સુસંસ્કાર શા માટે આવશ્યક હોય છે ?

સુસંસ્કાર

કુંભાર ‘માટીના પિંડ’ને જેવો આકાર આપે, તેવા આકારનું માટલું બને છે. આકાર સરસ આપે, તો જ માટલું સારું બને છે. એકવાર માટલું બની ગયા પછી, તેનો આકાર બદલી શકાતો નથી. વાલીઓ, તમારા  પિંડ સંદર્ભમાં પણ બરાબર આમ જ  થાય છે. બાળકો મોટા થયા પછી તેમના પર સારા સંસ્કાર કેળવવા કઠિન હોય છે, પરંતુ કુમળી વયમાં તેમનું મન સંસ્કારક્ષમ હોવાથી તેમના પર સારા સંસ્કાર કેળવવા સહેલું પડે છે.

વાલીઓ જ બાળકના સાચા માર્ગદર્શક બની શકે છે. બાળકના મનની દેખભાળ કરીને તેમનામાં સુસંસ્કારનું બીજ રોપવાનું કાર્ય નિસર્ગે વાલીઓને સોંપ્યુ છે.

આજના બાળકોની સ્થિતિ કેવી છે ? કેટલાંક છોકરાઓ વડીલોનું સાંભળતા નથી, અભ્યાસ મન:પૂર્વક કરતા નથી અને શિક્ષકોનું ટીખળ કરે છે. અનેક છોકરાઓ કલાકોના કલાક સુધી ક્રિકેટ રમે છે અથવા દૂરચિત્રવાણી જુએ છે. કેટલાક જણ મોટા થાય ત્યારે ચલચિત્ર-કલાકાર બનવાનું ધ્યેય રાખીને સતત ચલચિત્રના ગીતો ગણગણતા હોય છે. કેટલાકને ખરાબ છોકરાઓની સંગત લાગી હોય છે, જ્યારે કેટલાક જણ માવો, ગુટખા ઇત્યાદિને અધીન થયેલા હોય છે. આ બધાને કારણે બાળકો સ્વાર્થી, ચિડકણાં, હઠીલા, ચંચળ અને વિકૃત બની રહ્યા છે. આ બધું રોકવા માટે બાળકો પર સુસંસ્કાર કરવા આવશ્યક બન્યું છે.

 

સારા સંસ્કાર

સવારે વહેલાં ઊઠવું, બા-બાપુજી અને વડીલોને નમસ્કાર કરવા, બધાયની સાથે નમ્રતાથી તેમજ પ્રેમથી વર્તવું, સ્વચ્છતા રાખવી, સુઘડતાથી રહેવું, પ્રતિદિન શાળમાં જવું, ગૃહપાઠ સમયસર કરવો, બાને ઘરકામમાં સહાયતા કરવી ઇત્યાદિ સારા સંસ્કાર છે.

૧. રાત્રે વહેલા સૂઈને સવારે વહેલા ઊઠવું !

‘વહેલા સૂવે, વહેલા ઊઠે, તેને આયુ-આરોગ્ય અને ધનસંપત્તિ મળે’. એમ કહ્યું છે. તેનો અર્થ છે જે વહેલો સૂઈને વહેલો ઊઠે છે, તેને દીર્ઘાયુષ્ય અને સારું આરોગ્ય પ્રાપ્ત થઈને તે ધનવાન બને છે. માત્ર આજકાલ અનેક બાળકો અભ્યાસ કરતા રહેવાથી અથવા દૂરચિત્રવાણી પરની માલિકા અથવા ચલચિત્ર જોતા રહેવાથી રાત્રે મોડે સુધી જાગે છે અને સવારે ૮-૯ વાગે ઊઠે છે.

૨. ભગવાનનો નામજપ કરવો

બેસીને ૧૦ મિનિટ સુધી તોયે ભગવાનનો નામજપ કરવો. બાળકો, અન્ય દેવતાઓ કરતાં આપણાં કુળદેવી આપણી સાદને તરત જ ‘હોકાર’ આપનારાં હોય છે; તેથી તેમની ઉપાસના કરવી. તે માટે તેમનો નામજપ કરવો. નામજપ કરતી વેળાએ દેવતાના નામની આગળ ‘શ્રી’ લગાડવો, નામને સંસ્કૃત વ્યાકરણ અનુસાર ચતુર્થીનો પ્રત્યય લગાડવો અને અંતે ‘નમ:’ બોલવું, ઉદા. કુળદેવતા જો ભવાનીદેવી હોય, તો  ‘શ્રી ભવાનીદેવ્યૈ નમ: ।’ એવી રીતે નામજપ કરવો. ઉપાસ્યદેવતા જો ગણેશ હોય, તો  ‘શ્રી ગણેશાય નમ: ।’ એવી રીતે નામજપ કરવો. જો કુળદેવતા જાણતા ન હોવ, તો ઉપાસ્યદેવતાનો નામજપ કરવો. સમગ્ર દિવસ દરમિયાન પણ વચ્ચે વચ્ચે નામજપ કરવાનો પ્રયત્ન કરવો.

૩. બા-બાપુજી અને ઘરમાંના વડીલો સાથેનું વર્તન

અ. વાંકા વળીને નમસ્કાર કરવા !

‘मातृदेवो भव । पितृदेवो भव ।’ એટલે  ભગવાન જેવા છે એવી આપણા મહાન હિંદુ ધર્મની શિખામણ છે. બા-બાપુજી, તેમજ ઘરની આપણા કરતાં વયથી મોટી બધી જ વ્યક્તિઓને વાંકા વળીને, અર્થાત્ તેમનો ચરણ-સ્પર્શ કરીને નમસ્કાર કરવા. બાળકો માટે બા સમગ્ર દિવસ દરમિયાન ૧૦ વાર તોયે નીચે નમતાં હોય છે. બહાર રમતી વેળાએ છોકરાઓ દ્વારા પાડોસીનું કાંઈ નુકસાન થાય, તો પાડોસીએ કરેલું અપમાન બાપુજી સહન કરે છે. બાળકો, આવા બા-બાપુજીને આજથી જ તમે બધા વાંકા વળીને નમસ્કાર કરશો ને ?

આ. બા-બાપુજીને કદીપણ દુભાવવા નહીં

બા-બાપુજી બાળકો માટે પુષ્કળ કષ્ટ સહન કરે છે. બાળકોનું બાળપણ સારી રીતે વ્યતિત થાય, તેમને સારું શિક્ષણ મળે તે માટે તેઓ પ્રયત્ન કરે છે. પણ કેટલાંક બાળકો બા-બાપુજીની સામે બોલે છે. તેને કારણે બા-બાપુજીનું મન દુભાય છે. બાળકો, આ ટાળવા માટે બા-બાપુજી સાથે પ્રેમથી વર્તવું અને તેમનાં વિશે કૃતજ્ઞ રહેવું.

ઇ. બા-બાપુજીએ કહેલું મન:પૂર્વક સાંભળવું

બાળકોને શું જોઈએ શું નહીં, તેના ભણી બા-બાપુજી ધ્યાન આપે છે, તેમજ માંદગી સમયે તેમની રાત્ર-દિવસ ક્યારેક ઉજાગરા કરીને પણ કાળજી લે છે. આ બધું કરતી વેળાએ તેઓ પોતાના ભણી જરાપણ ધ્યાન આપતા નથી. તેમના મગજમાં સતત બાળકોના જ વિચાર હોય છે. બાળકો, ખરું જોતા બા-બાપુજીની ગમે તેટલી સેવા કરીએ, તો પણ તેમનું ઋણ ચૂકવી શકાય નહીં. બા-બાપુજીના ઋણમાંથી થોડું ઘણું તોયે મુક્ત થવા માટે તેમણે કહેલું મનથી સાંભળવું, તેમજ તેમની સાથે હંમેશાં આદરથી બોલવું.

૪. ઘેર આવેલા મહેમાનો વિશે ભાવ કેવો હોવો જોઈએ ?

‘અતિથિના રૂપમાં ભગવાન જ આપણે ત્યાં પધારે છે’, એવી હિંદુ સંસ્કૃતિની શિખામણ છે. આ શિખામણ અનુસાર બાળકોએ મહેમાનોનું સ્વાગત અને આદરસત્કાર સારી રીતે કરવું જોઈએ.

બાળકોએ મહેમાનોનું સ્વાગત અને આદરસત્કાર કરવાની પદ્ધતિ

૧.    હાથ જોડીને નમસ્કાર કરીને મહેમાનોનું હસતે મોઢે સ્વાગત કરવું.

૨.    મહેમાનોના હાથમાં જો કાંઈ સામાન (થેલી અથવા બૅગ) હોય, તો તે તેમની પાસેથી માગી લેવું.

૩.    તેમને બેસવા માટે વિનંતી કરવી. મહેમાનો બેઠા પછી જ બાળકોએ બેસવું.

૪.    તેમને પાણી આપવું.

૫.    હસતે મોઢે, પ્રેમથી અને આત્મીયતાથી તેમના ખબર-અંતર પૂછવા.

૬.    બા-બાપુજી જો તેમના માટે ચા, કૉફી અથવા શરબત બનાવવાનું કહે, તો તે તરત જ બનાવવું.

૭.    બા-બાપુજી મહેમાનો સાથે વાતચીત કરતા હોય ત્યારે વચ્ચે વચ્ચે બોલવું નહીં.

૮.    મહેમાનો જવા માટે ઊભા થાય, ત્યારે બાળકોએ પણ ઊભા રહેવું. તેમને વિદાય આપતી વેળાએ તેમની સાથે થોડે દૂર સુધી તેમને મૂકવા જવું.

૫. શિક્ષકો સાથેનું વર્તન

શિક્ષકોને કારણે વિદ્યાર્થીઓને જીવનની દિશા પ્રાપ્ત થાય છે. બાળવયમાં અનેક વિદ્યાર્થીઓને સારા અને નરસામાંનો ભેદ સમજાતો નથી. શિક્ષક સારી-નઠારી બાબતો વિશે સમજાવીને કહે છે. આ બધું કરતી વેળાએ તેઓ ક્યારેક વિદ્યાર્થીઓ પર ગુસ્સે થાય છે ! આનો અર્થ એમ નથી કે, તેઓ વિદ્યાર્થીઓ પર પ્રેમ કરતા નથી. પ્રસંગે કઠોર થવા પાછળ પણ ‘વિદ્યાર્થીઓ સારા, સુસંસ્કારિત અને જ્ઞાની થાય’ એવો તેમનો ઉદ્દેશ હોય છે.

 શિક્ષકો સાથે આવી રીતે વર્તવું !

અ. હિંદુ સંસ્કૃતિ અનુસાર શિક્ષકોને ‘સર’ કહેવા કરતાં ‘ગુરુજી’ અથવા ‘આચાર્ય’ કહેવું યોગ્ય છે.

આ. શિક્ષક મળે ત્યારે તેમને નમ્રતાથી હાથ જોડીને ‘નમસ્કાર ગુરુજી’  એમ કહેવું.

ઇ. ગુરુપૂર્ણિમાને દિવસે શિક્ષકોને ફૂલ આપવું અને વાંકા વળીને નમસ્કાર કરવા.

ઈ. શિક્ષકોનો આદર જાળવીને તેમની સાથે હંમેશાં નમ્રતાથી બોલવું.

ઉ. વર્ગમાંના અન્ય વિદ્યાર્થીઓને પણ શિક્ષકોનો આદર જાળવવા માટે કહેવું.

આજના બાળકો આવતીકાલના દેશના આધારસ્તંભ છે. દેશનાં આધારસ્તંભ થવા માટે બાળકો ગુણસંપન્ન અને આદર્શ હોવા જોઈએ.