ઇચ્‍છિત કાર્ય શુભ મુહૂર્ત પર કરવાનું મહત્ત્વ

Article also available in :

‘ભારતમાં પ્રાચીન કાળથી મહત્ત્વનું કાર્ય શુભ મુહૂર્ત પર કરવાની પરંપરા છે. આપણા દૈનંદિન જીવનમાં મુહૂર્તનો સંબંધ ઘણીવાર આવે છે. મુહૂર્ત વિશેની પ્રાથમિક જાણકારી આ લેખ દ્વારા સમજી લઈએ.

 

૧. મુહૂર્ત એટલે શું ?

મુહૂર્ત શબ્‍દનો જ્‍યોતિષશાસ્‍ત્રીય અર્થ ‘૪૮ મિનિટનો સમયગાળો’ હોય છે; પરંતુ વર્તમાનમાં પ્રચલિત અર્થ ‘શુભ અથવા અશુભ સમયગાળો’ આ રીતે છે. ભારતમાં વૈદિક કાળથી મહત્ત્વનાં કાર્યો શુભ મુહૂર્ત પર કરવાની પરંપરા છે. શ્રૌત, ગૃહ્ય અને ધર્મસૂત્રોમાં (ધર્મશાસ્‍ત્ર વિશદ કરનારા પ્રાચીન ગ્રંથો) ધાર્મિક વિધિ અને સંસ્‍કાર કયા મુહૂર્ત પર કરવા, એ કહ્યું છે. મુહૂર્ત વિશે સ્‍વતંત્ર જાણકારી દેનારા અનેક ગ્રંથ છે અને તેમાં અનેક મહત્ત્વના કામો કયા મુહૂર્ત પર કરવા જોઈએ, તે વિગતવાર આપ્‍યું છે. જ્‍યોતિષશાસ્‍ત્ર એ કાળમાપન અને કાળવર્ણનનું શાસ્‍ત્ર હોવાથી ‘મુહૂર્ત કાઢવો’ આ કેવળ જ્‍યોતિષશાસ્‍ત્ર દ્વારા સંભવ છે. જ્‍યોતિષશાસ્‍ત્ર ૬ વેદાંગોમાંથી એક છે, કારણકે કાળનું જ્ઞાન થયા પછી જ વેદોમાં કહેલાં કર્મો કરી શકાય છે.

શ્રી. રાજ કર્વે

 

૨. મુહૂર્ત જોઈને કાર્ય આરંભ કરવા પાછળનો ઉદ્દેશ

વિશ્‍વમાં થનારી પ્રત્‍યેક ઘટના વિશિષ્‍ટ સ્‍થળે અને વિશિષ્‍ટ સમયે બને છે; અર્થાત્ પ્રત્‍યેક બનાવને સ્‍થળ-કાળનું બંધન હોય છે. કોઈપણ કાર્યમાં યશ સંપાદન કરવા માટે સ્‍થળ અને કાળની અનુકૂળતા આવશ્‍યક હોય છે. આ સંદર્ભમાં મહાભારતનો નીચે  આપેલો શ્‍લોક માર્ગદર્શક છે.

‘नादेशकाले किञ्चित्‍स्‍यात् देशकालौ प्रतीक्षताम् ।’  – (મહાભારત, વનપર્વ, અધ્‍યાય ૨૮, શ્‍લોક ૩૨)

અર્થ : દેશકાળ (સ્‍થળ-કાળ) અનુકૂળ ન હોય, તો કાંઈ જ સાધ્‍ય થશે નહીં. તેથી દેશકાળ ભણી ધ્‍યાન આપવું.

તેથી ‘કાર્ય યશસ્‍વી થવા માટે કાળ અનુકૂળ હોવો’ આ મુહૂર્ત જોઈને કાર્યનો આરંભ કરવા પાછળનો ઉદ્દેશ છે.

હિંદુ ધર્મએ કેવળ મહત્ત્વનાં કાર્યો જ અનુકૂળ કાળ જોઈને કરવા માટે કહ્યું છે, એમ નથી, જ્‍યારે ‘માનવીએ કયા યુગમાં કઈ સાધના કરવી ?, જીવનના કયા સમયગાળામાં કયો પુરુષાર્થ સાધ્‍ય કરવો ?, દૈનંદિન નિત્‍યકર્મો કયા સમયમાં કરવાં ?’, ઇત્‍યાદિ વિશે વિગતવાર કહ્યું છે. ટૂંકમાં, હિંદુ ધર્મ કાળને અનુસરીને જીવન આચરવાની શિખામણ આપે છે.

 

૩. મુહૂર્ત માટે વિચારમાં લેવાતા પરિબળો

મુહૂર્ત માટે તિથિ, નક્ષત્ર, વાર, યોગ અને કરણ આ ૫ અંગોનો મુખ્‍યત્‍વે વિચાર થાય છે. આવશ્‍યકતા અનુસાર માસ, અયન (ઉત્તરાયણ અને દક્ષિણાયન) અને વર્ષનો વિચાર થાય છે. મુહૂર્ત નક્કી કરતી વેળાએ કાર્યના સ્‍વરૂપને પૂરક એવા ગુણધર્મ ધરાવતી તિથિ, નક્ષત્રો ઇત્‍યાદિ પરિબળો પસંદ કરવામાં આવે છે. ઉદા. પ્રવાસનો આરંભ કરવા માટે અશ્‍વિની, મૃગ, પુનર્વસુ, ચિત્રા ઇત્‍યાદિ વાયુતત્ત્વનાં (ગતિ દર્શાવનારાં) નક્ષત્રો ઉપયુક્ત છે; વિવાહ સંસ્‍કાર માટે અમાસ તેમજ ‘રિક્તા’ તિથિઓ વર્જ્‍ય છે. (ચતુર્થી, નવમી અને ચતુર્દશી આ રિક્તા તિથિઓ છે. રિક્તા એટલે ન્‍યૂનતા); વિદ્યા પ્રાપ્‍ત કરવા માટે અશ્‍વિની, પુષ્‍ય, હસ્‍ત, રેવતી ઇત્‍યાદિ ‘દેવગણી’ નક્ષત્રો (સત્ત્વગુણી નક્ષત્રો) યોગ્‍ય છે; દેવતાઓની પ્રતિષ્‍ઠાપના કરવા માટે ઉત્તરાયણનો કાળ પ્રશસ્‍ત છે ઇત્‍યાદિ.

 

૪. શુભ મુહૂર્ત પર જો
કાર્ય કરવાનું સંભવ ન હોય તો શું કરવું ?

કેટલીક વાર મુહૂર્ત પર કાર્યનો આરંભ કરવો વ્‍યક્તિના હાથમાં હોતું નથી, ઉદા. પરીક્ષા હોય, તો સાર્વજનિક વાહન દ્વારા દૂરનો પ્રવાસ કરવો પડે છે, ઇત્‍યાદિ. આવા સમયે ઉપાસ્‍ય દેવતાને કાર્યમાંની અડચણો દૂર થવા માટે અને કાર્ય નિર્વિઘ્‍ન રીતે પાર પડવા માટે ભાવપૂર્ણ પ્રાર્થના કરવી.

 

૫. સંતોએ કહેલા સમય પાછળ
તેમની સંકલ્‍પશક્તિ હોવાથી તે જ મુહૂર્ત હોવો

જો સંતોએ એકાદ કાર્ય માટે વિશિષ્‍ટ સમય કહ્યો હોય, તો જુદો મુહૂર્ત જોવાની આવશ્‍યકતા નથી હોતી. સંત ઈશ્‍વરસ્‍વરૂપ હોય છે. ઈશ્‍વર સ્‍થળ અને કાળની પેલે પાર હોય છે. તેને કારણે સંતોએ એકાદ કાર્ય માટે કહેલા સમય પાછળ તેમની સંકલ્‍પશક્તિ હોવાથી તે જ મુહૂર્ત હોય છે.’

– શ્રી. રાજ કર્વે, જ્‍યોતિષ વિશારદ, ગોવા. (૧૦.૧૨.૨૦૨૨)

Leave a Comment