત્માં બીજે ક્યાંય પણ ન હતો. ઇત્સિંગે તેના ૧૦ વર્ષોના વાસ્તવ્ય દરમિયાન આશરે ૫ લાખ શ્લોક અને ૪૦૦ સંસ્કૃત હસ્તલિખિતોનું ચીની ભાષામાં ભાષાંતર કર્યું અને આ જ્ઞાનનો અણમોલ વારસો તેના દેશમાં લઈ ગયો. ૧૩મા સૈકાના આરંભમાં બખત્યાર ખિલજી નામક મુસલમાન સુલતાને નાલંદા પર આક્રમણ કરીને ત્યાંના મકાનો નષ્ટ કર્યાં. ગ્રંથસંગ્રહ બાળી નાખ્યો. અનેક વિદ્વાન આચાર્ય અને વિદ્યાર્થીઓને જીવે મારી નાખ્યા.

(દૈનિક દેશોન્નતિ, અકોલા, ૪.૧૨.૨૦૦૫)

Leave a Comment