હિંદુ ધર્મની સૌથી મોટી શોધ ‘શિખા’ અને તેના લાભ !

 

૧. પ્રાચીન કાળમાં કોઈની પણ ‘શિખા’
(ચોટલી) કાપવી તે મૃત્યુદંડ સમાન માનવામાં આવવું !

‘હરિવંશ’ પુરાણમાં એક કથા છે. હૈહય અને તાલજંઘ વંશના રાજાઓએ શક, યવન, કાંબોજ, પારદ ઇત્યાદિ રાજાઓની સહાયતાથી બાહૂ રાજાનું રાજ્ય ઝૂંટવી લીધું. બાહૂ રાજા તેની પત્ની સાથે વનમાં જતા રહ્યા. ત્યાં બાહૂ રાજાનું મૃત્યુ થયું. ઔર્વ મહર્ષિએ રાજાની ગર્ભવતી પત્નીનું રક્ષણ કરીને તેને પોતાના આશ્રમમાં લઈ ગયા. ત્યાં તેણે એક પુત્રને જન્મ આપ્યો, જે આગળ જતાં સગર રાજાના નામથી પ્રસિદ્ધ થયો. સગર રાજાએ ઔર્વ મુનિ પાસેથે શસ્ત્ર અને શાસ્ત્રવિદ્યાનું શિક્ષણ લીધું.

સમયાંતરે સગર રાજાએ હૈહયને મારી નાખ્યો તેમજ શક, યવન, કાંબોજ, પારદ ઇત્યાદિ રાજાઓને પણ  મારી નાખવાનો નિશ્ચય કર્યો. શક, યવન ઇત્યાદિ રાજાઓ વસિષ્ઠ ઋષિની શરણે આવ્યા. વસિષ્ઠ ઋષિએ એક શરતે તેમને અભયદાન આપ્યું અને સગર રાજાને આજ્ઞા કરી કે, તેણે તેમને મારવા નહીં. સગર રાજા પોતાની પ્રતિજ્ઞા છોડી શકતો નહોતો અને વસિષ્ઠ ઋષિની આજ્ઞા પણ ટાળી શકતો નહોતો; તેથી તેણે તે રાજાઓનું શિખા સહિત મુંડન કરીને તેમને છોડી દીધા.

પ્રાચીન કાળમાં કોઈની પણ શિખા કાપવી મૃત્યુદંડ સમાન માનવામાં આવતું હતું. ખેદ સાથે કહેવું પડે છે કે આજે હિંદુઓ પોતાના હાથે જ પોતાની શિખા કાપી રહ્યા છે.

 

૨. આધુનિક વિજ્ઞાન પણ શિખાનું મહત્ત્વ સ્વીકારે છે.

૨ અ. ડૉ. હાય્વમન

‘મેં ઘણાં વર્ષો સુધી ભારતમાં રહીને ભારતીય સંસ્કૃતિનું અધ્યયન કર્યું છે. અહીંના નિવાસી પ્રદીર્ઘ કાળથી માથા પર શિખા રાખે છે, જેનું વર્ણન વેદોમાં પણ આપેલું છે. દક્ષિણ ભારતમાં તો અર્ધા માથા પર ગોખુરા જેવી શિખા રાખે છે. તેમની બુદ્ધિની અસામાન્યતા જોઈને હું અત્યંત પ્રભાવિત થયો. નિશ્ચિત જ બૌદ્ધિક વિકાસમાં આ શિખા ઘણી સહાયક પુરવાર થાય છે. શિખા રાખવી અત્યંત લાભદાયી છે. મારો હિંદુ ધર્મ પર પ્રગાઢ વિશ્વાસ છે અને હું શિખા રાખવાને ટેકો આપું છું.’

૨ આ. પ્રસિદ્ધ વિદ્વાન ડૉ. આય.ઈ. ક્લાર્ક (એમ.ડી.)

‘મેં જ્યારથી પ્રાચીનકાળના વિજ્ઞાનનો શોધ લીધો, ત્યારથી મને વિશ્વાસ થયો કે, હિંદુઓના પ્રત્યેક નિયમ વૈજ્ઞાનિક દૃષ્ટિએ પરિપૂર્ણ છે. શિખા રાખવી હિંદુઓનો ધર્મ જ નહીં, જ્યારે સુષુમ્ના નાડીના કેંદ્રના રક્ષણ માટે ઋષિ-મુનિઓ દ્વારા કરાયેલી શોધનો વિલક્ષણ ચમત્કાર છે.’

૨ ઇ. પશ્ચિમી વિદ્વાન અર્લ થૉમસ

થૉમસ લખે છે, ‘સુષુમ્નાનું રક્ષણ હિંદુ લોકો શિખા રાખીને કરે છે. આનાથી ઊલટું અન્ય દેશોમાંના લોકો માથા પર લાંબા વાળ રાખીને અથવા ટોપી પહેરીને કરે છે. આમાંથી શિખા રાખવી સૌથી લાભદાયી છે.’

 

૩. શિખાને કારણે માનવીનું રક્ષણ થવું

માનવી શરીર પ્રકૃતિએ એટલું સુદૃઢ બનાવ્યું છે કે, તે મસમોટાં આઘાત સહન કરીને પણ જીવિત રહે છે; પણ શરીરમાં કેટલાંક એવાં પણ સ્થાનો છે, કે જેમના પર આઘાત થવાથી માનવીનું તત્કાળ મૃત્યુ થઈ શકે છે. તેમને ‘મર્મસ્થાન’ તરીકે સંબોધવામાં આવે છે. શિખાના અધોભાગમાં પણ મર્મસ્થાન હોય છે, તેના વિશે સુશ્રુતાચાર્યએ લખ્યું છે કે, માથા પર જ્યાં વાળનો ભમરો હોય છે, તેની નીચેનો અંદરનો ભાગ નસો અને સાંધાઓ સાથે સંબંધિત હોય છે, તેને ‘અધિપતિમર્મ’ કહેવામાં આવે છે. ત્યાં માર લાગવાથી તત્કાળ મૃત્યુ નિપજે છે. (સુશ્રુત સંહિતા, શારીર સ્થાનમ્ : ૬.૨૮)

સુષુમ્નાના મૂળ સ્થાનને ‘મસ્તુલિંગ’ કહે છે. મગજ સાથે કાન, નાક, જીભ, આંખો, ત્વચા આ પંચજ્ઞાનેંદ્રિયોનો સંબંધ છે અને હાથ, પગ, ગુદદ્વાર, ગુપ્તેંદ્રિય ઇત્યાદિ કર્મેંદ્રિયોનો મસ્તુલિંગ સાથે સંબંધ છે. મગજ અને મસ્તુલિંગ જેટલા તાકાતવર, તેટલી જ શક્તિશાળી જ્ઞાનેંદ્રિયો અને કર્મેંદ્રિયો બને છે. મગજને ઠંડક જોઈતી હોય છે, જ્યારે મસ્તુલિંગને ઉષ્ણતા ! મગજને ઠંડક પ્રદાન કરવા માટે મુંડન કરવું અને મસ્તુલિંગને હૂંફ આપવા માટે ગોખુરાના માપના વાળ રાખવા આવશ્યક હોય છે. કેશ અવાહક છે; તેથી શિખાના લાંબા વાળ બાહ્ય અનાવશ્યક ઉષ્ણતા અથવા ઠંડી સામે મસ્તુલિંગનું રક્ષણ કરે છે.

 

૪. શિખા રાખવાના અન્ય લાભ

૪ અ. શિખા રાખવાથી, તેમજ શિખાના નિયમોનું યથોચિત પાલન કરવાથી સદબુદ્ધિ અને સદવિચાર પ્રાપ્ત થાય છે.

૪ આ. અત્મશક્તિ પ્રબળ બને છે.

૪ ઇ. માનવી ધાર્મિક, સાત્ત્વિક અને સંયમી બને છે.

૪ ઈ. લૌકિક અને પારલૌકિક કાર્યોમાં યશ મળે છે.

૪ ઉ. સર્વ દેવતાઓ માનવીનું રક્ષણ કરે છે.

૪ ઊ. સુષુમ્નાનું રક્ષણ થવાથી માનવી નિરોગી, બળશાળી, તેજસ્વી અને દીર્ઘાયુ થાય છે.

૪ એ. નેત્રદૃષ્ટિ સુરક્ષિત રહે છે.

 

૫. હિંદુઓ, આપણા મહાન ધર્મનો ત્યાગ કરશો નહીં !

આ રીતે ધાર્મિક, સાંસ્કૃતિક, વૈજ્ઞાનિક બધી જ રીતે શિખાને વિશેષ મહત્ત્વ હોવાનું ધ્યાનમાં આવે છે; પરંતુ આજકાલ હિંદુઓ પશ્ચિમીઓના આંધળાં અનુકરણને કારણે ‘ફૅશનેબલ’ દેખાવાની હોડમાં શિખા રાખતા નથી અને પોતાના જ હાથે હિંદુ ધર્મ અને સંસ્કૃતિનો ત્યાગ કરે છે. લોકો ઠેકડી ઉડાડે, મૂરખ કહે, તે સહન કરો; પણ ધર્મનો ત્યાગ કરશો નહીં ! પ્રત્યેક માનવીનું કલ્યાણ ઇચ્છનારી આપણી હિંદુ સંસ્કૃતિ નષ્ટ થઈ રહી છે. હિંદુઓ પોતે જ પોતાની સંસ્કૃતિનો નાશ કરવા લાગે, તો પછી રક્ષણ કોણ કરશે ?

સંદર્ભ : ‘ઋષિ પ્રસાદ’ ઑગસ્ટ ૨૦૦૬