સ્વામી વિવેકાનંદ

 


વિવેકાનંદ એક વાર ભારત-ભ્રમણ કરતી સમયે પશ્ચિમ-ભારતમાં આવેલા અલવર રાજ્યમાં પહોંચ્યા. તેમનું પ્રવચન સાંભળીને તે રાજ્યના દીવાન ઘણાં પ્રભાવિત થયા અને તેમને રાજભવન લઈ ગયા. ત્યા તેમની ભેટ રાજા મંગલસિંહ જોડે થઈ. રાજાનું જીવન પ્રમોદમાં વ્યતીત થઈ રહ્યું હતું. તે સાથે, તેમના મનમાં રાજા હોવાનો અહંકાર પણ હતો. સ્વામી વિવેકાનંદને જોઈને રાજાએ વિચાર કર્યો, ‘વાતચીતથી યુવા દેખાતા અને અંગ્રેજી ભાષામાં પ્રવચન કરનારા આ સંન્યાસીને કેટલો અનુભવ હશે ? જોઈએ, આનામાં કેટલું સંન્યાસીપણું છે ?’ આ વિચાર કરીને રાજાએ કહ્યું, ‘સ્વામીજી, હું માનું છું કે મૂર્તિપૂજા એ મૂર્ખતાથી અધિક કશું નથી. જ્યારે લોકો કોઈ મૂર્તિની સામે ઊભા રહીને હળદર-કુમકુમ લગાડીને ફૂલો ચડાવે છે અને હાથ જોડીને કશું માગે છે, ત્યારે મને તેઓની દયા આવે છે. આ વિશે તમારો શું મત છે ?’

રાજાનો આ પ્રશ્ન સાંભળીને સ્વામીજીએ દીવાનને કહ્યું, ‘દીવાનજી, સામેની ભીંત પર લગાડેલા ચિત્ર પર થૂંકો’. સ્વામીજીની આ વાત સાંભળતા જ દીવાન ભયથી કાંપવા લાગ્યા. ક્રોધથી લાલ થયેલા રાજાની સામે જોતા દીવાને કહ્યું, ‘સ્વામીજી, તમે શું બોલી રહ્યા છો, આ તો મહારાજના સ્વર્ગવાસી પિતા છે’ !

સ્વામી વિવેકાનંદે કહ્યું, ‘દીવાનજી, આ તો કાળી શાહીથી રંગેલો મોટો કાગળ માત્ર છે.’ આ પછી તેઓ રાજા ભણી જોઈને બોલ્યા, ‘રાજાસાહેબ, આ તો માત્ર ચિત્ર છે; આમાં હાડકાં-માંસ અને જીવ ધરાવનારા આપના પિતા નથી. તો પણ જેટલું આ ચિત્રને કેવળ ‘કાળા રંગનો મોટો કાગળ’ કહેવું અનુચિત છે, તેટલું જ અનુચિત મૂર્તિપૂજાને મૂર્ખતા સમજવું છે’.

સ્વામીજીએ આગળ કહયું, ‘મૂર્તિપૂજક જાણે છે કે મૂર્તિમાં ભગવાન નથી. પરંતુ નિર્ગુણ-નિરાકાર પરમેશ્વરનું ધ્યાન કરવું સર્વસાધારણ લોકો માટે અસંભવ છે. આથી ઈશ્વરભક્તિના પહેલા તબક્કામાં તેઓને મૂર્તિનો આધાર લેવો પડે છે. આથી આગળના તબક્કામાં તેઓ નિર્ગુણ પરમેશ્વરની સાધના કરી શકે છે’. આ સાંભળીને રાજા અતંર્મુખ થઈને વિચારમગ્ન થઈ ગયા.

– (પૂ.) ડૉ. વસંત બાળાજી આઠવલે (વર્ષ ૧૯૯૦)

 

તેજસ્વી વિચારોથી ઓતપ્રોત હિંદૂ
ધર્મપ્રસારક સ્વામી વિવેકાનંદના ઓજસ્વી વિચાર

૧. ‘શું વાસ્તવમાં ધર્મનો કોઈ ઉપયોગ છે ? હા, એ મનુષ્યને અમર બનાવી દે છે. એણે મનુષ્યની પાસે તેના યથાર્થ (ખરા) સ્વરૂપને પ્રકાશિત કર્યું છે અને તે મનુષ્યને ઈશ્વર બનાવશે. આ છે ધર્મની ઉપયોગિતા. માનવ-સમાજથી ધર્મ પૃથક (જુદુ) કરો, તો શું રહી જશે ? કાંઈ નહીં. કેવળ પશુઓનો સમૂહ !’

૨. ‘નિઃસ્વાર્થતા જ ધર્મની કસોટી છે. જે જેટલું અધિક નિઃસ્વાર્થી છે, એ એટલું જ અધિક આધ્યાત્મિક અને શિવની સમીપ છે.’

૩. ‘જ્યાં યથાર્થ ધર્મ ત્યાં આત્મબલિદાન. પોતના માટે કાંઈ ન ઇચ્છો, બીજાઓ માટે જ બધું કરો – આ જ છે ઈશ્વરમાં તમારા જીવનની સ્થિતિ, ગતિ અને પ્રગતિ.’

સંદર્ભ – કલ્યાણ, ધર્મશાસ્ત્રાંક પૃ. ૪૦