ઘરે જ કરો રીંગણની વાવણી

Article also available in :

‘આપણા આહારમાં રીંગણનો નિયમિત ઉપયોગ હોય છે. રીંગણા જેવી રીતે વિવિધ આકારમાં હોય છે, તેવી જ રીતે તેમનો રસોઈમાં જુદી જુદી રીતે ઉપયોગ થતો હોય છે. રીંગણનું શાક, ઓળો, ભજિયા ઇત્‍યાદિ અનેક પ્રકારથી આપણે રીંગણા ખાઈએ છીએ. આપણે ઘરે જ રીંગણનો પાક સમગ્ર વર્ષ દરમ્‍યાન લઈ શકીએ છીએ.

શ્રી. રાજન લોહગાંવકર

 

૧. બિયારણમાંથી રોપોની નિર્મિતિ

રીંગણની વાવણી કરતા પહેલાં તેમના રોપ કરી લેવા આવશ્‍યક હોય છે. રીંગણના બી રોપવાટિકામાંથી લઈ આવવા. (કેટલાંક શહેરોમાં બિયારણની દુકાનો હોય છે. તે ઠેકાણે રીંગણના બી મળી શકે છે. – સંકલક) રીંગણના વિવિધ પ્રકાર અનુસાર જુદા જુદા બિયારણ ઉપલબ્‍ધ હોય છે. આપણને જોઈએ તે પ્રકારના બી લઈ આવવા. રોપો નિર્માણ કરવા માટે પહોળું વાસણ (ટ્રે), કાગળના પવાલા અથવા પ્‍લાસ્‍ટિક કે પૂઠાંના

નાના ખોખાં લેવા. નીચે પાણી વહી જવા માટે છિદ્ર પાડવું. તેમાં ‘પોટિંગ મિક્સ’ થી (સેંદ્રિય ખાતર નાખેલી માટીથી) અડધા કરતાં ઉપર ભરી લઈને ભીનું કરી લેવું. (‘પોટિંગ મિક્સ’ને બદલે નૈસર્ગિક રીતે જીવામૃત વાપરીને સૂકાયેલાં ખરેલાં પાન કોહવીને બનાવેલું હ્યુમસ પણ (ફળદ્રુપ માટી પણ) વાપરી શકાય છે. – સંકલક) માટી સમતલ (એકસરખી) કરી લઈને તેના પર એક પંક્તિમાં રીંગણના બી ફેલાવવા. બને ત્‍યાં સુધી રીંગણના વિવિધ પ્રકાર માટે જુદા જુદાં પહોળાં વાસણ અથવા ખોખાં વાપરવા. બી પર અડધાથી પોણો ઇંચ સેંદ્રિય ખાતરમિશ્રિત માટી ફેલાવીને ઝારી અથવા ‘સ્પ્રે’થી પાણી છાંટવું.

બિયારણને કીડીઓ ન આવે, એવા ઠેકાણે છાંયામાં; પણ સૂર્યપ્રકાશ મળે, એ પદ્ધતિથી ખોખાં રાખવાં. ૫ થી ૭ દિવસોમાં બીને અંકુર ફૂટશે. ‘સ્‍પ્રે’થી નિયમિત પાણી પાતા રહેવું. પાણી વધુ થાય, તો રોપો આડા પડી જાય છે. તેથી પાણીનું છાંટણ હળવા હાથે કરવું. સામાન્‍ય રીતે ૩ – ૪ અઠવાડિયામાં રોપો મોટા થાય છે. રોપ ૬ થી ૮ ઇંચ ઊંચા થયા પછી અથવા તેના પર પ્રત્‍યેક પર ૪ થી ૬ પાન આવ્‍યા પછી આપણે તે બીજા સ્‍થાન પર વાવી શકીએ.

 

૨. રીંગણના રોપોની પુનર્વાવણી

રીંગણના એક રોપ માટે ૧૫ થી ૨૦ લિટર ક્ષમતાનું કૂંડું પર્યાપ્‍ત છે. કૂંડાનું ઊંડાણ એક થી સવા ફૂટ હોવું આવશ્‍યક છે. કૂંડાના તળિયે અને સર્વ બાજુએ આવશ્‍યક તેટલા છિદ્રો કરીને તે હંમેશની જેમ ભરી લેવું. અંદરની સેંદ્રિય ખાતરમિશ્રિત માટી ભીની કરીને વચ્‍ચે હાથેથી ખાડો કરીને રોપો લગાડીને તેના ફરતે હળવા હાથે માટી દાબી દેવી. થોડું પાણી પણ નાખવું. રીંગણના રોપને રીંગણ આવે ત્‍યારે આધારની આવશ્‍યકતા હોય છે; તેથી રોપ નાના હોય, ત્‍યારે જ કૂંડામાં લાકડી ખોંસી દેવી. જો કૂંડું મોટું હોય, તો ૨ રોપ વચ્ચે એકથી દોઢ ફૂટ અંતર રાખવું. આધાર આપવા માટે પ્રત્‍યેક માટે એક લાકડી ખોસવી. રોપ ઊભો રહે પછી લાકડી સાથે જાડી દોરીથી બાંધી દેવો; પણ દોરી થડને કઠણ ન બાંધવી.

 

૩. રીંગણના રોપોની લેવાની કાળજી

૩ અ. જમીન પાસેના પાન કાપવા

રોપો માટીમાં સરખા ટેવાઈ જાય પછી વધવા લાગે છે. રોપના જમીન પાસેના જેટલાં પાન હોય, તે કાપીને રોપના મૂળિયે પાથરવા. થડ અને પાનની ડાળીના વચ્‍ચેના ભાગમાં જો નાના પાન દેખાય, તો તે પણ કાઢી નાખવા. માટીના સપાટી સુધી તડકો વ્‍યવસ્‍થિત પહોંચે, એ રીતે રોપના નીચેના ભાગમાંના પાન કાઢવા. રોપની ટોચ તોડવાથી રોપની આડી વૃદ્ધિ થઈને વધારે ડાળીઓ આવે છે અને વધારે રીંગણ મળે છે.

૩ આ. પાણી અને ખાતર વ્‍યવસ્‍થાપન

રીંગણના રોપોને પાણી પૂરતું અને નિયમિત પાવું. તેને કારણે ઝાડ નિરોગી રહે છે. આચ્‍છાદનનો ઉપયોગ આવશ્‍યક તેટલો જ કરવાથી માટીમાં ભીનાશ રહેશે. (‘ઝાડના મૂળિયે ખરેલાં સૂકા પાન પાથરવા’, આને આચ્‍છાદન કહે છે. – સંકલક) પ્રત્‍યેક ૧૫ દિવસો પછી (૧૦ ગણું પાણી નાખેલું જીવામૃત ઇત્‍યાદિ) દ્રવરૂપ ખાતરનું છાંટણ અને ૨ – ૩ અઠવાડિયે કંપોસ્‍ટ ખાતર (એક પ્રકારનું સેંદ્રિય ખાતર) નાખતા રહેવું. કંપોસ્‍ટ નાખતી વેળાએ તે આચ્‍છાદનની નીચે નાખીને તેના પર ફરીવાર આચ્‍છાદન કરવું.

૩ ઇ. જીવાતનું વ્‍યવસ્‍થાપન

રીંગણના પાક પર માવા અને પિઠ્યા માકડનો ત્રાસ થતો હોય છે. તે માટે ઝાડનું નિયમિત નિરીક્ષણ કરતા રહેવું. આવી જીવાત દેખાય, તો તે તરત જ કાઢી નાખવી. પાણીનું છાંટણ કરવાથી જીવાત નીકળી જાય છે. ‘નીમાર્ક’ (કડવા લીમડાના પાનનો અર્ક) અથવા ગોમૂત્ર અથવા અન્‍ય કોઈ સેંદ્રિય કીટકનાશક હોય, તો તેનું છાંટણ કરવું, કે જેથી જીવાત ફેલાશે નહીં. આ પાકમાં ફળમાખીનો પણ ત્રાસ પુષ્‍કળ થાય છે. તે માટે ઘરે જ ફાંદો બનાવીને બાગમાં રાખીએ, તો તેના પર પણ સારું નિયંત્રણ રહે છે.

૩ ઇ ૧. ફળમાખીઓ માટે ફાંદો બનાવવો

પ્‍લાસ્‍ટિકની બાટલીનું મોઢું કાપી લેવું. તેમાં તેલ, જેલી, ઓગળાવેલો ગોળ ઇત્‍યાદિ કોઈપણ ચીકણો દ્રવ ભરવો. તેના પર નાની વાટકીમાં મીઠી વાસના ફળના ટુકડા મૂકવા. બાટલીને સર્વ બાજુએથી સાધારણ ૧ સેં.મી. વ્‍યાસના છિદ્રો પાડી લેવા. બાટલીના ઉપરના ભાગમાં પ્‍લાસ્‍ટિકનો કાગળ વીંટવો. બાજુના છિદ્રોમાંથી માખીઓ અંદર જઈને બહાર નીકળવાના પ્રયત્નમાં નીચે રહેલા ચીકણા દ્રવ પર પડીને તેને ચોંટી જશે. અગાસી પરની બાગ માટે આ રીતની ૨ – ૩ બાટલીઓ ફળમાખી માટે ફાંદા તરીકે પૂરતી છે.

૩ ઈ. પરાગીભવન

રીંગણના રોપને સામાન્‍ય રીતે સવાથી દોઢ માસમાં ફૂલો આવવા લાગે છે. આ પાકમાં પરાગીભવન આપમેળે જ થાય છે. એકજ ફૂલમાં સ્‍ત્રી અને પું આ રીતે બન્‍ને કેસર હોવાથી પવનની ધીમી ગતિ પણ પરાગીભવન માટે પૂરતી છે. ફૂલો જો ખરી જતા હોય, તો હળવો ટચકો મારવાથી પણ પરાગીભવન થઈને ફળ બને છે.

 

૪. રીંગણની કાપણી

ફળ તૈયાર થયા પછી ૧૫ થી ૨૦ દિવસોમાં રીંગણ ઉતારી શકાય છે. રીંગણ દાબીને જોયા પછી જે થોડા કડક જણાય, તે કાઢવા માટે યોગ્‍ય સમજવા. રીંગણા હાથથી તોડીને કે ખેંચીને કાઢવા નહીં. હંમેશાં કાતરથી અથવા ધારદાર ચાકૂથી જ કાઢવા. ઝાડને પીડા થાય, એવું કાંઈ કરવું નહીં.

 

૫. અધિક ઉત્‍પન્‍ન મળવા માટે કરવાની ઉપાયયોજના

એકવાર રીંગણા મળવા લાગે કે, આગળ ૬ – ૭ માસ રીંગણ મળતા રહે છે. ત્‍યાર પછી રીંગણનો આકાર અને સંખ્‍યા ઓછી થાય છે. આ સમયે રોપની છાંટણી કરવી (ઉપર ઉપરથી કાપવું). ટોચ કાપવી. ૩ – ૪ સારી ડાળીઓ અને ૮ થી ૧૦ નિરોગી પાન રાખીને બાકીનો ભાગ કાપી નાખવો. આ કામ કડક ઉનાળામાં કરવાને બદલે બને ત્‍યાં સુધી ચોમાસામાં કરવું. સામાન્‍ય રીતે એક માસમાં ફરી નવા કૂંપળ ફૂટશે અને ફરીવાર પહેલાંની જેમ રીંગણ મળવા લાગશે; પણ ખાતર-પાણી દેવાનું વેળાપત્રક તંતોતંત પાળવું. ચાર માણસોના કુટુંબ માટે ૧૫ થી ૨૦ રોપ વાવવા. છાંટણી પછી બીજો ફાલ જો સમાધાનકારી ન હોય, તો રોપોની ફરીવાર વાવણી કરવાની સિદ્ધતા ચાલુ કરવી; પણ ફરીવાર તે જ માટીમાં રીંગણના નવા રોપ લગાડવાનું ટાળવું.’

– શ્રી. રાજન લોહગાંવકર, ટિટવાળા, જિલ્‍લો ઠાણે. (૨૨.૫.૨૦૨૧)

સાભાર : http ://vaanaspatya.blogspot.com/

 

૬. રીંગણા વાવણીનો પ્રત્યક્ષ પ્રયોગ – video

વાવણી કેવી રીતે કરવી, એ સમજવા માટે યુ-ટ્યૂબ પરનો વિડિયો વાચકોની સગવડ માટે આપી રહ્યા છીએ. આ વિડિયોમાંનો કેટલોક ભાગ ઉપરોક્ત લેખમાં આપેલી જાણકારી કરતાં જુદો હોઈ શકે. વિડિયોમાં જ્‍યાં રોપોની વાવણી માટે વિશિષ્‍ટ પ્રકારની માટી કહી છે, ત્‍યાં નૈસર્ગિક પદ્ધતિથી જીવામૃત વાપરીને સૂકા ખરેલાં પાન કોહવીને બનાવેલું હ્યુમસ પણ (સુપીક માટી પણ) ઉપયોગમાં લઈ શકાય છે. અન્‍ય કોઈપણ ખાતર કરતાં ૧૦ ગણાં પાણીમાં પાતળું કરેલું જીવામૃત વાપરી શકાય છે. વેચાતું લાવીને ખાતર વાપર્યા વિના પણ વાવણી ઘણી સારી થઈ શકે છે. હાયબ્રિડ બિયારણ કરતાં દેશી બિયારણનો ઉપયોગ કરવો.

Leave a Comment