આગામી ત્રીજા મહાયુદ્ધ સમયે આવનારી આપત્તિઓનો પ્રત્‍યક્ષ સામનો કેવી રીતે કરવો ? – ભાગ ૪

Article also available in :

સનાતન ગત અનેક વર્ષોથી કહે છે તે આપત્‍કાળ બારણું ખખડાવી રહ્યો છે. ગમે ત્‍યારે તે હવે અંદર પ્રવેશ કરી શકે છે. ગત વર્ષથી ચાલુ રહેલું કોરોના મહામારીનું સંકટ આપત્‍કાળની નાનકડી ઝલક છે. પ્રત્‍યક્ષમાં આપત્‍કાળ આનાથી અનેક ગણો ભયાનક અને અમાનુષ હશે. તેનાં વિવિધ રૂપો હશે. તેમાં માનવનિર્મિત, તેમજ નૈસર્ગિક પ્રકાર હશે. તેમાંના કેટલાકની જાણકારી આપણે આ લેખમાલિકા દ્વારા કરી લેવાના છીએ. આ આપત્‍કાળમાં પોતાનો અને પોતાના કુટુંબનો બચાવ કરવા માટે શું કરી શકાય, તેની થોડીઘણી જાણકારી આ લેખમાલિકા દ્વારા આપવાનો પ્રયત્ન કર્યો છે. આજના લેખમાં ધરતીકંપ વિશે જાણકારી આપવામાં આવી છે. ધરતીકંપ આવતાં પહેલાંના લક્ષણો, ધરતીકંપ આવતાં પહેલાં કરવાની કેટલીક સિદ્ધતા, પ્રત્‍યક્ષ ધરતીકંપ થાય તો શું કરવું અને ધરતીકંપ થયા પછી શું કરવું, આ વિશે જાણકારી આપવામાં આવી છે.

ભાગ ૩ વાંચવા માટે https://www.sanatan.org/gujarati/10459.html

 

૨. નૈસર્ગિક આપત્તિ

૨ અ.  ધરતીકંપ

૨ અ ૧. ધરતીકંપના સર્વસામાન્‍ય લક્ષણો

ધરતીકંપ થતો હોય ત્‍યારે નીચે જણાવેલામાંથી એક અથવા વધારે લક્ષણો અનુભવી શકાય છે.

અ. ભૂમિમાંથી ‘ગુરગુર’ એવો અવાજ આવે છે.

આ. છાજલી પરના વાસણો ધ્રૂજે છે.

ઇ. ભીંતની પરતમાં તડ પડીને પોપડી નીચે પડે છે.

ઈ. ભીંતમાં તડ પડે છે, દુર્બળ ઘરો અને ભીંતો પડી ભાંગે છે.

ઉ. ભૂપૃષ્‍ઠ (જમીન) પર ભૌગોલિક પાલટ થાય છે. ધરતીકંપને કારણે ભૂપૃષ્‍ઠનો ભાગ આગળ-પાછળ અથવા ઉપર-નીચે થાય છે.

ઊ. રસ્‍તાને તિરાડ પડવી, તેમજ ભેખડો અને પૂલ પડી જાય છે.

એ. રેલગાડીના પાટા વાંકા વળે છે અથવા વાંકાચૂંકા બની જાય છે.

ઐ. બંધની મજબૂત ભીંતોને તડ પડે છે.

ઓ. સાગરી ધરતીકંપને કારણે ‘સુનામી મોજાં’ નિર્માણ થાય છે. આ સેંકડો ફૂટ ઊંચા મોજાં સમુદ્રકિનારે હાહાઃકાર મચાવી દે છે.

૨ અ ૨. ધરતીકંપ પહેલા જ ધરતીકંપ સામે રક્ષણ થવા માટે કરવાની પૂર્વસિદ્ધતા
અ. સાવચેતી, સમયસૂચકતા અને ધીરજ રાખીને વર્તન કરવાનું મહત્વ

ધરતીકંપ ક્યારે, ક્યાં અને કેટલી ક્ષમતાનો થશે, તેનું પૂર્વાનુમાન કરવું સંભવ નથી. તેથી આપણે હંમેશાં સાવચેતી, સમયસૂચકતા અને ધીરજથી વર્તન કરીએ, તો જીવિત અને વિત્ત હાનિ ટળી શકે અથવા ઓછી થઈ શકે છે. તેને કારણે લોકોને ધરતીકંપ અથવા કોઈપણ નૈસર્ગિક આપત્તિઓ વિશે વૈજ્ઞાનિક દૃષ્‍ટિએ જાગૃત કરવા, એ પ્રત્‍યેકનું  કર્તવ્‍ય છે. ધરતીકંપમાં થનારી  ભાંગતોડ, ભય અને કચડાકચડીને કારણે જ ખાસ કરીને લોકો મૃત્‍યુ પામતા હોય છે.

આ. ધરતીકંપની તીવ્રતા સમજવા માટે ઘરમાં ઘંટડી ટાંગવી

ધરતીકંપની તીવ્રતા સમજવા માટે ઘરમાં નાની ઘંટડી ટીંગાડી રાખવી. ધરતીકંપ થાય ત્‍યારે આ ઘંટડીનાં કંપન (Vibrations) વધારે પ્રમાણમાં થવાથી ધરતીકંપની તીવ્રતા વધારે હોવાનું ધ્‍યાનમાં આવે છે.

ઇ. ધરતીકંપ સમયે સંતાઈ જવાની જગ્‍યાઓ શોધી રાખો

આ સમયે ઘરના ખૂણા, જાડા પટલ (ટેબલ) નીચેની જગ્‍યા, બાકડાની કમાનો ઇત્‍યાદિ સુરક્ષિત જગ્‍યાઓ હોય છે. આ સિવાય જોખમી જગ્‍યાઓ પણ ધ્‍યાનમાં રાખો અને ધરતીકંપ સમયે તેનાથી દૂર રહો.

ઈ. ઊંચાઈ પરના અને ભારે સામાન વિશે આ કરો !

ઘરમાંનું ભારે સામાન ઊંચાઈ પર રાખવું નહીં; કારણકે તે શરીર પર પડીને જોખમ ઉત્ત્પન  થઈ શકે છે. ધરતીકંપના સમયે ભીંત પરનાં પાટિયાં પર મૂકેલી સામગ્રી, કબાટો અથવા અન્‍ય ફર્નિચર પડવાની શક્યતા હોવાથી તેને ભીંત સાથે ખીલા મારીને જકડી રાખો.

ઉ. કાચની વસ્‍તુઓ તાળાબંધ કબાટમાં રાખો !

મોટી વસ્‍તુઓ અથવા નાજુક અને મૂલ્‍યવાન વસ્‍તુઓ ઓછી ઊંચાઈ પર રાખો. કાચની અથવા ફૂટી જાય તેવી વસ્‍તુઓ કબાટમાં તાળું મારીને રાખવી. બારણાને કાચ રહેલા કબાટ, અરીસા, તસ્‍વીરો ઇત્‍યાદિ બને ત્‍યાં સુધી ન રાખવા અથવા નીચે રાખવા.

ઊ. છાપરે ટાંગેલી વસ્‍તુઓ, ઉદા. ઝુમ્‍મર ઇત્‍યાદિ નીચે ન પડે; તે માટે વધારે મજબૂતાઈથી ટીંગાડવી અથવા બને તો નીચે ઉતારી મૂકવી.

એ. છાપરાને જો નાની-મોટી તિરાડ પડી હોય તો તે તત્‍પરતાથી સમી કરાવી લેવી.

ઐ. ધરતીકંપ પછી ગૅસ સિલિંડરના પાઈપ તૂટી જઈને આગ લાગવાની સંભાવના હોવાથી પહેલેથી જ ન તૂટનારા લચીલા પાઈપ બેસાડી લેવા.

૨ અ ૩. ધરતીકંપ સમયે આ કરો !

અ. ધરતીકંપ થતો હોય ત્‍યારે જો મકાન પુષ્‍કળ હલતું હોય, તો ત્‍યાંથી બહાર નીકળવા માટેનું જોખમ ઘણું ગંભીર હોઈ શકે છે. તે માટે જાડા પટલ નીચે (ટેબલ નીચે) સંતાઈ જવું અથવા તેમ ન બને તો પોતાની ડોક અને માથું પોતાના હાથથી ઢાંકીને રક્ષણ કરવું.

આ. મકાનમાંથી ધાંધલધમાલ કર્યા વિના બહાર નીકળો : જો ઘર, કાર્યલય અથવા એકાદ મકાનમાં હોવ, તો ધાંધલધમાલ કર્યા વિના તત્‍પરતાથી બહાર નીકળવું. આ સમયે ઉદ્વાહનનો (લિફ્‍ટનો) ઉપયોગ કરવો નહીં.

ઇ. સુરક્ષિત સ્‍થાન પર રોકાવું : વધારે તીવ્રતાનો ધરતીકંપ આવે તો, ઘરમાં, કાર્યાલયમાં હોવ તો ત્‍યાં જ રોકાવ. પહેલા પસંદ કરેલી સુરક્ષિત જગ્‍યામાં જઈને ઊભા રહો. મોટા પટલ નીચે સંતાઈ જાવ. માથાનું રક્ષણ કરવા માટે ઓશિકાનો ઉપયોગ કરો. બારી-બારણાં પાસે ઊભા રહેવાનું ટાળો.

ઈ. સર્વ વિદ્યુત પ્રવાહ તુરંત બંધ કરો. ગૅસ સિલિંડર, સ્‍ટોવ ઇત્‍યાદિ બંધ કરો.

ઉ. મકાન બહાર અથવા ખુલ્‍લી જગ્‍યામાં હોવ, તો ત્‍યાં જ રોકાઈ જાવ. મકાનો, વૃક્ષો, રસ્‍તા પરના દીવાઓ, વીજળીના તારથી દૂર રહો.

ઊ. ધરતીકંપ સમયે જો વાહનમાં હોવ, તો ખુલ્‍લા અને સુરક્ષિત સ્‍થાન પર વાહન રોકો અને તેમાં જ રહો.

એ. સમુદ્રકિનારા નજીક અથવા નદી પાસે હોવ, તો એકાદ ઊંચાઈ ધરાવનારી જગ્‍યા પર જાવ અને ત્‍યાં રોકાઈ જાવ.

ઐ. જો ડુંગરના ઉતાર પર હોવ, તો ગબડનારા પત્‍થર, મોટી શીલાઓ ઇત્‍યાદિથી પોતાને સુરક્ષિત રાખો.

૨ અ ૪. ધરતીકંપ થઈ ગયા પછીની સ્‍થિતિ

જ્‍યાં-ત્‍યાં મકાન પડેલાં હોય છે. ઘાયલ અવસ્‍થામાં બધાજ સહાયતા માટે આડેધડ ભાગતા હોય છે. સર્વત્ર ધૂળના વાદળાં છવાયેલાં હોય છે. ઘણાં લોકો ઢગલા નીચે દટાઈ ગયા હોય છે, જ્‍યારે સહસ્રો લોકો મૃત્‍યુ પામેલા હોય છે. જે કોઈ અડધા ભાંગેલા મકાન નીચે અટકી પડ્યા હોય છે, તેઓ માનસિક રીતે પાયમાલ થઈ ગયા હોય છે. ઘાયલ અને જીવિત માણસો સહાયતા માટે ત્‍વરાથી દૂરધ્‍વનિ કરવાનો પ્રયત્ન કરતા હોય છે; પણ કેટલાક વિસ્‍તારોમાં દૂરધ્‍વનિ અને ભ્રમણભાષ પણ બંધ પડે છે. વીજળીનો પુરવઠો ખંડિત થાય છે અને રસ્‍તા પણ બંધ થવાથી રુગ્‍ણવાહિકા, અગ્‍નિશમનદળ, સેવાભાવી સંસ્‍થાના વાહનો સમયસર પહોંચી શકતા નથી.

૨ અ ૫. ધરતીકંપ થઈ ગયા પછી આ કરો !
અ. પ્રથમોપચાર

ધરતીકંપ થઈ ગયા પછી આપણે પોતાને કાંઈ ઇજા થઈ છે શું ? એ જોઈને આવશ્‍યકતા અનુસાર પ્રથમોપચાર કરવા અથવા કરાવી લેવા.

આ. મકાન જો અસુરક્ષિત હોય તો બહાર નીકળી જાવ

ઘર અને મકાન બરાબર ચકાસી લો. તેમની સ્‍થિતિ જો સારી ન હોય, તે અસુરક્ષિત થયા હોય તો ઘરમાંના અને મકાનમાંના પ્રત્‍યેકને બહાર કાઢો; કારણકે મોટા ધરતીકંપ પછી નાના-નાના ધક્કા પાછા લાગી શકે છે. તેથી ઘરની અને મકાનની હાનિ થઈ શકે છે.

ઇ. ‘ઇમર્જન્‍સી કિટ’નો ઉપયોગ કરવો

આપણે ધરતીકંપનો સામનો કરવાની પૂર્વસિદ્ધતા તરીકે જે એક સંચ (કટોકટી સંચ અર્થાત્ ‘ઇમર્જન્‍સી કિટ’) બનાવેલો હોય છે, તેમાંની બૅટરી આપણા હાથમાં જ રાખવી. તેથી વીજળી ન હોય, ત્‍યારે આપણી ગડબડ થશે નહીં અને સંચમાંની વસ્‍તુઓ અથવા અન્‍ય આવશ્‍યક વસ્‍તુઓ આપણે તરત જ શોધી શકીશું.

ઈ. ગૅસનું ગળતર, જ્‍વલનશીલ પદાર્થો ઢોળાયા છે શું ? તેની ખાતરી કરો !

આપણા રસોડામાં ગૅસનું ગળતર છે શું ? તે જુઓ. તે સાથે જ રસોડામાં, તેમજ અન્‍યત્ર ઘાસલેટ, ખાવાનું તેલ જેવા જ્‍વલનશીલ પદાર્થો ઢોળાયા તો નથી ને, તેની ખાતરી કરો. તે તપાસ્‍યા વિના વીજળીના બટન, દીવાસળી, લાયટર અને ગૅસ સગડી પેટવવા નહીં.

ઉ. પગમાં ચંપલ અને માથા પર શિરસ્‍ત્રાણ (હેલમેટ) પહેરો !

જો તમને સંભવ હોય તો પગમાં ચંપલ કે બૂટ પહેરવા; કારણકે ચંપલ પહેર્યા વિના ફરતી વેળાએ ધરતીકંપને કારણે ભાંગફોડ થઈ હોવાથી કાંચના ટુકડા, પત્રા ઇત્‍યાદિ વસ્‍તુઓને કારણે પગને ઇજા થઈ શકે છે. બને તો માથા પર શિરસ્‍ત્રાણ પહેરો.

ઊ. શૌચાલયનો ઉપયોગ કરવા પહેલાં લેવાની દક્ષતા

શૌચાલયનો ઉપયોગ કરવા પહેલાં મલનિઃસારણ વાહિનીઓ સુસ્‍થિતિમાં છે શું ? એ પહેલા તપાસો.

એ. પાળતુ પ્રાણીઓને સુરક્ષિત ઠેકાણે બાંધી રાખો !

ઘરમાંના પાળેલા પ્રાણી કૂતરાં, બિલાડી અસ્‍વસ્‍થ થઈને બૂમો પાડવા લાગે છે. આવા સમયે તેમને સુરક્ષિત સ્‍થાન પર બાંધી રાખવા. નહીંતર આ પ્રાણીઓ આડેધડ ભાગી જઈને આ પરિસ્‍થિતિમાં તેઓ ખોવાઈ પણ શકે છે.

ઐ. વીજળી ન હોય, તો બૅટરી પર ચાલનારા રેડિયો દ્વારા સૂચનાઓ સાંભળો !

ધરતીકંપ પછી ગયેલી વીજળી ફરી આવે ત્‍યાં સુધી ઘણો સમય પસાર થઈ શકે છે. આવા સમયે ઘરમાંની બૅટરી પર ચાલનારો રેડિયો ઘણો ઉપયોગી પડે છે. આપણને રેડિયો પરથી સમય સમય પર આપવામાં આવતા સમાચાર અને સૂચનાઓની જાણ થાય છે.

ઓ. વાહનો વાપરવા પહેલાં લેવાની દક્ષતા

આપણા વાહનો અત્‍યંત આવશ્‍યક હોય તો જ રસ્‍તા પર લાવવા. ભાંગફોડ થયેલા વિસ્‍તારમાં બચાવ અને સહાયતા કાર્ય માટે, તેમજ અવર-જવર સહેલાઈથી થવા માટે રસ્‍તાઓની આવશ્‍યકતા હોય છે.

ઔ. સરકારી યંત્રણાઓને સહાયતા કરો

આપણી આજુબાજુના મકાન ધરાબોળ થયા હોવાથી ઘણા લોકો મૃત્‍યુ પામેલા હોય છે. ખાસ કરીને કેટલાકના મૃતદેહ ઢગલાની નીચે કચડાઈ ગયા હોવાથી ઓળખી શકવાની સ્‍થિતિમાં હોતા નથી. આવા પ્રસંગોમાં તેમના ઘરના માણસોની મનઃસ્‍થિતિ ઘણી નાજુક હોય છે. તેથી આપણે મૃતકોની ઓળખાણ કરાવી આપવાના કામમાં ત્‍યાં સહકાર્ય કરનારા સ્‍વયંસેવક, પોલીસ, અગ્‍નિશમન દળના કર્મચારીઓને સહાયતા કરવી જોઈએ.

અં. સમુદ્રકિનારાથી દૂર રહો. ધરતીકંપ પછી સુનામી આવી શકે છે.

અઃ. જો આપણે ઘર ખાલી કરવું પડે, તો આપણે ક્યાં જઈ રહ્યા છીએ, તે લખેલો સંદેશ છોડી જાવ.

ક. બને ત્‍યાં સુધી પૂલ / ઉડ્ડયનપૂલ પાર કરવાનો પ્રયત્ન ન કરવો, કદાચ ત્‍યાં હાનિ થયેલી હોઈ શકે છે.

ખ. અડધા પડેલા મકાનમાં કોઈએ પણ પ્રવેશ કરવો નહીં.

૨ અ ૬. ઢગલા નીચે અટવાઈ ગયા હોવ તો આ કરો !

જો તમે ઢગલા નીચે અટવાઈ ગયા હોવ, તો દીવાસળી પેટાવવી નહીં. ભાંગફોડને કારણે જો ગૅસ ગળતી થઈ હોય અને દીવાસળી પેટાવીએ, તો આગ લાગીને અપઘાત થઈ શકે છે. બને તો કપડાથી પોતાનું મોઢું ઢાંકી લો. સહાયતા માટે પાઈપ કે ભીંત પર અવાજ કરવો, સિસોટી વગાડો, કેવળ અંતિમ પર્યાય તરીકે બૂમો પાડો. તેથી આપણી ઊર્જા બચી જશે.

 

મહાયુદ્ધ, ધરતીકંપ ઇત્યાદિ સમયે આવનારી આપત્તિઓનો પ્રત્યક્ષ સામનો કેવી રીતે કરવો ? – ભાગ ૫

Leave a Comment