ચોમાસામાં નૈસર્ગિક રીતે ઉગેલી ઔષધી વનસ્‍પતિઓનો સંગ્રહ કરો ! (ભાગ ૧)

Article also available in :

આગામી ભીષણ મહાયુદ્ધકાળમાં ડૉક્‍ટર, વૈદ્ય, બજારમાંની ઔષધિઓ ઇત્‍યાદિ ઉપલબ્‍ધ થશે નહીં. આવા સમયે આપણને આયુર્વેદનો જ આધાર હશે. ક્રમવાર પ્રસિદ્ધ થનારા લેખના આ ભાગમાં ‘નિસર્ગમાંની વનસ્‍પતિઓનો સંગ્રહ કેવી રીતે કરવો’ આ વિશેની માહિતી સમજી લઈએ. વહેલા જ આ વિષય પર સનાતનનો ગ્રંથ પ્રકાશિત થવાનો છે. આ ગ્રંથમાં ‘ઔષધી વનસ્‍પતિઓ ભેગી કરીને સંગ્રહી રાખવી’ આ વિશે વ્‍યાવહારિક (પ્રત્‍યક્ષ કરવાની કૃતિઓ) જાણકારી વિગતવાર આપવામાં આવશે.

 

૧. ચોમાસા પછી કેટલીક ઔષધી વનસ્‍પતિઓ
સૂકાઈ જતી હોવાથી તે અત્‍યારથી જ ભેગી કરી રાખો !

વૈદ્ય મેઘરાજ પરાડકર

‘પ્રતિવર્ષે વરુણદેવતાની કૃપાથી વરસાદમાં નિસર્ગતઃ અસંખ્‍ય ઔષધી વનસ્‍પતિઓ ઉગે છે. તેમાંની કેટલીક વનસ્‍પતિઓ ચોમાસું સમાપ્‍ત થયા પછી સામાન્‍ય રીતે ૧ – ૨ માસમાં સૂકાઈ જાય છે. ત્‍યાર પછી ફરીવાર ચોમાસું આવે ત્‍યાં સુધી આ વનસ્‍પતિઓ ઉપલબ્‍ધ થતી નથી. તેથી આવી વનસ્‍પતિઓ હમણાથી જ ભેગી કરી રાખવી જોઈએ.

 

૨. ઔષધી વનસ્‍પતિઓ સંગ્રહ કરી રાખવાના લાભ

આ લેખમાં આપેલી ઔષધી વનસ્‍પતિઓમાંથી કેટલીક વનસ્‍પતિઓ આયુર્વેદ-ઔષધિઓની દુકાનમાં વેચાતી મળે છે; પણ આવી વનસ્‍પતિઓ વેચાતી લેવા કરતાં તે નિસર્ગમાંથી ભેગી કરવી ક્યારે પણ સારું છે. વેચાતી મળનારી ઔષધી વનસ્‍પતિઓ તાજી જ હશે, તેની ખાતરી હોતી નથી. વનસ્‍પતિઓ જૂની હોય તો તેની પરિણામકારિતા ન્‍યૂન થાય છે. ઘણીવાર બજારમાં મળનારી ઔષધી વનસ્‍પતિઓમાં મોટા પ્રમાણમાં ભેળસેળ હોય છે. તેમાં ધૂળ, માટી અને અન્‍ય કચરો પણ હોય છે. એથી ઊલટું જ્યારે આપણે પોતે આવી વનસ્પતિઓ ભેગી કરીએ ત્યારે તે તાજી અને ભેળસેળ વિનાની મળે છે. આવી વનસ્‍પતિઓ આપણે ધોઈને રાખી શકીએ છીએ. તેથી તે ચોખ્‍ખી પણ રહે છે. વનસ્‍પતિ ભેગી કરીને સરખી સૂકવીને હવાબંધ ડબામાં સુરક્ષિત રાખવાથી સામાન્‍ય રીતે ૧ થી દોઢ વર્ષ ઉપયોગમાં લઈ શકાય છે.

 

૩. વનસ્‍પતિઓની ઓળખાણ થવા માટે
ગામના જાણકાર અથવા પરિચિત વૈદ્યોની સહાયતા લો !

ગામડામાં મોટાભાગના વડીલોને ઘણી ઔષધી વનસ્‍પતિઓની જાણકારી હોય છે. આવી વ્‍યક્તિઓને આ લેખમાં આપેલાં વનસ્‍પતિઓનાં છાયાચિત્રો બતાવીને તે વનસ્‍પતિઓ ક્યાં મળી શકે, એ પૂછીને આ વનસ્‍પતિઓની ખાતરીપૂર્વક ઓળખાણ કરી લો. બને તો આપણા ઓળખીતા વૈદ્યની પણ સહાયતા લઈ શકાશે. વૈદ્યોને ઔષધી વનસ્‍પતિની ઓળખાણ તો હોય છે જ, તેમજ તેનો ઉપયોગ કેવી રીતે કરવો, તેનું જ્ઞાન પણ હોય છે. એકાદ કુશળ વૈદ્ય જ ઔષધી વનસ્‍પતિઓનો વિવિધ રોગો પર પ્રભાવી રીતે ઉપયોગ કરી શકે છે. આ લેખમાં આપેલી વનસ્‍પતિઓ ઉપરાંત એકાદ જાણકાર જો અન્‍ય વનસ્‍પતિઓ વિશે પણ કહે, તો તેનો પણ યોગ્‍ય પ્રમાણમાં સંગ્રહ કરી રાખવો.

 

૪. ઔષધી વનસ્‍પતિઓ ભેગી કરવા વિશે કેટલાંક પ્રાયોગિક સૂત્રો

અ. ઘરમાંથી બહાર જવા પહેલાં પ્રાર્થના કરવી અને ઘરે આવ્‍યા પછી કૃતજ્ઞતા વ્‍યક્ત કરવી.

આ. અસ્‍વચ્‍છ, મેલું પાણી, કાદવ, સ્‍મશાનભૂમિ ઇત્‍યાદિ ઠેકાણેની વનસ્‍પતિઓ ભેગી કરવી નહીં. ઔષધી વનસ્‍પતિઓ જો ભેગી કરતા હોવ, તો તે જગ્‍યા સ્‍વચ્‍છ હોવી જોઈએ.

ઇ. તે પરિસરમાં પ્રદૂષણ નિર્માણ કરનારા, ખાસ કરીને હાનિકારક રસાયણો છોડનારા કારખાનાઓ હોવા જોઈએ નહીં.

ઈ. ફૂગ અથવા કીડા પડેલી, તેમજ રોગયુક્ત વનસ્‍પતિઓ લેવી નહીં.

ઉ. ઝેરીલા વૃક્ષો પરની વનસ્‍પતિઓ લેવી નહીં. ઉદા. ઝેરકચૂલા (એક ઝેરી બિયાંનું ઝાડ)ના ઝાડ પરનો ગળો (વેલ) લેવો નહીં.

ઊ. જ્‍યાં મનને ત્રાસદાયક સ્‍પંદનો જણાતા હોય, તે જગ્‍યા પરની વનસ્‍પતિઓ લેવી નહીં.

એ. વનસ્‍પતિઓની ખાતરીદાયક ઓળખાણ થયા વિના વનસ્‍પતિઓ ચૂંટવી નહીં. ભૂલભરેલી વનસ્‍પતિઓનો ઉપયોગ થવાથી હાનિકારક પરિણામ પણ થઈ શકે છે. તેથી જાણકાર દ્વારા વનસ્‍પતિઓની ખાતરીપૂર્વક ઓળખાણ કરી લેવી.

ઐ. સૂર્યાસ્‍ત પછી ઔષધી વનસ્‍પતિઓ તોડવી નહીં.

 

૫. ઔષધી વનસ્‍પતિઓ ભેગી કર્યા પછી કરવાની પ્રક્રિયા

અ. ભેગી કરેલી વનસ્‍પતિઓ સૂતળીથી બાંધીને તેના પર તરત જ નામ લખીને થેલીમાં ભરી દેવી.

આ. તેને ઘરમાં લાવીને સ્‍વચ્‍છ ધોઈ લેવી. વનસ્‍પતિઓ ધોતી વેળાએ તેમના બી વેડફાય નહીં તે માટે ધોવા પહેલાં તે જુદા તારવી લેવા. વનસ્‍પતિઓ જો મૂળિયા સાથે ઉખાડીને લાવ્‍યા હોવ, તો તેમના મૂળિયા કાતરથી કાપીને ઝાડથી જુદા તારવવા. મૂળિયાને માટી લાગી હોય તો તે માટી વનસ્‍પતિઓ ધોતી વેળાએ અન્‍ય વનસ્‍પતિઓને લાગે નહીં, તે માટે મૂળિયા જુદા ધોવા.

ઇ. વનસ્‍પતિઓ સ્‍વચ્‍છ ધોવાય, તે માટે તે લાવ્‍યા પછી અર્ધાથી એક કલાક પાણીમાં પલાળી રાખવી. તેથી તેના પર રહેલી ધૂળ અને અન્‍ય મેલ પલળીને વહેલા અલગ થવામાં સહાયતા થશે.

ઈ. વનસ્‍પતિઓ ભીની હોય ત્‍યારે જ તેના નાના નાના ટુકડા કરી રાખવા.

ઉ. વનસ્‍પતિઓ ધોઈ નાખ્‍યા પછી તે તડકામાં સરખી સૂકવવી. વનસ્‍પતિઓ જો સુગંધિત હોય, તો તેમને તડકે સૂકવવાને બદલે છાંયામાં સૂકવવી. સૂકવેલી વનસ્‍પતિઓ પર આગળની પ્રક્રિયા જો તરત જ ન કરવાની હોય તો તે પ્‍લાસ્‍ટિકની થેલીમાં નામ લખીને સીલબંધ કરીને રાખવી. વનસ્‍પતિઓની સીલબંધ કરેલી થેલીઓ હવાબંધ ડબામાં મૂકવી.

ઊ. સૂકવીને રાખેલી વનસ્‍પતિઓ અથવા તેમના ચૂર્ણ જો વપરાશમાં ન હોય, તો નિશ્‍ચિત સમયગાળા પછી ડબા ખોલીને તે સુસ્‍થિતિમાં છે ને, તે તપાસી જોવું.

એ. વનસ્‍પતિઓના સરખા સૂકાયેલા ટુકડા મિક્સરમાં નાખીને તેની ઝીણી ભૂકી કરી રાખવી. મિક્સરમાં કરેલી ભૂકી ચાળણીથી ચાળી લેવી. ચાળણીમાં જે ભરડો રહે, તે ફરી એકવાર મિક્સરમાં ફેરવીને ઝીણો કરવો અથવા જેમનો તેમજ જુદી થેલીમાં મૂકી દેવો. વનસ્‍પતિઓની ઝીણી ભૂકીને ‘ચૂર્ણ’, જ્‍યારે ચાળણીમાં જે ભરડો રહે છે, તેને ‘યવકુટ ચૂર્ણ’ અથવા ‘ભરડો’ કહે છે. ચૂર્ણ પેટમાં લેવા માટે અથવા લેપ માટે, જ્‍યારે ભરડો ઉકાળો કરવા માટે ઉપયોગમાં લેવાય છે. સર્વ ચૂર્ણ એકત્રિત ભરી રાખવા કરતા સાધારણ રીતે ૧૫ ચમચી ચૂર્ણની નાની નાની થેલીઓ ભરવી. પ્રત્‍યેક થેલી પર ચૂર્ણનું નામ અને ઉત્‍પાદન દિનાંક લખીને સીલબંધ કરીને હવાબંધ ડબામાં મૂકી રાખવું. એમ કરવાથી ચૂર્ણ વધારે સુરક્ષિત રહે છે.

 

૬. વનસ્‍પતિઓ ભેગી કરતી વેળાએ
મળનારા બીયારણ દ્વારા તેમનું વાવેતર પણ કરો !

કેટલીક વનસ્‍પતિઓ નિસર્ગતઃ વધારે પ્રમાણમાં ઉપલબ્‍ધ ભલે હોય, તો પણ તેમનું વાવેતર કરવું પણ યોગ્‍ય પુરવાર થાય છે. વાવેતર કરવાથી આપણી આવશ્‍યકતા અનુસાર જોઈએ તે સમયે વનસ્‍પતિ ઉપલબ્‍ધ થઈ શકે છે. ઔષધી વનસ્‍પતિઓ ભેગી કરતી સમયે તે વનસ્‍પતિઓના બીજ પણ જુદા તારવી રાખવા. જેમને શક્ય છે, તેમણે આ વનસ્‍પતિઓનું પોતાના ફળિયામાં અથવા ખેતરમાં વાવેતર કરવું. કઈ વનસ્‍પતિનું વાવેતર કરવું, એ આગળ સંબંધિત વનસ્‍પતિની માહિતીમાં આપ્‍યું છે.

 

૭. રસ્‍તામાંથી આવતાં-જતાં જે દેખાય
તે વનસ્‍પતિઓનું નિરીક્ષણ કરવાની ટેવ પાડો !

આપણે આવતાં-જતાં અનેક વનસ્‍પતિઓ જોતા હોઈએ છીએ; પણ તે ઔષધી વનસ્‍પતિઓ છે, તેની આપણને જાણ હોતી નથી. આ લેખમાં આપેલી વનસ્‍પતિઓ સર્વત્ર જોવા મળે છે. આ વનસ્‍પતિઓ રસ્‍તે આવતાં-જતાં પણ સહજ ઓળખી શકાય, તેવી છે. આ, તેમજ અન્‍ય પણ વનસ્‍પતિઓનું નિરીક્ષણ કરવાની અને તેમની ઓળખાણ કરી લેવાની આપણે પોતાને ટેવ પાડી લઈએ, તો ભીષણ આપત્‍કાળમાં આપણે તેમનો ઉપયોગ કરી શકીશું.

– વૈદ્ય મેઘરાજ માધવ પરાડકર, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૧૮.૧૧.૨૦૨૦)

ચોમાસામાં નૈસર્ગિક રીતે ઉગેલી ઔષધી વનસ્‍પતિઓનો સંગ્રહ કરો ! (ભાગ ૨)

Leave a Comment