નારાયણબલિ, નાગબલિ અને ત્રિપિંડી શ્રાદ્ધ

Article also available in :

સદર લેખમાં ‘નારાયણબલિ, નાગબલિ અને ત્રિપિંડી શ્રાદ્ધ’ વિશેનું અધ્‍યાત્‍મશાસ્‍ત્રીય વિવેચન જોઈશું. તેમાં પ્રમુખતાથી આ વિધિઓના સંદર્ભમાં મહત્ત્વની સૂચનાઓ, વિધિઓનો ઉદ્દેશ, યોગ્‍ય કાળ, યોગ્‍ય સ્‍થાન, વિધિ કરવાની પદ્ધતિ અને આ વિધિઓને કારણે થયેલી અનુભૂતિઓ ઇત્‍યાદિનો સમાવેશ છે.

 

૧. નારાયણબલિ, નાગબલિ અને ત્રિપિંડી
શ્રાદ્ધ આ વિધિઓ સંબંધી મહત્ત્વની સૂચનાઓ

૧ અ. શાસ્‍ત્ર

આ વિધિ આપણા પિતરોને ગતિ મળે, આ ઉદ્દેશથી કરવામાં આવે છે. તેના માટે ‘પ્રત્‍યેકે પોતાના વાર્ષિક ઉત્‍પન્‍નનો ૧/૧૦ (એક દશાંશ) ખર્ચ કરવો’, એમ શાસ્‍ત્ર કહે છે. આપણી શક્તિ અનુસાર ખર્ચ કરીએ તો પણ ચાલે.

૧ આ. આ વિધિ કોણ કરી શકે ?

૧. આ કામ્‍યવિધિ છે. એ કોઈ પણ કરી શકે છે. જેનાં માતા-પિતા જીવિત છે, તેઓ પણ કરી શકે છે.

૨. અવિવાહિત હોય તેઓ એકલા પણ આ વિધિ કરી શકે છે. વિવાહિત હોય તો પતિ-પત્નીએ બેસીને આ વિધિ કરવો.

૧ ઇ. નિષેધ

૧. સ્‍ત્રીઓએ માસિક ધર્મના દિવસો પાળવા અત્‍યંત આવશ્‍યક છે.

૨. સ્‍ત્રી ગર્ભવતી હોય તો ૫ મહિના પછી વિધિ કરવો નહીં.

૩. ઘરમાં શુભકાર્ય એટલે લગ્‍ન, જનોઈ ઇત્‍યાદિ કાંઈ થયું હોય તો અથવા ઘરમાં કોઈ વ્‍યક્તિ મરણ પામી હોય તો સદર વિધિ એક વર્ષ સુધી કરવી નહીં.

૧ ઈ. પદ્ધતિ

વિધિ કરવા માટે પુરુષો માટે ધોતિયું, ખેસ, બનિયન, જ્‍યારે મહિલાઓ માટે સાડી, ચોળી (કબજો) અને ચણિયો ઇત્‍યાદિ નવાં વસ્‍ત્રો (કાળો અથવા લીલો રંગ વર્જ્‍ય છે) જોઈએ. આ નવાં વસ્‍ત્રો પહેરીને વિધિ કરવાની હોય છે. પછી તે વસ્‍ત્રો દાન કરવા પડે છે. ત્રીજા દિવસે સોનાના નાગની (સવા ગ્રામ) એક પ્રતિમાનું પૂજન કરીને દાન કરાય છે.

૧ ઉ. વિધિ માટે લાગનારો સમયગાળો

ઉપરના ત્રણે વિધિઓ જુદા જુદા છે. નારાયણ-નાગબલિ આ વિધિ ત્રણ દિવસનો હોય છે, જ્‍યારે ત્રિપિંડી  શ્રાદ્ધવિધિ એક દિવસનો હોય છે. ઉપર જણાવેલી ત્રણે વિધિઓ કરવાની હોય તો ત્રણ દિવસમાં કરી શકાય છે. સ્‍વતંત્ર એક દિવસની વિધિ કરવી હોય તો તેમ પણ કરી શકાય.

 

૨. નારાયણબલિ

૨ અ. ઉદ્દેશ

‘દુર્મરણથી મરેલા અથવા આત્‍મહત્‍યા કરેલા માણસનું ક્રિયાકર્માંતર ન થવાને લીધે તેની પ્રેતત્‍વનિવૃત્તિ થઈ ન હોય, તો તેના લિંગદેહને ગતિ ન મળવાથી તે ભટક્યા કરે છે. આવો લિંગદેહ કુળની સંતતિને પ્રતિબંધ કરે છે. તેમ જ કોઈ પણ પ્રકારે વંશજોને ત્રાસ આપે છે. આવા લિંગદેહને ગતિ આપવા માટે નારાયણબલિ કરવો પડે છે.

૨ આ. વિધિ

૧. વિધિ કરવા માટે યોગ્‍ય કાળ

નારાયણબલિ વિધિ કરવા માટે કોઈ પણ મહિનાની સુદ પક્ષ અગિયારસ અને બારસ યોગ્‍ય  હોય છે. અગિયારસને દિવસે અધિવાસ (દેવતાસ્‍થાપના) કરીને બારસે શ્રાદ્ધ કરવું. (આજકાલ ઘણાખરાં લોકો એકજ દિવસે વિધિ કરે છે.) સંતતિપ્રાપ્‍તિ માટે આ વિધિ કરવાના હોવ તો દંપતીએ પોતે જ આ વિધિ કરવી. પુત્રપ્રાપ્‍તિ માટે આ વિધિ કરવાના હોવ તો શ્રવણ નક્ષત્ર, પાંચમ અથવા પુત્રદા અગિયારસમાંથી કોઈ પણ એક તિથિએ કરવાથી અધિક લાભ થાય છે.

૨. વિધિ કરવા માટે યોગ્‍ય સ્‍થાન

નદીના તીર જેવી પવિત્ર જગ્‍યાએ આ વિધિ કરવી.

 

૩. પદ્ધતિ

પહેલો દિવસ : પ્રથમ તીર્થમાં સ્‍નાન કરીને નારાયણબલિનો સંકલ્‍પ કરવો. બે કળશ પર શ્રીવિષ્‍ણુ અને વૈવસ્‍વત યમની સોનાની પ્રતિમા સ્‍થાપન કરીને તેમની ષોડશોપચારથી પૂજા કરવી. પછી તે કળશની પૂર્વમાં દર્ભથી એક રેખા ખેંચીને દક્ષિણ ભણી દર્ભ પસરાવવું. ત્‍યાર પછી  ‘शुन्‍धन्‍तां विष्‍णुरूपी प्रेतः’   આ મંત્રથી દસ વખત ઉદક લેવું.

પછી દક્ષિણ ભણી મોઢું કરીને અપસવ્‍યથી વિષ્‍ણુરૂપી પ્રેતનું ધ્‍યાન કરવું. તે પસરાવેલાં દર્ભ પર મધ, ઘી અને તલયુક્ત એવા દસ પિંડ ‘काश्‍यपगोत्र अमुकप्रेत विष्‍णुदैवत अयं ते पिण्‍डः’  એવું બોલીને આપવા. પિંડોની ગંધ ઇત્‍યાદિ ઉપચારોથી પૂજા કરીને, પછી તેનું નદીમાં અથવા જળાશયમાં વિસર્જન કરવું. આગલા દિવસનો આ વિધિ થયો.

બીજો દિવસ : બપોરના સમયે શ્રીવિષ્‍ણુની પૂજા કરવી. ત્યાર પછી ૧, ૩ અથવા ૫ એવી વિષમ (એકી) સંખ્‍યામાં બ્રાહ્મણોને બોલાવીને એકોદ્દિષ્‍ટ વિધિથી તે વિષ્‍ણુરૂપી પ્રેતનું શ્રાદ્ધ કરવું. આ શ્રાદ્ધ બ્રાહ્મણોનાં પાદપ્રક્ષાલનથી તૃપ્‍તિપ્રશ્‍ન સુધી મંત્રરહિત કરવું. શ્રીવિષ્‍ણુ, બ્રહ્મા, શિવ અને સપરિવાર યમને નામમંત્રથી ચાર પિંડ આપવા. વિષ્‍ણુરૂપી પ્રેત માટે પાંચમો પિંડ આપવો. પિંડપૂજા કરીને તેનું વિસર્જન થઈ ગયા પછી બ્રાહ્મણોને દક્ષિણા આપવી.

એક બ્રાહ્મણને વસ્‍ત્રાલંકાર, ગાય અને સોનું આપવા. પછી પ્રેતને  તિલાંજલી આપવા માટે બ્રાહ્મણોને પ્રાર્થના કરવી. બ્રાહ્મણોએ દર્ભ, તલ અને તુલસીપત્રયુક્ત ઉદક ખોબામાં લઈને તે પ્રેતને આપવું. પછી શ્રાદ્ધકર્તાએ સ્‍નાન કરીને ભોજન કરવું. આ વિધિથી પ્રેતાત્‍માને સ્‍વર્ગપ્રાપ્‍તિ થાય છે, એવું કહ્યું છે.

સ્‍મૃતિગ્રંથોમાં નારાયણબલિ અને નાગબલિ એકજ કામના માટે કહ્યાં હોવાથી બન્‍ને વિધિઓ સાથે કરવાની પ્રથા છે. નારાયણ-નાગબલિ એવું આ વિધિનું બેલડું નામ આ માટે જ પ્રચલિત થયું છે.

 

૩. નાગબલિ

૩ અ. ઉદ્દેશ

કુળમાં પહેલાં કોઈ પણ પૂર્વજ દ્વારા નાગની હત્‍યા થઈ હોય તો તે નાગને ગતિ ન મળવાથી તે કુળની સંતતિને પ્રતિબંધ કરે છે. તેમજ કોઈ પણ અન્‍ય પ્રકારથી વંશજોને ત્રાસ આપે છે. આ દોષના નિવારણ માટે આ વિધિ કરે છે.

૩ આ. વિધિ

સંતતિપ્રાપ્‍તિ માટે આ વિધિ કરવાનો હોય તો તે દંપતીએ પોતે જ આ વિધિ કરવો. પુત્રપ્રાપ્‍તિ માટે કરવાનો હોય તો શ્રવણ નક્ષત્ર, પાંચમ અથવા પુત્રદા અગિયારસ આમાંથી કોઈ પણ એક તિથિને દિવસે કરવાથી અધિક લાભ થાય છે.’

૩ ઇ. નારાયણ-નાગબલિ વિધિ કરતી વેળાએ થયેલી અનુભૂતિ

૧. નારાયણ-નાગબલિ વિધિ કરતી વેળાએ પોતે સાચા પ્રેત પર અભિષેક કરતા હોવાનું અને કપૂર લગાડ્યા પછી પ્રેતમાંથી પ્રાણજ્‍યોત બહાર પડતી હોવાનું દેખાવું

‘નારાયણ-નાગબલિ વિધિ કરતી વેળાએ નારાયણની પ્રતિમાની પૂજા કરતી વેળાએ ‘આ વિધિ દ્વારા ખરેખર જ પૂર્વજોને ગતિ મળવાની છે’, એવું મને જણાયું. તેમજ લોટની પ્રેતપ્રતિમા પર અભિષેક કરતી વખતે હું સાચા પ્રેત પર વિધિ કરતો હોવાનું મને જણાતું હતું. છેવટે પ્રતિમાની છાતી પર કપૂર લગાડ્યા પછી ‘પ્રેતમાંની પ્રાણજ્‍યોત બહાર પડી રહી છે’, એવું દેખાઈને મારા શરીર પર રૂવાં ઊભાં થઈ ગયા. ત્‍યારે મને સાતત્‍યથી પ.પૂ. ડૉક્‍ટરજીનું સ્‍મરણ થતું હતું.’ – શ્રી શ્રીકાંત પાધ્‍યે, નાગપૂર (૧.૧૨.૨૦૦૬)

 

૪. ત્રિપિંડી શ્રાદ્ધ

૪ અ. વ્‍યાખ્‍યા

તીર્થને ઠેકાણે પિતરોને ઉદ્દેશીને જે શ્રાદ્ધ કરે છે, તેને ત્રિપિંડી શ્રાદ્ધ કહે છે.

૪ આ. ઉદ્દેશ

આપણને જાણકારી ન હોય એવા, આપણા જ વંશમાંના સદ્‍ગતિ ન મળેલાં અથવા દુર્ગતિ પામેલા અને કુળમાંના લોકોને પીડા દેનારા પિતરોને, તેમનું પ્રેતત્‍વ દૂર થઈને સદ્‍ગતિ મળે તે માટે, એટલેકે ભૂમિ, અંતરિક્ષ અને આકાશ આ ત્રણે ઠેકાણે રહેલા આત્‍માઓને મુક્તિ આપવા માટે, ત્રિપિંડી કરવાની પદ્ધતિ છે. અમસ્‍તા કરવામાં આવનારાં શ્રાદ્ધો એકને ઉદ્દેશીને અથવા વસુ-રુદ્ર-આદિત્‍ય આ શ્રાદ્ધદેવતાના પિતૃગણોમાંના પિતા-પિતામહ-પ્રપિતામહ આ ત્રિપુટીઓને ઉદ્દેશીને એટલેકે ત્રણ પેઢીઓ પૂરતાં જ મર્યાદિત હોય છે, પણ ત્રિપિંડી શ્રાદ્ધથી તેની પહેલાંની પેઢીઓના પિતરોને પણ તૃપ્‍તિ મળે છે. પ્રત્‍યેક કુટુંબમાં આ વિધિ દર બાર વર્ષે કરવો, પણ જે કુટુંબમાં પિતૃદોષ અથવા પિતરોને લીધે થનારા ત્રાસ હોય છે તેમણે આ વિધિ દોષ નિવારણ માટે કરવી.

૪ ઇ. વિધિ

૪ ઇ ૧. વિધિ કરવાનો યોગ્‍ય કાળ

અ. ત્રિપિંડી શ્રાદ્ધ માટે આઠમ, અગિયારસ, ચતુર્દશી, અમાસ, પૂર્ણિમા આ તિથિઓ અને પૂર્ણ પિતૃપક્ષ યોગ્‍ય હોય છે.

આ. ગુરુ શુક્રાસ્‍ત, ગણેશોત્‍સવ અને શારદીય નવરાત્રિના સમયગાળામાં આ વિધિ કરવો નહીં. તેમજ કુટુંબમાં મંગળકાર્ય થયા પછી અથવા અશુભ બનાવ બન્‍યા પછી એક વર્ષ સુધી ત્રિપિંડી શ્રાદ્ધ કરવું નહીં. જો બહુ જ ન ટાળી શકાય એવું હોય, ઉદા. એક મંગળકાર્ય થઈ ગયા પછી પાછું થોડા મહિનાના અંતરે બીજું મંગળકાર્ય થવાનું  હોય, તો તે બે કાર્યોના વચ્‍ચે ત્રિપિંડી શ્રાદ્ધ કરવું.

૪ ઇ ૨. વિધિ કરવા માટેનાં યોગ્‍ય સ્‍થાનો

ત્ર્યંબકેશ્‍વર, ગોકર્ણ મહાબળેશ્‍વર, ગરુડેશ્‍વર, હરિહરેશ્‍વર (દક્ષિણ કાશી), કાશી (બનારસ) આ સ્‍થાનો ત્રિપિંડી શ્રાદ્ધ કરવા માટે યોગ્‍ય છે.

૪ ઇ ૩. પદ્ધતિ

‘પ્રથમ તીર્થમાં સ્‍નાન કરીને શ્રાદ્ધનો સંકલ્‍પ કરવો. ત્‍યાર પછી મહાવિષ્‍ણુની અને શ્રાદ્ધ માટે બોલાવેલા બ્રાહ્મણોની શ્રાદ્ધવિધિ પ્રમાણે પૂજા કરવી. તે પછી જવ, વ્રીહી અને તલના લોટનો પ્રત્‍યેકી એક એક પિંડ તૈયાર કરવો. દર્ભ પસારીને તેના ઉપર તિલોદક છાંટીને પિંડદાન કરવું.

અ. જવપિંડ (ધર્મપિંડ) : પિતૃવંશમાંના અને માતૃવંશમાંના જે મૃતોની ઉત્તરક્રિયા થઈ નથી, સંતાન ન હોવાથી જેમનું પિંડદાન થયું નથી અથવા જન્‍મથી જ જેઓ આંધળાં-પાંગળાં હતાં (આંધળાં-પાંગળાં હોવાથી લગ્‍ન ન થવાને લીધે સંતાનવિહોણા), એવા પિતરોનું પ્રેતત્‍વ નષ્‍ટ થઈને તેમને સદ્‍ગતિ મળવા માટે જવપિંડ આપે છે. આનું ધર્મપિંડ એવું નામ છે.

આ. મધુરત્રયયુક્ત વ્રીહીપિંડ : પિંડ પર સાકર, મધ અને ઘી એકત્ર ભેળવીને નાખે છે, તેને મધુરત્રય એવું નામ છે. આ આપવાથી અંતરિક્ષમાંના પિતરોને સદ્‍ગતિ મળે છે.

ઇ. તલપિંડ : પૃથ્‍વી ઉપર ક્ષુદ્રયોનિમાં રહીને અન્‍યોને પીડા દેનારા પિતરોને તલપિંડથી સદ્‍ગતિ પ્રાપ્‍ત થાય છે.

આ ત્રણે પિંડો પર તિલોદક આપવું. ત્‍યાર પછી પિંડોની પૂજા કરીને અર્ઘ્‍ય આપવું. શ્રીવિષ્‍ણુ માટે તર્પણ કરવું. બ્રાહ્મણભોજન આપીને તેમને દક્ષિણા તરીકે વસ્‍ત્ર, પાત્ર, પંખો, પગરખાં ઇત્‍યાદિ વસ્‍તુઓ આપવી.’

૪ ઈ. પિતૃદોષ હોય તો માતા-પિતા જીવિત હોવા છતાં પણ દીકરાએ વિધિ કરવો યોગ્‍ય હોવું

શ્રાદ્ધકર્તાની કુંડળીમાં પિતૃદોષ હોય તો, દોષ દૂર કરવાના ઉદ્દેશથી તેણે માતા-પિતા જીવિત હોવા છતાં પણ આ વિધિ કરવો.

૪ ઉ. વિધિના સમયે વાળ ઉતારવાની આવશ્‍યકતા

શ્રાદ્ધકર્તાના પિતા જીવિત ન હોય, તો તેણે વિધિ કરતી વેળાએ વાળ ઉતારવા. પિતા જીવિત હોય તો શ્રાદ્ધકર્તાએ વાળ ઉતારવાની આવશ્‍યકતા નથી.

૪ ઊ. ઘરની એકાદ વ્‍યક્તિ વિધિ કરતી હોય ત્‍યારે ઘરમાંના અન્‍યોએ પૂજા ઇત્‍યાદિ કરવું યોગ્‍ય હોવું

ત્રિપિંડી શ્રાદ્ધમાં શ્રાદ્ધકર્તાને જ અશૌચ હોય છે, ઘરમાંના અન્‍યોને નહીં. તેથી ઘરમાંની એકાદ વ્‍યક્તિ વિધિ કરતી હોય તો અન્‍યોએ પૂજા ઇત્‍યાદિ કરવાનું બંધ કરવાની આવશ્‍યકતા નથી.

સંદર્ભ : સનાતન-નિર્મિત ગ્રંથ ‘શ્રાદ્ધ (મહત્ત્વ અને શાસ્‍ત્રીય વિવેચન)’

Leave a Comment