અંબાજીનો મેળો તિથિ : ભાદરવી પૂનમ

 

આસો, કારતક, ચૈત્ર અને ભાદરવાની પૂર્ણિમાનું કાંઈક વિશેષ મહત્ત્વ છે

લગભગ પ્રત્યેક પૂર્ણિમાએ માતા અંબાજીનો મેળો ભરાય છે, પરંતુ તેમાં પણ આ કાળને શક્તિની ઉપાસના કરવા માટે પુણ્યકાળ માનવામાં આવે છે. અહીં આ કાળમાં ભક્તગણ દર્શન, હોમ-હવન અને ગરબાનો લાભ લે છે. ગુજરાતનું લોકનૃત્ય ભવાઈ પણ ભજવવામાં આવે છે. સમગ્ર ભારતમાં યાત્રાધામ તરીકે મશહુર એવું શ્રી આરાસુરી અંબામાનું મંદિર ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકામાં આવેલું એક પુરાણ પ્રસિદ્ધ શક્તિપીઠ તરીકે ઓળખાય છે. ૩૫૮ સુર્વણ કળશ ધરાવતું ૫૧ શક્તિપીઠોમાં હૃદયસમું અંબાજી મંદિર લાખો ભાવિકોની શ્રદ્ધાનું કેંદ્ર છે. અરવલ્લી ગીરીમાળામાં આવેલું આ પવિત્ર યાત્રાધામ દરિયાઈ સપાટીથી ૧૬૦૦ ફૂટની ઉંચાઈ પર આવેલું છે, અહીં માતાજીની મૂર્તિ કે પ્રતિમા નથી, પરંતુ માતાજી અહીં શ્રીયંત્ર તરીકે બીરાજે છે. ભાદરવાની પૂનમને દિવસે આશરે ૧૫ લાખ ભાવિકો માતાજીના દર્શનાર્થે ઉમટી પડે છે, તેમાંના મોટાભાગના ભક્તો પગપાળાં જ પ્રવાસ ખેડે છે.