દેશભક્ત ડૉ. નારાયણ દામોદર સાવરકર !

૧. વિદ્યાર્થી હતા ત્‍યારથી જ ક્રાંતિના વિચાર !

ડૉ. નારાયણ દામોદર સાવરકર

દેશભક્ત નારાયણરાવનો જન્‍મ ૨૫ મે ૧૮૮૮ના દિવસે થયો. વિખ્‍યાત લેખક અને ચરિત્રકાર દ.ન. ગોખલે ‘ક્રાંતિવીર બાબારાવ સાવરકર’ આ ચરિત્રગ્રંથમાં કહે છે, ‘નારાયણરાવ સાવ નવજાત શિશુ હતા ત્‍યારે માતાની મમતાથી અને પિતાના પ્રેમથી મોટાભાઈ બાબારાવે તેમનું સંગોપન કર્યું. આપણા વિ.દા. સાવકરની જેમ આપણું બાળક પણ દેશભક્ત બને, તે માટે તેઓ નારાયણરાવનું શિક્ષણ ઘણી આશા રાખીને કરતા હતા. તેમની તે આશા નારાયણરાવે અંગ્રેજી ત્રીજા ધોરણમાં હતા ત્‍યારથી પૂર્ણ કરવાનો પ્રારંભ કર્યો. બાબારાવ અને તાત્‍યા (વિ.દા.સાવરકર) (બન્‍ને મોટાભાઈઓ) પાસેથી તેમણે જે સ્‍ફૂર્તિ લીધી તેના જોર પર તેમણે ‘મિત્રસમાજ’ નામક વિદ્યાર્થી સંગઠન ઊભું કર્યું અને તે સમર્થ રીતે સંભાળીને ક્રાંતિકક્ષામાં ઘણાં યુવકો એકત્રિત કર્યા.

 

૨. છ માસની શિક્ષા !

વર્ષ ૧૮૯૯ થી ૧૯૦૮-૯ સુધી નાશિક ખાતે ક્રાંતિકાર્ય જોરશોરથી ચાલુ હતું. આ ક્રાંતિકાર્યના પરિણામે કેવળ ૧૮ વર્ષની વયમાં જ ઇતિહાસ પ્રસિદ્ધ ‘નાશિક કારસ્‍થાન’ અભિયોગ (ખટલા)માં નારાયણરાવને ૩ માસની શિક્ષા થઈ. પોલીસે કરેલી મારઝૂડ સહન કરીને, અંતે પુરાવાના અભાવથી તે તેમાંથી નિર્દોષ છૂટી ગયા. ૧૮ ડિસેંબર ૧૯૦૯માં હજી તો ઘરે આવ્‍યા, ત્‍યાં જ ૨૧ ડિસેંબરે નાશિક ખાતે જ અનંત કાન્‍હેરેએ જૅક્સનનો વધ કર્યો. તે જ રાત્રે નારાયણરાવની ધરપકડ કરવામાં આવી અને ફરીવાર તેઓ સતામણીના ચક્રમાં ફસાયા.

૨૧ જૂન ૧૯૧૧માં છૂટ્યા પછી તેમને કોઈપણ મહાવિદ્યાલયમાં પ્રવેશ મળતો ન હતો. અંતે કોલકાતાના ‘નૅશનલ મેડિકલ મહાવિદ્યાલય’માં પ્રવેશ મળ્યો. આર્થિક ખેંચતાણ, શાસકીય ગુપ્‍ત પોલીસોની સતામણી, ફરીફરીને થનારી તપાસ આ બધાનો સામનો કરતા કરતા, વર્ષ ૧૯૧૬માં નારાયણરાવ ‘ઍલોપથી’ અને ‘હોમિયોપથી’ આ બન્‍નેના સ્‍નાતક થયા. ‘દંતચિકિત્‍સા’ વિષયમાં પણ તે સ્‍નાતક થયા. તે દિવસોમાં શૈક્ષણિક ખર્ચાને પહોંચી વળવા માટે તેમણે વચ્‍ચે વચ્‍ચે વેપારી પેઢી પર કારકુનનું કામ પણ કર્યું.

 

૩. ચાર સ્તર પરનો સંસાર !

વૈદ્યકીય પદવી ગ્રહણ કર્યા પછી વર્ષ ૧૯૧૬માં મુંબઈમાં જ વૈદ્યકીય વ્‍યવસાય ચાલુ કરવાનું નક્કી કરીને ડૉ. નારાયણરાવે ઔષધાલય ચાલુ કર્યુ. સદર ઔષધાયલનું ઉદ્‌ઘાટન સાહિત્‍યસમ્રાટ ન.ચિં. કેળકરના હસ્‍તે થયું. આ પહેલાં એટલે વર્ષ ૧૯૧૫માં સૌ. યેસુભાભીના આગ્રહને કારણે તેમણે વિવાહ કર્યો. તેથી મુંબઈમાં ઔષધાલયની સાથે જ ઘર લઈને તેમણે ઘરગૃહસ્‍થી ચાલુ કરી.

એક બાજુ વ્‍યવસાય, બીજી બાજુ પ્રપંચ, ત્રીજી બાજુ ગુપ્‍ત રીતે ક્રાંતિકાર્ય અને ક્રાંતિકારીઓને સહાયતા તેમજ પ્રત્‍યક્ષ રીતે કરવાનું ફાવે તેટલું સમાજકાર્ય, આ રીતે ચાર સ્‍તર પરના જીવનક્રમની તેમની ઘોડદોડ ચાલુ થઈ.

 

૪. લોકમાન્‍ય તિલકનું અનુયાયિત્‍વ !

લોકમાન્‍ય તિલકના મુંબઈ ખાતેના સર્વ કાર્યક્રમોને યશસ્‍વી કરવા માટે કમર કસનારા અનુયાયીઓમાં ડૉ. નારાયણરાવ મોખરે હતા. લોકમાન્‍ય તિલકના ભ્રમણ સમયે તેઓ ઘણીવાર તેમની સાથે રહેતા. છેવટ સુધી હિંદુસ્‍થાનના હિત માટે સ્‍વતંત્રતા પ્રાપ્‍તિ માટે અને હિંદુ હિત માટે કાર્ય આ સૂત્ર ક્યારે પણ રહી ગયું નહીં. ક્રાંતિકાર્ય માટે ગુપ્‍ત રીતે તેમની સહાયતા રહેતી જ. પોતાનું શિક્ષણ પૂર્ણ કરીને વ્‍યવસાય અને પ્રપંચ કરતી વેળાએ જ, પ્રભાવી વક્તૃત્‍વ, લેખન અને વિધાયક સામાજિક કાર્ય આ દ્વારા બન્‍ને મોટાભાઈઓના કાર્ય માટે પૂરક કાર્ય તેઓ કરતા રહ્યા.

 

૫. લેખનકાર્ય અને સમાજકાર્ય !

અબ્‍દુલ રશીદે સ્‍વામી શ્રદ્ધાનંદજીનો ખૂન કર્યા પછી તેમના સ્‍મરણાર્થે ડૉ. ના.દા. સાવરકરે ‘શ્રદ્ધાનંદ’ નામક સાપ્‍તાહિક ચાલુ કર્યુ. ‘આ સાપ્‍તાહિકમાંના લખાણની અને બુદ્ધિવાદની મારા પર ઊંડી છાપ પડી’, એવું પુ.ભા. ભાવે એ કહ્યું છે. ૧૦ જાન્‍યુઆરી ૧૯૨૭ થી ૧૦ મે ૧૯૩૦ સુધી તેઓ ‘શ્રદ્ધાનંદ’ના સંપાદક-સંચાલક હતા.

મુંબઈમાં પ્રત્‍યેક જગ્‍યાએ રહેલા પઠાણોના ઠેકાણે રક્ષક તરીકે ગુરખાઓને લાવવા, આ ડૉ. નારાયણરાવે કરેલું હજી એક સ્‍તુત્‍ય કાર્ય. શ્રદ્ધાનંદ મહિલાશ્રમના પ્રમુખ સંસ્‍થાપકોમાંથી પણ તેઓ એક હતા.

 

૬. વિશેષ સાહિત્‍ય સેવા !

રાજકીય કાર્યની ધકાધકીમાં પણ તેમણે વિશેષ સાહિત્‍ય સેવા કરી. ‘વસંત’ આ ઉપનામથી લખેલું કાવ્‍ય, વર્ષ ૧૮૫૭ના સંગ્રામના પાર્શ્‍વભૂમિ વિશે લખેલી ‘મૃત્‍યુ કે લગ્‍ન’ આ નવલકથા, ‘જાતિહૃદય’ આ ઉપનામે લખેલી ‘સમાજરહસ્‍ય’ આ નવલકથા, ‘જાઈનો મંડપ’ નવલકથા; સેનાપતિ ટોપેનું ચરિત્ર, ‘હિંદુઓનો વિશ્‍વવિજયી ઇતિહાસ’ ઇત્‍યાદિ તેમનું સાહિત્‍ય પ્રસિદ્ધ થયું. સ્‍વતંત્રતાવીર સાવરકરના ‘હિંદુત્‍વ’ અને ‘હિંદુપદપાદશાહી’ આ મહત્વના અંગ્રેજી ગ્રંથોનો મરાઠીમાં અનુવાદ પણ તેમણે જ કર્યો.

ઑક્‍ટોબર ૧૯૪૯ના પ્રથમ સપ્‍તાહમાં પુના ખાતેના ‘દૈનિક પ્રભાત’ માટે ‘હિંદુઓનો વિશ્‍વવિજયી ઇતિહાસ’ આ લોકપ્રિય થયેલી લેખમાલિકામાંનો લેખ લખતી વેળાએ જ ડૉ. નારાયણરાવને અર્ધાંગવાયુનો ઝટકો આવ્‍યો અને તેઓ બેભાન પડી ગયા. ૧૯ ઑક્‍ટોબર ૧૯૪૯માં તેમાં જ તેમનું દુઃખદ અવસાન થયું. તેમના બન્‍ને બંધુઓની જેમ જ દેશસેવામાં મોખરે રહીને ડૉ. નારાયણરાવ સાવરકરે પણ ‘સાવરકર’ કુળનું નામ ઉજ્‍જ્‍વલ કર્યું !

Leave a Comment