રથસપ્તમી

મહા સુદ પક્ષ સાતમ આ દિવસ રથસપ્તમી તરીકે ઊજવવામાં આવે છે. આને અચલા સપ્તમી વ્રત પણ કહે છે. આ વ્રત આરોગ્ય અને સમૃદ્ધિ પ્રદાન કરે છે. આ દિવસે ભગવાન ભુવન ભાસ્કર પોતાના રથ પર આરૂઢ થયા હતા. મકર સંક્રાંતિથી રથસપ્તમી સુધીનો કાળ પર્વ કાળ હોય છે. આ પર્વ કાળમાં દાન અને પુણ્યકર્મ વિશેષ ફળદાયી થાય છે. આ દિવસે સૂર્ય મંત્રનો જપ ૧૦૮ વેળા કરવામાં આવે છે. આ સૂર્ય મંત્ર નીચે જણાવ્યા પ્રમાણે છે.

‘ૐ ઘૃણિ સૂર્યાય નમ: ।’ અથવા ‘ૐ સૂર્યાય નમ: ।’

 

સૂર્યનારાયણની પૂજા

આ દિવસે રંગોળી અથવા ચંદનથી પીઠા પર સાત ઘોડાનો સૂર્યનારાયણનો રથ, અરુણ સારથી અને રથમાં સૂર્યનારાયણ એમ દોરે છે. ત્યાર પછી સૂર્યનારાયણની પૂજા કરે છે. આંગણામાં લાકડા બાળીને તેના પર નાના વાસણમાં દૂધને ઊભરો આવે ત્યાં સુધી તપાવે છે; અર્થાત્ તે અગ્નિને સમર્પિત થાય ત્યાં સુધી રાખે છે. ત્યાર પછી સહુકોઈને પ્રસાદ આપવામાં આવે છે.

આ દિવસે વ્રતના રૂપમાં મીઠા વિનાનું એક ટંકનું અન્ન અથવા ફળાહાર કરવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિવસે વ્રત કરનારાઓને સમગ્ર વર્ષ સુધી રવિવારનું વ્રત કરવાનું પુણ્ય મળે છે.