કારતક માસના તહેવારો

કરકચતુર્થી  (કરવાચોથ )

કારતક વદ ચતુર્થીને દિવસે કરકચતુર્થી અર્થાત્ કરવાચોથ ઊજવાય છે. આ વ્રતમાં શિવ-શિવા (પાર્વતી), કાર્તિકસ્વામી અને ચંદ્રમાનું પૂજન કરીને, કરવા (નૈવેદ્ય તરીકે બનાવેલું અન્ન) ધરાવે છે. ખાસ કરીને સોહાગણ સ્ત્રીઓ અથવા નવવિવાહિતાઓ આ વ્રત કરે છે અને નૈવેદ્યના ૧૩ કરવા, ૧ લોટો, ૧ વસ્ત્ર અને ૧ વિશેષ કરવા પતિના માતા-પિતાને આપે છે. વ્રત કરનારી સ્ત્રી ‘ૐ નમ: શિવાય’થી શિવ તેમ જ ‘ષણ્મુખાય નમ:’થી કાર્તિક સ્વામીનું પૂજન કરીને ચંદ્રમાને અર્ઘ્ય આપે છે અને પછી ભોજન કરે છે.

 

તુલસી વિવાહ

આ વિધિ કારતક સુદ અગિયારસથી પૂર્ણિમા સુધી કોઈપણ એક દિવસે કરવામાં આવે છે. શ્રીવિષ્ણુ (બાળકૃષ્ણની મૂર્તિ)નો તુલસી સાથે વિવાહ કરવાનો આ વિધિ છે. આ માટે વિવાહને પહેલે દિવસે તુલસી-વૃંદાવનને રંગીને સુશોભિત કરે છે. વૃંદાવનમાં સાંઠા, ગલગોટાના ફૂલ ચડાવે છે તેમ જ મૂળિયે આંબલી અને આમળા રાખે છે. આ વિવાહ સમારોહ સાંજના સમયે કરે છે.

વિશેષતાઓ

કારતક સુદ બારસને દિવસે તુલસી વિવાહ ઉપરાંત ચાતુર્માસ દરમ્યાન રાખેલા સર્વ વ્રતોનું ઉદ્યાપન કરવામાં આવે છે. જે પદાર્થો વર્જિત કર્યા હોય, તે બ્રાહ્મણને દાન આપીને, પછી પોતે સેવન કરે છે.

 

 દેવદિવાળી

દેવદિવાળી ઉત્તર ભારતમાં કારતક પૂર્ણિમા પર તથા દક્ષિણ ભારતમાં માગસર પૂર્ણિમા પર ઊજવવામાં આવે છે.

પૂજન

આ દિવસે પોતાના કુળદેવતા તેમ જ ઇષ્ટદેવતા સહિત, સ્થાનદેવતા, વાસ્તુદેવતા, ગ્રામદેવતા અને ગામના મુખ્ય ઉપદેવતા, મહાપુરુષ ઇત્યાદિ નિમ્નસ્તરીય દેવતાઓની પૂજા કરીને તેમને ભાવતો પ્રસાદ પહોંચાડવાનું કર્તવ્ય પૂર્ણ કરવામાં આવે છે. દેવદિવાળી પર મીઠાઈઓનો મહાનૈવેદ્ય (ભોગ) ચડાવવામાં આવે છે.

 

છઠપર્વ  (મહાપર્વ )

છઠપર્વ  બિહાર, ઝારખંડ અને પૂર્વ ઉત્તરપ્રદેશમાં સ્ત્રી-પુરુષો દ્વારા ખૂબ ધામધૂમથી તેમ જ શ્રદ્ધાપૂવક ઊજવવામાં આવે છે. આ પર્વ વર્ષમાં બે વાર આવે છે – પહેલું પર્વ ચૈત્ર સુદ છઠને દિવસે અને બીજું પર્વ કારતક સુદ છઠને દિવસે આવે છે. કારતક માસમાં ઊજવાતું છઠપર્વ વ્યાપક રૂપમાં હોય છે. આ પર્વનું અનુષ્ઠાન ચાર દિવસોનું હોય છે. સંપૂર્ણ કારતક માસ દરમ્યાન ડુંગળી, લસણ જેવા અસાત્ત્વિક પદાર્થો નથી આરોગતા. આ પર્વ કારતક સુદ ચોથથી આરંભ થાય છે. આમાં સૌથી પહેલાં પ્રાત: સ્નાન, પૂજા કરી લીધા પછી વ્રત કરનાર અરવા (કાચા) ચોખાનો ભાત, દેશી (શુદ્ધ) ઘીમાં તૈયાર કરેલી ચણાની દાળ અને દુધીનું શાક ગ્રહણ કરે છે. બીજા દિવસે, નિર્જળા ઉપવાસ કરીને સાંજે (કેવળ) વ્રત કરનાર વ્યક્તિ રોટલી અને ગોળની ખીર બનાવે છે અને નૈવેદ્ય (ભોગ) ચડાવીને શેષ (બાકી રહેલું) ભોજન ગ્રહણ કરે છે. આ વિધિને ‘ખરણા’ કહે છે.

ત્રીજા દિવસે સવારે સ્નાન ઇત્યાદિ પરવારીને મહાપ્રસાદ (દેશી ઘી, ગોળ, માવો અને દૂધની સાથે લોટનું મિશ્રણ કરીને) આંબાની ડાળી પર રાંધે છે. મહાપ્રસાદ બનાવવામાં કુટુંબના અન્ય સદસ્યો પણ સજલ ઉપવાસ કરીને આ વ્રતમાં સહભાગી બને છે. પ્રસાદ બનાવી લીધા પછી વાંસ, પીતળ અને તાંબાનાં સૂપડામાં ઉપલબ્ધ હોય તે ફળ અને પ્રસાદ ભરીને સાંજે નદી અથવા તળાવે જઈને સૂપડાને સૂર્યની દિશામાં રાખીને તેના પર દીવો પ્રગટાવવામાં આવે છે. વ્રત રાખનારા નદી, સરોવરમાં સ્નાન કરીને ભીના વસ્ત્રોથી જ અસ્ત પામતા સૂરજને અર્ઘ્ય આપે છે. પત્યેક વ્યક્તિ સૂપડું લઈને પાંચ પ્રદક્ષિણા ફરે છે. અર્ઘ્ય સમાપ્ત થાય ત્યારે ઘરે પાછા ફરે છે. બીજા દિવસે સવારે ત્રણ વાગે સ્નાન ઇત્યાદિ પરવારીને નદી, તળાવે આવીને ભક્તિભાવથી ગીતો ગાતાં ગાતાં સૂર્યોદયની પ્રતિક્ષા કરે છે અને ઉગતા સૂરજને અર્ઘ્ય અર્પણ કરીને પછી ઘેર આવીને આદુ અને ગોળ ખાઈને વ્રત છોડે છે. આવી રીતે ચાર દિવસોનું આ મહાપર્વ સંપન્ન થાય છે.

સંદર્ભ : સનાતનનો ગ્રંથ ‘તહેવાર, ધાર્મિક ઉત્સવ અને વ્રત’