અખાત્રીજ (અક્ષય તૃતીયા)

ત્રેતાયુગનો જે દિવસે આરંભ થયો, તે દિવસ વેશાખ સુદ પક્ષ ત્રીજ એટલે કે અખાત્રીજ છે. જે દિવસે એક યુગનો અંત થઈને બીજા યુગનો આરંભ થાય છે, તે દિવસનું હિંદુ ધર્મશાસ્ત્રમાં અનન્ય સાધારણ મહત્ત્વ હોય છે. આ દિવસથી એક ક્લેશદાયક કાળનો અંત અને બીજા યુગના સત્યયુગનો આરંભ, આવો અવસર સાધ્ય થતો હોવાથી આ સંપૂર્ણ દિવસને મુહૂર્ત કહે છે. આમ તો મુહૂર્ત કેવળ એક ક્ષણ દ્વારા જ સાધ્ય કરી શકાય છે; પરંતુ સંધિકાળને કારણે તેનું પરિણામ ૨૪ કલાકો સુધી કાર્યરત રહેતું હોવાથી તે સંપૂર્ણ દિવસને શુભ માનવામાં આવે છે. તેથી અખાત્રીજ ને ‘સાડાત્રણ મુહૂર્તમાંનો એક મુહૂર્ત’ માનવામાં આવે છે.

અખાત્રીજની તિથિ પર જ હયગ્રીવ અવતાર, નરનારાયણ પ્રગટીકરણ તેમ જ પરશુરામ અવતારો થયા. આના દ્વારા અક્ષય તૃતીયા તિથિનું મહત્ત્વ ધ્યાનમાં આવે છે.

 

તહેવાર ઊજવવાની પદ્ધતિ

કાળ સંદર્ભમાં કોઈપણ પ્રારંભ દિવસ ભારતીઓ માટે હંમેશા પવિત્ર હોય છે. એટલા માટે આવી તિથિ પર સ્નાન, દાન ઇત્યાદિ ધર્મકૃતિઓ કરવાનું કહે છે. આ દિવસનો વિધિ આ પ્રમાણે છે – પવિત્ર જળથી સ્નાન, વિષ્ણુની પૂજા, જપ, હોમ, દાન અને પિતૃતર્પણ. એમ કહેવાય છે કે, આ દિવસે અપિંડક શ્રાદ્ધ કરવું જોઈએ તથા જો ન બને, તો ઓછામાં ઓછું તલ તર્પણ કરવું જોઈએ. આ દિવસે તડકા સામે રક્ષણ કરે તેવી વસ્તુઓ જેવી કે, છત્રી, ચંપલ ઇત્યાદિ પણ દાન કરવી જોઈએ.

ભગવાન શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને કહેલું છે કે, ‘હે યુધિષ્ઠિર, આ તિથિએ કરવામાં આવેલું દાન અને હવનનો ક્ષય થતો નથી’. એટલા માટે મુનિઓ આને ‘અક્ષય-તૃતીયા’ કહે છે. દેવતા અને પિતરને ઉદ્દેશીને આ તિથિએ જે કાંઈ કર્મ કરવામાં આવે છે એ બધા જ અક્ષય (અવિનાશી) થાય છે. નિરંતર સુખ અને સમૃદ્ધિ પ્રદાન કરનારા દેવતાઓ પ્રત્યે અખાત્રીજના દિવસે કૃતજ્ઞતાનો ભાવ રાખીને કરવામાં આવતી ઉપાસનાને લીધે આપણા પર થઈ રહેલી તે દેવતાની કૃપાદૃષ્ટિનો કદીપણ ક્ષય થતો નથી.

તલ-તર્પણનો અર્થ અને ભાવાર્થ

દેવતાઓ આપણને સતત સુખ અને સમૃદ્ધિ આપે છે. તે માટે દેવતાઓ પ્રત્યે અખા-ત્રીજના દિવસે કૃતજ્ઞતા વ્યક્ત કરીને શ્રદ્ધાથી કરવામાં આવતી તર્પણની વિધિના લીધે આપણા પર દેવતાની કૃપાદૃષ્ટિ અખંડ રહે છે. તેવી જ રીતે આપણે કરેલા દાન અને હવનનો પણ ક્ષય થતો નથી; તેથી જ આ તિથિ પર દેવતા અને પિતરોને ઉદ્દેશીને કરવામાં આવેલુ કાર્ય અક્ષય (અવિનાશી) હોય છે. એટલા માટે આ તિથિને અક્ષય-તૃતીયા કહે છે.

તલ તર્પણ અર્થાત્ દેવતા અને પૂર્વજોને તલ અને પાણી અર્પણ કરવું. તલ સાત્ત્વિકતાનું પ્રતીક છે તેમ જ જળ શુદ્ધ ભાવનું પ્રતીક છે. તલ તર્પણ કરવાનો અર્થ છે દેવતાને તલના રૂપમાં કૃતજ્ઞતા અને શરણાગતિનો ભાવ અર્પણ કરવો. ઈશ્વર પાસે તો બધું જ છે; તેથી તેમને શું અર્પણ કરી શકાય ? તેવી જ રીતે એવો અહમ્ પણ ન હોવો જોઈએ કે, ‘હું ઈશ્વરને કાંઈક અર્પણ કરું છું’, આ હેતુથી તલ અર્પણ કરતી વેળાએ એવો ભાવ રાખવો કે, ‘ઈશ્વર જ મારા દ્વારા બધું કરાવી રહ્યા છે’. એમ કરવાથી તલ તર્પણ કરતી વેળાએ આપણો અહમ્ વધવાને બદલે ભાવ વધે છે. તલતર્પણ કરવું અર્થાત્ દેવતાને તલના રૂપમાં કૃતજ્ઞતા અને શરણાગતિનો ભાવ અર્પણ કરવો.

 

દેવતાને તલ તર્પણ કેવી રીતે કરવા ?

પદ્ધતિ

પ્રથમ દેવતાઓનું આવાહન કરવું. તાંબાની અથવા અન્ય કોઈ પણ ધાતુની થાળી અથવા પાત્ર હાથમાં રાખવું. બ્રહ્મા અથવા શ્રીવિષ્ણુનું અથવા તેમનું એકત્રિત રીતે અર્થાત્ દત્ત ભગવાનનું સ્મરણ કરીને તેમને પાત્રમાં પધારવાનું આવાહન કરવું. ત્યાર પછી ‘દેવતા સૂક્ષ્મરૂપથી અહીંયા પધાર્યા છે’, એવો ભાવ રાખવો. ‘તલમાં શ્રીવિષ્ણુ અને બ્રહ્માજીનાં તત્ત્વો પધાર્યા છે’, એવો ભાવ રાખીને તલ હાથમાં લેવા. ત્યાર પછી એવો ભાવ રાખવો કે, ‘તેમનાં ચરણો પર તલ અર્પણ કરી રહ્યા છીએ.’

 

પૂર્વજોને તલ તર્પણ કેવી રીતે કરવા ?

અક્ષય તૃતીયાના દિવસે બ્રહ્મા અને શ્રીવિષ્ણુની મિશ્રિત લહેરો ઉચ્ચ દેવતાઓના લોકથી અર્થાત્ સગુણલોકમાંથી પૃથ્વીપર આવે છે અને તેને કારણે પૃથ્વીની સાત્ત્વિકતામાં ૧૦ ટકા વૃદ્ધિ થાય છે. તે સાત્ત્વિકતાને ગ્રહણ કરવા માટે ભુવલોકના અનેક જીવ આ દિવસે પૃથ્વીની નજીક આવે છે. ભુવલોકના મોટાભાગના જીવ એ માનવીના પૂર્વજો હોય છે. પૂર્વજો પૃથ્વીની નજીક આવવાથી અખા-ત્રીજને દિવસે માનવીને વધારે કષ્ટ થવાની સંભાવના રહે છે. માનવ પર પૂર્વજોનું ઋણ પણ મોટા પ્રમાણમાં છે. ઈશ્વરને અપેક્ષિત એમ છે કે, માનવે તે ચૂકવવા માટે પ્રયત્નો કરવા જોઈએ. એટલા માટે અખાત્રીજ પર પૂર્વજોને તલ તર્પણ કરવાની આવશ્યકતા હોય છે.

પદ્ધતિ

પ્રથમ બે થાળીમાં તલ અને અક્ષત લેવા. પૂર્વજોને તલ અર્પણ કરવા પહેલાં તલમાં શ્રીવિષ્ણુ અને બ્રહ્માજીનાં તત્ત્વો પધારે તે માટે પ્રાર્થના કરવી. ત્યાર પછી પૂર્વજ અહીંયા પધાર્યા છે , એવો ભાવ રાખીને તેમના ચરણો પર તલ અને જળ અર્પણ કરવા. આ તલ હથેળીમાં લઈને તેના પર ધીરે રહીને થાળીમાં પાણી છોડવું અને પૂર્વજોને ગતિ પ્રદાન કરવા માટે દત્ત, બ્રહ્મા અથવા શ્રીવિષ્ણુને પ્રાર્થના કરવી.

પરિણામ

તરભાણામાં સૂક્ષ્મમાંથી પૂર્વજો પધારે છે. તલમાં સાત્ત્વિકતા ગ્રહણ કરવાની અને રજ-તમ નષ્ટ કરવાની ક્ષમતા વધારે હોય છે. જ્યારે વ્યક્તિ ભક્તિભાવથી તલતર્પણ કરે છે, ત્યારે તરભાણામાં સૂક્ષ્મમાંથી પધારેલા પૂર્વજોના પ્રતીકાત્મક સૂક્ષ્મ-દેહ પર આવેલું કાળું આવરણ દૂર થાય છે. તેમના સૂક્ષ્મ-દેહની સાત્ત્વિકતા વધે છે અને આગળના લોકમાં જવા માટે આવશ્યક ઊર્જા તેમને પ્રાપ્ત થાય છે. જેના દ્વારા પિતૃદોષ ૫ થી ૧૦ ટકા ઓછા થાય છે. પ્રથમ દેવતાઓને તલ અર્પણ કરવાથી સાધકોને સાત્ત્વિકતા મળે છે. જો તેમનો ભાવ ૪૦ ટકા કરતાં વધારે હોય, તો તેમની ફરતે ભગવાન સૂક્ષ્મમાંથી સંરક્ષણ-કવચ નિર્માણ કરે છે. પરિણામે પૂર્વજોને તલતર્પણ કરતી વેળાએ સાધકોને પીડા થતી નથી.

દેવતા અને પૂર્વજોને તલતર્પણ કરવાથી દેવઋણ અને પિતરઋણ થોડા પ્રમાણમાં ઓછું થાય છે. પ્રામાણિકતાથી, મનથી તેમજ ભાવપૂર્ણ રીતે તલતર્પણ કરવાથી દેવતા અને પૂર્વજ તેના પર પ્રસન્ન થાય છે. તેની સાધના સારી થાય અને તેની સાંસારિક અડચણો દૂર થાય, તેવા આશીર્વાદ તેઓ તેને આપે છે.

હળદર-કંકુની વિધિ

સ્ત્રીઓ માટે આ દિવસ ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે. ચૈત્ર મહિનામાં સ્થાપન કરેલા ચૈત્રગૌરી (માતાજી)નું આ દિવસે વિસર્જન કરવાનું હોય છે. આ નિમિત્તે તેઓ હળદર-કંકુ (એક પ્રથા તરીકે) પણ કરે છે.’

આ દિવસે ભગવાનને પલાળેલી ચણાની દાળ અને મિઠાઈનો ભોગ ચઢાવે છે.

 

અખાત્રીજના શુભ દિવસે સત્પાત્રે દાન શા માટે કરવું ?

દાનથી પુણ્ય મળે છે. આ દિવસે આપેલા દાનનો કદીપણ ક્ષય થતો નથી. જ્યારે પુણ્યનું પ્રમાણ વધી જાય છે ત્યારે તે વ્યક્તિ દ્વારા પાછલા જીવન અથવા જન્મમાં થયેલા પાપકર્મ ક્ષીણ થાય છે અને તેના પુણ્યનો સંચય વધે છે. પુણ્યથી વ્યક્તિને સ્વર્ગપ્રાપ્તિ થઈ શકે છે; પણ સાધકોને પુણ્ય પ્રાપ્ત કરીને સ્વર્ગપ્રાપ્તિ કરવાની હોતી નથી, પરંતુ ઈશ્વરપ્રાપ્તિ કરવાની હોય છે. તેથી સાધકોએ સત્પાત્રે દાન કરવું આવશ્યક હોય છે. સત્પાત્રે દાન કરવાથી દાનનું કર્મ એ અકર્મ કર્મ (અકર્મ કર્મ એટલે પાપ-પુણ્યનો હિસાબ લાગુ ન પડવો) થવાથી સાધકની આધ્યાત્મિક ઉન્નતિ થાય છે, એટલે જ તે સ્વર્ગલોકમાં જવાને બદલે તેનાથી આગળના ઉચ્ચ લોકોમાં જાય છે. સંતોને અથવા સમાજમાં ધર્મનો પ્રસાર કરનારી આધ્યાત્મિક સંસ્થાને દાન કરવું, એ સત્પાત્રે દાન છે.

સંદર્ભ : સનાતનનો ગ્રંથ ‘તહેવાર ધાર્મિક ઉત્સવ અને વ્રત’