શિવજી, નટરાજ અને તાંડવનૃત્ય

 

નટરાજ

શિવજીની બે અવસ્થાઓ માનવામાં આવી છે. તેમાંથી એક સમાધિ અવસ્થા અને બીજી છે તાંડવ અથવા લાસ્ય નૃત્ય અવસ્થા. સમાધિ અવસ્થા, અર્થાત્ નિર્ગુણ અવસ્થા અને નૃત્યાવસ્થા એટલે સગુણ અવસ્થા. ‘એકાદ નિશ્ચિત ઘટના અથવા વિષય અભિવ્યક્ત કરવા માટે જે અંગચાલન કરવામાં આવે છે, તેને નટન અથવા નાટ્ય’ એવી સંજ્ઞા છે. આ નટન જે કરે છે તે નટ છે. નટરાજ આ રૂપમાં શિવજીએ નાટ્યકળા પ્રવર્તિત કરી, એવી પારંપારિક ધારણા છે. શિવજી એ આદ્યનટ છે, એવી શ્રદ્ધા હોવાથી તેમને ‘નટરાજ’  એ બિરુદ મળ્યું છે.  ‘બ્રહ્માંડ આ નટરાજની નૃત્યશાળા છે. તેઓ જે રીતે નર્તક છે, તે રીતે તેઓ તેના સાક્ષી પણ છે. જ્યારે તેમનું નૃત્ય ચાલુ થાય છે, ત્યારે તે નૃત્યના ઝંકારથી સમગ્ર વિશ્વવહેવારને વેગ મળે છે અને જ્યારે તેમનું નૃત્ય વિરામ પામે છે, ત્યારે તેઓ આ ચરાચર વિશ્વ પોતાનામાં સમાવી લઈને એકલા જ આત્માનંદમાં નિમગ્ન થઈને રહે છે’, એવી નટરાજ કલ્પના પાછળની ભૂમિકા છે.

નટરાજનું નૃત્ય આ સૃષ્ટિ, સ્થિતિ, સંહાર, તિરોભાવ (માયાનું આવરણ) અને અનુગ્રહ (માયામાંથી બહાર પડવા માટે કૃપા) આ પાંચ ઈશ્વરી ક્રિયાઓનું દ્યોતક માનવામાં આવે છે.

તાંડવનૃત્ય

શિવજીએ પોતે પહેલાં કરેલું ઉદ્ધત નૃત્યનું સ્મરણ કરીને તે પોતાના ગણોમાંના અગ્રણી રહેલા તંડૂ દ્વારા ભરતમુનિને બતાવ્યું. તે જ રીતે લાસ્ય આ નૃત્ય પણ પાર્વતી દ્વારા બહોળી રુચિથી ભરત સામે કરી બતાવ્યું. લાસ્ય આ સ્ત્રીનૃત્ય છે અને એમાં હાથ મુક્ત હોય છે. તંડૂએ કરી બતાવ્યું તે તાંડવ, એવું સમજીને ભરત ઇત્યાદિ મુનિઓએ તે નૃત્ય માનવોને શીખવ્યું.

જે નૃત્યના સમયે શરીરમાંના ભુવનોનો, એટલે પ્રત્યેક પેશીનો, નાદ શિવકારક હોય છે, તેને ‘તાંડવનૃત્ય’ કહે છે.આ પુરુષનૃત્ય હોય છે અને મુદ્રાંકિત હોય છે, ઉદા. જ્ઞાનમુદ્રા – અંગૂઠો અને તર્જનીનું ટેરવું એકબીજાને જોડવું. એનાથી ગુરુ અને શુક્રના ઉભાર જોડાઈ જાય છે, એટલે પુરુષ અને સ્ત્રી જોડાઈ જાય છે.

તાંડવનૃત્યના સાત પ્રકાર

૧. આનંદતાંડવ, ૨. સંધ્યાતાંડવ (પ્રદોષનૃત્ય), ૩. કાલિકાતાંડવ, ૪. ત્રિપુરતાંડવ, ૫. ગૌરીતાંડવ, ૬. સંહારતાંડવ અને ૭. ઉમાતાંડવ.

આ સાત પ્રકારમાંથી સંધ્યાતાંડવનું વર્ણન શિવપ્રદોષ (એટલે પ્રદોષ) સ્તોત્રમાં આવ્યું છે, તે આ રીતે – ત્રૈલોક્યજનની ગૌરીને રત્નજડિત સિંહાસન પર બેસાડીને શિવજી સંધ્યા સમયે આ નૃત્ય કરવા લાગે છે. જ્યારે શિવજી નૃત્ય માટે સિદ્ધ થાય છે, તે સમયે સરસ્વતી વીણા વગાડે છે, ઇંદ્ર વાંસળીમાંથી સ્વર છેડે છે, બ્રહ્મા તાલ આપે છે, લક્ષ્મીજી ગીત ગાય છે, શ્રીવિષ્ણુ મૃદંગ વગાડે છે અને બધા દેવદેવતા આજુબાજુ ઊભા રહીને આ નૃત્યદર્શનનો ઉત્સવ અનુભવે છે. આ નૃત્યમાં શિવજીનું સ્વરૂપ દ્વિભુજ હોય છે અને તેમના પગ નીચે દૈત્ય કચડાઈ જતો હોવાનું દૃશ્ય હોતું નથી.

ઉપર દર્શાવેલા સાત પ્રકારો પૈકી ગૌરીતાંડવ અને ઉમાતાંડવ આ બન્ને ઉગ્ર સ્વરૂપના નૃત્યો છે. આ નૃત્યોમાં શિવજી ભૈરવ અથવા વીરભદ્રના સ્વરૂપમાં હોય છે, તેમની સાથે ઉમા અથવા ગૌરી હોય છે અને તે બળતી ચિતાઓથી યુક્ત એવી સ્મશાનભૂમિમાં ભૂતગણોની સહાયતાથી આ ભયાનક નૃત્યો કરે છે.

નટરાજના સાત્ત્વિક નૃત્યપ્રકારોમાં સંધ્યાનૃત્ય પ્રમાણે જ નાદાન્તનૃત્ય પણ ઘણું પ્રસિદ્ધ છે. ચિદંબરમ્ સ્થિત જગવિખ્યાત નટરાજમૂર્તિ એ જ નૃત્યના આવિર્ભાવમાં છે. શૈવ અને શાક્ત સંપ્રદાયના લોકો આ નૃત્યોને વિશિષ્ટ તત્ત્વોનાં પ્રતીક માને છે. તેમની ધારણા અનુસાર આવા સંહારક ઉગ્ર નૃત્યના સમયે શિવજી કેવળ જગત્નો પ્રલય કરાવીને થોભતા નથી, જ્યારે તેઓ જીવોના બંધન પણ નષ્ટ કરે છે. જ્યાં જીવોનો અહંકાર ભસ્મસાત થઈ જાય છે, એવી અવસ્થાનું પ્રતીક એટલે સ્મશાનભૂમિ છે; માટે ત્યાં આ નૃત્ય કરવામાં આવે છે. શિવજી તાંડવનૃત્ય કરતી વેળાએ તેમને સાથ આપવા માટે દેવ અને અસુર સરખા જ આતુર હોય છે.

સંદર્ભ :  સનાતન સંસ્થાનો ગ્રંથ ‘શિવ’