શાકભાજી માટે તડકાની આવશ્‍યકતા

Article also available in :

ઘણીવાર બધાને જ, તેમાં પણ નવા બાગકામ શીખનારાઓને કેટલાંક પ્રશ્‍નો હંમેશાં ઉદ્દભવે છે અને તે એટલે ‘કઈ શાકભાજીને કેટલો તડકો જોઈએ ? શાકભાજી રોપવાથી તે કાપવા સુધી આ સંપૂર્ણ જીવનચક્રમાં તેમની તડકાની આવશ્‍યકતા કેટલી હોય છે અને આપણી પાસે ઉપલબ્‍ધ રહેલા તડકામાં, પછી તે સીધો તડકો હોય કે સૂર્યપ્રકાશ, આપણે કયા શાકભાજી વાવી શકીએ ?’ આ પ્રશ્‍નોના ઉત્તર આપનારો આ લેખ !

શ્રી. રાજન લોહગાંવકર

 

૧. તડકાનું પાલટનારું પ્રમાણ અને તેનાં કારણો

‘આપણા બાગમાં સમગ્ર દિવસ દરમ્‍યાન આવનારા તડકાનો સમય, પ્રમાણ, જગ્‍યા અને તેની તીવ્રતા આ બધું અલગ અલગ હોય છે. આમાં સૂર્યના ઉત્તરાયણ અને દક્ષિણાયનને કારણે તો સમગ્ર વર્ષ દરમ્‍યાન પાલટ થતો જ હોય છે; પણ પડોસમાં થતાં બાંધકામો અને બહારના અથવા આપણે જ આપણા બાગમાં વાવેલા ઝાડની નિરંતર થનારી વૃદ્ધિને કારણે તડકાના કલાક ઓછા-વધતા થતા હોય છે, તેમજ તેની તીવ્રતા પણ ઓછી-વધતી થતી હોય છે. આના પર આપણું કાંઈ જ નિયંત્રણ હોતું નથી. બહુ તો આપણે આપણા બાગમાં વધેલા ઝાડની વર્ગવારી કરી શકીએ; પણ અન્‍ય બાબતોમાં આપણને અને આપણે વાવણી કરેલા રોપોને મળે તેટલા તડકા પર અને સૂર્યપ્રકાશ પર જ ચલાવી લેવું પડે છે.

પ્રતિકાત્‍મક છાયાચિત્ર

 

૨. તડકાની આવશ્‍યકતા પ્રમાણે શાકભાજીનું વર્ગીકરણ

હવે આપણે જોઈશું કે, આપણે કેટલા તડકામાં કઈ કઈ શાકભાજીની વાવણી કરી શકીએ. તે માટે આપણે ૩ પ્રમુખ જૂથોમાં શાકભાજીની વિભાગણી કરીએ.

તે જૂથ આ પ્રમાણે છે –

અ. ૬ થી ૮ કલાક તડકાની આવશ્‍યકતા રહેલા શાક

આ. ૪ થી ૬ કલાક તડકાની આવશ્‍યકતા રહેલા શાક

ઇ. ૨ થી ૪ કલાક તડકાની આવશ્‍યકતા રહેલા શાક

અહીં એક બાબત ધ્‍યાનમાં લેવી જોઈએ, કે કોઈપણ વનસ્‍પતિની વૃદ્ધિ માટે તડકો ઓછા-વધતા પ્રમાણમાં આવશ્‍યક હોય છે જ. તેથી જ ફળોને સ્‍વાદ અને ફૂલોને રંગ મળતો હોય છે; પરંતુ કેટલાંક શાક ઓછા તડકામાં પણ નભતા હોય છે અને ફૂલે છે, તેમજ ફળે પણ છે. અર્થાત્ આવા શાક જો તડકામાં હોય અને આપણે તેમની સંપૂર્ણ કાળજી લઈને ઉછેર્યા હોત, તો તેમના રંગરૂપ અને સ્‍વાદમાં નક્કી જ ફેર પડ્યો હોત; તેમ છતાં ‘ન મામા કરતાં કાણો મામો સારો’, આ ન્‍યાયથી તેઓ વૃદ્ધિ પામે છે અને આપણી અન્‍નની આવશ્‍યકતા પૂરી પાડે છે.

૨ અ. ૬ થી ૮ કલાક સીધો તડકો આવશ્‍યક રહેલા શાક

ટમેટાં, રીંગણા, કાકડી, મરચાં, મકાઈ, દૂધી, પતકાળું, ભીંડો, ચોળા અને અન્‍ય ‘શીંગ’ ધરાવતાં શાક, તેમજ સર્વ વેલ ધરાવતાં શાકને જેટલો વધારે તડકો મળે, તેટલી તેમની વૃદ્ધિ સારી રીતે થાય છે. તીવ્ર ઉનાળાના દિવસોમાં બપોરે, અર્થાત્ લગભગ સવારે સાડા અગિયારથી બપોરે બે-ત્રણ વાગ્યા સુધી આ શાક પર છાંયો આવે, એવી વ્‍યવસ્‍થા કરવાથી તે વધારે લાભદાયી થશે. તડકો વધુ, એટલે પાણીની આવશ્‍યકતા વધુ; આ સમીકરણ નક્કી જ હોય છે; કારણકે કૂંડામાં વાવેલી શાકભાજીને  પાણી માટે પૂર્ણપણે આપણા પર જ નિર્ભર રહેવું પડે છે. તેથી આ શાકભાજીને પાણીની તંગી આવવા દેવી નહીં. (પાણીના અભાવે ઝાડ કરમાઈ ગયા, એમ થવું ન જોઈએ.)

૨ આ. ૪ થી ૬ કલાક તડકાની આવશ્‍યકતા રહેલી શાકભાજીઓ

બીટ, કોબી, ફ્‍લાવર, બ્રોકોલી, ગાજર, ડુંગળી, લસણ, વટાણા, બટાકા, મૂળા, આદું ઇત્‍યાદિ શાકભાજીઓ, એટલે જ મોટાભાગના કંદવર્ગીય શાક અડધા-પડધા છાંયામાં સારી રીતે વૃદ્ધિ પામતા હોય છે. તીવ્ર તડકો અથવા પ્રમાણથી વધારે તડકો હોય, તો તેમની વૃદ્ધિ બરાબર થતી નથી. કોબી, ફ્‍લાવર જેવા શાકની વૃદ્ધિ અતિ તડકામાં ઓછી થાય છે જ; પણ તેમના સ્‍વાદમાં પણ ફેર પડે છે. જે ભાગમાં તીવ્ર તડકો હોય, ત્‍યાં મોટા વૃક્ષોની છાંયામાં તેમની વાવણી કરવાથી ઉપલબ્‍ધ જગ્‍યાનો ઉપયોગ પણ થાય છે અને શાક પણ મળે છે.

૨ ઇ. ૨ થી ૪ કલાક તડકો આવશ્‍યક હોય તેવા શાક

મેથી, પાલક, સુવાદાણાની ભાજી, કોથમીર ઇત્‍યાદિ સર્વ લીલા શાકભાજી, તેમજ લેટ્યુસ જેવા વિદેશી શાક માટે ઓછો તડકો હોય, તો તેમની વૃદ્ધિ ઉત્તમ થાય છે. સામાન્‍ય રીતે લીલા શાકભાજી કુમળાં હોય, ત્‍યારે જ ખાઈ શકાય છે. તેથી જો તે ઓછા તડકામાં વૃદ્ધિ પામે, તો તેમના સર્વ ગુણ અને સ્‍વાદ અબાધિત રહે છે.

 

૩. બાગમાં ક્યાં, ક્યારે અને કેટલા
પ્રમાણમાં તડકો આવે છે, તેનો અભ્‍યાસ
કરીને યોગ્‍ય નિયોજન કરીને વાવણી કરો !

આપણા બાગમાં કેટલો તડકો આવે છે, દિવસના કયા સમયે તે બાગના કયા ભાગમાં અને કેટલા પ્રમાણમાં તેમજ તીવ્રતાનો હોય છે, તેનો અભ્‍યાસ આરંભના કેટલાક દિવસો, તેમજ સમગ્ર વર્ષ દરમ્‍યાન જુદી જુદી ઋતુઓમાં કરીને તે પ્રમાણે નિયોજન કરીને શાક વાવણીની જગ્‍યાઓ નક્કી કરવી. અર્થાત્ આપણે ભલે ગમે તેટલો અભ્‍યાસ કરીએ અને તે પ્રમાણે નક્કી કરીએ, તો પણ અંતે તો તે નિસર્ગ છે ! તેના કારણે, તેમજ આજુબાજુના મકાનો, મોટા વૃક્ષો ઇત્‍યાદિને કારણે બધા જ દિવસોએ એક સરખો તડકો નક્કી જ મળી શકે નહીં. તે માટે આપણે ઉપલબ્‍ધ જગ્‍યા અનુસાર ઝાડ અને કૂંડાઓની રચના કરીને તે પ્રમાણે મળનારો તડકો અને છાંયામાં શાકની વાવણી કરીને તેમની તડકાની પૂર્તિ કરી શકીએ છીએ. વધારે તડકો જોઈતો હોય, તેવા શાક વચ્‍ચેની ખુલ્‍લી જગ્‍યામાં વાવીને અથવા તે ઠેકાણે કૂંડાઓ મૂકીને મોટા વૃક્ષોના પડનારા છાંયામાં આપણે ઓછો તડકો જોઈએ તેવા અને સૂર્યપ્રકાશની આવશ્‍યકતા હોય તેવા શાકની વાવણી કરી શકીએ. બગીચામાં છાંયો આવનારો ભાગ હોય છે જ. તે ભાગમાં છાંયામાં ઉગતા શાક વાવીને તે જગ્‍યાનો પણ આપણે ઉપયોગ કરી શકીએ. બગીચાના જે ભાગમાં સીધો

તડકો જ નહીં જ્‍યારે સૂર્યપ્રકાશ પણ ભાગ્યે જ પડતો હોય, ત્‍યાં આપણે ફૂલઝાડ અથવા શોભાના ઝાડ વાવી શકીએ. શોભાના અથવા ઘરમાં મૂકી શકાય તેવા (ઇનડોર) ઝાડો આવા ભાગમાં સારી રીતે વૃદ્ધિ પામે છે. જે શાકને ઘણાં તડકાની આવશ્‍યકતા હોય છે અને જેને આપણે એક પંક્તિમાં લગાડીએ છીએ, એવા ઝાડની પંક્તિઓ ઉત્તર-દક્ષિણમાં રાખવાથી તે સર્વ ઝાડને સવારથી સાંજ સમાન તડકો મળશે. તડકામાં વૃદ્ધિ પામતા શાકના મૂળિયા નજીક કૂંડામાં અડધા-પડધા છાંયામાં વૃદ્ધિ પામનારા શાક ઉગાડીએ, તો એકજ ખાતરમાં બે શાકના ફાલ લઈ શકાય છે; તેમજ ઓછી જગ્‍યામાં વધારે શાક આપણને મળી શકે છે.

 

૪. તડકાની ઓછપને કારણે
ઉત્‍પન્‍ન ઓછું થયું હોય, તો પણ તે
સ્‍વકષ્‍ટથી મેળવેલું હોવાથી તેનું મહત્ત્વ વધારે હોવું

સંપૂર્ણ તડકાની આવશ્‍યકતા રહેલા શાક અડધા તડકામાં અને અડધા તડકાની આવશ્‍યકતા રહેલા શાક જો છાંયામાં લગાડીએ, તો તેનો ફાલ સરખો નહીં આવે, એમ નથી પણ તેમને લાગનારાં ફળો રંગ અને આકારમાં ઓછા હશે. સ્‍વાદ તો તેજ રહેશે; પણ સંખ્‍યા ઓછી હશે અને કળીથી માંડીને પાકવાનો સમય પણ વધારે હશે. કારણ એકજ – ‘તેમની વૃદ્ધિ માટે આવશ્‍યક રહેલો તડકો ઓછા પ્રમાણમાં મળવો અને તેને કારણે મળનારા જીવનસત્ત્વો તેમજ અન્‍નદ્રવ્‍યો ઓછા પડવા’. આ જીવનસત્ત્વોની ઓછપ આપણે ખાતર દ્વારા દૂર કરી શકતા નથી; તેથી આપણને ઉપલબ્‍ધ જગ્‍યા અનુસાર શાની વાવણી કરવી, તે નક્કી કરો અને તે પ્રમાણે જ બાગ પાસેથી અપેક્ષા રાખો. અંતમાં આપણા બાગમાં પાકેલા ટમેટાં બજારમાંના ટમેટાંની જેમ ભલે ૨ ઇંચ વ્‍યાસ ધરાવતા ન હોય, તો પણ ‘તે આપણે પોતે ઉપજાવેલું છે અને તેને કયું ખાતર અને કયું પાણી પાયું છે, તે આપણે જાણીએ છીએ, તેમજ તેના પર આપણું નિયંત્રણ છે’, એ મહત્ત્વનું છે !

 – રાજન લોહગાંવકર (vaanaspatya.blogspot.com)

Leave a Comment